‘સર, એક સારા સમાચાર છે. જયંત સિન્હા દ્વારા મોકલવામાં આવેલા મોડેલને આધારે તૈયાર કરાયેલા પ્રોટોટાઈપને ૧૫,૦૦૦ મીટર ઊંચાઈ પર લઈ જઈને એક કલાક સુધી ફેરવવાનો પ્રયોગ સફળ થઈ ગયો છે,’ વિશાખાપટ્ટનમથી વિક્રમ નાણાવટીએ અનુપ રોયને અહેવાલ આપ્યો
લેખક – વિપુલ વૈદ્ય
ચીનના રાષ્ટ્ર પ્રમુખ લ્યાન ઝિન પિંગ અત્યારે ટેન્શનમાં હતા અને તેમણે પોતાના બધા જ સલાહકારોને બોલાવી રાખ્યા હતા. બે વાઈસ-પ્રેસિડેન્ટ ઝૂ કિલાંગ અને ઝાંગ યુઓઆને પરિસ્થિતિ ગંભીર લાગી રહી હતી. જાસૂસી સંસ્થા એસએમએસના વડા લી પણ હાજર હતા અને ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હ્યુ રેન્યુ પણ હાજર હતા.
લ્યાન ઝિન પિંગ અત્યારે ગુસ્સામાં લાલચોળ થઈ રહ્યા હતા અને આ ગુસ્સાનો ભોગ હવે કોણ બનશે તેની ચિંતા બધાને થઈ રહી હતી.
‘ઝાંગ, આપણા લાન્ઝાઉના પ્લાન્ટમાં હડતાળ સુધીની વાત મને સમજાય છે, પરંતુ તેમાં તોડફોડ અને આગ લગાવવામાં આવી આ કેમ કરતાં શક્ય થયું?,’ લ્યાન ઝિન પિંગે અગ્રણી અણુવિજ્ઞાની ઝાંગ યાંગને સવાલ કર્યો.
‘કોમરેડ સર, મને પણ કશું સમજાતું નથી. આની પાછળ ચોક્કસ કોઈ મોટો હાથ લાગે છે,’ ઝાંગ યાંગે કહ્યું.
‘વાંગ, તમારા સ્પેસ સ્ટેશનમાં શું સમસ્યા સર્જાઈ હતી?’ લ્યાન ઝિન પિંગે હવે અવકાશ વિજ્ઞાની વાંગ ચાંગને સવાલ કર્યો.
કોમરેડ સર, આપણા સ્પેસ સ્ટેશનની સિસ્ટમ હેંગ થઈ ગઈ હતી અને આપણો સંપર્ક કપાઈ ગયો હતો.
‘આનું કારણ તો ખબર પડી નથી, પરંતુ આપણે ગણતરીની મિનિટોમાં સમાંતર સિસ્ટમ પર આખું ટ્રાન્સફર કરીને તરત સિસ્ટમ ચાલુ કરી દીધી હતી અને સંપર્ક પુન:સ્થાપિત થયો છે,’ વાંગ ચાંગે માહિતી આપી.
‘હ્યુ, ગુમ થયેલા વિજ્ઞાની સાથે તમારો સંપર્ક થયો?’
‘સોરી કોમરેડ સર, હજી સુધી વાંગ ડાહેંગનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.’
‘સ્થાનિક પોલીસ તેમને શોધવાનો પ્રયાસ કરી રહી છે.’
‘અમે લીને પણ જાણ કરી છે અને તેઓ પોતાની રીતે તેને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે,’ હ્યુએ પોતાની માહિતી આપી.
‘લી…’ હજુ તો લ્યાન ઝિન પિંગ આટલું બોલ્યા ત્યાં લીએ જવાબ આપવાનું ચાલુ કરી દીધું.
‘કોમરેડ સર, છેલ્લા અહેવાલો મુજબ વાંગ ડાહેંગ લાન્ઝાઉના પ્લાન્ટમાં હતા. હડતાળ ચાલુ થઈ ત્યારે તેઓ પ્લાન્ટની અંદર હતા.’
‘હડતાળને કારણે જે અંધાધુંધી સર્જાઈ તેમાં તેઓ ક્યાં ગુમ થઈ ગયા તેની જાણકારી મળી શકી નથી.’
‘તેમનું ટ્રેકિંગ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તેમના ફોનની લાસ્ટ લોકેશન લાન્ઝાઉનો પ્લાન્ટ જ દેખાડે છે.’
‘ગુમ થયા ત્યારથી અત્યાર સુધી બે વખત તેમનો ફોન ચાલુ થયો હતો અને બંને વખત લોકેશન લાન્ઝાઉનું જ દેખાય છે.’
‘લાન્ઝાઉના એક-એક ઘરમાં તપાસ કરવામાં આવી છે, છતાં હજી સુધી કશું જાણવા મળ્યું નથી.’
‘કિલાંગ…’ લ્યાન ઝિન પિંગે ફક્ત નામ લીધું સીપીસીના વાઈસ પ્રેસિડેન્ટ ઝૂ કિલાંગનું અને તરત જ તેમણે જાણકારી આપવાનું ચાલુ કર્યું.
‘મિશન મૂનના આપણા પ્રોગ્રામને નુકસાન પહોંચાડવાનું હેતુસરનું કાવતરું હોવાની શંકા જાગી રહી છે.’
‘આપણા સિવાય ફક્ત અમેરિકા અને ભારત મિશન મૂન પ્રોજેક્ટ કરી રહી છે.’
‘અમેરિકન દૂતાવાસ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, પરંતુ ત્યાં કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાઈ નથી.’
‘ભારતીય દૂતાવાસ બંધ પડ્યું છે.’
‘હુઆંગડોંગમાં કેટલાક ભારતીયો છે. આ બધા પર નજર રાખવામાં આવી રહી છે, પરંતુ કશું શંકાસ્પદ જણાતું નથી,’ કિલાંગ માહિતી આપી રહ્યો હતો ત્યાં વચ્ચે જ રાષ્ટ્રપ્રમુખે તેને ટોકતાં કહ્યું.
‘ભારતીયો પર નજર રાખવાનો કોઈ અર્થ નથી. તેમની ક્ષમતા નથી કે આવું કશું કરી શકે. આમેય ભારતીયો કોઈને નડવામાં માનતા નથી એ તો આપણે કબૂલ કરવું રહ્યું.’
‘દેશમાં વસતા બધા જ અમેરિકનો પર નજર રાખો,’ લ્યાન ઝિન પિંગે આદેશ આપ્યો.
***
‘સર, એક સારા સમાચાર છે. જયંત સિન્હા દ્વારા મોકલવામાં આવેલા મોડેલને આધારે તૈયાર કરાયેલા પ્રોટોટાઈપને ૧૫,૦૦૦ મીટર ઊંચાઈ પર લઈ જઈને એક કલાક સુધી ફેરવવાનો પ્રયોગ સફળ થઈ ગયો છે,’ વિશાખાપટ્ટનમથી વિક્રમ નાણાવટીએ અનુપ રોયને અહેવાલ આપ્યો.
‘પ્રોટોટાઈપનો પ્રયોગ સફળ થયા બાદ હવે અવકાશયાન તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે.’
‘અવકાશયાનનું મોડેલ તૈયાર છે. આને માટે રંજન કુમાર સાથે વાત કરવી છે,’ વિક્રમે કહ્યું.
રંજન કુમારને ફોન આપવામાં આવ્યા બાદ વિક્રમે કહ્યું કે ‘મારી સાથે ડીઆરડીઓના સિનિયર એન્જિનિયર રામ શર્મા છે. તેમને તમારી સાથે અવકાશયાનના મોડેલ બાબતે વાત કરવી છે.’
‘અવકાશયાન ત્રણ દિશામાંથી ખૂલી શકે એવું હોવું જોઈએ, જેથી આપણે જે પ્લાન્ટ લઈ જઈએ છીએ તેને સહેલાઈથી ચંદ્રની ધરતી પર ઉતારી શકાય.’
‘આવી જ રીતે પાછા ફરતી વખતે ચંદ્ર પરથી વસ્તુઓ પાછી લાવી શકાય.’
‘શ્રી હરિકોટાના પ્લાન્ટમાંથી ચંદ્રયાન-૨ માટે વાપરવામાં આવેલા અવકાશયાનને મોકલી આપવામાં આવ્યો છે, તેમાં થોડો સુધારો કરી નાખજો.’
‘જયંત સિન્હા દ્વારા તૈયાર કરવામાં આવેલું અવકાશયાન હજી ફાઈનલ નથી એટલે શ્રી હરિકોટાનું અવકાશયાન આવે ત્યાં સુધી રાહ જોજો,’ રંજન કુમારે અનેક સૂચનાઓ આપી.
‘સર, મારી પાસે જે મોડેલ આવ્યું છે તેને ત્રણ તરફથી ખૂલે એવું બનાવવા જઈએ તો મુશ્કેલી સર્જાઈ શકે છે. તેમની મજબૂતી પર અસર થશે,’ રામ શર્માએ પોતાની અગવડ જણાવી.
‘અચ્છા, તમારી પાસે કોઈ બીજો વિકલ્પ છે?’ રંજન કુમારે પૂછ્યું.
‘હા સર, વિક્રમને બે-ત્રણ મોડેલ દેખાડ્યાં હતાં. તમને કામ લાગે એવું શંકુ આકારનું ઉડતી રકાબી જેવું એક મોડેલ પણ છે. આ મોડેલને તૈયાર કરવાનું પણ સહેલું છે અને ઉડ્ડયન કરવાનું પણ એકદમ સહેલું છે.’
‘વળી એમાં આઠ જેટ રાખવાની સુવિધા મળશે એટલે ગતિ મેળવવામાં પણ સગવડ રહેશે,’ રામ શર્માએ કહ્યું.
‘એક કામ કરો, વિક્રમને ફોન આપો,’ રંજન કુમારે કહ્યું.
‘વિક્રમ, એક કામ કર. રામ શર્મા દ્વારા જે શંકુ આકારની ડિઝાઈન તને દેખાડવામાં આવી હતી તે ઝડપથી મને મોકલ,’ રંજન કુમારે કહ્યું.
‘હા સર, જેવી તમારી આજ્ઞા,’ વિક્રમે જવાબ આપ્યો.
***
એમજેપી અકબર અને જયંત સિન્હા અત્યારે નોર્થ-એન્ડની ઓફિસમાં બેઠા હતા અને અવકાશયાનની ડિઝાઈન પર ચર્ચા કરી રહ્યા હતા.
‘જયંત, તારી ડિઝાઈન ફાઈનલ થઈ ગઈ લાગે છે,’ એમજેપી અકબરે કહ્યું.
‘સર, અત્યારે કશું કહી શકાય નહીં. મારી ડિઝાઈન લેવામાં આવી હતી, પરંતુ તેનું શું થયું તેની જાણકારી મારી પાસે નથી,’ જયંત સિન્હાએ કહ્યું.
‘રંજન આપણને કહેતો હતો કે ત્રણ તરફથી ખૂલે એવી ડિઝાઈન જોઈએ છે, પરંતુ તારી ડિઝાઈન તો ફક્ત એક જ તરફથી ખૂલે એવી છે.’
‘તો પછી તારી ડિઝાઈનને મંજૂર કેવી રીતે કરી?’
‘તમારી વાત તો સાચી છે, પરંતુ કેવી રીતે કરી એની જાણકારી તો મારી પાસે પણ નથી.’
તેમની વચ્ચે આ વાતો ચાલી રહી હતી એટલી વારમાં રંજન કુમાર અને અનુપ રોય તેમની કેબિનમાં પ્રવેશ્યા.
‘અકબર, અવકાશયાન માટે આ ડિઝાઈન કેવી રહેશે?’ અનુપ રોયે પોતાના હાથમાં રહેલી ડિઝાઈનને દેખાડતાં એમજેપી અકબરને સવાલ કર્યો. (ક્રમશ:)
——–
હવે શું?
રશિયામાં અત્યારે વાતાવરણ અલગ થઈ રહ્યું હતું. રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈને મિશન મૂન પ્રોજેક્ટને ગો સ્લો કરી નાખ્યું હોવાથી રૂમા નોમાટોવની અપેક્ષામાં વધારો થઈ રહ્યો હતો. અમેરિકા મિશન મૂનમાં આગળ વધી રહ્યું છે, ચીન આગળ વધી રહ્યું છે અને ભારત સુધ્ધાં આગળ વધી રહ્યું છે તો રશિયાએ શું કામ પાછળ રહેવું જોઈએ એવી લાગણી ભડકાવીને બધા ડેપ્યુટીને પોતાની તરફ કરવાની ઈચ્છા ધરાવતો હતો તે.