વિશાખાપટ્ટનમમાં વિક્રમનો નિષ્ફળ થઈ રહેલો પ્રયોગ અચાનક એક જ ધડાકે સફળ થઈ ગયો. એટલું જ નહીં તેનો ૧૫,૦૦૦ મીટર ઊંચે ઉડ્ડયનનો બીજો પ્રયોગ પણ સફળ થઈ ગયો
વિપુલ વૈદ્ય
સેન્ટ્રલ વિસ્ટામાં અત્યારે ન જણાવી શકાય એવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું.
એક તરફ રંજન કુમારને પોતાની યોજના સફળ થતી જણાઈ રહી હતી ત્યારે બીજી તરફ તેમના વરિષ્ઠ અધિકારી અનુપ રોયને આ બધી યોજનામાં કશી ગડબડ લાગી રહી હતી.
રંજન કુમાર દ્વારા અચાનક લૈલાને વિશાખાપટ્ટનમમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો.
વિશાખાપટ્ટનમમાં વિક્રમનો નિષ્ફળ થઈ રહેલો પ્રયોગ અચાનક એક જ ધડાકે સફળ થઈ ગયો. એટલું જ નહીં તેનો ૧૫,૦૦૦ મીટર ઊંચે ઉડ્ડયનનો બીજો પ્રયોગ પણ સફળ થઈ ગયો.
એના પછી લૈલાને જ તિરૂવનંતપુરમ મોકલવાનો નિર્ણય રંજન કુમારે લઈ લીધો.
આ જ લૈલાએ અનુપમ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી અને તે ફરિયાદની દખલ લઈને ખુદ રંજન કુમારે જ તેને સસ્પેન્ડ કરી નાખ્યો હતો.
હવે રંજન કુમાર પોતે જ બંનેને એકબીજા સાથે કામ કરવા મોકલી રહ્યો હતો.
રંજન કુમારે શ્રુતિ અને મીનાની સરખામણીએ લૈલા વધુ હોશીયાર છે એવી દલીલ કરી તે યોગ્ય હોવા છતાં આ બધામાં કશુંક અનુપ રોયને ખટકી રહ્યું હતું.
ક્યાંક કશું અસ્પષ્ટ અને ન સમજાય એવું હતું.
બીજી તરફ લૈલાના હાથમાં અચાનક જાણે જાદુ આવી ગયો હોય એવું થઈ રહ્યું હતું.
શું રંજન કુમાર અને લૈલા કોઈ અદૃશ્ય મદદ મેળવી રહ્યા હતા?
શું રંજન કુમારના મનમાં રહેલું મિશન મૂન કોઈ અદૃશ્ય તાકાતના ઈશારે ચાલી રહ્યું હતું?
શું સેન્ટ્રલ વિસ્ટાની બહાર રહેલી કોઈ વ્યક્તિ મિશન મૂન વિશેની રજેરજ માહિતી ધરાવતું હતું અને તે રંજન કુમાર અને લૈલાને મદદ કરી રહી હતી?
આવા અનેક પ્રશ્ર્નો અત્યારે અનુપ રોયને થઈ રહ્યા હતા.
બીજી તરફ આવા જ પ્રશ્ર્નોથી રાજીવ ડોવાલ પણ પરેશાન હતા અને આખરે તેમણે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો.
‘રાજેશ, લૈલા અને રંજન કુમારના લૈલા અહીંથી વિશાખાપટ્ટનમ જવા નીકળી તે પહેલાંના ૨૪ કલાકના સીડીઆર લઈ આવ,’ રાજીવ ડોવાલે આદેશ આપ્યો.
આ સીડીઆરને સાંભળવાથી અત્યારે ન સમજાઈ રહેલી બાબતો સમજાઈ જશે એવી આશા રાજીવને હતી.
****
એમજેપી અકબરને માટે સેન્ટ્રલ વિસ્ટામાં પાર્સલ આવ્યું હોવાની વાત વાયુવેગે રાજીવ ડોવાલ પાસે પહોંચી, તેમણે સીસીટીવી કેમેરામાં અકબર જે કેબિનમાં બેઠા હતા તેના પર નજર માંડી.
પાર્સલમાંથી એક ફૂગલનો ફોન નીકળ્યો.
તેમણે રાજેશ પાસે આ પાર્સલ વિશેની માહિતી માગી.
‘સર, અકબરના એક ભાઈ છે. અમેરિકામાં નોકરી કરે છે. તેમણે ફૂગલ કંપનીનું આ લેટેસ્ટ મોડેલ મોકલ્યું છે,’ રાજેશે કહ્યું.
‘આની પહેલાં આપણા મિશન મૂનની માહિતી લીક થઈ ત્યારે ફૂગલ કંપનીની ડિસ્પ્લે સ્ક્રીન હતી, બરાબર?’
‘હવે આપણે ત્યાં આ ફૂગલનો ફોન આવ્યો છે, બરાબર?’
‘આ કોઈ મોટું કાવતરું હોવાનું નથી લાગતું?,’ રાજીવ ડોવાલે પૂછ્યું.
‘સર, હું કેવી રીતે કહી શકું?,’ રાજેશ તિવારીએ પૂછ્યું.
‘આમાં આપણે કેવી રીતે તેમને રોકી શકીશું?’
‘ફોન તેમના ભાઈએ મોકલ્યો છે. તેમની વ્યક્તિગત વસ્તુ છે,’ રાજેશે લાચારી દર્શાવી.
‘ફૂગલ કંપનીના ફોનમાં માઈક કાયમ ચાલુ રહે છે અને આમ આપણી ઓફિસમાં જેટલી વાતો થશે તે બધી જ ફૂગલની હેડ ઓફિસમાં સંભળાશે,’ રાજીવ ડોવાલે પોતાની ચિંતા વ્યક્ત કરી.
‘વાત સાચી છે, પરંતુ તેમને વ્યક્તિગત રીતે આવેલી ભેટને વાપરતાં કેવી રીતે રોકી શકાશે?,’ રાજેશે વધુ એક વખત પોતાનો મુદ્દો રજૂ કર્યો.
‘અચ્છા એક કામ કર, રણજીતને મોકલ,’ રાજીવ ડોવાલે કહ્યું.
****
‘રણજીત, આપણી ઓફિસમાં એક ફૂગલનો ફોન આવ્યો છે. આ ફોનને તારે હેક કરવાનો છે અને તેના માઈકને ડિસેબલ કરી નાખવાનું છે,’ રાજીવ ડોવાલે કહ્યું.
‘તારાથી થઈ શકશે?’
‘મારાથી તો થઈ જશે, પરંતુ પછી ફોન વાપરનારી વ્યક્તિને માઈક વાપરવું હશે તો તકલીફ પડશે. તેમને જાણ થઈ જશે. ફોન પણ કરી શકશે નહીં,’ રણજીતે માહિતી આપી.
‘અચ્છા, સિલેક્ટિવ રીતે માઈકને ડિસેબલ કરી શકાશે?,’ રાજીવ ડોવાલે સવાલ કર્યો.
‘સર, બેકગ્રાઉન્ડમાં કે સ્લીપ મોડમાં માઈક બંધ કરવું હોય તો હેક કરીને હું બંધ કરી શકીશ.’
‘આવી સ્થિતિમાં ફોનને અડ્યા વગર તેઓ ફોનને વાપરી શકશે નહીં.’
‘ફૂગલના ફોનમાં જે સ્પીક-ટુ-ઓર્ડરની જે સુવિધા છે તે તેઓ વાપરી શકશે નહીં.’
‘જો આવા ફોન વાપરવાનો મહાવરો હશે તો તેમને ખબર પડી જશે અને જો તેઓ બેકગ્રાઉન્ડમાં ફરી માઈક ચાલુ કરે તો આપણે ફરી બંધ કરવું પડશે,’ રણજીતે પોતાનો મુદ્દો માંડ્યો.
‘મને લાગતું નથી કે એમજેપી અકબરને ફોનની આ સુવિધાની જાણ હશે એટલે આપણે ચિંતા કરવાની જરૂર જણાતી નથી.’
‘જોકે, આ ફોનને ટ્રેકિંગમાં રાખજે. આમાંથી ઈન્ફર્મેશન બહાર જતી લાગે તો મને જાણ કરજે,’ રાજીવે રણજીતને આદેશ આપ્યા.
****
‘સેમ્યુઅલ, આપણે ચીનના સેટેલાઈટને હેક કરી નાખ્યું હતું તો તે ફરીથી કામ કરતું થઈ ગયું. કેવું કામ કરી રહ્યા છે તારા માણસો,’ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગર અત્યારે બરાબરના ગુસ્સે થયા હતા.
‘સર, આપણે તેમના સેટેલાઈટને હેક કર્યું હતું, પરંતુ તેમણે લાલ આર્મીની સમાંતર સિસ્ટમ પર ફરીથી ચાલુ કરી નાખ્યું છે,’ સેમ્યુઅલે કહ્યું.
‘તેમના વિજ્ઞાની પાસેથી પ્રોજેક્ટ વિશેની કશી માહિતી મળી છે?,’ લાઈગરે પૂછ્યું.
‘હજી સુધી તો તે કશું બોલ્યો નથી, પરંતુ આપણા એજન્ટો માહિતી કઢાવવાનો પ્રયાસ કરી રહ્યા છે,’ સેમ્યુઅલે જવાબ આપ્યો.
‘તારી પાસે એવી કોઈ માહિતી છે, જેનાથી મને આનંદ મળી શકે?’
‘ક્યારનો મોંકાણની જ માંડી રહ્યો છે,’ હવે લાઈગર બરાબરના ધૂંધવાયા હતા.
‘સર, જે પ્લાન્ટમાં સ્ટ્રાઈક પડી હતી તેમાં કામગારોએ આગ લગાડી હતી અને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. ઓછામાં ઓછું બે મહિના સુધી પ્લાન્ટ ફરી કામમાં આવી શકશે નહીં,’ સેમ્યુઅલે છેવટે સારા સમાચાર આપ્યા. (ક્રમશ:)
———
હવે શું?
ચંદ્ર પર જવા માટે આપણું અવકાશયાન તૈયાર થઈ ગયું છે, વિક્રમ નાણાવટીએ પોતાના બોસ અનુપ રોયને આ માહિતી આપી અને જણાવ્યું કે જયંત સિન્હા દ્વારા મોકલવામાં આવેલા મોડેલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. થોડા દિવસમાં તે તૈયાર થઈ જશે.