‘ભારત પછી હવે રશિયા પણ મિશન મૂન માટે રવાના થઈ ગયું છે. હવે આપણે મિશન મૂન કરીને શું ફાયદો છે? મેં મિશન અબોર્ટ કહી દીધું છે,’ ચીનના પ્રેસિડેન્ટ લ્યાન ઝિન પિંગે કહ્યું
વિપુલ વૈદ્ય
અમેરિકાના સ્પેસ શટલની દિશા બદલાઈ ગઈ અને હવે તેને ચંદ્ર પર ઉતરવા પહેલાં ચંદ્રનું આખું એક ચક્કર ભ્રમણકક્ષામાં લગાવવું પડશે તે સ્પષ્ટ થઈ ગયું હતું. આમ ફરી એક વખત ૪૮ કલાકનો વિલંબ આવી ગયો હતો. હવે ચંદ્ર પર ભારતના અવકાશયાન અને અમેરિકાના સ્પેસ શટલનું એક સાથે ઉતરાણ થવાનું હતું.
આગળ થવાની અમેરિકાની મહેચ્છા પર પાણી ફરી વળ્યું હતું. આ બધું વિચારીને અમેરિકાના પ્રેસિડેન્ટ જોન લાઈગર દુ:ખી થઈ રહ્યા હતા.
બીજી તરફ અમેરિકાના મિશન મૂન પ્રોજેક્ટનો સર્વેસર્વા જોન સ્વીપર રડાર પર આકાશદર્શન કરી રહ્યો હતો ત્યારે તેને કેવી રીતે અમેરિકાનું સ્પેસ શટલ ભારતના અવકાશયાનની દિશામાં આગળ વધી રહ્યું હતું અને કેવી રીતે લઘુગ્રહના અથડાવાથી અન્ય દિશામાં ફળોંગાઈ ગયું તે જોવા મળ્યું હતું.
આ સ્પેસ શટલને આ દિશામાં મોકલવાનો આદેશ જોન લાઈગરે આપ્યો હતો તેની જાણ અત્યાર સુધીમાં બધાને થઈ ગઈ હતી. આનો સ્પષ્ટ અર્થ થતો હતો કે અમેરિકાના એક સ્પેસ શટલ અને ચાર વિજ્ઞાનીઓના જાનને ભોગે પણ ભારતના મિશન મૂનને રોકવાનો પાશવી પ્રયાસ જોન લાઈગર દ્વારા કરવામાં આવ્યો હતો.
આ બાબતને લઈને જોન સ્વીપર અત્યારે મનોમન પ્રેસિડેન્ટ પર ફિટકાર વરસાવી રહ્યો હતો.
જોકે, જોન લાઈગર પર ફક્ત જોન સ્વીપર જ નહીં, ઉપરાષ્ટ્રપતિ મોનિકા હેરિસ પણ ધિક્કાર વરસાવી રહી હતી.
કોઈ વ્યક્તિ નીચતાની કેટલી હદ સુધી જઈ શકે? પ્રેસિડેન્ટે તો બધી જ હદ વટાવી નાખી હતી. ભારતનું મિશન મૂન ચાલુ થયું ત્યારથી અત્યાર સુધીમાં તેમણે કરેલા બધા કામ યાદ આવતાં બંનેના મોંમાં કડવાશ ફેલાઈ જતી હતી.
****
ચીનમાં પણ ભારતના મિશન મૂનના અવકાશયાનની જિવંત તસવીરો જોવામાં આવી રહી હતી અને તેમના ધ્યાનમાં પણ આવ્યું હતું કે કેવી રીતે અમેરિકન સ્પેસ શટલ ભારતના અવકાશયાનને આંતરવા જઈ રહ્યું હતું. છેવટે ભારતીય અવકાશયાન બચી ગયું તે જોઈને હ્યુ રેન્યુને આનંદ થયો હતો.
ચીનના પ્રમુખ લ્યાન ઝિન પિંગની નજર બીજી તરફ હતી. અમેરિકાના સ્પેસ શટલને જે લઘુગ્રહના ટુકડા અથડાયા હતા તેના ટુકડા ગણતરીની સેકંડો પહેલાં થયા હતા. આનો સ્પષ્ટ અર્થ એવો થતો હતો કે ભારતના અવકાશયાનનું રક્ષણ કરવા માટે કોઈ ‘રક્ષક’ સતત નજર રાખી રહ્યો હતો.
આ અમુક મિનિટોનો વીડિયો તેમણે ૧૦મી વખત લગાવ્યો અને જોવાનું ચાલુ કર્યું. આ વખતે તેમનું ધ્યાન ગયું કે આગનો એક ગોળો આવીને લઘુગ્રહને અથડાયો પછી તેના ટુકડા થયા હતા.
આગનો આ ટુકડો ક્યાંથી આવ્યો હતો તેના પર લ્યાન ઝિન પિંગ વિચાર કરી રહ્યા હતા.
****
ચીનના પ્રમુખ લ્યાન ઝિન પિંગ પાસે વહેલી સવારે સીપીસીના વાઈસ પ્રેસિડેન્ટ ઝૂ કિલાંગ અને જાસૂસી સંસ્થાના લી દોડીને આવ્યા હતા અને તેમને આકાશમાં ચાલી રહેલી ગતિવિધિઓ દેખાડી હતી.
‘આ શું છે?’ લ્યાન ઝિન પિંગે પૂછ્યું.
‘કોમરેડ સર, આ છે રશિયાનું અવકાશયાન જે અત્યારે રવાના થયું છે અને તે પણ લગભગ મિશન મૂનના ભાગરૂપે ગયું છે,’ ઝૂ કિલાંગે કહ્યું.
ચમકી ગયા લ્યાન ઝિન પિંગ. ‘શું રશિયા પણ મિશન મૂન માટે રવાના થઈ ગયું?’
‘આ તો અત્યંત ચોંકાવનારી બાબત છે. અત્યાર સુધી તમને ખબર પડી નહોતી કે રશિયા મિશન મૂનની તૈયારીઓ કરી રહ્યું છે? કેવો કારભાર છે તમારો?’
‘આ બંનેના ગયા પછી આપણે ચંદ્ર પર જઈને શું તોડી લેવાના છીએ?’
‘અબોર્ટ મિશન મૂન..’
લ્યાન ઝિન પિંગ અત્યંત ગુસ્સામાં હતા.
બરાબર એ જ સમયે હ્યુ રેન્યુનો પ્રવેશ થયો. હ્યુને જોઈને લ્યાન ઝિન પિંગે તેમને સવાલ કર્યો કે ‘ભારત પછી હવે રશિયા પણ મિશન મૂન માટે રવાના થઈ ગયા છે.’ ‘હવે આપણે મિશન મૂન કરીને શું ફાયદો છે?’
‘મેં મિશન અબોર્ટ કહી દીધું છે,’ પ્રેસિડેન્ટે કહ્યું.
‘કોમરેડ સર, તમે એક વસ્તુ માની લ્યો કે આપણે કોઈની સાથે સ્પર્ધા નથી તો પછી શું કરવા તમે સરખામણી કરો છો?’
‘આપણા લોકો મહેનતમાં શ્રેષ્ઠ છે અને આપણે સૌથી વધુ યુરેનિયમ ઉલેચીને લાવશું.’
‘તૈયારી પાછળ આટલો બધો ખર્ચ કર્યો છે તેને વેડફી નાખવાનો કોઈ અર્થ નથી,’ હ્યુ રેન્યુએ કહ્યું.
‘હ્યુ, તારી વાત સાચી છે, ચાલો આપણી તૈયારીઓ કરો અને અવકાશયાન રવાના કરવાની વાત કરો,’ લ્યાન ઝિન પિંગે કહ્યું.
****
ભારતના અવકાશયાનમાં બેઠેલા વિક્રમ અને અનુપમ પણ રડાર તરફ જોઈ રહ્યા હતા અને અચાનક પોતાની દિશામાં આવી રહેલા સ્પેસ શટલને જોઈને ચિંતામાં પડી ગયા હતા. અવકાશયાનનું સંચાલન કરી રહેલા એન્જિનિયરોએ એવી ચેતવણી ઉચ્ચારી હતી કે અથડામણ થવાની શક્યતા હોવાથી બધાએ પોતાની જાતને બાંધી રાખવી.
જોકે, છેલ્લી ઘડીએ સ્પેસ શટલની દિશા બદલાઈ જતાં તેમણે રાહત અનુભવી હતી. હવે તેઓ ચંદ્ર પર જઈને કરવાના કામની યાદી લઈને બેઠા હતા.
તેમની સાથે મનોજ રાય અને રામ શર્મા પણ ચર્ચામાં જોડાયા. ચંદ્ર પર જઈને ક્યાં કેવી રીતે બધું ઉભું કરવું તેની યોજના ઘડવામાં આવી રહી હતી.
****
રંજન કુમાર હજી પણ અબ્દુલ કલામ ટાપુ પર બેઠા હતા અને ચાંપતી નજર રાખીને બેઠા હતા. હજી સુધી અવકાશયાન જોડે સંપર્ક સ્થાપિત થયો નહોતો તેથી અવકાશયાનમાં વિજ્ઞાનીઓ શું કરી રહ્યા છે તેની જાણકારી તેમની પાસે નહોતી, પરંતુ તેમણે પોતાની રીતે ચંદ્ર પર દરેક વ્યક્તિએ શું કરવાનું છે તેની આખી યોજના તૈયાર રાખી હતી.
આવો એક આખી યોજનાનો ફ્લોચાર્ટ તેમણે વિક્રમને પણ આપી રાખ્યો હતો, પરંતુ તેણે આખી યોજનાનો અભ્યાસ કર્યો કે નહીં તેની જાણકારી તેમની પાસે નહોતી. અત્યારે ખાલી બેઠાં-બેઠાં અચાનક તેમને મિશન મૂનમાં અત્યાર સુધી આવેલા વિવિધ અવરોધો યાદ આવ્યા અને તે બધાને મમળાવી રહ્યા હતા ત્યારે જ તેમને એક જૂની વાત યાદ આવી.
અનુપમ સાથે જ સંકળાયેલી વાત હતી અને એ જ કારણસર અનુપમને આટલી આકરી સજા ભોગવવાનો વારો આવ્યો હતો.
આ બધા માટે પોતાની નબળી આત્મશક્તિને તેઓ જવાબદાર માની રહ્યા હતા. જો પોતે તે સમયે સ્પષ્ટ કરી નાખ્યું હોત અને અનુપમને આગળ વધવા દીધો હોત તો કદાચ જેની આશંકા હેઠળ આટલા વર્ષો દોષભાવમાં ગાળ્યા તે ગાળવા ન પડત. જે થવાનું હતું તે થઈ જાત તો તેનો સામનો કરી લીધો હોત, પરંતુ હવે અડધું-પડધું સ્પષ્ટ થઈ રહ્યું છે અને કદાચ અત્યાર સુધીમાં ગૃહપ્રધાન અમિતાભ શેઠને અનુપમ નિર્દોષ હોવાના પુરાવા પણ મળી ગયા હશે. આ બધાની વચ્ચે પોતાનું જુઠાણું પકડાઈ જશે. અત્યારે હવે તે જૂની વાત કરીશ તો પણ મારા પર કોણ વિશ્ર્વાસ કરશે એવો વિચાર અત્યારે તેમને મુંઝવી રહ્યો હતો. (ક્રમશ:)
—————-
હવે શું?…
સાવધાન, આપણું અવકાશયાન પાંચ કલાકમાં ચંદ્ર પર ઊતરી જશે. હું મારી રીતે બધા જ પ્રયાસ કરી રહ્યો છું કે આપણું ઉતરાણ અત્યંત સામાન્ય રીતે થાય. આમ છતાં બધા લોકો પોતાની જાતને સુરક્ષિત રાખજો. જોરથી ઉતરાણ થશે તો ઝટકો જોરદાર લાગશે, જયંત સિન્હાએ બધાને સ્પીકરફોન પરથી સૂચના આપી