આપણા દેશને કોલસાની વીજળીમાંથી કાયમી ધોરણે મુક્તિ મળી શકે છે. ‘આ અણુશક્તિનો ઉપયોગ અન્ય હજારો સ્તરે કરી શકાશે. આપણી પાસે અઢળક વીજળી હશે તો આપણે બધાં વાહનો વીજળી પર ચલાવી શકીશું અને આનાથી દેશનું ઈંધણ પાછળ ખર્ચાતું મહામૂલું વિદેશી ચલણ બચી જશે. ભારતનું અર્થતંત્ર મજબૂત બનશે
લેખક – વિપુલ વૈદ્ય
‘રંજન કુમાર, મને જણાવશો કે તમારા મતે આ અહેવાલ ભારત દેશ માટે કઈ રીતે લાભકારક છે?’ વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતાએ તાકીદના ધોરણે સમય માગીને સેન્ટ્રલ વિસ્ટામાં આવેલા ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જીના વિજ્ઞાની રંજન કુમારને સીધો સવાલ કર્યો.
‘સર, અત્યારે મારી ગણતરી સીધી છે અત્યારે આપણી પાસે ચંદ્ર પર જવાની શક્તિ છે, માનવ લઈને સીધા ચંદ્ર પર પહોંચી શકીએ છીએ. ચંદ્ર પર જેટલા પ્રમાણમાં યુરેનિયમ અને થોરિયમ ઉપલબ્ધ છે તેનાથી આપણે ઓછામાં ઓછા ૧૦૦ વર્ષ સુધી આખા ભારતને વીજળી આપી શકીએ છીએ. આપણા દેશને કોલસાની વીજળીમાંથી કાયમી ધોરણે મુક્તિ મળી શકે છે.’
‘આ અણુશક્તિનો ઉપયોગ અન્ય હજારો સ્તરે કરી શકાશે. આપણી પાસે અઢળક વીજળી હશે તો આપણે બધાં વાહનો વીજળી પર ચલાવી શકીશું અને આનાથી દેશનું ઈંધણ પાછળ ખર્ચાતું મહામૂલું વિદેશી ચલણ બચી જશે. ભારતનું અર્થતંત્ર મજબૂત બનશે. આમેય થોરિયમમાંથી વીજળી નિર્માણ કરવાની ટેકનોલોજી અત્યાર સુધી ફક્ત આપણી પાસે છે. આ બધા આપણા ફાયદા છે,’ રંજન કુમાર સડસડાટ બોલ્યે જતા હતા અને રાજીવ ડોવાલ સહિત સુરક્ષા પરિષદના બધા જ સભ્યો તેમને શાંતીથી જોઈ રહ્યા હતા.
‘સૌર ઊર્જા પછી અણુઊર્જા આખા વિશ્ર્વમાં સૌથી સસ્તી પડે છે. સૌર ઊર્જા માટે વિશાળ ખુલ્લી જગ્યાની આવશ્યકતા રહે છે. આગામી ૧૦ વર્ષમાં ભારતમાં જે રીતે વસ્તી વધી રહી છે તેને જોતાં ક્યાંય ખૂલ્લી જગ્યા હશે નહીં. બીજું સૌર ઊર્જાનું પ્રમાણ ઘણું મર્યાદિત રહેશે.’
‘આ બધી જ બાબતો ધ્યાનમાં લેતાં સ્થાયી વિકલ્પ શોધવા રહ્યા અને હવે જ્યારે આખો દેશ એક જ ગ્રીડમાંથી ઊર્જા મેળવી શકે છે ત્યારે આ અફાટ ઊર્જા ોત અંગે વિચારવાનું યોગ્ય રહેશે. આપણી પાસે એવી અનેક જગ્યા છે જ્યાં આપણે અણુ ઊર્જા મથકો સ્થાપી શકીએ છીએ,’ રંજન કુમાર પોતાની યોજના રજૂ કરી રહ્યા હતા.
અણુ વિજ્ઞાની અનુપ રોય વચ્ચે બોલ્યા કે, ‘તમારી વાત બધી રીતે સાચી છે મિ. રંજન કુમાર પણ તમને લાગે છે કે આ વ્યવહારુ બની શકે છે? બીજી વસ્તુ એક વખત આખી દુનિયાને જાણ થઈ જશે કે ચંદ્ર પર યુરેનિયમ છે તો તમારી જેમ કદાચ એ લોકો પણ વિચાર કરે અને આખી દુનિયા સ્પર્ધામાં લાગી જશે તો કઈ રીતે આપણે તેમની સ્પર્ધા કરી શકીશું?’
‘આ અહેવાલ અમેરિકન સરકાર પાસે ૪૮ કલાક પહેલાં આવ્યો છે અને આપણને તેમણે ૨૪ કલાક પહેલાં મોકલાવ્યો છે. આ અહેવાલ ઈન્ટરનેશનલ સાયન્સ કાઉન્સિલને જાણ માટે મોકલવો આવશ્યક માનવામાં આવે છે કેમ કે આ એક નવી શોધ છે, પરંતુ અમેરિકાએ આ અહેવાલ કાઉન્સિલને મોકલ્યો નથી,’ એમ રંજન કુમારે જણાવ્યું.
‘આ અહેવાલ આપણે જાહેર ન કરીએ તો કશું બગડી જવાનું નથી. દુનિયાને તેની જાણ નહીં થાય તો આપણને સ્પર્ધા ઓછી રહેશે. હજી ૨૪ કલાક આપણે રાહ જોઈએ, મને લાગે છે ત્યાં સુધી અમેરિકા આ વાતને એટલા સમયમાં પણ જાહેર કરશે નહીં. દેશના હિતમાં આ વાતને અત્યારે ગુપ્ત રાખવામાં આવે તો આપણને ઘણો ફાયદો થશે,’ એમ રંજન કુમારે કહ્યું ત્યારે બધા તેમની સામે અલગ જ નજરે જોઈ રહ્યા હતા.
‘આખી દુનિયામાં ભારતના વિજ્ઞાનીઓની અલગ પ્રતિષ્ઠા છે, આપણે આપણી નીતિ-મૂલ્યોને ત્યજીને આ વાત ગુપ્ત રાખવાની? આ વસ્તુ મારા ગળે ઊતરતી નથી,’ અનુપ રોયે રંજન કુમારના પ્રસ્તાવ સામે વિરોધ નોંધાવતાં કહ્યું.
‘અમેરિકાએ અહેવાલ જાહેર ન કર્યો તેનું કારણ એ હોઈ શકે કે સેમ્પલ આપણે તેમને મોકલ્યા હતા અને તેથી એક રીતે સેમ્પલ અને તેને સંબંધી અહેવાલની માલિકી આપણી બને છે અને તેથી આ અહેવાલને જાહેર કરવાનો આપણો અધિકાર છે. આપણા અધિકારને ન ચાતરવાના તેમના વલણની પ્રશંસા થવી જોઈએ,’ અનુપ રોયે બીજો મહત્ત્વનો મુદ્દો માંડ્યો.
વિશાલ માથુરે કહ્યું કે ‘આપણે અત્યારે ખોટી વાત પર સમય વેડફી રહ્યા છીએ. મુળ મૂદ્દો એ છે કે ચંદ્ર પર યુરેનિયમ છે, પણ તેને દેશ પર લાવશો કેવી રીતે? આ અશક્ય વાત છે. ચંદ્રયાનની સફળતાની આખી દુનિયા પ્રશંસા કરી રહી છે, કેમ કે તે અત્યંત નજીવા ખર્ચમાં થયું હતું, પરંતુ દર વખતે આવું સાહસ સફળ થાય એ શક્ય નથી. નિષ્ફળતાની મોટી કિંમત ચુકવવી પડશે. વળી આ યોજનામાં જવાના અને આવવાના બંને તરફના પ્રવાસની વાત છે અને તેને માટે ઘણી મોટી માળખાકીય તાકાતની આવશ્યકતા છે. વળી આપણી પાસે તો અમેરિકા-રશિયાની જેમ સ્પેસ સ્ટેશન પણ નથી.’
‘તમારી વાત સાચી છે, પરંતુ આપણે થોડા જ સમય પહેલાં થોરિયમની ધાતુના શુદ્ધીકરણ માટેનું કમ્પેક્ટ યુનિટ તૈયાર કર્યું હતું અને તેનું વજન ફક્ત ૧૨૦૦ કિલો છે. આ યુનિટના કેટલાક ભાગનું વજન હજુ થોડું ઘટાડી શકાય તો એકસાથે અનેક યુનિટ આપણે ચંદ્ર સુધી સહેલાઈથી પહોંચાડી શકીએ તેમ છીએ,’ રંજન કુમાર અત્યારે બધો જ અભ્યાસ કરીને આવ્યા હોય તેવી રીતે કહી રહ્યા હતા.
‘આપણે અત્યારે બાહુબલી રોકેટને સફળતાથી અનેક વખત અવકાશમાં મોકલ્યું છે. ચંદ્ર પર ધાતુનું શુદ્ધીકરણ કર્યા બાદ મહિનામાં એક ખેપ પણ ઘણી થઈ શકે છે. અત્યારે આ એક વિકલ્પ મને દેખાઈ રહ્યો છે.’
‘મારો આ પ્રસ્તાવ સામે વિરોધ છે,’ ફરી અનુપ કુમારે રંજન કુમારનો વિરોધ નોંધાવતાં કહ્યું કે, ‘રંજન કુમારની કેટલીક વાતો યોગ્ય હોવા છતાં અન્ય બાબતો પર લાંબો વિચાર થવો ઘટે. અત્યારે ધાતુનું શુદ્ધીકરણ કરીને પૃથ્વી પર પાછું લાવવાનો પ્રસ્તાવ મને અયોગ્ય લાગી રહ્યો છે, આને માટે અન્ય વિચાર કરવો એવું મારું માનવું છે.’
વિશાલ માથુરે પણ અનુપ કુમારની વાતનું સમર્થન કરતાં જણાવ્યું કે, ‘આ પ્રસ્તાવ સામે મારો પણ વિરોધ છે. ચંદ્રની ધરતી પર શુદ્ધીકરણ કરવાની વાત વ્યવહારિક લાગે છે, પરંતુ ફક્ત થોરિયમ માટે આટલી જફા યોગ્ય લાગતી નથી. યુરેનિયમના શુદ્ધીકરણની વાત હોત તો કદાચ મારું સમર્થન હોત, પરંતુ અત્યારે તો મારો વિરોધ છે.’
હવે ઈન્દ્રવદન મહેતાએ પોતાના વિશ્ર્વાસુ સલાહકાર રાજીવ ડોવાલ સામે જોયું. રાજીવ ડોવાલ તેમની નજર સમજી ગયા અને બોલવા લાગ્યા, ‘રંજન કુમારની વાત પર ભરોસો કરીને આપણે ૨૪ કલાક રાહ જોઈએ કે અમેરિકા અહેવાલ જાહેર કરે છે કે નહીં, તેના પછી અહેવાલ જાહેર કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે.’
‘જ્યાં સુધી વાત ધાતુના શુદ્ધીકરણ અને પાછા લાવવાની છે તો પહેલાં બધા અણુવિજ્ઞાનીઓ સાથે બેસીને નક્કી કરો કે કરવું શું છે? ધાતુ પૃથ્વી પર લાવવી છે કે પછી શુદ્ધીકરણ કરીને લાવવી છે? બીજા કોઈ વિકલ્પ મળી શકતા હોય તો તેના પર પણ વિચારો,’ રાજીવે કહ્યું.
‘બીજું, દર મહિને આપણું રોકેટ ચંદ્ર પર જશે તો સોલિડ ઈંધણનો વપરાશ વધી જશે અને આખી દુનિયાની નજરમાં તો આપણી ચંદ્ર મુલાકાતો આવવાની જ છે તો તેને અત્યારે ગુપ્ત રાખીને શો ફાયદો થવાનો છે? બધા વિજ્ઞાનીઓ ભેગા થઈને કોઈ નક્કર પ્રસ્તાવ આપો.’
‘બધા માટે સેન્ટ્રલ વિસ્ટાના દક્ષિણ તરફના વિસ્તારમાં રહેવાની વ્યવસ્થા કરી રાખવામાં આવી છે, ત્યાં તમારે ચર્ચા કરવા માટે તેમ જ સંશોધનો કરવા માટે કમ્પ્યુટરો અને અન્ય સાહિત્ય મળી જશે. રાજેશ તિવારી તમારા માટે બધી જ વ્યવસ્થા કરી આપશે. અન્ય કોઈ વિજ્ઞાનીને બોલાવવાની આવશ્યકતા જણાય તો કહી દેજો,’ રાજીવે પોતાનું નિવેદન પૂર્ણ કર્યું. (ક્રમશ:)
———
હવે શું?
આ ન થઈ શકે… આ કેવી રીતે સંભવ છે? ભારતીય વિજ્ઞાનીઓ ક્યારેય આવું વલણ ન અપનાવી શકે. જોન સ્વીપર પોતાની ઑફિસમાં આસિસ્ટન્ટ બેઈલીને કહી રહ્યો હતો. બીજી તરફ, ચીન અને રશિયામાં પણ બોર્ડ રૂમમાં આવું જ વાતાવરણ હતું. હજી સુધી ભારત કે અમેરિકા તરફથી સત્તાવાર રીતે કોઈ જાણ ઈન્ટરનેશનલ સાયન્સ કાઉન્સિલને કરવામાં આવી નહોતી. શું અહેવાલ અંગેની વાત ખોટી હતી? શું અમેરિકા તરફથી ફેલાવવામાં આવેલું કોઈ તૂત હતું? શું ભારતીય વિજ્ઞાનીઓ અમેરિકાના દબાણ હેઠળ આવી ગયા હતા? શું હતું?