હાન્ઝાઉથી ઈંધણ જી-૬ હાઈવે પરથી આવી રહ્યું છે અને બાયનોર પાસે જે બાયપાસ છે તેના પરથી ફરીને તેણે
જી-૨૪૨ હાઈવે પકડવાનો છે તો બે દિવસમાં ગોબી ડેઝર્ટ પર પહોંચી શકે છે, પરંતુ જો આપણા એજન્ટ તેને ભટકાવી
શકે તો…
વિપુલ વૈદ્ય
રશિયાની રાજધાની મોસ્કોમાં આવેલા રાજકીય મુખ્યાલય ડુમા હાઉસમાં અત્યારે રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈન, મેજર જનરલ વેલેરી ગેરાસિમોવ અને કેજીબીના ઈવાનોવિચ ફ્લ્યુસ્ટીકોવ ચર્ચામાં લિપ્ત હતા. અમેરિકાના મિશન મૂનની પ્રગતિના અહેવાલ મળી ચૂક્યા હતા અને આ અહેવાલોથી વોલેરન બાઈન વ્યગ્ર હતા.
‘વેલેરી, આપણે અમેરિકાના સી-૧૭ને કેનેડી સ્પેસ સેન્ટર પર પહોંચતા રોકી શકીએ કે નહીં?,’ રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈને અચાનક બંનેને સવાલ કર્યો.
‘સર, અત્યારે આપણી પાસે એક જ રસ્તો છે. અચાનક જો ફ્લોરિડામાં વાતાવરણ બગડી જાય કે અનેક કલાકો સુધી ભારે હિમપ્રપાત સર્જાય તો કદાચ અમેરિકાને પોતાની યોજના પડતી મૂકવી પડે,’ બાઈનના અત્યંત વિશ્ર્વાસુ મેજર જનરલ વેલેરીએ પોતાના મનમાં આવ્યો તે જવાબ આપ્યો.
‘આ કામ તો કુદરતનું છે, આમેય અત્યારે આપણા પર કુદરત મહેરબાન છે. આપણા બાબાકીન સ્પેસ સેન્ટરની નજીક બરફ વર્ષાના કોઈ એંધાણ જણાતા નથી, પરંતુ કેનેડી સ્પેસ સેન્ટર જવાનો રસ્તો જ બંધ છે.
ચારે તરફ બરફ વર્ષા થઈ રહી છે. હજી થોડી વધુ હિમ વર્ષા થાય તો આપણને સારા સમાચાર મળી શકે છે,’ કેજીબીના ઈવાનોવિચે ટાપસી પુરાવી.
‘સર, મને એક વિચાર આવી રહ્યો છે,’ વેલેરી બોલ્યો.
‘અમેરિકાના મિશન મૂન માટેનું ઈંધણ હજી મધદરિયે છે એવું જાણવા મળ્યું છે.’
‘કેમિકલ ફ્યૂઅલ તેમણે ન્યૂ ઝીલેન્ડ પાસેથી મેળવ્યું છે અને તે અત્યારે હજી દરિયામાં છે. જો આ ઈંધણ કિનારે સમયસર પહોંચે જ નહીં એવી વ્યવસ્થા થઈ શકે તો તેઓ સમયસર મિશન મૂન શરૂ કરી શકશે નહીં,’ વેલેરીએ આખી યોજના સમજાવી.
‘આને માટેનો કોઈ રસ્તો આવે છે તારા મગજમાં,’ બાઈને પૂછ્યું.
‘સર, મને એક રસ્તો સૂઝે છે. જહાજને સમુદ્રમાં ભટકાવી દઈએ તો એક દિવસને બદલે સાત દિવસે તે ફ્લોરિડાના કેપ કેનાવુરલ બંદરને બદલે સારાસોટા બંદર પર પહોંચશે. ત્યાંથી જહાજનો સામાન કેનેડી સ્પેસ સેન્ટર લઈ જવામાં બીજા બે-ત્રણ દિવસો જતા રહેશે અને આવું થશે તો તેમનો સ્પેસ પ્રોગ્રામ આપણી
સાથે ચાલુ થઈ શકશે નહીં,’ વેલેરીએ કહ્યું.
‘તારી આ વાત મને યોગ્ય લાગે છે, પરંતુ આમાં એટલું ધ્યાન રાખજો કે ક્યાંય આપણું નામ ન આવવું જોઈએ,’ બાઈને કહ્યું.
‘પ્રેસિડેન્ટ સર, એની ચિંતા કરશો નહીં. હું મારા કેટલાક એજન્ટને આ કામે લગાવી દઉં છું.
આ એજન્ટ ન્યૂ યોર્કમાં જ બેઠા હોવાથી આપણું નામ આવશે નહીં. તેઓ જહાજની આખી સિસ્ટમને
હૅક કરીને જહાજને ખોટા માર્ગે
ચડાવી દેશે,’ ઈવાનોવિચ ફ્લ્યુસ્ટીકોવે અત્યંત આત્મવિશ્ર્વાસ ભરેલા સ્વરે કહ્યું.
‘અચ્છા! ઠીક છે. કામ કરી નાખો,’ બાઈને આદેશ આપ્યો.
ઈવાનોવિચ બહાર નીકળ્યા બાદ બાઈને વેલેરીને કહ્યું કે ‘મને ઈવાનોવિચનો વિશ્ર્વાસ લાગતો નથી. બને ત્યાં સુધી તેના પર ધ્યાન રાખજે અને શક્ય હોય તો બેક-અપ પ્લાન તૈયાર રાખજે કે જહાજ ૨૪ કલાકમાં ફ્લોરિડા પહોંચવું જોઈએ નહીં.’
‘યસ સર,’ વેલેરીએ રાષ્ટ્રપ્રમુખને કહ્યું.
****
‘પ્રેસિડેન્ટ સર, મિશન મૂનની આપણી હરીફાઈમાંથી ચીનને બાકાત રાખવું હોય તો તેના ગોબી ડેઝર્ટમાં જઈ રહેલા ઈંધણને રોકી દેવાની કોઈ યોજના ઘડવી જોઈએ,’ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સેમ્યુઅલ યંગે રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગરને આઈડિયા આપ્યો.
‘આવું કેવી રીતે કરી શકાશે?,’ લાઈગરે પૂછ્યું.
‘અત્યારે તે ઈંધણની સાથે ભારે બંદોબસ્ત હશે. રોડ માર્ગથી જઈ રહેલા ઈંધણને ચીનની ધરતી પર રોકવાનું અત્યંત મુશ્કેલ લાગે છે,’ લાઈગરે કહ્યું.
‘મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી.’
‘અત્યારે હાન્ઝાઉથી ઈંધણ રવાના થયું છે અને તે અત્યારે જી-૬ હાઈવે પરથી આવી રહ્યું છે અને બાયનોર પાસે જે બાયપાસ છે તેના પરથી ફરીને તેણે જી-૨૪૨ હાઈવે પકડવાનો છે તો તે બે દિવસમાં ગોબી ડેઝર્ટ પર પહોંચી શકે છે, પરંતુ જો આપણા એજન્ટ તેને ભટકાવીને જી-૨૪૨ પર લઈ જવાને બદલે જી-૭ હાઈવે પર ચડાવી દેશે તો ઓછામાં ઓછા સાત દિવસ મોડું આ ક્ધટેનર
ગોબી ડેઝર્ટના બીજા છેડે પહોંચી
જશે અને ત્યાંથી સ્પેસ સેન્ટર પર ઈંધણ લાવવામાં બીજા બે-એક
દિવસ સહેલાઈથી નીકળી જશે,’ સેમ્યુઅલે પોતાની આખી યોજના સમજાવી.
‘વિચાર સારો છે, અમલમાં મૂકી શકાતો હોય તો તરત જ કાર્યવાહી કરવામાં આવે.
બસ એક વાતનું ધ્યાન રાખજો કે આપણું નામ ક્યાંય ન આવે,’ લાઈગરે કહ્યું.
****
ચીનમાં અત્યારે મિશન મૂનની તૈયારી જોરશોરથી ચાલી રહી હતી અને અવકાશવિજ્ઞાની વાંગ ચાંગ અત્યારે ગોબી ડેઝર્ટમાં બેસીને અવકાશયાનના આગમનની રાહ જોઈ રહ્યો હતો.
બીજી તરફ ઈંધણ બે દિવસે પહોંચવાનું હતું. આ બધાની વચ્ચે મિશન મૂન માટે કેટલીક મૂળભૂત બાબતો જાણવા માટે તેણે અણુવિજ્ઞાની હ્યુ રેન્યુને ફોન કરવાનું યોગ્ય માન્યું.
‘સર, અત્યારે મને તમારી મદદની આવશ્યકતા જણાઈ રહી છે એટલે તમને ફોન કર્યો છે,’ અત્યંત સલૂકાઈથી વાંગ ચાંગે હ્યુ રેન્યુને કહ્યું.
‘બોલ શું કામ છે?,’ હ્યુએ અત્યંત આત્મીયતાથી પૂછ્યું.
‘સર, જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી ચંદ્ર પર યુરેનિયમ છે અને તે આપણે ઉસેડીને લાવવાનું છે.’
‘આને માટે આપણે અહીંથી શુદ્ધીકરણ મશીનો, આવું કામ કરી શકે તે માટે વિજ્ઞાનીઓ, કામગારો વગેરે લઈને જઈ તો રહ્યા છીએ, પરંતુ કેટલા દિવસ માટે આપણે જવાનું છે તેની કોઈ વાત તો થઈ નથી,’ વાંગ ચાંગે કહ્યું.
‘વાંગ, જે સવાલ તારે કોમરેડ સરને પૂછવાનો હોય તે તું મને પૂછી રહ્યો છે. હું કેવી રીતે કહી શકું?’
‘જેને ચંદ્ર પર જવાનું કહ્યું છે તેમણે જવાનું છે અને જેમને અહીં બેઠા બેઠા સંચાલન કરવાનું કહ્યું છે તેણે અહીંથી સંચાલન કરવાનું છે,’ હ્યુ રેન્યુએ ગોળ ગોળ જવાબ આપ્યો.
હ્યુના જવાબથી વાંગ વધુ ગૂંચવાયો. તેના હજી હમણાં જ તો લગ્ન થયા હતા અને તેની પત્ની ગર્ભવતી હતી. આવી સ્થિતિમાં લાંબો સમય પત્નીથી દૂર રહેવા માગતો નહોતો, પરંતુ અત્યારે તેને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી.
કોમરેડ સર સામે બોલવાની તો તેની કોઈ હિંમત હતી જ નહીં એટલે આ સ્વીકાર્યે જ છૂટકો હતો.
બીજી તરફ હ્યુ રાહત અનુભવી રહ્યા હતા. આ બધાની વચ્ચે
કોમરેડ સરે તેને ચંદ્ર પર જવાની જવાબદારી સોંપી નહોતી. અહીં બેસીને તેણે બધી વસ્તુ સંભાળવાની હતી.
ચીનના અવકાશમાં રહેલા સ્પેસ સ્ટેશનના વિજ્ઞાનીઓ સાથે વાત કર્યા બાદ હવે તેને વિશ્ર્વાસ હતો કે ચીનનું મિશન મૂન ફેઈલ થવાની કોઈ શક્યતા નહોતી. (ક્રમશ:)
———
હવે શું?
આ શું થઈ રહ્યું છે? આજે આપણું કેમિકલ ફ્યૂઅલ ફ્લોરિડાના કેપ કેનાવુરલ બંદર પર પહોંચી જવું જોઈતું હતું, હજી સુધી તે જહાજ પહોંચ્યું નથી અને તેનો સંપર્ક પણ કપાઈ ગયો છે. આપણા મિશન મૂનને ખોરવવાનું ચીનાઓનું જ કાવતરું લાગે છે, જોન લાઈગર અત્યારે ધૂંધવાઈ રહ્યા હતા