રોસ હિલ પર અત્યારે અનુપમના પ્રોજેક્ટનું છેલ્લું ટ્રાયલ થવાનું હતું. બધા જ લોકો પોતાની મહેનતનું પરિણામ જોવા માટે ઉત્સુક હતા. આખી દુનિયામાં પહેલી વખત કોઈ પણ કેબલ/માધ્યમ વગર વીજળીના પ્રવાહને પસાર કરવાનો વિક્રમ નોંધાવાની શક્યતા હતી. દિલ્હીથી આખી ઘટનાને જીવંત જોવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. રંજન કુમાર અને અનુપ રોય આ જીવંત પ્રસારણ જોવાના હતા
વિપુલ વૈદ્ય
ભારતીય મિશન મૂનના મહત્ત્વના ચરણ સમાન અનુપમના કેબલ/વાયર રહિત વીજળી પસાર કરવાના પ્રયોગનું આજે આખરી ચરણ હતું. ત્રણ દિવસમાં અનુપમના પ્રયોગ માટે આવશ્યક બધા જ ફેરફારો કરી નાખવામાં આવ્યા હતા. હવે વીજ પ્રવાહિત કરીને લગભગ ત્રણેક કલાક સુધી ચાલુ રાખીને જોવાનું હતું કે તેની કોઈ આડઅસર થાય છે કે નહીં. આને માટે કેટલાંક પક્ષીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમને બરાબર વીજ પ્રવાહિત થતી હોય ત્યારે ઉડાવવામાં આવવાનાં હતાં.
અનુપમે જનરેટર ચાલુ કરવા પહેલાં બધાને અલર્ટ કરવા માટે સીટી વગાડી અને બોલવાનું ચાલુ કર્યું કે ‘રેડી, ૩.. ૨.. ૧.. ગો.’
‘બોલો બજરંગબલી કી જય..’ પાછળથી અવાજ આવ્યો અને અનુપમે બટન દબાવીને જનરેટર ચાલુ કર્યું.
હવે અનુપમ સહિત બધા એમીટર પર જનરેટરમાં પેદા થઈ રહેલી વીજળી પર ધ્યાન રાખતા હતા અને તેનો આંક વધતો જોઈ રહ્યા હતા.
જેવો આંક ૨,૦૦,૦૦૦ પર પહોંચ્યો કે તરત જ અનુપમે ટ્રાન્સમીટરને ચાલુ કર્યું. વોલ્ટામીટર પર વીજળી તપાસી લીધી અને નવેસરથી તૈયાર કરવામાં આવેલી મેટલ પ્લેટને બરાબર સામે ગોઠવી અને ટ્રાન્સમીટરમાંથી વીજળીનો લિસોટો બહાર આવે ત્યારે જ તેની સામે અલોય મેટલ પ્લેટનું કાણું આવે એવી વ્યવસ્થા કરી.
આની સાથે જ મેટલ પ્લેટના બાહ્ય વર્તુળમાંથી અલ્ટ્રા-વાયોલેટ કિરણોને પસાર કરવાની વ્યવસ્થા કરી.
ટ્રાન્સમીટરમાંથી નીકળનારા તેજ લિસોટાને જોવા માટે અનુપમ અને અન્યોએ વિશેષ ચશ્માં પહેરી રાખ્યા હતા. તેમને ટ્રાન્સમીટરમાંથી તેજ લિસોટો નીકળતો દેખાયો, મેટલ પ્લેટના બરાબર ગોઠવાયેલા કાણામાંથી લિસોટો આગળ વધ્યો. આની સાથે જ અલ્ટ્રા-વાયોલેટ કિરણો પણ પ્લેટમાંથી બહાર નીકળ્યાં.
હવે અનુપમ અને અન્યોએ પોતાના પહેરેલા ચશ્માં ફગાવીને બીજા ચશ્માં ધારણ કર્યા. તેમને વચ્ચેથી પસાર થનારા તેજલિસોટાની આસપાસ એક અદૃશ્ય વલય તૈયાર થતું દેખાવા લાગ્યું.
વલય ધીરે ધીરે લાંબું થઈને નળાનો આકાર ધારણ કરવા લાગ્યું અને લંબાતું જતું હતું.
અત્યાર સુધી પ્રયોગ અપેક્ષિત પરિણામો આપી રહ્યો હતો. વીજળી પ્રવાહ અલોય મેટલ પ્લેટમાંથી સ્થિર થઈને આગળ વધી રહ્યો હતો અને તેની આસપાસ વલય પણ રચાયું હતું.
હવે શ્રુંગમણિ પર્વત પર રાખવામાં આવેલા ઈન્ડયુસ્ડ પ્લાસમા ચેનલ પાસે શું થઈ રહ્યું છે તેને માટે બધાએ મોનિટરની સ્ક્રિન પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું.
લગભગ અડધી મિનિટથી ઓછા સમયમાં વીજળીનો લિસોટો અને અદૃશ્ય વલય રિસેપ્ટર સુધી પહોંચ્યો. લેસર ઈન્ડ્યુસ્ડ પ્લાસમા ચેનલમાં અત્યારે શુદ્ધ સોનાની પ્લેટો પ્રવાહીમાં લટકી રહી હતી. સોનાની પ્લેટોએ વીજળીનો લિસોટો ઝીલી લીધો અને પ્રવાહીનું તાપમાન વધવા લાગ્યું.
પ્રવાહીનું તાપમાન વધતાં અંદરની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. વધતા તાપમાનની સાથએ જ ટર્બાઈન સક્રિય થયું અને વીજળી પેદા થવા લાગી. ફરી એક વખત બધાનું ધ્યાન બેટરીમાં સંગ્રહ થઈ રહેલી વીજળી પર ગયું.
લગભગ પંદર મિનિટ સુધી અખંડિત વીજળીનો પ્રવાહ ચાલુ રહ્યા બાદ અનુપમ વૈદ્યને મદદ કરવા માટે રાખવામાં આવેલા મનોજ રાયે સવાલ કર્યો.
‘સર, આપણે પક્ષીઓને છૂટ્ટાં મૂકીએ?’
‘ના હજી નહીં, વાતાવરણના વાયુનું આયનીકરણ કરવા માટે ઓછામાં ઓછો અડધો કલાક લાગે અને પ્રાણી-પક્ષીઓને તેની અસર થાય એટલા પ્રમાણમાં આયનીકરણ માટે એક કલાકથી પણ વધુ સમય વીજળી પ્રવાહિત કરવી પડશે, અનુપમે કહ્યું.
લગભગ દોઢેક કલાક થયો એટલે દિલ્હીથી અનુપ રોયે કહ્યું કે અનુપમ શું તમને શ્ર્વાસ લેવામાં તકલીફ જણાઈ રહી છે?
ના સર, એવું કશું લાગી નથી રહ્યું, અનુપમે જવાબ આપ્યો.
અચ્છા, અડધા કલાક પછી પક્ષીઓને મુક્ત કરજો, અનુપે આદેશ આપ્યો.
વીજ પ્રવાહિત થયાને લગભગ બે કલાક થઈ ગયા હતા. સામે બેટરીમાં વીજળીનો સંગ્રહ થઈ રહ્યો હતો અને તે વીજળી સીધી ગ્રીડને આપવામાં આવી રહી હતી. રોસ હિલ અને શ્રુંગમણિ હિલની વચ્ચેના બધા ગામડામાં અત્યારે આ વીજળી પહોંચી રહી હતી. અત્યાર સુધી પ્રયોગ સફળ થતો જણાઈ રહ્યો હતો.
હવે ફક્ત સજીવ સૃષ્ટિ પર વીજ પ્રવાહની આડઅસર થાય છે કે નહીં તે જોવાનું હતું.
અનુપમે મનોજ રાયને ઈશારો કર્યો કે પક્ષીઓને મુક્ત કરવામાં આવે. ડુંગરની કિનારી પાસેથી પાંચેક પોપટ, દસેક ચકલીઓ અને બે બુલબુલને મુક્ત કરવામાં આવ્યા.
આશ્ર્ચર્યજનક બાબત એ હતી કે પક્ષીઓ ઊડી રહ્યા હતા, પરંતુ એકેય પક્ષીએ અદૃશ્ય નળાકારમાં પ્રવેશ કર્યો નહોતો. માનવ દૃષ્ટિને ન દેખાતું આ વલય શું પક્ષીઓને દેખાતું હશે? એવો સવાલ અત્યારે અનુપમને થઈ રહ્યો હતો. પક્ષીઓ થોડી વાર સુધી ઉડ્યા બાદ શ્રુંગમણિ હિલના ગાઢ જંગલોમાં ગાયબ થઈ ગયા.
પાંચેક કલાકના વીજ પ્રવાહ બાદ અન્ય ૨૦ પક્ષીઓ મુક્ત કરવામાં આવ્યા અને તેઓ પણ ઉડતા ઉડતા સુરક્ષિત રીતે શ્રુંગમણિ હિલના જંગલોમાં ખોવાઈ ગયા. પાંચ કલાક સુધી તો કોઈ અસર જોવા મળી નહોતી હવે ૧૨ કલાક બાદ બાકીના પક્ષીઓને મુક્ત કરવાના હતા.
****
સેન્ટ્રલ વિસ્ટામાં અત્યારે વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી.
આ બેઠક પહેલાં વડા પ્રધાને રાજીવ ડોવાલ સાથે ખાનગીમાં એક બેઠક કરી હતી. રાજીવે તેમને પોતાની પાસે રહેલી માહિતી આપી હતી કે ચીન, રશિયા અને અમેરિકા મિશન મૂન પર જવાની તૈયારીઓ કરી રહ્યા છે.
તેમની તૈયારીઓ ક્યાં સુધી પહોંચી છે તેની પણ વિગતો રાજીવે વડા પ્રધાનને આપી હતી.
‘પ્રાઈમ મિનિસ્ટર સર, મિશન મૂન માટેની મારી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. મારી પાસે અત્યારે આખા પ્રોજેક્ટની બ્લ્યુ-પ્રિન્ટ તૈયાર છે. આપણું મિશન મૂન લોન્ચ થવા માટે તૈયાર છે,’ રંજન કુમાર અત્યંત ઉત્સાહમાં બોલી રહ્યા હતા.
‘મિશન મૂન શ્રીહરિકોટાથી કરવાનું યોગ્ય રહેશે.’
‘તમે કહો તો આખી વિગતો આપું.’
‘રંજન કુમાર, તમે અને અનુપની આપસમાં સહમતી હોય તો પ્રોજેક્ટ રિપોર્ટ મને બનાવીને મોકલી આપજો. મારી પાસે અત્યારે સમય નથી.’
‘પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ કેટલા દિવસમાં તમારું અવકાશયાન રવાના થઈ શકે છે?,’ વડા પ્રધાને પૂછ્યું.
‘સર, તમે મંજૂરી આપશો એટલે તરત જ અમે કાઉન્ટ ડાઉન ચાલુ કરી દઈશું અને ૨૧મા દિવસે આપણે અવકાશયાનને રવાના કરી શકીશું,’ રંજન કુમાર બોલ્યા.
‘કાઉન્ટ ડાઉન ચાલુ કરવાનું છે, પરંતુ ૨૧મા દિવસે નહીં ચૌદમા દિવસે આપણું અવકાશયાન રવાના થવું જોઈએ,’ વડા પ્રધાને કહ્યું.
‘જેવી આપની આજ્ઞા,’ રંજન કુમારે કહ્યું.
‘ઉડાણ શ્રીહરિકોટાથી નહીં થાય, એને માટે બીજી જગ્યા નક્કી કરી નાખજો.’
‘શ્રીહરિકોટા પર આખી દુનિયાની નજર રહેતી હોય છે,’ વડા પ્રધાને કહ્યું.
‘ઓકે સર, અબ્દુલ કલામ ટાપુ પરના સ્પેસ સ્ટેશનમાંથી આપણે અવકાશયાન લોન્ચ કરવાનું કેવું રહેશે?’
‘કલામ સરને આ રીતે આપણે સૌથી મોટા પ્રોજેક્ટ સાથે સાંકળી શકીશું,’ રંજન કુમાર બોલ્યા.
‘આ સારો આઈડીયા છે.’
‘સારું, તમે તૈયારીઓ કરો, આપણે લોન્ચની તારીખ નક્કી કરીએ,’ વડા પ્રધાને કહ્યું. (ક્રમશ:)
——-
હવે શું?
આ શું ચાલી રહ્યું છે? હજી તો અઠવાડિયા પહેલાં જ મિશન મૂન માટે રાષ્ટ્રપ્રમુખે
ગો-સ્લો કરવાનું કહ્યું હતું અને હવે તેઓ પોતે જ મિશન મૂનને આજે લીલી ઝંડી આપી રહ્યા છે અને વહેલામાં વહેલી તકે ચંદ્ર પર પહોંચવાની વાત કરી રહ્યા છે, રોમા નોમાટોવના મગજમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું