આપણા વિજ્ઞાનીઓને કહો કે તેમનું કામ ચાલુ રાખે. આપણે જ્યાં સુધી વીજળીનું ઉત્પાદન ન થાય ત્યાં સુધી કોઈ કામ રોકવાનું નથી. પ્રાઈમ મિનિસ્ટર સરનો આ જ આદેશ છે, રાજીવ ડોવાલે કહ્યું
વિપુલ વૈદ્ય
ભારતીય અવકાશયાન અત્યારે સંકટમાંથી ઉગરી ગયું હતું અને અવકાશયાન જ્યાં સુધી સંકટમાંથી બહાર આવ્યું ત્યાં સુધી પાર્થો ઈવાનોવિચ સાથે જ હતો, પરંતુ અવકાશયાનમાંથી વિક્રમ અને અનુપમ બહાર નીકળી રહ્યા હતા ત્યારે જે તેજલિસોટો જોવા મળ્યો હતો તેના પછી પાર્થોનું પલાયન થોડું અત્યારે અજબ લાગી રહ્યું હતું.
તેજલિસોટો શેનો હતો તેની જાણ થવી અત્યંત આવશ્યક હતી. આ જાણ કેવી રીતે થઈ શકે તેનો વિચાર અત્યારે બંને કરી રહ્યા હતા.
અત્યારે અવકાશયાનમાં ગોઠવવામાં આવેલા મશીનોને ચાલુ કરવાનું કામ કરવાનું હતું અને જે મશીનને બહાર કાઢવાની આવશ્યકતા હતી તેને બહાર કાઢવાનું બાકી હતું. આ બધા કામની વચ્ચે તેજ લિસોટા અંગે વધારે વિચાર કરવાનો સમય મળ્યો નહીં અને બધા કામે લાગી ગયા.
વિક્રમની પહેલી જવાબદારી હતી કે યુરેનિયમ ખનિજ ધરાવતી ધાતુ શોધી કાઢવી અને તેનું શુદ્ધીકરણ અને સંવર્ધન કરીને વીજળી ઉત્પાદન કરી શકતા પોર્ટેબલ પ્લાન્ટને ઉપલબ્ધ કરાવવી.
આ કામને લઈને તે બહાર નીકળ્યો. તેને રંજન કુમારે જે રીતે વર્ણન કર્યું હતું તે આધારે માટીની શોધમાં નીકળ્યો.
અનુપમ અત્યારે પોતાની જવાબદારીઓ યાદ કરી રહ્યો હતો. તેણે પોતાના બધા સામાનની ચકાસણી કરી. ધરતી પર તો વીજળીને ઝીલવા માટેના ઉપકરણો તે શ્રુંગી હિલ પર ગોઠવીને જ આવ્યો હતો. હવે તેણે અહીંથી પૃથ્વી સુધી કિરણો પહોંચે તે સુનિશ્ર્ચિત કરવાનું હતું.
પોતાના થેલામાંથી તેણે દૂરબીન કાઢ્યું અને પૃથ્વીની દિશામાં જોવા લાગ્યો. અનુપમના સદ્નસીબે અત્યારે ચંદ્ર પર ‘અર્થરાઈઝ’ (પૃથ્વી ઉદય)નો સમય થયો હતો. નાનપણમાં જેનાથી રમતા હતા એવી લખોટીને મળતું અત્યારે પૃથ્વીનું સ્વરૂપ લાગી રહ્યું હતું. આકાશી રંગની વચ્ચે સફેદ રંગના પટ્ટાવાળું આવું અદ્ભૂત સ્વરૂપ કોઈ ગ્રહનું આટલા વર્ષોમાં જોયું નહોતું. અત્યારે પૃથ્વીનું આ સ્વરૂપને જોઈને અનુપમ પૃથ્વીના પ્રેમમાં પડી ગયો.
પોતાના દુરબીનને ઝૂમ કરીને તેણે પૃથ્વીને વધુ નજીક લેવાનો પ્રયાસ કર્યો. અત્યારે પૃથ્વીનો પ્રશાંત મહાસાગરનો વિસ્તાર તેની સામે દેખાતો હતો અને આનો અર્થ એવો થતો હતો કે ભારત બીજી તરફ હતું. ભારતને જોવું અત્યારે અસંભવ હતું એટલે તેણે દૂરબીન હેઠું મૂકી દીધું અને પોતાની યોજના પર ફરી કામે લાગ્યો.
તેને રંજન કુમારના શબ્દો અત્યારે યાદ આવી રહ્યા હતા કે કદાચ તને ચંદ્રની સપાટી પરથી ભારત સામે નહીં મળી શકે તો તારે પૃથ્વીની ભ્રમણકક્ષામાં આવીને જનરેટરમાં એકઠી થયેલી વીજળી પૃથ્વી પર મોકલવી પડશે.
અત્યારની સ્થિતિમાં તેને આ જ વસ્તુનો ડર સતાવી રહ્યો હતો. ચંદ્ર પરના એક વખતના ઉતરાણમાં અવકાશયાનની આ હાલત થઈ હતી તો રોજ તેને ચંદ્ર પર ઉતરવું પડશે તો શું થશે? એ વિચારે અત્યારે અનુપમ કંપી રહ્યો હતો.
****
વિક્રમ હાથમાં કિરણોત્સર્ગને પકડવાનું મશીન લઈને નીકળ્યો હતો. સફેદ રેતી તરફ જવાનો કોઈ અર્થ નહોતો કેમ કે તે પ્લુટોનિયમ હોવાનું ખબર પડી ગયું હતું. બીજી તરફ નક્કર ખડકોમાં પણ જોવાનો કોઈ અર્થ નહોતો કેમ કે યુરેનિયમની ધાતુ નક્કર નહીં પણ મીણ જેવી પોચી હોવાની છે એમ તેને રંજન કુમારે કહ્યું હતું.
ચાલતા ચાલતા તે ખાસ્સે દૂર સુધી પહોંચ્યો ત્યાં તેની નજરે બીજો એક તેજ લિસોટો પડ્યો.
આ વખતે પણ તેજલિસોટો આસપાસમાં જ ક્યાંક પડ્યો હતો એટલે હવે તેને ચિંતા થવા લાગી હતી.
પોતાના થેલામાં હાથ નાખીને તેણે પોતાનું દૂરબીન કાઢ્યું અને જે દિશામાં તેજ લિસોટો પડ્યો હતો તે દિશામાં જોવાનો પ્રયાસ કર્યો. થોડે લાંબે જોઈ શકાયું, પરંતુ તેને કશો ખ્યાલ ન આવ્યો. હવે આ બાબતની જાણકારી કેવી રીતે મેળવી શકાય એવો વિચાર કરવા લાગ્યો ત્યાં તેને યાદ આવ્યું કે ભારતના બે સેટેલાઈટ અત્યારે ચંદ્રની દિશામાં સતત નજર રાખી રહ્યા છે અને આ સેટેલાઈટે ચંદ્ર પર કોણ આવ્યું તે ચોક્કસ જોયું હશે.
તેમને નહીં ખબર હોય તો પાર્થોને તો ચોક્કસ ખબર હશે કે ચંદ્ર પર કોનું આગમન થયું છે.
તે પાછો ફર્યો અને અવકાશયાનમાં પ્રવેશ્યો. તેણે પૃથ્વી સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો.
થોડી વારમાં સામેથી રંજન કુમારનો અવાજ આવ્યો. ‘શું થયું વિક્રમ?’
‘સર, ચંદ્ર પર થોડા સમય પહેલાં બે તેજ લિસોટા જોવા મળ્યા છે તે શું છે તેની જાણકારી છે તમારી પાસે?’ વિક્રમે પૂછ્યું.
રંજન કુમારે તરફ પોતાની આજુ-બાજુ જોયું એટલે સતત સેટેલાઈટના કેમેરા પર નજર રાખનારી શ્રુતિએ કહ્યું કે ‘સર, બે અવકાશયાન ચંદ્ર પર ઉતર્યા છે. એક અમેરિકાનું છે અને બીજું ચીનનું છે.’
‘સર, આ બંને અવકાશયાન અમેરિકા અને ચીનના હોય તો બંનેએ દક્ષિણ ધ્રુવ પર જ ઉતરાણ કર્યું છે. આવી સ્થિતિમાં અમારે શું કરવાનું છે?,’ વિક્રમે રંજન કુમાર પાસેથી માર્ગદર્શન માગ્યું.
અત્યારે આ પરિસ્થિતિમાં વિક્રમ અને અનુપમને માર્ગદર્શન આપવાની ક્ષમતા ખુદ રંજન કુમારમાં પણ નહોતી એટલે તરત જ તેમણે સમય માગી લીધો.
****
‘અનુપ રોય, આ ગંભીર મુદ્દો છે અને વડા પ્રધાન સર આ મુદ્દે શું માને છે તે પુછવું પડશે અને તેને આધારે ભવિષ્યનો નિર્ણય લઈ શકાશે,’ રંજન કુમારે સેન્ટ્રલ વિસ્ટામાં સીધી વાત કરી.
અનુપ રોયે આ મુદ્દે તરત જ રાજીવ ડોવાલને સવાલ કર્યો કે ‘આવી સ્થિતિમાં ભારતના વિજ્ઞાનીઓએ શું કરવું જોઈએ?’
રાજીવ ડોવાલે કહ્યું કે ‘આવું બધું થયા કરે. આપણા વિજ્ઞાનીઓને કહો કે તેમનું કામ ચાલુ રાખે. આપણે જ્યાં સુધી વીજળીનું ઉત્પાદન ન થાય ત્યાં સુધી કોઈ કામ રોકવાનું નથી. પ્રાઈમ મિનિસ્ટર સરનો આ જ આદેશ છે.’
****
રાજીવ ડોવાલનો નિર્દેશ મળ્યા પછી રંજન કુમારે તરત જ અવકાશયાનનો સંપર્ક સાધ્યો અને વિક્રમને નિર્દેશ આપ્યો.
હવે નક્કી થઈ ગયું હતું કે ચંદ્ર પર ભારતીય ટીમે પોતાનું કામ પૂરું કરવાનું છે એટલે બધા કામે લાગી ગયા. ભારતના અવકાશયાનથી વિક્રમ રશિયાના અવકાશયાન તરફ જવા નીકળ્યો ત્યારે રસ્તામાં તેને નક્કર ખડકોની જગ્યાએ નરમ જગ્યા જોવા મળી.
વિક્રમને શંકા પડી કે આ કદાચ યુરેનિયમનું ખનિજ હોવું જોઈએ અને તેણે પોતાના હાથમાંનું યંત્ર લગાડી જોયું તો તેમાં કિરણોત્સર્ગ જોવા મળ્યું.
ત્યાંથી થોડા સેમ્પલ લઈને તેણે રામ શર્મા સાથે અવકાશયાન પર ટેસ્ટિંગ માટે મોકલ્યા અને કેટલા વિસ્તારમાં આ ખનિજ ફેલાયેલું છે તેનું નીરિક્ષણ કરવાનું ચાલુ કર્યું.
તેના ધ્યાનમાં આવ્યું કે તેને યુરેનિયમના ખનિજનો એક મોટો ખજાનો હાથ લાગી ગયો છે. લગભગ પચાસ કિલોમીટરનો આખો વિસ્તાર નરમ ધાતુથી ભરેલો હતો અને જો આ યુરેનિયમ ૧૨ કે ૧૫ ટકા પણ શુદ્ધ હોય તો ઓછામાં ઓછું પાંચ વર્ષ સુધી પૃથ્વી પર પહોંચાડી શકાય એટલું યુરેનિયમ અહીં પડ્યું હતું. (ક્રમશ:)
—————–
હવે શું?
સર, અહીં અમને લગભગ પચાસ કિલોમીટરના ક્ષેત્રફળથી પણ મોટી યુરેનિયમની ખાણ મળી છે અને અમે તેમાંથી સેમ્પલ માટે થોડું યુરેનિયમ લાવ્યા છીએ નાસાના રિપોર્ટ કરતાં પણ વધુ તેમાં ૨૦ ટકા જેટલું યુરેનિયમ છે, પરંતુ મુસીબત એ છે કે અહીં આપણી સાથે ચીન, અમેરિકા અને રશિયા પણ આવી ગયા છે. શું કરવું? વિક્રમ નાણાવટીએ રંજન કુમારને સવાલ કર્યો