‘અત્યારે તમારું વિમાન ફક્ત ૧,૦૦૦ મીટર ઊંચાઈ પર ગયું હતું, તારે આવતી કાલે એને ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી લઈ જવાનું છે. આને માટે આવશ્યક પ્રોગ્રામિંગ કરવાનું રામ શર્માને કહી દેજે’
વિપુલ વૈદ્ય
સેન્ટ્રલ વિસ્ટાના સાઉથ-એન્ડમાં અત્યારે ઉત્સાહનું વાતાવરણ હતું. વિક્રમ નાણાવટી દ્વારા કરવામાં આવેલો પ્રયોગનો પ્રથમ તબક્કો સફળ થયો હતો અને વિમાન ૧,૦૦૦ મીટર સુધી ઉપર ગયું હતું અને તેનું લેન્ડિંગ પણ સરળતાથી થયું હતું.
વિક્રમની મદદ માટે લૈલાને મોકલવાનો નિર્ણય યોગ્ય સિદ્ધ થયો હતો.
રંજન કુમારે તરત જ વિક્રમને ફોન લગાવ્યો.
‘વિક્રમ, પહેલા પ્રયોગની સફળતા માટે અભિનંદન.’
‘હવે તારે આવતી કાલે આનો બીજો પ્રયોગ કરવાનો છે.’
‘અત્યારે તમારું વિમાન ફક્ત ૧,૦૦૦ મીટર ઊંચાઈ પર ગયું હતું, તારે આવતી કાલે એને ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી લઈ જવાનું છે.’
‘આને માટે આવશ્યક પ્રોગ્રામિંગ કરવાનું રામ શર્માને કહી દેજે.’
‘આપણે જોવાનું છે કે તમારા એન્જિનની તાકાત કેટલી છે.’
‘આપણે તો પાછું આનાથી ઘણી વધારે ઊંચાઈ પર જવાનું છે,’ રંજન કુમારે કહ્યું.
‘હા સર, તમારી વાત હું સમજી ગયો.’
‘મને આ જવાબદારી સોંપવા બદલ આભારી છું.’
‘હવે મને લાગે છે કે મારા કામને મારા કરતાં વધારે સારી રીતે તમે સમજી શકો છો,’ વિક્રમ અત્યારે અભિભૂત થઈ ગયો હતો.
****
‘મને લાગે છે કે અનુપમને પૂછી લઈએ કે તેને કોઈ મદદની આવશ્યકતા છે?,’ અનુપ રોયે કહ્યું.
‘તમારી વાત સાચી છે,’ રંજન કુમારે કહ્યું.
રંજન કુમારે અનુપમને ફોન લગાવ્યો.
‘અનુપમ, તારા પ્રયોગનું શું થયું? બીજો પ્રયોગ સફળ થયો કે નિષ્ફળ?’
‘સર, મારો રિફ્લેક્ટરનો પ્રયોગ બે વખત નિષ્ફળ થયો છે.’
‘મેટલની પ્લેટ પર વીજળીનો મારો થતાં જ એક વખત આખી પ્લેટ ઊડી ગઈ હતી અને બીજી વખત તેમાં કાણું પડી ગયું હતું.’
‘સોલાર પ્લેટ પર વીજળીનો મારો થયો તેનું પણ રિફ્લેક્શન થયું નથી. પાંચેક ટકા જેટલી વીજળી શોષાઈ બાકીની ફેઈલ થઈ ગઈ,’ અનુપમે પોતાના પ્રયોગની માહિતી આપી.
‘અચ્છા હવે આવી સ્થિતિમાં આપણી પાસે રિફ્લેક્ટર તરીકે વાપરવા માટે બીજું કંઈ નથી.’
‘એક રસ્તો કરી શકાય એમ છે, તારી વીજળીનો માર તાંબાની પ્લેટ પર લાગશે તો તે તૂટશે નહીં, પરંતુ ત્યાંથી તે પાછી ફરશે નહીં. આને માટે એક રસ્તો કરી જુઓ, સિલિકોનની એક સેન્ટિમીટર જાડી પરત તાંબાની ઉપર લગાવીને પ્રયોગ કરી જુઓ.’
‘મને લાગે છે કે સિલિકોન વીજળીને પાછી ફેંકી દેશે. જો સિલિકોન વીજળી નહીં ફેંકે તો કાચની પ્લેટનો ઉપયોગ કરવો પડશે.’
‘આપણા મિશન મૂનના પ્રોજેક્ટ માટે રિફ્લેક્ટરની જરૂર પડશે.’
‘પાછળ તાંબાની પ્લેટ હશે તો કાણું નહીં પડે.’
‘આ પ્રયોગ કેટલો સફળ થાય છે તે જોઈએ,’ એમ રંજન કુમારે કહ્યું.
‘બીજી એક વાત સળંગ એક કલાક સુધી વીજળીને જનરેટરમાંથી પ્લાસમા પેનલ પર ફેંકીને એનો અહેવાલ આપ કે વીજળી કેટલા ટકા સંગ્રહ થાય છે.’
‘પ્લાસમા પેનલમાં વધુ વીજળી શોષવા માટે આવશ્યક જણાય તો તને સોનાની પ્લેટ મોકલી આપું.’
‘વિચાર કરી લે.’
‘તારે કોઈ સહાયકની આવશ્યકતા હોય તો પણ જણાવજે,’ રંજન કુમારે કહ્યું.
‘સર, મને સહાયકની આવશ્યકતા જણાઈ રહી છે, કેમ કે કેટલાક મૂંઝવતા પ્રશ્ર્નો છે,’ અનુપમે કબૂલાત કરી.
‘વીજળીનો સંગ્રહ અને ફેર ઉપયોગ કરવાની પ્રક્રિયા નક્કી કરવા માટે મદદ જોઈએ છે.’
‘આ રિફ્લેક્ટરનું કામ કરવા માટે પણ સહાયક જોઈશે. અહીં મારા સિવાય કોઈને વીજળીના કામની ગતાગમ પડતી નથી,’ અનુપમે કહ્યું.
‘અચ્છા, મીનાને સહાયક તરીકે મોકલું તો ચાલશે?’ રંજન કુમારે પૂછ્યું.
‘ના સર, મીના બિલકુલ નહીં. તે મારું જીવવાનું હરામ કરી નાખશે,’ અનુપમના સ્વરમાં ધ્રુજારી આવી હોવાનું રંજન કુમારે અનુભવ્યું.
‘શ્રુતિ ચાલશે?,’ રંજન કુમારે પૂછ્યું.
‘શ્રુતિનો વાંધો નથી, પરંતુ તે આવવા તૈયાર છે?,’ અનુપમે પૂછ્યું.
‘અચ્છા, એક કામ કરું છું લૈલાને મોકલી આપું છું, તે ત્યાં વિશાખાપટ્ટનમમાં જ છે, જલદી આવી જશે,’ રંજન કુમારે કહ્યું.
‘જેવી તમારી મરજી સર,’ અનુપમે કહ્યું.
****
લૈલાને જ્યારે વિશાખાપટ્ટનમમાંથી તિરુવનંતપુરમ જવાનું કહેવામાં આવ્યું ત્યારે તે પહેલાં તો ગૂંચવાઈ ગઈ, પરંતુ જ્યારે વિક્રમ પાસેથી તેને ખબર પડી કે તિરુવનંતપુરમની રોસ હિલ પર અનુપમ પ્રયોગ કરી રહ્યો છે ત્યારે તેના આનંદનો પાર ન રહ્યો.
****
વિક્રમ અત્યારે સાતમા આસમાનમાં પહોંચી ગયો હતો. તેનો ૧૫,૦૦૦ મીટરની ઊંચાઈએ વિમાન ઉડાવવાનો પ્રયોગ પણ સફળ થઈ ગયો હતો. આ પ્રયોગ સફળ થવા માટેનું બધું જ શ્રેય તે લૈલાને આપી રહ્યો હતો.
લૈલા અત્યારે વિશાખાપટ્ટનમમાં બધાની આંખનો તારો બની ગઈ હતી.
બીજી તરફ સેન્ટ્રલ વિસ્ટામાં રાજીવ ડોવાલ અને આદેશ રાજપાલ પણ ગૂંચવાયેલા હતા. અત્યાર સુધી જેને વિલન માની રહ્યા હતા તે લૈલા તો અત્યારે હીરો બની રહી હતી. તેણે પોતાનું પહેલું મિશન સફળતાથી પાર પાડ્યું હતું અને હવે તે બીજા મિશનને પાર પાડવા માટે તિરુવનંતપુરમ જઈ રહી હતી.
તેમને રંજન કુમાર સમજાતા નહોતા.
જે લૈલાની ફરિયાદ પર અનુપમને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો હતો તે જ લૈલાને તેઓ અનુપમની મદદે મોકલી રહ્યા હતા અને લૈલા પણ રાજીખુશીથી જવા તૈયાર હતી.
વિક્રમ નાણાવટીને લૈલાએ જે મદદ કરી તે અકલ્પનીય, અવિશ્ર્વસનીય અને અદ્ભુત હતી. ગણતરીના કલાકોમાં તેણે પ્રોટોટાઈપને ઊડતું કરી નાખ્યું હતું. તેના પછી મોડેલ ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી પણ સફળતાથી પહોંચ્યું હતું.
હવે અનુપમના પ્રોજેક્ટમાં પણ આવી અકલ્પનીય સફળતા મળે છે કે નહીં તે જોવાનું હતું.
****
ચીનમાં બીજી તરફ કોઈ નવી જ સમસ્યા આવી રહી હતી. તેમના લાન્ઝાઉના જે પ્લાન્ટમાંથી યુરેનિયમના સંવર્ધન માટેનો પોર્ટેબલ પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો હતો ત્યાં અચાનક સ્ટ્રાઈક થઈ ગઈ હતી.
અવકાશયાનમાં બેસીને સ્પેસ સ્ટેશન સુધી જવા માટે તૈયાર કરાયેલી વિશેષ ટીમના વાંડ ડાહેંગ અચાનક ગુમ થઈ ગયા હતા.
અધુરામાં પૂરું તેમના એજન્ટે જે બગ પહોંચાડ્યું હતું તેમાંથી કોઈ આધારભૂત કે લાભદાયક માહિતી મળતી નહોતી. આ બધી પરિસ્થિતિ અચાનક કેવી રીતે ઊભી થઈ તે સમજાતું નહોતું. (ક્રમશ:)
——-
હવે શું?
અમેરિકન પ્રમુખના આદેશને પગલે હવે સેમ્યુઅલ યંગ સેન્ટ્રલ વિસ્ટામાં ‘કાન’ પહોંચાડવાની તૈયારી કરી રહ્યો હતો અને તેને આ વખતે સફળતા મળતી દેખાઈ રહી હતી. એક વિજ્ઞાનીના માધ્યમથી આ ‘કાન’ સેન્ટ્રલ વિસ્ટામાં દાખલ થઈ ગયા હતા. હવે શું થવાનું હતું? શું ભારતના મિશન મૂનની માહિતી ફરી એક વખત લીક થવાની હતી?