અવકાશયાન ટ્રક દ્વારા ખેંચવાથી થોડું પાછળ આવ્યું. ફરી થોડો ધીમેથી ઝટકો આપ્યો તો અવકાશયાન સામેની બધી રેતી નીચે ખરી પડી અને અવકાશયાનનું મુખ ખુલ્લું થયું
વિપુલ વૈદ્ય
પાર્થો ઈવાનોવિચ પોતાનું રસાયણિક ચકાસણી કરવાનું યંત્ર લઈને ભારતીય અવકાશયાનમાં આવ્યો હતો. તેણે પહેલાં કિરણોત્સર્ગની માત્રાની ચકાસણી કરી અને તેમાં તેને આલ્ફા કિરણોનું પ્રમાણ સૌથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે અત્યંત જોખમી ગણાતા ગામા કિરણો અને ન્યૂટ્રોનનું પ્રમાણ પણ આ રેતીમાં જોવા મળ્યું હતું. આ બધી વસ્તુઓ વિજ્ઞાનીઓ તરીકે અનુપમ અને વિક્રમના પણ ધ્યાનમાં આવી ગઈ હતી.
હવે આ પદાર્થ ક્યો છે તેની તપાસ કરવાની બાકી હતી અને તેની તપાસ કરવાનું ચાલુ કર્યું. લગભગ પંદરેક મિનિટ સુધી અલગ અલગ પરીક્ષણો કરવામાં આવ્યા અને પછી તારણ માટેની રાહ જોવાઈ રહી હતી.
‘તમારા સિનિયરની શંકા સાચી હતી. આ અત્યંત જોખમી પ્લુટોનિયમ ધાતુ જ છે અને તેના ઓક્સાઈડ અને હાઈડ્રોક્સાઈડ બન્યા છે. સામાન્ય રીતે આ ધાતુ ચંદેરી રંગની હોય છે, પરંતુ તેના ઓક્સાઈડ અને હાઈડ્રોક્સાઈડ સફેદ રંગની પાંદડીઓ જેવા બને છે અને ભારે હવામાં તે વિખેરાઈને પાવડર જેવા થઈ જાય છે.’
‘આ હાઈડ્રોક્સાઈડ અને ઓક્સાઈડ પણ અત્યંત કિરણોત્સારી પદાર્થ છે એટલે અહીં રહેવું અત્યંત જોખમી છે. આમેય તમે લગભગ ૨૪ કલાકથી આ પદાર્થની સાથે છો. મારી વાત માનો તો અત્યારે તમે મારી સાથે અહીંથી નીકળી ચાલો.’
‘અમે મોટા પ્રમાણમાં સાધન સામગ્રી લાવ્યા છીએ અને અમારા રહેવા માટે કામચલાઉ બાંધકામ કરી નાખવામાં આવ્યું હશે તો તમે તેમાં રહી શકશો. હું જે ટ્રક લાવ્યો છું તેમાં આપણે બધા જ રવાના થઈ જઈએ,’ પાર્થો ઈવાનોવિચે ભારતીય અવકાશયાત્રીઓને કહ્યું.
‘અમે તમારી સાથે આવીએ તો ખરા પરંતુ એક વ્યક્તિએ તો અહીં રહેવું જ પડશે. ભારત સાથે અમારો સંપર્ક આ અવકાશયાનના સેટથી થઈ રહ્યો છે. ત્યાંથી કોઈપણ સૂચના આવશે તો અમે શું કરીશું.’ વિક્રમે સ્પષ્ટ શબ્દોમાં પાર્થોની ઓફરને ઠુકરાવી દીધી.
‘બીજું, તમારી સાથે જવા માટે પહેલાં અમારે અમારા વરિષ્ઠોની પરવાનગી લેવી પડશે.’
‘જ્યાં સુધી અવકાશયાન અહીં હોય ત્યાં સુધી અમે કેવી રીતે બહાર નીકળી શકીએ?’
‘અત્યારે અમે કિરણોત્સર્ગથી રક્ષણ કરનારા સુટ પહેર્યા છે અને તેનાથી અમારું રક્ષણ થઈ શકશે. આમેય આમાં વધુ પ્રમાણ ઓછા જોખમી આલ્ફા કિરણોનું છે, જેને રોકવા માટે અમારા માસ્ક કાફી છે. અમારા સુટ આટલા ઓછા પ્રમાણમાં રહેલા ગામા અને ન્યુટ્રોનને રોકી શકશે,’ વિક્રમે કહ્યું.
‘તમારા અવકાશયાનને ખેંચી કાઢવા માટે બંને ટ્રક લાવવી પડશે,’ પાર્થોએ કહ્યું.
‘તમે જે રીતે સામસામે પાર નાખીને વી બનાવ્યો છે તેનાથી ખાસ્સી મદદ મળશે. આપણે કલાકની અંદર અવકાશયાનને ખેંચી કાઢીશું,’ પાર્થોએ ધરપત આપી.
‘આભાર,’ વિક્રમે કહ્યું.
‘તમારા એન્જિનને તો નુકસાન નથી થયું ને?,’ પાર્થોએ પૂછ્યું.
‘ના એન્જિન તો ચાલુ છે,’ વિક્રમે જવાબ આપ્યો.
‘તો તો સરસ. જેવું માટીમાંથી અવકાશયાન ખેંચાઈ જાય કે તરત એન્જિન ચાલુ કરીને તમે તેને ઉડાવી શકશો અને પછી કોઈ નક્કર સ્થળે ઉતરાણ કરી શકશો,’ પાર્થોએ કહ્યું.
‘મારી સાથે એક કે બે લોકોને મોકલવા પડશે, ટ્રક લઈ આવવા માટે,’ પાર્થોએ કહ્યું.
તેમની વાત સાંભળીને અનુપમે વિક્રમની સામે જોયું અને પછી બંનેએ સહમતીથી રામ શર્મા અને મનોજ રાયને મોકલવાનું નક્કી કર્યું.
રામ શર્મા અને મનોજ રાય જ્યારે ટ્રકમાં રશિયાનું અવકાશયાન ઉતારવામાં આવ્યું હતું તે સ્થળે પહોંચ્યા ત્યારે જોયું કે ત્યાં તેમના કામચલાઉ મકાન બની ગયા હતા. કુલ ચાર સ્પેસ શટલ ઊભા હતા અને તેમાંથી સામાન ઉતારવામાં આવી રહ્યો હતો.
પાર્થોએ ત્યાં પહોંચ્યા પછી બે-ત્રણ લોકો સાથે કશી વાત કરી અને પછી ચાર બાય ચારના બે ટ્રક, એક દોરડું, મેટલની જાળી વગેરે લઈને તેઓ પાછા ભારતનું અવકાશયાન જ્યાં પડ્યું હતું ત્યાં જવા રવાના થયા.
રામ શર્મા મનમાં મુસ્કાયો. અવકાશયાનને બહાર કાઢવા માટે તેણે જે યોજના વિચારી હતી લગભગ તેવી જ યોજના પાર્થોના દિમાગમાં પણ ચાલી રહી હશે એવું તેને લાગ્યું.
ટ્રક લઈને તેઓ પાર્થો અને તેના પાંચેક લઠ્ઠા જેવા મજબૂત માણસો સાથે પાછા ભારતીય અવકાશયાન પડ્યું હતું ત્યાં પહોંચ્યા.
હવે પાંચેય લઠ્ઠા જેવા માણસો ઉતર્યા એટલે રામ શર્મા અને મનોજ રાયે પોતાની સાથે આવેલા ૧૬ સહાયકોને પણ બહાર બોલાવ્યા બધાએ મળીને અવકાશયાનને દોરડાંથી બાંધ્યું અને તેની પાંખોમાં લાગેલા એન્જિનને નુકસાન ન થાય તે રીતે તેના પર જાળી ચડાવી. બધા દોરડાંને બંને ટ્રક સાથે બાંધ્યા અને એન્જિન ચાલુ કર્યું. પહેલાં થોડું ધીમેથી ઝટકો આપ્યો. અવકાશયાન થોડું પાછળ આવ્યું ફરી થોડો ધીમેથી ઝટકો આપ્યો તો અવકાશયાન સામેની બધી રેતી નીચે ખરી પડી અને અવકાશયાનનું મૂખ ખુલ્લું થયું. જેવું મુખ ખુલ્લું થયું કે તરત જ જાળીને પાંખ પરથી કાઢીને મુખ પર પહેરાવી દેવામાં આવી. હવે અવકાશયાનને બહાર કાઢવાનું થોડું વધુ સરળ થયું. ટ્રક દ્વારા હજી થોડું અવકાશયાન ખેંચી લેવામાં આવ્યું અને સફેદ રેતીના ઢગલા અવકાશયાનની આસપાસથી નીચે ખરી પડ્યા. હવે વિક્રમે અંદર એન્જિન ચાલુ કર્યું. એન્જિન ચાલુ થતાં જ અવકાશયાન પર રહેલી બાકીની રેતી પણ ખરી પડી. એન્જિન બંધ કરીને રામ શર્માએ મુખ્ય દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો તો દરવાજો ખુલ્યો. બધાએ મળીને દોરડાં અને જાળીઓ હટાવ્યા અને પાછા અવકાશયાનમાં આવ્યા.
હવે વિક્રમે ફરી અવકાશયાનનું એન્જિન ચાલુ કર્યું. ધીમે ધીમે અવકાશયાન ગરમ થવા લાગ્યું અને પછી ધીરેથી અવકાશયાન ઉચકાયું. જેવું અવકાશયાન ઉચકાયું કે તરત જ વિક્રમે તેને દિશા આપી અને ધીરે ધીરે આગળ વધ્યું.
જેવું અવકાશયાન આગળ વધ્યું કે તરત તેને જમણી તરફ વાળ્યું અને જોયું તો થોડે દૂર સપાટ મેદાન જેવું દેખાયું એટલે તે તરફ વિક્રમે અવકાશયાનને વાળ્યું.
મેદાન જેવું દેખાતું હતું તે નજીક જવા પર અનેક ખાડાઓથી ભરેલા ક્રેટર જેવું દેખાવા લાગ્યું અને ફરી વિક્રમ ચિંતામાં પડ્યો.
થોડું આગળ વધીને સારી જગ્યા જોઈને તેણે અવકાશયાનના બંને પેરેશૂટ ખોલીને ઉતરાણ કર્યું.
****
વિક્રમ અને અનુપમ અવકાશયાનનું સુરક્ષિત ઉતરાણ કરીને હજી તો બહાર નીકળી રહ્યા હતા ત્યાં તેમણે એક તેજ લિસોટો આવતો જોયો.
બંને વિચાર કરી રહ્યા હતા કે આ શું છે? ત્યાં તો તેમણે જોયું કે અત્યાર સુધી તેમની મદદ માટે ઊભો રહેલો પાર્થો પોતાની ટ્રક લઈને ઝડપથી પોતાના કૅમ્પ તરફ ભાગ્યો.
અચાનક જે રીતે પાર્થો ભાગ્યો તેને જોઈને બીજા કોઈને તો નહીં, પરંતુ રામ શર્માને કશાક અમંગળની શંકા આવી. તેમણે તરત જ પોતાની શંકા વિક્રમ સમક્ષ વ્યક્ત કરી.
‘સર, મને લાગે છે કે કશી ગડબડ છે. આ તેજ લિસોટો જોઈને જે રીતે પાર્થો ભાગ્યો ચોક્કસ કશું રહસ્ય છે.’
‘મને પણ એવું કશું લાગી રહ્યું છે, પરંતુ શું છે તે કેવી રીતે ખબર પડશે?’ વિક્રમે કહ્યું. (ક્રમશ:)
————
હવે શું?
ચીનનું મિશન મૂન અવકાશયાન પણ ચંદ્ર પર આવી ગયું છે, અમેરિકાનું પણ અવકાશયાન ચંદ્ર પર આવી ગયું છે અને બંનેએ પોતાનાં અવકાશયાન દક્ષિણ ધ્રુવ પર જ ઉતાર્યાં છે. આવી સ્થિતિમાં આપણે હવે શું કરવાનું છે? વિક્રમ નાણાવટીએ રંજન કુમારને
તાકીદે ફોન લગાવીને તેમની પાસે માર્ગદર્શન માગ્યું