Homeઈન્ટરવલમિશન મૂન પ્રકરણ ૯

મિશન મૂન પ્રકરણ ૯

‘અણુ ઊર્જાને બે લાખ યુનિટ પ્રતિદિનથી ચાર લાખ યુનિટ પ્રતિદિન કરવા માટે ઓછામાં ઓછા ૪૦ જંગી પ્લાન્ટ, ૪૦ ચીફ સાયન્ટિસ્ટ, ૨૦૦ આસિસ્ટન્ટ અને ૫૦,૦૦૦ વિજ્ઞાનના સ્નાતકની આવશ્યકતા પડશે. આ બધાની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને એક યાદી તૈયાર કરી છે,’ અનુપ રોયે કહ્યું

લેખક – વિપુલ વૈદ્ય

સેન્ટ્રલ વિસ્ટાના સેન્ટ્રલ હોલમાં અત્યારે અત્યંત મહત્ત્વપૂર્ણ બેઠક ચાલી રહી હતી. અધ્યક્ષસ્થાને વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતા બેઠા હતા અને તેમની એક તરફ તેમના વિશ્ર્વાસુ સાથીઓ રાજીવ ડોવાલ, આદેશકુમાર રાજપાલ બેઠા હતા અને બીજી તરફ બધા વિજ્ઞાનીઓ રંજન કુમાર, અનુપ રોય, વિશાલ માથુર વગેરે બેઠા હતા. રંજન કુમારના બંને મદદનીશો અમોલ પાઠક અને શ્રુતિ મહેતાને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અવકાશ વિજ્ઞાની એ. જે. પી. અકબર અને તેમના મદદનીશ જયંત સિન્હા પણ હાજર હતા.
વડા પ્રધાને જેવો સંકેત કર્યો કે તરત જ રાજીવ ડોવાલે રંજન કુમારને સંબોધીને પોતાનું નિવેદન શરૂ કર્યું.
‘રંજન કુમાર તમને આપવામાં આવેલી સમય મર્યાદા પૂરી થઈ રહી છે. તમારી પાસે કોઈ યોજના તૈયાર થઈ છે?’
‘સર, આ યોજના આટલી સહેલાઈથી તૈયાર થાય એવી નથી. આ યોજના પૂરી કરવા માટે મારે કેટલાક લોકોની તાકીદે જરૂર પડશે,’ રંજન કુમારે જણાવ્યું.
‘કોણ છે એ લોકો?’ રાજીવ ડોવાલે સામો સવાલ કર્યો
‘મારે બે વ્યક્તિની જરૂર છે. બંને વિજ્ઞાની છે અને અત્યંત નિષ્ઠાવાન છે. મારી યોજનામાં એ બંને મને મદદરૂપ થઈ શકે એવું લાગી રહ્યું છે. એકનું નામ છે વિક્રમ નાણાવટી અને બીજા છે અનુપમ વૈદ્ય. એક ઈસરોમાં કામ કરી રહ્યા છે અને બીજા ઓરિસામાં છે,’ રંજન કુમારે પોતાની માગણી રજૂ કરી.
‘અનુપમ વૈદ્ય સામે મારો વાંધો છે. આ વ્યક્તિ સસ્પેન્ડ કરાયેલી છે. નશાબાજ અને પરસ્ત્રીગમન કરવા માટે તે બદનામ છે. આટલી મહત્ત્વની યોજના સાથે તેમને સાંકળી શકાય નહીં,’ રંજન કુમારની માગણી
સામે અનુપ રોયે પોતાનો વિરોધ નોંધાવ્યો.
‘સર, મારે અનુપમની વ્યક્તિગત બાબતો સાથે કશો સંબંધ નથી. વિજ્ઞાની તરીકે તેઓ ઘણા નિષ્ણાત છે. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ વિજ્ઞાની તરીકેની ફરજમાં કે દેશ હિતની કોઈ બાબતમાં તેમની સામે કોઈ આક્ષેપ નથી. તેમના જ્ઞાન અને સંશોધનો માટે તો તેમના વિરોધીઓ પણ તેમની સામે આંગળી ચિંધી શકે એમ નથી. તેમની દેશભક્તિ અને નિષ્ઠા અંગે પણ કોઈ પ્રશ્ર્ન કરી શકાય એમ નથી.’ રંજન કુમારે કહ્યું.
‘અનુપમ વૈદ્યે એક સંશોધન પેપર તૈયાર કર્યો હતો, જેમાં તેઓ માધ્યમ રહિત વીજ વહનની વાત કરી હતી. તેમને આ દિશામાં તેમને જો સંશોધન કરવાની તક આપવામાં આવે અને તેમની યોજનાને મંજૂર કરીને નૈતિક પ્રોત્સાહન આપવામાં આવે તો
તેઓએ ચોક્કસ આપણને મદદરૂપ થઈ શકે છે,’ રંજન કુમારે પોતાનો મત વ્યક્ત કર્યો.
‘વિક્રમ નાણાવટીને અત્યારે ઈસરોમાં નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ ઈસરોના મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે અને તેમને અત્યારના તબક્કે આ પ્રોજેક્ટથી દૂર કરવાનું યોગ્ય ગણાશે નહીં,’ વિશાલ માથુરે બીજા વિજ્ઞાની સામે પોતાનો વાંધો ઉઠાવ્યો.
વિશાલ માથુરે વાંધો ઉઠાવ્યો તેમાં ઈસરોના પ્રોજેક્ટની ચિંતા હતી એવું જરાય નહોતું. વાસ્તવમાં વિક્રમ નાણાવટી અને વિશાલ માથુર બંનેની નિપુણતા અવકાશયાનના ઈંધણના ક્ષેત્રમાં હતી અને તેઓ ઈચ્છતા નહોતા કે નાણાવટીના આગમનથી તેમનું મહત્ત્વ ઘટી જાય.
‘સર, મારી માગણી આપની પાસે આ બે વિજ્ઞાનીઓની છે અને મારી યોજના તૈયાર થઈ ગયા બાદ મારી ટીમમાં કેટલા લોકોની આવશ્યકતા પડશે તે બધી વાત જણાવીશ. અત્યારે આ લોકો મને ફક્ત પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે જોઈએ છે. તેમની મદદથી એક વખત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર
થઈ જશે પછી તેની યોગ્યતા તમારે નક્કી કરવાની છે. જો પ્રોજેક્ટમાં આગળ વધવાનું હશે તો પછી
કેટલાક અન્ય લોકોની આવશ્યકતા જણાશે,’ રંજન કુમારે પોતાની વાત પૂરી કરી.
‘રંજન કુમારજી અહીં અત્યારે જે વિજ્ઞાનીઓ હાજર છે તેમાંથી કોઈની તમારે આવશ્યકતા છે? તેમની સાથે કોઈ વાત કરવાની છે?’ આદેશ રાજપાલે રંજન કુમારને સવાલ
કર્યો.
‘સર, મારી યોજનામાં અનુપ રોય, જયંત સિન્હા, એ. જે. પી. અકબર અને વિશાલ માથુરની પણ જરૂર પડવાની જ છે. અત્યારે મારે તેમને ફક્ત એવું કહેવું છે કે એક એવું ‘મહાબલી’ રોકેટ જોઈશે જે અત્યારના તમારા બે-પાંચ ટન કરતાં અનેકગણો વધુ પે-લોડ લઈ જઈ શકે અને
પૃથ્વી પર પાછા પણ ફરી શકે. આને માટેની તૈયારીઓ કરવામાંં તમને
સમય લાગશે એમ જાણીને જ અત્યારથી તમારી સમક્ષ મારી જરૂરિયાત રજૂ કરું છું, બાકી હજી તો યોજના તૈયાર થયા બાદ જ આખો પ્લાન જણાવી શકીશ,’ રંજન કુમારે કહ્યું.
‘મારા બંને મદદનીશને બોલાવીને તમે સારું કામ કર્યું છે, શ્રુતિ મારો જમણો હાથ છે અને તેના વગર કામ કરવાનું ખરેખર મુશ્કેલ થઈ રહ્યું હતું,’ એમ કહીને તેમણે આભારવશ નજરે આદેશ સામે જોયું.
‘અનુપ રોય, તમે છેલ્લા ૪૮ કલાકમાં કશું વિચારી રાખ્યું છે આ સ્થિતિ બાબતે. આપણે કેવી રીતે આપણી પાસે રહેલા અહેવાલનો ફાયદો મેળવી શકીએ તેમ છીએ?,’ રાજીવ ડોવાલે હવે અનુપ રોયને
પ્રશ્ર્ન કર્યો.
‘સર, છેલ્લા ૪૮ કલાકથી હું દેશના વિવિધ વિજ્ઞાનીઓ વિશે સંશોધન કરી રહ્યો હતો. મારા મતે યુરેનિયમ અને થોરિયમ બંનેનું શુદ્ધીકરણ કરવા માટે ઓછામાં ઓછા ૪૦ અનુભવી વિજ્ઞાનીની ટીમની આવશ્યકતા પડશે અને કેટલાક ભૂસ્તરશાસ્ત્રીઓ અને મેટલર્જિસ્ટ (ધાતુ વિજ્ઞાની)ની એક યાદી તૈયાર કરી છે, જેની આ પ્રોજેક્ટ માટે આવશ્યકતા પડશે અને તેમની ઉપલબ્ધતાને આધારે આગળની યોજના તૈયાર કરી શકાશે.’
‘આપણે અણુ ઊર્જાને જો બે લાખ યુનિટ પ્રતિદિનથી ચાર લાખ યુનિટ પ્રતિદિન કરવા માટે ઓછામાં ઓછા ૪૦ જંગી પ્લાન્ટની આવશ્યકતા પડશે. ૪૦ પ્લાન્ટ બનાવવા માટે ઓછામાં ઓછા ૪૦ ચીફ સાયન્ટિસ્ટ, ૨૦૦ આસિસ્ટન્ટ અને ૫૦,૦૦૦ વિજ્ઞાનના સ્નાતકની આવશ્યકતા પડશે. આ બધાની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને એક યાદી તૈયાર કરી છે,’ અનુપ રોયે પોતાના બે દિવસના કામનો હિસાબ આપ્યો.
‘એ યાદી તમે આદેશ રાજપાલને સોંપી દેજો, તેના પર અમે નિર્ણય લઈશું અને પછી તમને જાણ કરવામાં આવશે,’ રાજીવ ડોવાલે અનુપ રોયને કહ્યું હતું.
‘વિશાલ માથુર, તમારે કશું કહેવું છે?’ રાજીવ કુમારે વડા પ્રધાનનો સંકેત સમજીને સવાલ કર્યો.
‘સર, જે રીતે આપણી વાત થઈ હતી તે રીતે મને લાગે છે કે આ મિશન ઘણું જોખમી બની રહેશે. આપણે આટલા મોટા પ્રમાણમાં સોલિડ ફ્યુઅલની ખરીદી કરીશું તો તેને
માટે શંકા જાગી શકે છે.’ વિશાલે
કહ્યું.
‘આ બાબતના બે વિકલ્પો વિચારી રાખ્યા છે, પહેલો વિકલ્પ છે કે આપણા દેશમાં સોલિડ ફ્યુઅલનું નિર્માણ કરવું અને એને માટે આવશ્યક કાચો માલ વિયેતનામ જેવા ધ્યાનમાં ન આવે એવા દેશ પાસેથી ખરીદી લેવો.’
‘બીજો વિકલ્પ છે કે જે રીતે આપણે અણુસંચાલિત સબમરીન બનાવી છે એવી જ રીતે અણુસંચાલિત હાઈબ્રિડ પ્લેન તૈયાર કરવામાં આવે જે રોકેટને બદલે કામ કરી શકે અને તે સામાન્ય પ્લેનની માફક જ ટેક-ઓફ્ફ અને લેન્ડિંગ કરી શકે. આ બાબતનો મારો પ્લાન તૈયાર છે,’ વિશાલ માથુરે પોતાની તૈયારીઓની માહિતી આપી.
‘અકબર સાહેબ વિશાલે જે હમણાં કહ્યું તે તમને શક્ય લાગે છે?,’ વડા પ્રધાનના ઈશારે આદેશ રાજપાલે અવકાશ વિજ્ઞાનીઓને સીધો
સવાલ કર્યો.
‘જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી અત્યારે તો એવું કોઈ ‘પ્લેન’ છે નહીં જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને ભેદીને બહાર પણ નીકળી ગયું હોય અને પાછું પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં પણ પાછું ફર્યું હોય, પરંતુ તેમની યોજના વિચાર માગી લે છે. અણુઊર્જા સંચાલિત પ્લેન બનાવવા આડે અનેક અવરોધો છે જેના પર અત્યારે કદાચ વિશાલ માથુરે યોગ્ય વિચાર કર્યો નથી. આને માટે તેમાં અનેક પ્રકારની સાવચેતી રાખવી પડશે, પરંતુ આ યોજના પર ચોક્કસ વિચાર કરી શકાય,’ અકબરે વડાપ્રધાન સામે જોતાં જોતાં કહ્યું.
‘અણુ ઊર્જા સ્વયં એક બોમ્બને નિયંત્રિત વિઘટનને આધારે તૈયાર કરવામાં આવતી હોવાથી આખરે તો તે બોમ્બ જ છે, પરંતુ જો શ્રૃંખલા નિયંત્રણની બહાર જાય તો આખરે બોમ્બ વિસ્ફોટ જ થવાનો છે. બાકી આવી બાબતોમાં મારા કરતાં વધુ જાણકારી જયંત સિન્હા ધરાવે છે,’ એમ કહીને એ. જે. પી. અકબરે પોતાનું બોલવાનું પૂરું કર્યું.
‘સર, મારા મતે આ વિચાર શ્રેષ્ઠ છે. પ્લેન જેવા રોકેટનો પ્રોટો-ટાઈપ બનાવવા પર ચોક્કસ વિચાર કરી શકાય. એક વખત પ્રોટો-ટાઈપ તૈયાર થાય ત્યાર બાદ આ બાબતે નક્કર કશું કહી શકાશે,’ એમ જયંત સિન્હાએ વિશાલ માથુરના વિચારને અર્ધ-સમર્થન આપતાં જણાવ્યું.
‘સર, આ પ્રોટો-ટાઈપ તૈયાર કરવા માટેની યોજનાનો અહેવાલ હું તમને તૈયાર કરીને આપીશ અને તેમાં મને વિશાલની મદદની આવશ્યકતા પડશે. એટલું જ નહીં, આ અંગે અન્ય કેટલાક નિષ્ણાતની આવશ્યકતા પણ પડશે. આ બાબતે હું બે દિવસમાં અહેવાલ તૈયાર કરીને તમને જાણ
કરી શકીશ,’ એમ પણ જયંત સિન્હાએ કહ્યું.
‘સર, જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી આવું પ્લેન વિકસાવવાનો ચોક્કસ પ્રયાસ કરી શકાય એમ છે. આને માટે કેટલીક જરૂર પડશે, પણ જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી આવું પ્લેન બનાવવામાં હું અને જયંત સિન્હા સર સાથે બેસીને પ્રયાસ કરીશું તો ચોક્કસ આપણને સફળતા મળશે અને એક નવી સિદ્ધિ પણ આપણા નામે નોંધાશે,’ એમ વિશાલ માથુરે જણાવ્યું.
પોતાની દર્શાવેલી યોજનાને સમર્થન મળ્યું હોવાથી વિશાલ માથુર અત્યંત ઉત્સાહિત હતો. આમેય અત્યારે હાજર બધા જ વિજ્ઞાનીઓમાં સૌથી યુવાન તે જ હતો અને તેને પહેલી વખત વડાપ્રધાન સરની સામે પોતાને યોગ્ય સાબિત કરવાની તક મળી હતી. (ક્રમશ:)
———-
હવે શું?
‘કોમરેડ સર, આપણાં સૂત્રો પાસેથી એક કલાક પહેલાં જ એવી માહિતી મળી છે કે ભારત સરકારે ચંદ્ર પર જઈને પાછાં આવી શકે અને ટનને આધારે પે-લોડ લઈ જઈ શકે એવાં રોકેટ બનાવવાની તૈયારી આદરી છે, આનો સ્પષ્ટ અર્થ થાય છે કે ભારત ચંદ્ર પરથી યુરેનિયમ ઉસેડવાની તૈયારીઓ કરી રહ્યું છે.’ કેજીબીના ઈવાનોવિચ ફ્લ્યુસ્ટીકોવે રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈનને જાણકારી આપી અને ડુમા હેડક્વાર્ટર્સમાં સન્નાટો છવાઈ ગયો. રશિયા આ મુદ્દે પાછળ રહી ગયું હોવાનું બધાને લાગી રહ્યું હતું અને હવે શું કરવું તેનો વિચાર થઈ રહ્યો હતો

 

 

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -