મિશન મૂન માટે અમારી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. ચિલ રેટ પાસેથી જે પોર્ટેબલ શુદ્ધીકરણ અને સંવર્ધનના પ્લાન્ટ મળવાના હતા તે પણ મળી ગયા છે. નાસાના વિજ્ઞાનીઓની ટીમ તૈયાર છે,’ જોન સ્વીપરે કહ્યું
લેખક – વિપુલ વૈદ્ય
સેન્ટ્રલ વિસ્ટામાં અત્યારે વિજ્ઞાનીઓમાં ઉજવણીનો માહોલ હતો. તેમની આટલા દિવસોની મહેનત આખરે રંગ લાવી હતી. મિશન મૂન પ્રોજેક્ટને ગ્રીન સિગ્નલ મળી ગયું હતું. આખા વિશ્ર્વમાં આટલા મોટા કદનો અવકાશી પ્રોગ્રામ કરવા માટે ભારતનું નામ સોનેરી અક્ષરે લખાવાનું હતું.
બીજી તરફ વડા પ્રધાનની કેબિનમાં અત્યારે ચિંતાનું વાતાવરણ હતું.
વડા પ્રધાનના ખાસ વિશ્ર્વાસુ રાજીવ ડોવાલે મિશન મૂન સામે આવેલા વિવિધ અવરોધો વિશેની માહિતી તેમને આપી રહ્યા હતા. કેવી રીતે અવકાશવિજ્ઞાની જયંત સિન્હાના ફોનમાં બગ લગાવવામાં આવ્યું હતું. કેવી રીતે અવકાશવિજ્ઞાની એમજેપી અકબરને ફૂગલ કંપનીનો ફોન મોકલીને વાતો સાંભળવાની કોશિશ કરવામાં આવી હતી.
વડા પ્રધાને શાંતિથી બધું સાંભળ્યું અને રાજીવ ડોવાલ દ્વારા લેવામાં આવેલાં પગલાંની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘આના સિવાય કશું રહી જાય છે કહેવાનું?’
‘પ્રાઈમ મિનિસ્ટર સર, લૈલાને એક ફોન આવ્યો હતો અને તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે તમે અમને જે મદદ કરી છે તેના વળતરરૂપે તમને એક ભેટ મોકલવામાં આવી રહી છે, જેની તમને આવશ્યકતા છે.’
‘ક્યાંથી આવ્યો હતો તે ફોન?,’ વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતાએ પૂછ્યું.
ફોન તો કેરળથી જ આવ્યો હતો, પરંતુ જે રીતે વાત કરવામાં આવી હતી તેના પરથી આ ફોનનું રશિયન કનેક્શન હોવાનું લાગી રહ્યું છે.
વાસ્તવમાં લૈલાના હાથ લાગતાં જ સફળ થયેલા છેલ્લા બે પ્રયોગમાંથી ઓછામાં ઓછા એકમાં આ પરબીડિયાંનો હાથ હોય એવું ફક્ત મને નહીં કેટલાક વિજ્ઞાનીઓને પણ લાગી રહ્યું છે, રાજીવ ડોવાલે પોતાની વાત પૂરી કરી.
બે મિનિટ માટે આંખ બંધ કરીને વિચારે ચડી ગયા વડા પ્રધાન. થોડો વિચાર કરીને તેમણે કહ્યું કે ‘તો, એનું શું છે?’
‘સર, મેં બધાને કહી દીધું છે કે આમાં ઊંડા ઊતરવાની જરૂર નથી કેમ કે છેવટે આપણા મિશન મૂનને ફાયદો જ થઈ રહ્યો છે,’ રાજીવે કહ્યું.
‘સારું કર્યું,’ વડા પ્રધાને અત્યંત ટુંકાણમાં પતાવ્યું.
***
રોસ હિલ પર અત્યંત ખુશખુશાલ વાતાવરણ હતું. અનુપમ વૈદ્ય પોતાના પ્રયોગના સફળ થવા પર અત્યંત આનંદી હતો અને પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે તેણે વાંસળી કાઢી.
વાંસળીને મોંએ લગાવીને વગાડવાનું ચાલુ કર્યું અને તેને લૈલાની યાદ આવી. ફક્ત બે દિવસમાં લૈલાને રોસ હિલ પરથી પાછી વિશાખાપટ્ટનમ વિક્રમના પ્રોજેક્ટ પર મોકલી દેવામાં આવી હતી.
આ બે દિવસમાં તેની સાથે વાત કરવા માટે એકાંત મળ્યું નહોતું અને જાહેરમાં તો તેની સાથે અત્યંત અભદ્ર વ્યવહાર કર્યો હતો.
અત્યારે તેનું મન આવો વ્યવહાર કરવા માટે કોચવાઈ રહ્યું હતું, પરંતુ લૈલા પોતાના સસ્પેન્શન માટે જવાબદાર હોવાનું યાદ આવતાં જ તેનું મોં કડવું થઈ ગયું. વાંસળી વાગતી અટકી ગઈ અને અનુપમ સફાળો ઊભો થયો.
***
રશિયાના મુખ્યાલય ડુમા હાઉસમાં પ્રેસિડેન્ટ વોલેરન બાઈને પોતાના ડેપ્યુટીઓની બેઠક બોલાવી હતી અને તેની સાથે વિજ્ઞાનીઓને પણ હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. બધા આવી પહોંચ્યા હતા અને બાઈન તરફ ઈંતેજારીથી જોઈ રહ્યા હતા.
‘મિશન મૂનની તૈયારીઓ ક્યાં સુધી પહોંચી?’ વોલેરન બાઈને પૂછ્યું.
વેલેરી આ સવાલ સાંભળીને વિચારોને ગોટે ચડી ગયો. હજી તો અઠવાડિયા પહેલાં જ પ્રેસિડેન્ટ સરે મિશન મૂન પડતું મૂકવાનું નક્કી કર્યું હતું અને હવે પાછું શું થયું કે મિશન મૂનની પ્રગતિ જાણવા માટે બધાને આટલા વહેલા બોલાવ્યા છે.
બીજી તરફ રૂમા નોમાટોવ પણ આવો જ વિચાર કરી રહ્યો હતો કે અઠવાડિયા પહેલાં ગો-સ્લો પર મુકાયેલું મિશન અચાનક ફાસ્ટ ફોર્વર્ડ પર કેવી રીતે આવી ગયું.
આ બધી વાતોથી અજાણ વિજ્ઞાની મંડળે પોતાની વિગતો આપવાનું ચાલુ કર્યું.
અણુવિજ્ઞાની યેવગેની એડામોવે કહ્યું કે ‘સર, અમારી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. અત્યારે અમારી પાસે સ્પેસ સ્ટેશનમાં લઈ જવા માટેના પોર્ટેબલ પ્લાન્ટ તૈયાર છે, તેને માટેના જનરેટર પણ તૈયાર છે.’
અવકાશવિજ્ઞાની એલેકઝાંડર રૂમાન્ટોવે કહ્યું કે ‘સર, અવકાશયાન તૈયાર છે. અત્યારે બે અવકાશયાન તૈયાર રાખ્યા છે, એકમાં બધાં મશીનો જશે અને તે સીધા ચંદ્ર પર ઉતારવામાં આવશે, જ્યારે બીજા અવકાશયાનને સ્પેસ સ્ટેશન પર વિજ્ઞાનીઓને પહોંચાડવા માટે રાખ્યું છે.’
‘તમારી લીલી ઝંડી મળશે એટલે કાઉન્ટડાઉન ચાલુ કરી નાખશું.’
બંને જણા બોલી રહ્યા હતા ત્યારે પ્રેસિડેન્ટ વોલેરન બાઈન ખગોળશાસ્ત્રી કુર્ચાટોવ સામે જોઈ રહ્યા હતા. તેમની નજરનો સંકેત કુર્ચાટોવ સમજી ગયા.
‘કોમરેડ સર, જ્યાં સુધી મિશન મૂનની વાત છે ત્યાં સુધી આપણે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.’
‘કાઉન્ટ ડાઉન ચાલુ થયા બાદ એકવીસમા દિવસે આપણું અવકાશયાન ચંદ્ર પર જવા રવાના થશે.’
‘ચંદ્ર પર જનારા વિજ્ઞાનીઓની ટીમની પસંદગી મેં, એડામોવ અને રૂમા નોમાટોવે સાથે મળીને કરી છે.’
‘ભારતથી પાછા ફરેલા રોસાટેમને પણ તેમાં સામેલ કરવામાં આવ્યો છે.’
વોલેરન બાઈને સંતોષ વ્યક્ત કરતાં ડોકું હલાવ્યું અને બધાને કહી નાખ્યું કે મિશન મૂન ઓન. કાઉન્ટડાઉન ચાલુ કરી નાખો.
***
વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ જોન લાઈગરે તાકીદની બેઠક બોલાવી હતી અને તેમાં નાસાના વિજ્ઞાની જોન સ્વીપર, ડેપ્યુટી પ્રેસિડેન્ટ મોનિકા હેરિસ અને સેમ્યુઅલ યંગ હાજર હતા.
‘મિ. સ્વીપર, આપણા મિશન મૂનની તૈયારી ક્યાં સુધી પહોંચી છે,’ જોન લાઈગરે પૂછ્યું હતું.
‘પ્રેસિડેન્ટ સર, જ્યાં સુધી નાસાની તૈયારીઓની વાત છે ત્યાં સુધી અમારી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. ચિલ રેટ પાસેથી જે પોર્ટેબલ શુદ્ધીકરણ અને સંવર્ધનના પ્લાન્ટ મળવાના હતા તે પણ મળી ગયા છે. નાસાના વિજ્ઞાનીઓની ટીમ તૈયાર છે,’ જોન સ્વીપરે અત્યંત સૌજન્યપૂર્ણ શબ્દોમાં કહ્યું અને પછી અત્યંત તુચ્છકારભર્યા શબ્દોમાં કહ્યું કે ‘તમારા કંપનીઓના વિજ્ઞાનીઓની જે ટીમ અમારી સાથે આવવાની છે તે હજી સુધી તૈયાર નથી.’
જોન સ્વીપરના શબ્દોમાં કશું જ ખોટું નહોતું, પરંતુ જે રીતે તેણે આ કહ્યું અને તેમાં પણ ‘તમારા’ પર જે રીતે ભાર મુકાયો હતો તે બધાને ખૂંચ્યું, પરંતુ અત્યારે જોન સ્વીપરને નારાજ કરી શકાય એમ નહોતો.
‘વાતને ફેરવી નાખતાં જોન લાઈગરે પૂછ્યું, નાસાના જે વિજ્ઞાનીઓ જવાના છે તેમની અવકાશયાત્રી તરીકેની તાલીમ પૂર્ણ થઈ ગઈ? કાઉન્ટડાઉન ક્યારે શરૂ કરી શકાય એમ છે?’
‘સર, આવતીકાલે કાઉન્ટડાઉન ચાલુ કરી દઈએ અને ૨૧ દિવસ પછી આપણે ઉડ્ડયન ભરીશું. તે પહેલાં કોઈને તાલીમ બાકી હશે તો તે પૂરી કરવામાં આવશે,’ જોન સ્વીપરે કહ્યું.
‘અચ્છા, કાઉન્ટડાઉન ચાલુ. ૨૧મા દિવસે આપણું અવકાશયાન ચંદ્ર માટે રવાના થઈ જવું જોઈએ,’ જોન લાઈગરે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો. (ક્રમશ:)
———-
હવે શું?
અવકાશયાનના મારી પાસે આ બે વૈકલ્પિક મોડેલ છે અને તેમાંથી એક ફાઈનલ કરવાનું છે, પહેલું મોડેલ જયંત સિન્હા દ્વારા મોકલવામાં આવ્યું છે અને બીજું મોડેલ ડીઆરડીઓના એન્જિનિયરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આમાંથી ક્યું મોડેલ આપણા માટે યોગ્ય રહેશે? વિક્રમે પોતાની મદદે તાકીદે મોકલવામાં આવેલી લૈલાને સવાલ કર્યો.