– વિપુલ વૈદ્ય
અનુપ રોયને અહીં શું ચાલી રહ્યું છે તે ધ્યાનમાં આવ્યું નહોતુંં. અનુપમને સહાયક તરીકે શ્રુતિને મોકલવા માટે જે કારણ આપવામાં આવ્યું હતું તેનો જ અત્યારે મીનાને સહાયક બનાવીને મોકલતી વખતે છેદ ઉડાડી દેવામાં આવ્યો હતો. વડા પ્રધાને અનુપમને સસ્પેન્ડ કરવા માટેનો મુદ્દો અહીં ઉખેળ્યો તેનો સંદર્ભ અડધોપડધો સમજાયો, પરંતુ આમ કરવા માટેનું કયું કારણ હોઈ શકે તે સમજાયું નહોતું
સેન્ટ્રલ વિસ્ટામાં વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતાના નેતૃત્વમાં ચાલી રહેલી બેઠકમાં રંજન કુમારે અનુપમના સહાયક તરીકે કોને મોકલવા તેના પર પોતાની અનિર્ણાયકતા જાહેર કર્યા બાદ વડા પ્રધાને વાતનો દોર પોતાના હાથમાં લીધો.
‘મારી પાસે તમારા માટે એક સરપ્રાઈઝ છે.’
‘રાજેશ, તેમને અંદર મોકલો,’ વડા પ્રધાને ઈન્ટરકોમ પર રાજેશ તિવારીને સૂચના આપી.
‘મીના, તું અહીં?,’ રંજન કુમાર એકદમ બોલી ઉઠ્યા.
‘હા સર, મને બોલાવવામાં આવી હતી,’ ઓરિસાના પ્લાન્ટમાં કામ કરી રહેલી મીના બરાકે જવાબ આપ્યો.
‘અચ્છા,’ રંજન કુમાર એટલું જ બોલી શક્યા.
‘મીના, અનુપમ એક અત્યંત ગુપ્ત પ્રયોગ કરી રહ્યો છે અને તેને એક સહાયકની આવશ્યકતા છે, શું તમે તેની સાથે કામ કરવા તૈયાર છો?,’ વડા પ્રધાને પૂછ્યું.
‘અનુપમના વાયર/કેબલ વગર વીજળીને પ્રવાહિત કરવાનો પ્રોજેક્ટ હોય તો ચોક્કસ,’ મીનાએ કહ્યું.
‘હા એ જ પ્રોજેક્ટ છે, પરંતુ અનુપમ સાથે તિરૂવનંતપુરમમાં આવેલી રોસ હિલના રેસ્ટ હાઉસમાં કામ કરવાનું રહેશે,’ અનુપ રોયે કહ્યું.
‘મને કામ કરવામાં કશું જ નડશે નહીં,’ મીનાએ ઉત્સાહભેર કહ્યું
રંજન કુમાર અને અનુપ રોય બંને આશ્ર્ચર્યથી જોઈ રહ્યા હતા. જ્યારે રાજીવ ડોવાલ અને આદેશ રાજપાલ પોતાની તીખી નજરથી મીનાને પામવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ચારમાંથી એકેય વ્યક્તિને સમજાતું નહોતું કે જે વ્યક્તિ સામે મીનાએ બળાત્કારનો આરોપ મૂક્યો હતો તેની સાથે જ એક જંગલમાં એક જ પ્રોજેક્ટ પર કામ કરવા તે તૈયાર છે.
બીજી તરફ વડા પ્રધાનના મુખ પર એક રહસ્યમય સ્મિત જોવા મળી રહ્યું હતું.
‘મીના, તમે જઈ શકો છો. રંજન કુમાર તમને આગળની વાત કરશે,’ વડા પ્રધાને કહ્યું.
મીનાના ગયા પછી વડા પ્રધાને ચારેયને સંબોધીને કહ્યું કે ‘મીના દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ સાવ જ ખોટી છે એવું આના પરથી લાગી રહ્યું છે, તમારું શું કહેવું છે?’
‘મને પણ એવું જ લાગે છે,’ આદેશે તરત જ કહ્યું.
‘તમે બંને તો એ વખતે ઓરિસાના જ પ્લાન્ટમાં જ કામ કરતા હતા ને? તમને આ ફરિયાદમાં કશું ખોટું ન લાગ્યું?,’ વડા પ્રધાને પૂછ્યું.
‘મને લાગે છે કે મારી મોટી ભૂલ થઈ ગઈ હતી,’ રંજન કુમારે કહ્યું.
અત્યારે રંજન કુમાર ગૂંચવાયેલા હતા. મીનાએ જે કર્યું તેને કારણે કદાચ તેમની આખી યોજનાનો પર્દાફાશ થઈ જવાની શક્યતા રહેલી હતી. ત્યારના સંજોગોમાં તેમણે જે કર્યું હતું તેનો ખુલાસો અનુપમને તો કરી નાખ્યો છે અને અનુપમે તેમને માફ પણ કરી નાખ્યા હતા, પરંતુ જો આ પ્રકરણે ઊંડી તપાસ થાય તો બધું ફક્ત ઊપજાવી કાઢેલી વસ્તુ હતી એવું સામે આવી શકે. આવા કિસ્સામાં વડા પ્રધાન તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ પણ આપી શકે એવી શક્યતા રહેલી હતી.
જો આવું થાય તો પછી તેમને નોકરી ગુમાવવાનો સમય આવી શકે એવી શક્યતાને પગલે હવે રંજન કુમાર ચિંતામાં પડી ગયા હતા.
તેમના મુખ પર પલટાતા ભાવ પર બીજા કોઈનું હોય કે નહીં, રાજીવ ડોવાલનું બરાબર ધ્યાન હતું અને વડા પ્રધાન રંજન કુમાર પર બરાબર ધ્યાન રાખી રહ્યા છે તે પણ તેમના ધ્યાનમાં આવ્યું.
અનુપ રોયને અહીં શું ચાલી રહ્યું છે તે ધ્યાનમાં આવ્યું નહોતુંં. અનુપમને સહાયક તરીકે શ્રુતિને મોકલવા માટે જે કારણ આપવામાં આવ્યું હતું તેનો જ અત્યારે મીનાને સહાયક બનાવીને મોકલતી વખતે છેદ ઉડાડી દેવામાં આવ્યો હતો. વડા પ્રધાને અનુપમને સસ્પેન્ડ કરવા માટેનો મુદ્દો અહીં ઉખેળ્યો તેનો સંદર્ભ અડધોપડધો સમજાયો, પરંતુ આમ કરવા માટેનું કયું કારણ હોઈ શકે તે સમજાયું નહોતું.
અનુપમના કેસમાં કોઈ ષડયંત્ર રચાયું હતું એ વાત સાથે તો તેઓ થોડા વખત પહેલાં સહમત થઈ ગયા હતા, પરંતુ આ ષડયંત્ર માટે જવાબદાર કોણ છે તે શોધી કાઢવામાં વડા પ્રધાન આટલો અંગત રસ લેશે એવી અપેક્ષા પણ અનુપ રોયે કરી નહોતી.
હવે આ બધામાંથી શું બહાર આવી રહ્યું છે તે જાણવાની ઈંતેજારી અત્યારે અનુપ રોયને પણ થઈ રહી હતી.
વડા પ્રધાને રંજન કુમારના ચહેરા પર પલટાતા ભાવોમાં કોણ જાણે શું વાંચી લીધું, પરંતુ તરત જ તેમણે આખો મુદ્દો બદલી નાખતાં કહ્યું કે ‘રંજન કુમાર, હવે બોલો અનુપમના પ્રોજેક્ટ માટે કયો સહાયક વધુ યોગ્ય રહેશે? મીના કે પછી શ્રુતિ?’
‘પ્રાઈમ મિનિસ્ટર સર, અનુપમના પ્રયોગમાં રિફ્લેક્ટરના પ્રયોગમાં અવરોધ આવી રહ્યો છે, તેમ જ પ્લાસમા ચેનલમાં ઝીલાતી વીજળીનો સંગ્રહ કરતી વખતે તેમાં જે તૂટ પડી રહી છે તે પણ એક મોટો મુદ્દો છે.’
‘વીજળીના ક્ષેત્રમાં કામ કરવામાં શ્રુતિ હજી નવી છે, જ્યારે મીના આ ઘણા વખતથી કરી રહી છે.’
‘વીજ સંચયના ક્ષેત્રમાં મીનાનું કામ સારું હતું. આમ પલડું મીનાનું વધારે ભારે લાગી રહ્યું છે,’ રંજન કુમારે કબૂલ કર્યું.
‘અનુપ રોય, લૈલાને વિશાખાપટ્ટનમ મોકલવાની તૈયારી કરો. મીના કે શ્રુતિ પર નિર્ણય પછી લઈશું,’ વડા પ્રધાને કહ્યું.
‘લૈલા, તું અહીં? કેવી રીતે?’ વિક્રમ નાણાવટીને વિશાખાપટ્ટનમમાં લૈલાને જોઈને આઘાત લાગ્યો હતો.
‘તારા માટે..’ લૈલાએ કહ્યું.
લૈલાનો જવાબ સાંભળીને વિક્રમની આંખો પહોળી થઈ ગઈ. આ નફ્ફટ છોકરી શું બોલી રહી હતી.
‘તને સોંપવામાં આવેલા પ્રોજેક્ટમાં મારી મદદની આવશ્યકતા છે.’
‘મને તારા પ્રોજેક્ટમાં મદદ કરવા માટે મોકલવામાં આવી છે.’
‘મને અણુ ઊર્જા પ્લાન્ટની સારી હથોટી છે.’
‘તારું એન્જિન દેખાડ, એની ચેમ્બરોમાં થોડા ફેરફાર કરવા પડશે,’ લૈલાએ કહ્યું.
લૈલા અને વિક્રમ નવું મોડેલ તૈયાર થઈ રહ્યું હતું તે કાર્યશાળામાં પહોંચ્યાં. ત્યાં રામ શર્મા જયંત સિન્હા દ્વારા મોકલવામાં આવેલા મોડેલનો નકશો ગોઠવીને પોતાના સાથીઓ અને મદદનીશો સાથે નવું મોડેલ તૈયાર કરી રહ્યો હતો.
મોડેલ પર એક નજર મારીને લૈલાએ વિક્રમને કહ્યું ‘તારું તૂટી પડ્યું એ પ્રોટોટાઈપ દેખાડ તો.’
‘આ રહ્યો એનો નકશો અને અહીં છેે એનો ભંગાર..’ વિક્રમે કહ્યું.
લૈલાએ એક નજર નકશા પર નાખી અને ભંગારમાં એન્જિનની જગ્યા જોઈ, પોતાના મનમાં કશું નક્કી કર્યું.
‘ચાલ હવે તારું નવું એન્જિન દેખાડ,’ લૈલાએ આદેશ આપ્યો.
એન્જિનની પાસે પહોંચીને તેણે વરાળ એકઠી કરી રહેલી ચેમ્બરનું નિરીક્ષણ કર્યું, ત્યાંથી વરાળની તાકાત પર ફરતા પંખાને જોયો અને પછી કહ્યું, ‘મને બે કલાક આપ. તારું એન્જિન તૈયાર થઈ જશે. જા જઈને તારું બુલબુલ વગાડ ત્યાં સુધી. મેં ઘણા વખતથી સાંભળ્યું નથી.’
(ક્રમશ:)
હવે શું?
તમારી યોજના સફળ થઈ ગઈ છે. આપણી એજન્ટે પોતાનું પહેલું કામ પાર પાડ્યું છે. વિજ્ઞાની તેને મળવા માટે બહાર આવ્યો હતો અને બંને સાથે રહ્યાં હતાં. આપણને સિગ્નલ મળી રહ્યાં છે સેન્ટ્રલ વિસ્ટામાંથી. એનો અર્થ એવો થયો કે આપણું બગ સેન્ટ્રલ વિસ્ટા સુધી પહોંચી ગયું છે, ચીનના રાષ્ટ્રપ્રમુખ લ્યાંગ ઝિન પિંગને જાસૂસી સંસ્થાના લીએ માહિતી આપી