ટેરેસ પર બેઠેલા બધા લોકો વિમાનને ઊડતું જોઈ રહ્યા હતા અને બધાના મનમાં પ્રયોગ સફળ થવાની આશા જાગી હતી ત્યાં અચાનક વિમાન ધ્રૂજવા લાગ્યું. ત્યાં વિમાન ઘૂમરી ખાઈને નીચે જવા લાગ્યું તેણે પોતાની સ્થિરતા ગુમાવી દીધી હતી. ચાર ઘૂમરીઓ ખાઈને વિમાન ધબ્બ કરતાં નીચે ખીણમાં પટકાયું.
લેખક – વિપુલ વૈદ્ય
‘કોમરેડ સર, તમારી વાત સાંભળીને મને એક વિચાર આવ્યો છે. આપણા અણુવિજ્ઞાની રોસાટેમ હજી ભારતથી રવાના થયા નથી. આમેય તેમનો પ્રોજેક્ટ ભારતમાં ઊર્જા પ્લાન્ટ બનાવી આપવાનો જ હતો. તમે ઈચ્છો તો ભારત સરકારને કહી શકાય કે તેમની મદદ લેવી,’ વેલેરીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈન સમક્ષ ભારતને મિશન મૂનમાં મદદ કરવાનો વિકલ્પ રજૂ કર્યો.
‘વેલેરી, તારી વાત સાચી છે પણ હવે આપણે એને પાછો બોલાવી લીધો હોવાથી ફરી આ સંદેશ મોકલી શકાય નહીં,’ બાઈને કહ્યું.
‘બીજું, આવી રીતે આપણે રોસાટેમને ત્યાં રાખીશું તો આપણે સીધી રીતે ભારતને મદદ કરી રહ્યા છીએ એવો સંદેશ જશે અને તે હું આપવા માગતો નથી.’
‘આ બધુ જોતાં રોસાટેમને ત્યાં રાખવાનું યોગ્ય ગણાશે નહીં.’
‘બીજી કોઈ રીતે આપણે આડકતરી મદદ કરી શકીએ.’
‘અચ્છા, કુર્ચાટોવને ભારતના વિજ્ઞાની અનુપ રોય સાથે સારા સંબંધો છે ને?’
‘તેમને કહો કે પ્લાન્ટ બનાવવા માટે કોઈ મદદ જોઈતી હોય તો આપે.’
‘યેવગેની એડામોવને પણ કહી રાખો કે રંજન કુમારને કોઈ મદદ જોઈતી હોય તો બેધડક આપજો.’
‘આપણે કોઈ રીતે ભારત સાથે આજના દિવસથી સ્પર્ધા કરવી નથી.’
‘અમેરિકા અને ચીનના મિશન મૂન પર ધ્યાન રાખજો, જો તેમનું મિશન મૂન થતું હોય તો આપણું અવકાશયાન પણ તૈયાર રાખજો,’ વોલેરન બાઈને કહ્યું.
***
રંજન કુમાર અત્યારે ગંભીર ચિંતામાં હતા. વડા પ્રધાને તેમને જે ચીમકી આપી તેની અસર તેમના પર જોવા મળી રહી હતી. તેઓ ચિંતામાં હતા ત્યાં જ અનુપ રોયનું આગમન થયું. રંજન કુમારની ગંભીર મુખમુદ્રા જોઈને તેઓ વાતને સમજી ગયા. અત્યારે કશું બોલવું જોઈએ કે નહીં તેનો થોડી વાર વિચાર કર્યો અને પછી કશુંક નક્કી કરીને તેઓ રંજન કુમાર પાસે પહોંચ્યા.
‘રંજન, શું થયું શેની ચિંતા છે?’ અનુપ રોયે પૂછ્યું.
‘અનુપ, મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ એવું તને પણ લાગી રહ્યું છે?,’ રંજન કુમારે પૂછ્યું.
‘ભૂલ થઈ છે એની ના નથી, પરંતુ ઘણી મોટી કે ગંભીર ભૂલ નથી.
‘આ ભૂલને પ્રાઈમ મિનિસ્ટર કદાચ ગંભીર ગણતા હોય તો ભલે પણ મારી દૃષ્ટિએ આ વસ્તુ એટલી ગંભીર નથી. તમે અત્યારે રિલેક્સ થઈ શકો છો,’ અનુપ રોયે તેમને ધરપત આપવાનો પ્રયાસ કર્યો.
***
‘શ્રુતિ બેટા, તને પેલું પ્લાન્ટવાળું કામ સોંપ્યું હતું એમાં કેટલી પ્રગતિ થઈ છે?,’ રંજન કુમારે ફરીથી જોડાઈ ગયેલી શ્રુતિને અત્યંત સામાન્ય સ્વરમાં સવાલ કર્યો.
છેલ્લા કેટલાક દિવસથી ટીમથી અલગ કરી દેવામાં આવી હોવાથી શ્રુતિ અત્યંત તૂટી ગઈ હતી. અધૂરામાં પૂરું તેને જાણવા મળ્યું કે માહિતી લીક થવા માટે તેના પર શંકા કરવામાં આવી હતી. અચાનક તેને પાછી બોલાવી લેવામાં આવી હતી. સૌથી વિખૂટી પડી ગઈ હોવાની લાગણી તેને થઈ રહી હતી. પાછા ગયા પછી તેને પહેલાં જેવું સન્માન મળશે નહીં એવું લાગતું હતું, તેને સ્થાને રંજન કુમારે તેને જેટલા પ્રેમથી આવકારી તેને જોઈને તેને રંજન કુમાર સર માટેનું સન્માન વધી ગયું.
‘સર, મારી તૈયારી પૂરી થઈ ગઈ છે. પ્લાન્ટની ડિઝાઈન તૈયાર છે.’
‘આવો એક પ્લાન્ટ આપણા કુંડુકોલમ પ્લાન્ટમાં સ્પેરમાં છે તે શોધી લીધું છે.’
‘તેમાં થોડો સુધારો કરીને આપણે ચંદ્ર પર લઈ જવા લાયક પોર્ટેબલ પ્લાન્ટ બની જશે,’ ઉત્સાહભેર શ્રુતિએ રંજન કુમારને માહિતી આપી.
‘સરસ કામ કર્યું, હવે આ પ્લાન્ટમાં આવશ્યક સુધારાની બ્લ્યુ-પ્રિન્ટ તૈયાર કરી નાખ.’
‘તારે કોઈ મદદની જરૂર છે? લૈલાને તને મદદ કરવા કહું?’ રંજન કુમારે પૂછ્યું.
‘ના સર, હું એકલી પહોંચી વળીશ,’ શ્રુતિએ કહ્યું.
***
વિશાખાપટ્ટનમમાં વિક્રમ નાણાવટી એક નાના ડુંગર પર આવેલા સરકારી કોટેજની ટેરેસ પર બેસીને પોતાનો પ્રયોગ કરી રહ્યો હતો અને આખા ડુંગરા પર લોકોના અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આ વિસ્તારમાં ફિલ્મોનું શૂટિંગ થતું હોય ત્યારે આવી રીતે અવરજવર બંધ કરી દેવાતી હોવાથી લોકોને પણ તેમાં કશું અજુગતું લાગ્યું નહોતું.
પોતાની સાથે રહેલા ડીઆરડીઓના એન્જિનિયરોની સાથે પોતાની સામે પડેલા પ્રોટોટાઈપમાં અનુપ રોયના જણાવ્યા મુજબ ફેરફાર કરી રહ્યો હતો.
‘રામ શર્મા, આપણી પાસે પ્રયોગ પૂરો કરવા માટે ઘણો ઓછો સમય છે,’ વિક્રમે ડીઆરડીઓના એન્જિનિયરને જણાવ્યું.
‘વડા પ્રધાન વિદેશયાત્રાથી પાછા આવી ગયા છે અને તેમનું ધ્યાન આપણા પ્રોજેક્ટ પર આવે તે પહેલાં કામ પૂર્ણ કરવાનું છે,’ વિક્રમે કહ્યું.
‘સર, આ વખતે મને ખાતરી છે કે આપણો પ્રયોગ સફળ થશે,’ રામ શર્માએ કહ્યું.
‘આ પ્રોટોટાઈપ પર પ્રયોગ સફળ થાય તો પછી આપણે દિલ્હીથી આવેલા નવા મોડેલ પર કામ કરવાનું છે,’ વિક્રમ બોલ્યો.
‘દિલ્હીથી નવું મોડેલ આવ્યું છે? ક્યારે?’ રામ શર્માએ પૂછ્યું.
‘જયંત સિન્હા દ્વારા મોકલવામાં આવ્યું છે. તમારે તૈયાર કરી આપવાનું છે. એ પણ ૪૮ કલાકમાં,’ વિક્રમે કહ્યું.
અત્યાર સુધી હળવાશ અનુભવી રહેલા ચારેય એન્જિનિયરો ચિંતામાં પડી ગયા. રામ શર્મા દોડીને સીધો પોતાના કમ્પ્યુટર પાસે પહોંચ્યો. ત્યાં જઈને તેણે દિલ્હીથી મોકલવામાં આવેલી ફાઈલ જોઈ અને પોતાના સાથીઓને કહ્યું, ‘નવું મોડેલ આપણી પહેલી અને ત્રીજી ડિઝાઈનના મિશ્રણ જેવું છે.’
રામ શર્મા અને તેના સાથી એન્જિનિયરો નવા મોડેલની ડિઝાઈન જોવામાં વ્યસ્ત હતા ત્યારે વિક્રમે પ્રોટોટાઈપનું એન્જિન ચાલુ કર્યું. થોડી ઘરઘરાટી સાથે વિમાન ઝડપથી આગળ વધ્યું અને ઊડ્યું.
વિમાનને ઊડતું જોઈને ચારેય એન્જિનિયરો અત્યંત આનંદમાં આવી ગયા.
વિક્રમ સર, જુઓ તમારી મહેનત રંગ લાવી. આ વિમાન આપણું ઉડ્યું. તમારા પર સોંપવામાં આવેલી જવાબદારી પૂરી થઈ સાથે જ મને સોંપવામાં આવેલું કામ પણ આજે પૂર્ણતાએ પહોંચ્યું. હવે દુનિયામાં આપણું નામ થઈ જશે,’ વિક્રમ નાણાવટીને તેમના સહકારી રામ શર્માએ શુભેચ્છા આપી.
ટેરેસ પર બેઠેલા બધા લોકો વિમાનને ઊડતું જોઈ રહ્યા હતા અને બધાના મનમાં પ્રયોગ સફળ થવાની આશા જાગી હતી ત્યાં અચાનક વિમાન ધ્રૂજવા લાગ્યું. હવામાં સ્થિર થઈને ધ્રૂજી રહેલા પ્લેનને જોઈને વિક્રમના મોંમાંથી નીકળ્યું કે
‘આ શું થઈ રહ્યું છે? હવે પાછું આને શું થયું?’
આટલું બોલી રહ્યા ત્યાં વિમાન ઘૂમરી ખાઈને નીચે જવા લાગ્યું તેણે પોતાની સ્થિરતા ગુમાવી દીધી હતી. એન્જિન લગભગ કામ કરતું બંધ થઈ ગયું હતું. ચાર ઘૂમરીઓ ખાઈને વિમાન ધબ્બ કરતાં નીચે ખીણમાં પટકાયું. આ ઘડીની રાહ જોઈ રહેલા બે હેલ્પરો દોડીને ખીણમાં વિમાન લેવા ઊતર્યા.
ફરી માથે હાથ દઈને બેસી પડ્યો વિક્રમ. તેને સમજાતું નહોતું કે શું ખોટું થઈ રહ્યું છે. વિમાન ઊડ્યું તો ખરું પણ તરત જ તૂટી પડ્યું હતું.
તરત તેણે અનુપ રોય સરને ફોન કરીને બીજો પ્રયોગ ફક્ત અડધો સફળ થયાના સમાચાર આપ્યા.
‘વિક્રમ, તારી પ્રગતિ થઈ છે. પહેલાં વિમાન ઊડી પણ શકતું નહોતું આ વખતે ઊડ્યું તો ખરું. તારે મદદની જરૂર છે.’
‘તારા માટે એક મદદનીશ મોકલી રહ્યો છું,’ અનુપ રોયે કહ્યું. (ક્રમશ:)
——–
હવે શું?
દિલ્હીમાં આપણી એક એજન્ટ છે ને? તેને કહો કોઈ પણ વિજ્ઞાનીને ફોડી નાખે અને મિશન મૂનની બધી માહિતી આપણા સુધી પહોંચાડે. હવે આપણે વધુ સમય અંધારામાં રહી શકીએ નહીં. જરૂર પડે તો ત્રિયા ચરિત્ર વાપરવાનો આદેશ આપો, ચીનના રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિંગ પિંગે આદેશ આપ્યો