પાર્થો, મારે તને એક અંગત કામ સોંપવાનું છે. તારે એટીવી લઈને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરવાનું છે. ભારતનું અવકાશયાન ત્યાં જ કશેક ઊતર્યું છે. તેમને આવશ્યક હોય એટલી બધી જ સહાય કરવાની છે, વોલેરન બાઈને કહ્યું
વિપુલ વૈદ્ય
ચંદ્રની સપાટી પર રેતીમાંથી બહાર નીકળવાની જહેમત કરી રહેલા વિક્રમ, અનુપમ, રામ અને મનોજને સ્પીકર ફોનમાંથી રંજન કુમારનો ધ્રુજતો અને ફાટી રહેલો અવાજ આવ્યો.
ક્યાં છો તમે બધા?
દોડીને વિક્રમ અને અનુપમ સ્પીકરફોન પાસે પહોંચ્યા અને જવાબ આપ્યો કે ‘બોલો સર, અમે અહીં જ છીએ.’
‘બધા પહેલાં તમારા કિરણોત્સર્ગથી રક્ષણ માટેના સૂટ પહેરી લેજો.’
‘અત્યંત ગંભીર બાબત છે.’
‘આઈ રિપીટ, કિરણોત્સર્ગથી રક્ષણ માટેના સૂટ પહેરી લેજો.’
‘તમારા અવકાશયાનની બહાર જે સફેદ રંગની રાખ જેવું દેખાઈ રહ્યું છે તે અત્યંત કિરણોત્સારી પદાર્થ હોવાનું મને લાગી રહ્યું છે.’
‘પાકો અહેવાલ તો તમે સેમ્પલ મોકલશો ત્યારે મળી શકશે.’
‘તારી પાસે રસાયણિક પૃથક્કરણ કરવાનું જે મશીન છે તેમાં તપાસ કરી જો આ કદાચ પ્લુટોનિયમ હોઈ શકે છે. તે એક એવું કિરણોત્સારી રાસાયણિક તત્ત્વ છે જેનો અણુ ક્રમાંક ૯૪ છે.’
આ ધાતુનો રંગ ચાંદી જેવો ગ્રે છે. આ એક્ટિનાઈડ પ્રકારની ધાતુ છે અને તે હવાના સંપર્કમાં આવતાં જ પોતાનું સ્વરૂપ બદલી નાખે છે. તે જ્યારે ઓક્સિડાઈઝ થાય છે ત્યારે તે સફેદ રંગની પોપડીઓનું સ્વરૂપ ધારણ કરે છે અને તે હવામાં વિખેરાઈ જાય છે, રંજન કુમાર જે માહિતી આપી રહ્યા હતા તેની સાથે અત્યારે અવકાશયાનની બહાર જે સફેદ પાવડર જેવો પદાર્થ પડ્યો હતો તેનો મેળ પડતો હતો. આને કારણે હવે બંનેની ચિંતામાં વધારો થયો.
સર, આ ધાતુ વિશે વધુ કશી માહિતી આપી શકશો? વિક્રમે પૂછ્યું.
‘સામાન્ય રીતે પ્લૂટોનિયમના છ એલોટ્રોપ્સ અને ચાર પ્રકારની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. તે કાર્બન, નાઈટ્રોજન, હેલોજન, સિલિકોન, હાઈડ્રોજન એટલે કે વાતાવરણના દરેક તત્ત્વની સાથે રાસાયણિક ક્રિયા કરે છે. ભેજવાળી હવાના સંપર્કમાં આવે ત્યારે તે ઓક્સાઈડ અને હાઈડ્રાઈડ્સ બનાવે છે. આ હાઈડ્રાઈડ્સ અને ઓક્સાઈડ્સ ધાતુના ઘનમાપમાં ૭૦ ગણા જેટલો વધારો કરી શકે છે અને પછી તે પાયરોફોરિક પાવડરના સ્વરૂપમાં આવી જાય છે જે અત્યંત કિરણોત્સારી છે અને હાડકાંમાં એકઠો થઈ શકે છે અને માનવ શરીરને નુકસાન પહોંચાડી શકે છે,’ એમ જણાવતાં રંજન કુમારે કહ્યું કે ‘તમે બધા લોકો હવે કિરણોત્સર્ગ સામે રક્ષણ આપનારા જે સ્યૂટ લઈ ગયા છો તે પહેરી રાખજો. અત્યારે બહાર કામ કરી રહેલા રામ શર્મા સહિત અન્ય લોકોની તપાસ કરજો અને જો તેમને અત્યાર સુધી કોઈ અસર જણાઈ ન હોય તો એન્ટીડોટ આપી દેજો. એન્ટીડોટ તૈયાર કરવાની વિગતો મોકલી રહ્યો છું. પહેલાં બધાને અંદર બોલાવો અને સફેદ રાખથી બને તેટલા દૂર રહેજો.’
કદાચ ચંદ્ર પરનું વાતાવરણ નષ્ટ થવા માટે આ ધાતુ જ જવાબદાર હોઈ શકે. કારણ કે તે વાતાવરણના દરેક પદાર્થની સાથે રસાયણિક પ્રક્રિયા કરે છે. પૃથ્વી પર આ ધાતુ ૦.૦૧ ટકા કરતાં પણ ઓછી હોવાથી કદાચ તમારા સોફ્ટવેરમાં તે મળશે નહીં, પરંતુ અણુ નંબરથી શોધતાં મળી શકે છે. તમારા મશીનમાં ચોક્સાઈ કરી લેજો, રંજન કુમારે ફરી કહ્યું.
રંજન કુમારની વાત સાંભળ્યા પછી ફરી એક વખત વિક્રમ રસાયણિક પૃથક્કરણ કરનારા મશીનમાં લાગ્યો અને અનુપમ તત્કાળ રામ શર્મા અને અન્યોને બોલાવવા માટે બહાર ભાગ્યો.
****
રશિયાનું બીજું અવકાશયાન પણ સ્પેસ સ્ટેશન સુધી પહોંચી ગયું હતું અને તેના બીજી તરફના ડોકેટમાં લાગી ગયું હતું. આ વખતે ડોકેટમાં અવકાશયાનને ફીટ કરવામાં થોડી તકલીફ પડી હતી, પરંતુ સ્પેસ સ્ટેશનમાં બેઠેલા અનુભવી ઈજનેરોએ કામને પાર પાડ્યું હતું. આને માટે તેઓ સ્પેસ સ્ટેશનમાંથી બહાર આવ્યા હતા અને ડોકેટમાં અવકાશયાનને ફીટ કર્યું હતું.
બીજા અવકાશયાનમાંથી એટીવી કાઢીને પાર્થો ઈવાનોવિચે બધાની ચકાસણી કરી. કામ કરવા જેવા લાગ્યા એટલે ચારેય સ્પેસ શટલમાં એક-એક એટીવી ગોઠવ્યા. હવે ચાર બાય ચાર ટ્રકનો સમાવેશ ક્યાં અને કેવી રીતે કરવો તેની ગડમથલમાં પડ્યો હતો, ત્યાં અવકાશયાનમાં આવેલા એક વિજ્ઞાનીએ એવી માહિતી આપી કે યુરેનિયમના શુદ્ધીકરણ અને સંવર્ધનનો એક પોર્ટેબલ પ્લાન્ટ હજી અવકાશયાનની અંદર છે.
હવે પાર્થોની મુશ્કેલીમાં વધારો થયો. શું કરવું તેનો વિચાર કરી રહ્યો હતો, ત્યાં તેને રશિયામાંથી યેવગેનીનો અવાજ આવ્યો.
‘તમને બીજી ખેપમાં જે મોકલવામાં આવ્યું છે તે મશીન ચંદ્ર પર લઈ જવાનું છે. આની સાથે અન્ય એક મશીન મૂકવામાં આવ્યું છે, જેની જાણકારી કોઈને નથી.’
‘કિરણોત્સર્ગને પકડીને તેની ચેતવણી આપતું અને તેનું પ્રમાણ દર્શાવતું આ મશીન છે. સૌથી પહેલાં આ મશીન અને એક એટીવીને લઈને ચંદ્ર પર ઉતરવાનું છે. પહેલાં બધે કિરણોત્સર્ગનું પ્રમાણ તપાસવાનું છે અને બીજા ઉપકરણો ચંદ્ર પર ઉતારવા માટેનું યોગ્ય સ્થળ શોધી કાઢવાનું છે. તમારી રહેવાની જગ્યા પણ કિરણોત્સર્ગનું પ્રમાણ સૌથી ઓછું હોય ત્યાં રાખવાની છે. આ બધું તારે પોતે દેખરેખ હેઠળ કરવાનું છે.’
‘સારું સર, તમારા કહેવા પ્રમાણે જ થશે,’ પાર્થો ઈવાનોવિચે જવાબ આપ્યો.
વાત પૂરી થયા પછી થોડા સમય બાદ રશિયાના રાષ્ટ્રપતિ વોલેરન બાઈનનો અવાજ પાર્થોના સેટેલાઈટ ફોન પર ગુંજ્યો.
‘લાલ સલામ કોમરેડ સર, આદેશ,’ પાર્થોએ કહ્યું.
‘પાર્થો, મારે તને એક અંગત કામ સોંપવાનું છે. તારે એટીવી લઈને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું છે. ભારતનું અવકાશયાન ત્યાં જ કશેક ઉતર્યું છે. તેમને આવશ્યક હોય એટલી બધી જ સહાય કરવાની છે તારે. આનું કારણ તને યોગ્ય સમય આવ્યે કહી દઈશ, સમજ્યું.’
‘હા સર, તમારું કામ કરી નાખીશ અને તમને જાણકારી આપતો રહીશ,’ પાર્થોએ કહ્યું.
****
વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતા અને રાજીવ ડોવાલ અત્યારે ચિંતાગ્રસ્ત હતા. ભારતના બે શ્રેષ્ઠ વિજ્ઞાની અને ૨૦ જેટલા સૌથી સારા ઈજનેરો સંકટ હેઠળ હતા. રંજન કુમારની કહેલી વાત જો સાચી હોય તો અત્યંત ઝેરી કિરણોત્સર્ગ ધરાવતા સફેદ પાવડરની વચ્ચે ફસાયેલા હતા.
આ બધા માટે મિશન મૂનનું સાહસ જવાબદાર હતું એવું હવે વડા પ્રધાનને લાગી રહ્યું હતું અને તેમણે રાજીવ ડોવાલ સામે એ જ મુદ્દો રાખ્યો.
‘રાજીવ, પૂરતી તપાસ કર્યા વગર મિશન મૂનને પરવાનગી આપવાનું આ પરિણામ છે. અત્યારે તે બાવીસ લોકોની જાન જોખમમાં છે. તેમની આ સ્થિતિ માટે ક્યાંક આપણે પણ જવાબદાર છીએ.’
‘પ્રાઈમ મિનિસ્ટર સર, જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી મારું સ્પષ્ટ માનવું છે કે આને માટે તમે કોઈ રીતે જવાબદાર નથી. તમને જે માહિતી આપવામાં આવી હતી તેને આધારે તમે શ્રેષ્ઠ નિર્ણય લીધો હતો.’
‘રાજીવ, મારે મિશન મૂનના પરિણામો પર અને ત્યાંની સ્થિતિનો અભ્યાસ કરવો જોઈતો હતો. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તેઓ ખરેખર પ્લુટોનિયમ ધાતુના વિષમાં ઘેરાયેલા છે કે નહીં તેની પણ જાણકારી નથી.’
‘પ્રાઈમ મિનિસ્ટર સર, તમારા મિત્રને કહી દીધું છે કે ચંદ્રની સપાટી પર જે સફેદ રાખ છે તેનું રસાયણિક પૃથક્કરણ કરવા માટે આવશ્યક મશીનો પહોંચાડીને તપાસ કરાવી આપે કે ખરેખર તેઓ પ્લુટોનિયમમાં સપડાયા છે કે નહીં.’
‘આપણા ફસાયેલા અવકાશયાનને કાઢવામાં પણ તેઓ મદદ કરવાના છે.’
(ક્રમશ:)
————–
હવે શું?
‘કોમરેડ સર, આજે આપણું અવકાશયાન રવાના થઈ રહ્યું છે. ભારતનું અવકાશયાન દક્ષિણ ધ્રુવ પર છે અને રશિયાનું સ્પેસ શટલ પણ તેનાથી થોડાક કિલોમીટર દૂર ઊતર્યું છે. આપણું અવકાશયાન આપણે ક્યાં ઉતારવાનું છે?’ ચીનના સિનિયર વિજ્ઞાની હ્યુ રેન્યુએ રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગને સવાલ કર્યો