૧૦-૧૦ ફૂટ પર ચાર આવા ‘વી’ બનાવશો તો આપણે અવકાશયાનને સહેલાઈથી રેતીના ઢગલામાંથી બહાર કાઢી શકીશું. એન્જિન ચાલુ કરતી વખતે આ બધા ‘વી’ આકાર આપણા અવકાશયાનને રેતીમાંથી ઊંચે લેવામાં મદદરૂપ બનશે
વિપુલ વૈદ્ય
અબ્દુલ કલામ ટાપુ પરથી અત્યાર સુધી સ્પીકર ફોન પર જોડાયેલા રંજન કુમારે કહ્યું કે ‘સૌથી પહેલાં બહાર જઈને કેમેરા પરથી ધૂળ સાફ કરવાનું કહો જેથી અમે ત્યાં શું છે તે જોઈ શકીએ.’
‘બીજું તમે બધા તમારું ધ્યાન રાખજો. અજાણી જગ્યા છે કોઈ સંકટમાં ફસાઈ ન જવાય.’
‘તમારું અવકાશયાન રેતીમાં ફસાઈ ગયું છે તો તમે તેને કાઢવા માટે શું કરી રહ્યા છો?,’ જયંત સિન્હાએ રંજન કુમાર અને વિક્રમ નાણાવટીની ચાલી રહેલી વાત વચ્ચે ઝંપલાવ્યું.
‘સર, અત્યારે રામ શર્મા અને તેની ટીમ અવકાશયાનની બંને તરફ બે ટાવર ઊભા કરવાનું કામ કરી રહ્યા છે અને તેના માધ્યમથી અવકાશયાનને પાછળ ખેંચીને બહાર કાઢવાનું લક્ષ્ય ધરાવે છે.’
‘અચ્છા, મારા તરફથી એક વાત કહેવા માગું છું. તમારા એન્જિનમાં રિવર્સ કરવાની કળ મૂકેલી છે. રિવર્સ એન્જિનથી પ્રયાસ કરી જોજો પાછળ નીકળે તો તમારા માટે સારી વાત છે,’ જયંત સિન્હાએ વિક્રમમાં આશા જગાવી.
‘સારું સર, તમારી સલાહ પ્રમાણે પ્રયાસ કરીશું. અત્યારે તો રામ શર્મા બહાર ટાવર ઊભા કરવાનું કામ કરવા માટે ગયા છે,’ વિક્રમે કહ્યું.
****
રામ શર્મા અને તેના સાથીઓ બહાર આવ્યા અને માંડ માંડ તેમણે નાની એક્ઝિટમાંથી એક એક સળિયો બહાર કાઢ્યો હતો અને હવે તેઓ આ સળિયાને ભૂમિમાં ઊભા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ભૂમિ એટલી રેતાળ હતી કે વજન ઊંચકી શકતો નહોતો.
સળિયો ઘડી-ઘડી પડી જતો હતો. આ જોઈને રામ શર્મા થોડો ધુંધવાયો. બરાબર એ જ સમયે વિક્રમે રામને અવાજ આપીને અંદર બોલાવ્યો અને જયંત સિન્હા દ્વારા આપવામાં આવેલી સલાહ વિશેની માહિતી આપી.
બંનેએ એન્જિન ચાલુ કરીને રિવર્સ સ્વીચ દબાવી તો અવકાશયાન થોડું હલ્યું.
‘સર, રિવર્સ એન્જિનથી આપણું અવકાશયાન પાછળ તો આવશે, પરંતુ બીજા રેતીના ઢગલામાં ફસાઈ જશે,’ રામ શર્માએ આશંકા વ્યક્ત કરી.
‘આમાંથી બચવા માટે આપણે ગાંવઠી પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ.’
‘મને લાગે છે કે આપણે પારીનો ઉપયોગ કરવાની પદ્ધતિ અપનાવીએ.’
‘આપણી પાસે જે સળિયા છે તેને સામસામા ક્રોસમાં અવકાશયાનની નીચેથી નાખી દઈએ.’
‘દરેક વખતે જ્યારે વી બનાવો ત્યારે અગાઉના વી કરતાં થોડું ઊંચું રાખવાનું રહેશે.
આવી રીતે ૧૦-૧૦ ફૂટ પર ચાર આવા વી બનાવશો તો આપણી ડિક્કી જે થોડી ઊંચી છે તે સહેલાઈથી રેતીના ડુંગરમાંથી બહાર કાઢી શકીશું. એન્જિન ચાલુ કરતી વખતે આ બધા ‘વી’આકાર આપણા અવકાશયાનને રેતીમાંથી ઊંચે લેવામાં મદદરૂપ બનશે.’
રામ શર્માની વાત સાંભળીને અત્યારે વિક્રમ અને અનુપમ પોતાની પાસે રહેલા કાગળોમાં ડ્રોઈંગ કરવા માંડ્યા અને કહ્યું કે ‘ચોથી સામ સામી પાર નાખ્યા પછી તેનાથી ૧૦-૧૦ ફૂટ દૂર બીજી બે પાર પણ અવકાશયાનને સમાંતર નાખીને તેના પર એક આડો સળિયો રાખજો જેથી અવકાશયાન સરકી શકે તેના પરથી.’
‘તમારી પાર જે છે તે જેકનું કામ કરશે તો અમે જે બંધાવી રહ્યા છીએ તે સળિયો ગરગડીનું કામ કરશે. જેના પરથી સરકીને અવકાશયાન બહાર નીકળી શકશે.’
હવે વિક્રમ અને અનુપમના ડ્રોઈંગને આધારે રામ શર્મા, તેમના સાથીઓ અને મનોજ રાય અને તેના સાથીઓ પણ કામ લાગી ગયા હતા.
હવે બંને જણા ફરી એક વખત રામ શર્માના શરીર પરથી લીધી હતી તે રાખ તરફ વળ્યા.
સામાન્ય સંજોગોમાં વિક્રમ પાસે રહેલું મશીન દરેક પ્રકારની ધાતુ અને તેના સંયોજનોને એક મિનિટમાં ઓળખી પાડતું હતું, પરંતુ આ વખતે વધુ સમય લાગી રહ્યો હતો. તેને પોતાને આ વાત સમજાતી નહોતી. એવું લાગી રહ્યું હતું કે આ એવા પ્રકારની ધાતુ હતી જે પૃથ્વી પર ઉપલબ્ધ નહોતી.
****
રશિયાનું અવકાશયાન તેના સ્પેસ સ્ટેશન સુધી પહોંચી ગયું હતું અને હવે ત્યાં ચારે તરફ ભાગદોડ મચી હતી.
પૃથ્વી પરથી આવેલા અવકાશયાનની સામગ્રીની પહેલાં ચકાસણી કરવામાં આવી અને સ્પેસ સ્ટેશનના ઈન્ચાર્જ પાર્થો ઈવાનોવિચે બધી વસ્તુનો તાબો પોતાના હાથમાં લીધો અને ત્યાંથી એલેકઝાંડર રૂમાન્ટેસેવની સાથે વાત કરી.
‘સર, તમારા જણાવ્યા મુજબનું સાહિત્ય પહેલા અવકાશયાનમાં આવી ગયા છે. આ ઉપરાંત આમાંથી ૨૦ લોકો નીકળ્યા છે તેમને માટે શું કામગીરી છે?’ ઈવાનોવિચે સવાલ કર્યો.
એલેકઝાંડરની બાજુમાં બેઠેલા અણુવિજ્ઞાની યેવગેની એડામોવે કહ્યું કે ‘જે લોકો અવકાશયાનમાં સાથે આવ્યા છે તેમાંથી ‘ક’ અને ‘ખ’ને સ્પેસ સ્ટેશનનું સંચાલન કરવાની ટ્રેનિંગ આપવાની છે અને તમારે સ્પેસ શટલમાં આ બધા મશીનો ચંદ્ર પર લઈ જઈને ત્યાં તેને ઊભા કરવાના છે. આને માટે બાકીના માણસોની તમને જરૂર પડશે.’
‘તમારી સાથે જે કમ્પ્યુટર નિષ્ણાત રોબર્ટ નીમો છે તેને કહેવાનું છે કે ચંદ્ર પર ત્રણ કેમેરા એવી રીતે ફેરવીને રાખે કે ચંદ્ર પરની દરેક વસ્તુઓ અહીંથી અમને સ્પષ્ટ દેખાવી જોઈએ, ખાસ કરીને આપણા સ્પેસ શટલની. એવો આદેશ કોમરેડ સરનો છે,’ અવકાશવિજ્ઞાની એલેકઝાંડર રૂમાન્ટેસેવે કહ્યું.
‘સારું સર, અમે કામ પર લાગીએ છીએ.’
‘ઊભા રહેજો, તમારી પાસે એટીવી (ઓલ ટેરેન વેહિકલ) છે?’
‘સર, અમારી પાસે એટીવી કેવી રીતે હોઈ શકે?’
‘તો રાહ જૂઓ. છ કલાકમાં બીજું અવકાશયાન આવી રહ્યું છે તેમાં ચાર એટીવી અને બે ૪ બાય ૪ ટ્રક રવાના કરી છે. ચંદ્ર પર તેને લઈને જજો. ત્યાં તમારે તેની વારંવાર જરૂર પડશે,’ વોલેરન બાઈને કહ્યું.
‘ઓકે સર, જેમ તમે કહેશો તેમ કરીશું,’ ઈવાનોવિચે જવાબ આપ્યો.
હવે ઈવાનોવિચ પોતાની તૈયારીઓમાં લાગી ગયો. અવકાશયાનમાં આવેલી ભારે મશીનરી એક સ્પેસ શટલમાં જાય એવું શક્ય નહોતું એટલે તેણે વજન અને આકારના હિસાબે અલગ અલગ સ્પેસ શટલમાં સામાન ભરવાનું ચાલુ કર્યું અને દરેક શટલમાં એક એટીવી સમાવી શકાય એવી જગ્યા રાખી.
****
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈન અત્યારે આનંદિત હતા. અત્યાર સુધીનું બધું કામ તેમની ધારણા પ્રમાણે જ થઈ રહ્યું હતું.
ભારત ચંદ્ર પર પહોંચી ગયું હતું, રશિયાનું પહેલું અવકાશયાન સ્પેસ સ્ટેશનના ડોકેટ સાથે સફળતાથી જોડાઈ ગયું હતું. અત્યાર સુધી કોઈ મોટો અવરોધ આવ્યો નહોતો. જે રીતે બધું ચાલી રહ્યું હતું તેવી જ રીતે ચાલે તો થોડા વખતમાં ચંદ્ર પર રશિયાનો ધ્વજ જોવા મળવાનો હતો. અમેરિકા અને ચીનને માટે આ મોટી શરમજનક બાબત બની રહેવાની હતી. (ક્રમશ:)
————-
હવે શું?
વિક્રમ, તમે બધા જ તમારા રેડિયોએક્ટિવ સૂટ કાઢીને પહેરી લેજો અને બની શકે ત્યાં સુધી આ સફેદ રાખથી દૂર રહેજો. રામ શર્મા અને તેના સાથીઓને અત્યાર સુધી કોઈ તકલીફ ન થઈ હોય તો એન્ટિડોટ આપી દેજો. આ અત્યંત જોખમી કિરણોત્સારી રસાયણિક ધાતુ હોવાનું મને લાગી રહ્યું છે. પાકું તો તમે જ્યારે સેમ્પલ મોકલશો ત્યારે નક્કી કરી શકાશે, પરંતુ અત્યારે તેનાથી બને તેટલા સુરક્ષિત રહેજો, રંજન કુમારે ચેતવણીના સૂરમાં કહ્યું