‘યુરેનિયમની સાથે પ્લુટોનિયમનું મિશ્રણ કરીને અત્યંત મહાવિનાશક અણુબોમ્બ બનાવી શકાય એવી તેની ક્ષમતા છે. આ મિશ્રણને મોક્સ (મિક્સ્ડ ઓક્સાઈડ) કહેવામાં આવે છે અને તે જાપાન પર નાખવામાં આવેલા બૉમ્બ કરતાં અનેકગણો વધુ વિનાશ વેરશે’, હ્યુ રેન્યુએ કહ્યું
વિપુલ વૈદ્ય
પાર્થોની ટીમે તેમના નિર્દેશ પર પૂર્વની દિશામાં તપાસ આદરી. થોડે દૂર ગયા પછી તેમને પાર્થોએ દેખાડી હતી એવી નરમ ધાતુ જોવા મળી. નજીક જઈને તેમણે આ ધાતુનું નિરીક્ષણ કર્યું અને તે પાર્થો દ્વારા દેખાડવામાં આવેલી ધાતુ જેવી જ હોવાનું લાગતાં આવી ધાતુ કેટલા વિસ્તારમાં છે તે જોવાનો પ્રયાસ કર્યો. મોટી જગ્યામાં આવી ધાતુ હોવાનું લાગતાં તેમણે રસાયણિક પરીક્ષણ માટે સેમ્પલ લીધા અને ટેસ્ટિંગ માટે લઈને તેઓ અવકાશયાન પાસે પાછા આવ્યા.
પાર્થોએ બંને ટીમ દ્વારા લાવવામાં આવેલા સેમ્પલનું પરીક્ષણ કર્યું અને તેને તેમાં યુરેનિયમ હોવાનું જાણવા મળ્યું. આ ધાતુનું શુદ્ધીકરણ કરીને હવે પૃથ્વી પર લઈ જવાનું હતું અને તેને માટેની તૈયારીઓ આદરવામાં આવી.
પાર્થોએ ખનિજમાં યુરેનિયમની ટકાવારી શોધવાનો પ્રયાસ કર્યો તો તેને જાણવા મળ્યું કે તેમાં લગભગ ૧૫ ટકા જેટલું યુરેનિયમ હતું.
ભારતીયોને જે ખનિજ મળ્યું હતું તેમાં ૨૦ ટકા જેટલું ઊંચુ પ્રમાણ હતું જ્યારે રશિયાને મળેલા ખનિજમાં ફક્ત ૧૫ ટકા જેટલું યુરેનિયમ મળ્યું હતું, આમ છતાં પૃથ્વીના પ્રમાણમાં આ ઘણું વધારે હતું. મિશન મૂનનો ખર્ચ પરવડી શકે એટલું પ્રમાણ હતું.
***
ચીનની ટીમ ચંદ્રની સપાટી પર યુરેનિયમ શોધવા માટે પૂર્વ અને ઉત્તર દિશામાં આગળ વધી હતી, પરંતુ હજી સુધી તેમને સુયોગ્ય ખનિજ મળ્યું નહોતું. તેમની તલાશ ચાલી રહી હતી. અચાનક તેઓ દિશા બદલીને ઈશાન દિશા તરફ આગળ વધ્યા અને ત્યાં તેમને કિરણોત્સર્ગ હોવાનું ધ્યાનમાં આવ્યું.
કિરણોત્સર્ગી પદાર્થ જોઈને ચીનની ટીમ ઉત્સાહમાં આવી ગઈ. તેમણે સેમ્પલ એકઠા કર્યા અને પોતાના અવકાશયાનની દિશામાં આગળ વધ્યા.
અવકાશયાન પાસે જઈને તેમણે મળેલી ધાતુનું પરીક્ષણ કર્યું તો તેમાં તેમને યુરેનિયમ અને પ્લુટોનિયમ બંનેના અંશો મળ્યા.
‘આ બાબતની જાણ તરત જ તેમણે ચીનના સત્તાવાળાઓને કરી ત્યારે લ્યાન ઝિન પિંગે તરત જ હ્યુ રેન્યુને સવાલ કર્યો કે આ પ્લુટોનિયમ શું છે? આ પહેલાં ક્યારેય આનું નામ સાંભળ્યું નથી.’
‘કોમરેડ સર, પ્લુટોનિયમ અત્યંત ઘાતકી રસાયણ છે અને તે અત્યંત સક્રિય રેડિયોએક્ટિવ હોવાથી તરત જ પોતાના રૂપ બદલ્યા કરે છે. એના વિશે બહુ ઓછા લોકો પાસે જાણકારી છે કેમ કે તે પૃથ્વી પર મળતું નથી. ફક્ત કેટલાક ગ્રહો પર ઉપલબ્ધ હોવાનું માનવામાં આવે છે. તેને પ્રયોગશાળામાં તૈયાર કરી શકાય છે, પરંતુ એની પ્રક્રિયા ઘણી જટિલ છે.’
‘યુરેનિયમની સાથે તેનું મિશ્રણ કરીને અત્યંત મહાવિનાશક અણુબોમ્બ બનાવી શકાય એવી તેની ક્ષમતા છે. આ મિશ્રણને મોક્સ (મિક્સ્ડ ઓક્સાઈડ) કહેવામાં આવે છે અને તે જાપાન પર નાખવામાં આવેલા બૉમ્બ કરતાં અનેકગણો વધુ વિનાશ વેરશે.’
‘અરે સરસ, આ તો ઘણું સારું કહેવાય. તો આ ધાતુને ઉપાડીને આપણે લઈ આવવી જોઈએ. તમને શું લાગે છે?’ લ્યાન ઝિન પિંગે પૂછ્યું.
‘કોમરેડ સર, અત્યારે આપણે ચંદ્ર પર જે શુદ્ધીકરણ પ્લાન્ટ લઈ ગયા છીએ તેમાં પ્લુટોનિયમનું શુદ્ધીકરણ કે સંવર્ધન કરી શકાશે નહીં. તેને પ્રયોગશાળામાં જ શુદ્ધ કરી શકાશે અને ધાતુને આવા કાચા સ્વરૂપમાં લાવવામાં આપણો ઘણો ખર્ચ થશે,’ હ્યુ રેન્યુએ સમજાવવાનો પ્રયાસ કર્યો.
‘એમાંથી અણુશસ્ત્રો બની શકશે ને? એ પણ અત્યંત ઘાતક પ્રકારના. બરાબર?’ લ્યાન ઝિન પિંગે પૂછ્યું.
‘હા કોમરેડ સર,’ હ્યુ રેન્યુએ કહ્યું.
‘તો મને ખર્ચ મંજૂર છે, લીલી ઝંડી આપી દો. ધાતુ લઈને પૃથ્વીની યાત્રા ચાલુ કરી નાખવી,’ લ્યાન ઝિન પિંગે કહ્યું.
***
અમેરિકાની ટીમનું નેતૃત્વ કરી રહેલા જોન સ્વીપરે સૌથી પહેલાં પોતાના અવકાશયાનની અંદર જઈને આસપાસ કેમેરાને ફેરવીને જોઈ લીધું કે તેમની અને ચીનના અવકાશયાનની વચ્ચે ચીનની ટીમ તપાસ કરી રહી છે અને રશિયાની ટીમ તેમના અને ચીનના અવકાશયાનની વચ્ચેના વિસ્તારમાં તપાસ કરી રહી છે.
તેણે પોતાની ટીમને પૂર્વ દિશામાં જવાનો નિર્દેશ આપ્યો. ઉત્તર દિશામાં જઈને કશું મળ્યું નહોતું અને દક્ષિણની દિશામાં ચીનની ટીમ તપાસ કરી જ રહી હતી. ત્યાં જઈને કોઈ વિવાદ કરવો નહોતો.
અમેરિકાની ટીમ ઉત્તર દિશામાં થોડે દૂર સુધી ગઈ લગભગ ૧૦૦ કિલોમીટર ગયા છતાં તેમને ક્યાંય સ્વીપરે દેખાડી હતી એવી ધાતુ દેખાઈ નહીં અને તેઓ હિંમત હારી રહ્યા હતા. ત્યાં તો તેમને ચંદેરી કાળી જેવી માટી દેખાઈ. પોતાના વાહનો લઈને તેઓ નજીક પહોંચ્યા ત્યારે તેમને જોન સ્વીપરે દેખાડી હતી એવી જ નરમ ધાતુ મળી અને તેમણે કિરણોત્સર્ગ તપાસ્યો તો કિરણોત્સર્ગ પણ મળ્યો એટલે તેમણે સેમ્પલ લેવાનું ચાલુ કર્યું.
એક ટીમ સેમ્પલ લઈને અવકાશયાન તરફ પાછી ફરી રહી હતી ત્યારે બીજી ટીમે ત્યાં જ પોતાનો અડ્ડો જમાવ્યો. વાહનને બંધ કરીને ઓક્સિજન ચાલુ કર્યો. પોતાના માસ્ક અને ભારે વસ્ત્રો હટાવ્યા અને પોતાની સાથે લાવેલી ખાવાની વસ્તુઓ ખોલીને ખાવા લાગ્યા.
સેમ્પલ લઈને આવેલી ટીમને ખાવા અને થોડો આરામ કરવા માટે અવકાશયાનમાં તેમના ઓરડામાં રવાના કરીને જોન સ્વીપરે પોતે જાતે રસાયણનું પરીક્ષણ કર્યું.
અપેક્ષા મુજબ જ પૃથ્વી પર જે સેમ્પલનું પરીક્ષણ કર્યું હતું તેના જેવું જ આ સેમ્પલ નીકળ્યું. યુરેનિયમ ૧૨ ટકા જેટલું હતું અને સાથે સોડિયમનો કિરણોત્સારી પ્રકાર પણ હતો.
તેણે તત્કાળ જે ટીમ ખાણની નજીક આરામ કરી રહી હતી તેમને આદેશ આપ્યો કે ખાણની ઊપર અમેરિકાનો ધ્વજ લગાવી દેવામાં આવે. આ વિસ્તાર કેટલો મોટો છે તેની પણ જાણકારી મગાવી.
***
યુરેનિયમ મળ્યું હોવાની પુષ્ટિ થઈ એટલે જોન સ્વીપર પોતે વાહન લઈને ખાણની તરફ જવા નીકળ્યો. તે અવકાશયાનની બહાર જતાં જ જોન લાઈગરના ખબરીએ તેમની સાથે સંપર્ક સ્થાપિત કર્યો.
‘પ્રેસિડેન્ટ સર, ભારતીય અવકાશયાત્રીઓ અહીં યુરેનિયમને ઉલેચવા માટે નથી આવ્યા. તેઓ અહીં વીજળીનું ઉત્પાદન કરીને પૃથ્વી પર મોકલવાના છે. વગર માધ્યમે વીજળીને એક સ્થળેથી બીજે સ્થળે મોકલવાનો તેમનો પ્રયોગ સફળ થઈ ગયો છે અને એને આધારે જ અહીં વીજળીનું ઉત્પાદન કરીને પૃથ્વી પર મોકલવાની તૈયારી ચાલી રહી છે.’
જોન લાઈગરે આ વાત સાંભળી એટલે તેમના હોઠ વિકૃત રીતે વંકાયા. તેના મગજમાં એક વિકૃત વિચાર આવી ગયો. પોતાના વિચારને કેવી રીતે કામ પર લગાવી શકાય એને માટે તેમણે મિ. માર્ટીનને મોટા વિજ્ઞાની સાથે આવવાનું કહ્યું.
લગભગ પંદરેક મિનિટમાં મિ. માર્ટીન જાણીતા વિજ્ઞાની સાથે પહોંચી ગયા અને કહ્યું.
‘પ્રેસિડેન્ટ સર, આ દેશના અગ્રણી વિજ્ઞાની છે અને તમારી દરેક સમસ્યાનું સમાધાન કરી આપશે.’
‘મને એક વાત કહો, શું વીજળીને માધ્યમ વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય?’
‘હા સર, આવો નિબંધ એક ભારતીય વિજ્ઞાનીએ લખ્યો છે. ભૂલતો ન હોઉં તો તેનું નામ અનુપમ વૈદ્ય છે.’
‘આવી રીતે મોકલવામાં આવતી વીજળી તો અત્યંત જોખમી હશે ને? અવકાશી વીજળીની જેમ તે પણ વિનાશ વેરી શકતી હશે ને?’ જોન લાઈગરે પૂછ્યું.
‘હા સર, અત્યંત જોખમી હોય છે. તેના સંપર્કમાં આવનારી બધી જ વસ્તુને રાખ કરી શકે એટલી તાકાત હોય છે,’ વિજ્ઞાનીએ માહિતી આપી. (ક્રમશ:)
——————-
હવે શું?…
આકાશમાંથી પૃથ્વી પર પડી રહેલી વીજળીને આંતરીને આપણી જોઈતી જગ્યા પર લઈ જવી શક્ય છે? શું આવું કરી શકાય? આવું કરવા માટે શું કરવું જોઈએ? અમેરિકન રાષ્ટ્રપતિ જોન લાઈગરે આ સવાલ પોતાની સામે ઊભેલા વિજ્ઞાનીને કર્યો ત્યારે ક્યારથી રાષ્ટ્રપતિની વાતો સાંભળી રહેલી મોનિકા હેરિસને અમંગળની શંકા ગઈ