વિપુલ વૈદ્ય – પ્રકરણ ૭૩
‘ભારત જેવો અર્ધનગ્ન લોકોનો દેશ આપણને મિશન મૂનમાં પાછળ છોડી જશે? આવું કેવી રીતે થવા દઈ શકાય? તેમના અવકાશયાનને રોકવા માટે આપણે કશુંક કરવું પડશે, જોન લાઈગરે કહ્યું’
—
અમેરિકાના રાષ્ટ્રપતિ જોન લાઈગર અત્યારે વ્હાઈટ હાઉસની પોતાની કેબિનમાં બેઠા હતા અને તેમની સામે મોનિકા હેરિસ બેઠી હતી. તેમની જમણી તરફ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સેમ્યુઅલ યંગ ઊભો હતો અને ડાબી તરફ જોન સ્વીપર ઊભો હતો.
સેમ્યુઅલ યંગ પર એક નજર નાખીને જોન લાઈગરે સીધો સવાલ જોન સ્વીપરને કર્યો.
‘જોન, તને શું લાગે છે ભારતના મિશન મૂનની તૈયારીઓ કેવી ચાલી રહી છે?’
‘પ્રેસિડેન્ટ સર, જ્યાં સુધી આપણા મિશન મૂનની તૈયારીઓની વાત છે તેની જાણકારી હું તમને આપી શકું, પરંતુ ભારતના મિશન મૂનની જાણકારી મારી પાસે કેવી રીતે હોઈ શકે?’
‘આ જાણકારી તો તમને સીઆઈએ અથવા સેમ્યુઅલ જ આપી શકે,’ સ્વીપરે અત્યંત ઓછા શબ્દોમાં પોતાની વાત માંડી.
‘મને જાણવા મળ્યું છે કે નાસાના ભારત દેશ પર મંડાયેલા કેમેરામાંથી તમને કશુંક દેખાયું હતું અને તમે તેની નોંધ કરી હતી, જોન લાઈગરે હળવા હલેસે કામ કઢાવવાનો પ્રયાસ કર્યો.
‘સર, મને જે પણ દેખાયું હશે તેની વિગતવાર જાણકારી સીઆઈએ પાસે મારા કરતાં વધારે હશે.’
આમ છતાં મને જે દેખાયું તેની વાત કરું તો ઓરિસાની પાસે આવેલા ટાપુ પર કેટલીક અસામાન્યહિલચાલ દેખાઈ હતી, સ્વીપરે પોતાની પાસેની માહિતી આપી દીધી.
હવે જોન લાઈગરે સેમ્યુઅલ સામે પોતાની આંખો માંડી.
પ્રેસિડેન્ટ સરની નજરનો સંકેત સમજી ગયેલા સેમ્યુઅલે પોતાની પાસે રહેલી માહિતી આપવાનું ચાલુ કર્યું.
‘સર, અમારી ચાંપતી નજર ઈસરોના શ્રીહરિકોટા અને અન્ય બધા જ સ્પેસ સેન્ટર પર હતી અને ક્યાંયથી અવકાશયાનને રવાના કરવા જેવી હિલચાલ દેખાઈ નહોતી.’
‘ઓરિસાની પાસે સમુદ્રમાં ભારત સરકારે હમણાં જ અબ્દુલ કલામ ટાપુ નામ જેને આપ્યું છે ત્યાં સ્પેસ સેન્ટર વિકસાવવાનું કામ ચાલી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.’
‘નાસાના ચિત્રોમાં ત્યાં અવકાશયાનને લોન્ચિંગ પેડ પર ઊભું કરવામાં આવી રહ્યાનું જોવા મળ્યું હતું,’ સેમ્યુઅલે કહ્યું.
‘એનો અર્થ એવો થયો કે અઠવાડિયાની અંદર તેમનું અવકાશયાન ચંદ્રની સફરે ઉપડી જશે.’
‘આપણા હજી સુધી ઈંધણના વાંધા છે અને આમની તૈૈયારીઓ આટલી પહોંચી ગઈ?’
‘ભારત જેવો અર્ધનગ્ન લોકોનો દેશ આપણને મિશન મૂનમાં પાછળ છોડી જશે?’
‘આવું કેવી રીતે થવા દઈ શકાય?’
‘તેમના અવકાશયાનને રોકવા માટે આપણે કશુંક કરવું પડશે.’
‘મિ. સ્વીપર, તમારી પાસે કોઈ રસ્તો છે?’ જોન લાઈગરે પૂછ્યું.
‘સોરી સર, અમેરિકાના હિત માટે હું ગમે તે કરી શકું છું, પરંતુ કોઈ દેશની પ્રગતિને રોકવા માટે ખોટું પગલું ભરી શકતો નથી.’
‘આવા કોઈ ખોટા કામ હું નહીં કરી શકું, આને માટે તમારી પાસે મારા કરતાં વધુ વિશ્ર્વાસપાત્ર લોકો છે,’ અત્યંત તુચ્છકારથી સ્વીપર આમ બોલ્યો ત્યારે તેમની આંખો સેમ્યુઅલ અને મોનિકા પર ફરી રહી હતી.
‘અચ્છા ઠીક છે તમે જઈ શકો છો,’ જોન લાઈગરે કહ્યું.
હવે પ્રેસિડેન્ટે પોતાના વિશ્ર્વાસપાત્ર મોનિકા હેરિસ સામે જોયું.
‘સર, અબ્દુલ કલામ ટાપુ ઓરિસાથી ઘણો નજીક છે, પરંતુ સમુદ્રની અંદર છે.’
‘સ્વાભાવિક રીતે જ આ ટાપુ પરથી મિશન મૂનનું અવકાશયાન જવાનું હશે તો ભારે બંદોબસ્ત હશે અને ગણતરીના લોકો જ ત્યાં હશે. એટલે ત્યાં પહોંચીને મિશન મૂનને રોકવાનું મુશ્કેલ છે.’
‘મને એક વિચાર આવે છે કે જો દૂર બેઠા બેઠા તેમના મિશન મૂનને નુકસાન પહોંચાડી શકાય તો એવો રસ્તો કરવો જોઈએ,’ મોનિકાએ પોતાનો મત માંડ્યો એટલે ફરીથી લાઈગરે તેની જ સામે જોયું.
પ્રેસિડેન્ટ સર, જે રીતે ચીને અત્યારે દૂર બેઠાં બેઠાં આપણા મિશન મૂનને ઠપ કરી દીધું છે એવી રીતે કરી શકાય.
‘મોનિકા, આર યુ આઉટ ઓફ યોર સેન્સીસ? આવું કરીએ તો તરત જ કોણે કર્યું તે સ્પષ્ટ થઈ જાય અને આપણી આખી દુનિયામાં થુ-થુ થાય તે અલગ,’ જોન લાઈગર થોડા ઉશ્કેરાટમાં બોલ્યા.
સર, આપણે કશું જ કરવાનું નથી. ડાર્ક વેબની ટીમ આ કામ કરશે અને કોણે ક્યાંથી શું કામ કર્યું તે કોઈને ખબર નહીં પડે.
‘મોનિકા, ત્યાં ઈન્ટેલિજન્ટ લોકો બેઠા છે. છેડો આપણા સુધી પહોંચી જાય તો કફોડી હાલત થઈ શકે છે.’
‘તો સર, આપણે એવું કરીએ કે લેઝરના બીમથી તેમના લોન્ચિંગ પેડને નુકસાન પહોંચાડીએ. નવું લોન્ચિંગ પેડ બનાવતાં ઓછામાં ઓછા પાંચ દિવસ જશે અને તેમનું અને આપણું લોન્ચિંગ એક સાથે થઈ જશે,’ મોનિકાએ નવો આઈડિયા આપ્યો.
‘એવું કરીશું કેવી રીતે?’ જોન લાઈગરે સવાલ કર્યો
‘આપણા સ્પેસ સેન્ટરમાંથી લેઝરના કિરણોનો મારો ચલાવીને લૉન્ચ પેડને કાપી નખાશે અને વધારે હોબાળો થશે તો પછી માફી માગી લઈશું કે ખોટી રીતે લેઝર કિરણો પસાર થઈ ગયા હતા,’ મોનિકાએ પોતાની યોજના માંડી.
****
રશિયાની રાજધાની મોસ્કોના મધ્યવર્તી વિસ્તારમાં આવેલા ડુમા હાઉસમાં અત્યારે વોલેરન બાઈન પોતાના વિશ્ર્વાસુ સાથીઓ સાથે બેઠા હતા.
‘વેલેરી, મને સમાચાર મળ્યા છે કે અમેરિકા ભારતના મિશન મૂનને નુકસાન પહોંચાડવાનું કાવતરું કરી રહ્યું છે.’
‘ભારત જેવા નિર્દોષ દેશ સાથે આવું કાવતરું મને યોગ્ય લાગતું નથી અને મારે તેને રોકવું છે. શું કરી શકાય?,’ વોલેરન બાઈને પૂછ્યું.
‘સર, હું ભારત સરકારના ટોચના સૂત્રોને જાણ કરી દઉં છું. પછી તેઓ જાણે અને અમેરિકા જાણે,’ વેલેરીએ રસ્તો દાખવ્યો.
‘આ એટલું સીધું નથી,’ વોલેરન બાઈન બોલ્યા.
‘મારી પાસેના આધારભૂત સમાચાર એવું કહે છે કે ભારતના મિશન મૂન પર અજ્ઞાત સ્થળેથી હુમલો થઈ શકે છે અને મારે તેને રોકવું છે.’
‘આપણા સ્પેસ સ્ટેશનના અમેરિકાના સ્પેસ સ્ટેશન તરફના કેમેરાને એક્ટિવેટ કરી નાખો.
‘જેવી અમેરિકાના સ્પેસ સ્ટેશનમાંથી કે સેટેલાઈટમાંથી કોઈ હિલચાલ દેખાય કે તરત જ તેને કાપી નાખો.’
‘એક કામ કરો તમે બધા જાઓ, હું જ કશું કરું છું,’ વોલેરન બાઈન બોલ્યા.
બધા ગયા પછી વોલેરન બાઈને એક ફોન કર્યો અને કહ્યું કે ‘અબ્દુલ કલામ ટાપુ પર તમારા અવકાશયાનને લૉન્ચ કરવા માટે જે પેડ બનાવ્યું છે તેના પર તાકીદે પોલીવિનાઈલ બ્યુટીરલનું આવરણ ચડાવી નાખો અને મિશન મૂન સંબંધી બધા નેટવર્ક અને સિસ્ટમને મૂળ સિસ્ટમ અને નેટવર્કથી અલગ કરી નાખો. તમારી સિસ્ટમ પર ડાર્ક વેબમાંથી ગમે ત્યારે હુમલો થઈ શકે છે.’
આટલું કહીને બાઈને ફોન મૂકી દીધો. (ક્રમશ:)
—
હવે શું?…
મિશન મૂન માટે આપણે અવકાશયાનનું જે લૉન્ચ પેડ ઊભું કર્યું છે તેના પર લેઝર હુમલો કરીને તેને કાપવાનો પ્રયાસ થશે તો પોલીવિનાઈલ બ્યુટીરલનું આવરણ તેને નિષ્ફળ બનાવશે અને જો સિસ્ટમ મેઈન નેટવર્કથી અલગ કરેલી હશે તો ડાર્કવેબ દ્વારા જે હુમલો કરવામાં આવશે તે મિશન મૂનને રોકવામાં નિષ્ફળ જશે, રાજીવ ડોવાલે અનુપ રોયને પોતાના દ્વારા આપવામાં આવેલા નિર્દેશનાં કારણો આપ્યાં