– વિપુલ વૈદ્ય
પ્રકરણ-૪૪
‘અવકાશયાન માટે રોકેટ જેવા વાહકનો ઉપયોગ કરવાને બદલે વિમાન જેવા વાહકનો ઉપયોગ કરવામાં આવશે તો ચંદ્ર અને પૃથ્વીની સપાટી પર ઉતરાણ વખતે આપણને જોખમ ઓછું રહેશે,’ રંજન કુમારે વિક્રમ નાણાવટીના પ્રયોગનું મહત્ત્વ સમજાવતાં કહ્યું
—
વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતા પોતાની કચેરીમાં બેઠા હતા અને તેમની સામે રંજન કુમાર, અનુપ રોય, રાજીવ ડોવાલ, આદેશ રાજપાલ, રાજેશ તિવારી બેઠા હતા. વડા પ્રધાનનો સંકેત સમજીને રાજીવે વાત ચાલુ કરી.
‘રંજન કુમાર, તમે વડા પ્રધાનની ગેરહાજરીમાં કોઈને જાણ કર્યા વગર તમારી મનમાની કરી છે. તમે આ વાત કબૂલ કરો છો?’ રાજીવે પૂછ્યું.
‘મેં પ્રાઈમ મિનિસ્ટર સરની ગેરહાજરીમાં મારા હાથ નીચેના કર્મચારીઓને બે પ્રયોગ સોંપ્યા હતા, મનમાનીનો મુદ્દો નથી,’ રંજન કુમારે પોતાનો બચાવ કર્યો.
‘તમે જે વસ્તુ પ્રેઝન્ટેશનમાં દેખાડી નહોતી તેના પર કામ ચાલુ કર્યું, સાચી વાત?,’ રાજીવે પૂછ્યું.
‘હા સર, પણ જે વસ્તુ માટે હું પોતે જ આશ્ર્વસ્ત ન હોઉં એ પ્રેઝન્ટેશનમાં કેવી રીતે દેખાડી શકું?’
‘વાત એમ છે કે પ્રેઝન્ટેશનમાં જે વસ્તુઓ દેખાડવામાં આવી હતી તે આપણા જેવા દેશ માટે અવ્યવહારુ હતી. મેં તો ફક્ત તેને વ્યવહારુ બનાવવા માટે શું કરી શકાય તે વિચારીને થોડો ફેરફાર કર્યો છે,’ રંજન કુમારે કહ્યું.
‘તો તમને હવે એમ લાગે છે કે મિશન મૂન પ્રોજેક્ટ વધુ વ્યવહારુ બનશે?’ રાજીવ ડોવાલે વડા પ્રધાનના ઈશારે સવાલ કર્યો.
‘પ્રાઈમ મિનિસ્ટર સર, જો આપણે પ્રેઝન્ટેશનમાં દેખાડવામાં આવેલા ડર્ટી ફ્યૂઅલની જગ્યાએ અણુ ઈંધણનો ઉપયોગ કરીશું તો આપણો જવા આવવાનો ખર્ચ ૬૦ ટકા જેટલો ઘટી જશે.’
‘બીજું અણુ ઈંધણનો ઉપયોગ કરવાનો હોય તો ચંદ્ર પર અણુ ઈંધણ મળશે એટલે અહીંથી વધારાનું ઈંધણ લઈ જવાની જગ્યામાં બીજી કામની વસ્તુઓ લઈ જઈ શકાશે.’
‘અવકાશયાન માટે રોકેટ જેવા વાહકનો ઉપયોગ કરવાને બદલે વિમાન જેવા વાહકનો ઉપયોગ કરવામાં આવશે તો ચંદ્ર અને પૃથ્વીની સપાટી પર ઉતરાણ વખતે આપણને જોખમ ઓછું રહેશે,’ રંજન કુમારે વિક્રમ નાણાવટીના પ્રયોગનું મહત્ત્વ સમજાવતાં કહ્યું.
‘અચ્છા, વીજળીનો પ્રયોગ કરવા માટે પણ તમારી પાસે સારું કારણ હશે જ,’ રાજીવ ડોવાલ અત્યારે થોડા કટાક્ષમાં બોલ્યા.
દેશના ટોચના વિજ્ઞાની સાથે વાત કરવાની આ રીત વડા પ્રધાનને પસંદ ન આવી એટલે તરત જ તેમની આંખો ઝીણી થઈ. રાજીવને પણ ખરાબ લાગ્યું પણ શું થઈ શકે, શબ્દબાણ છૂટી ગયું હતું.
આ બધી બાબતો પ્રત્યે રંજન કુમારનું કોઈ ધ્યાન નહોતું. તેમના ધૂની સ્વભાવને રાજીવનો કટાક્ષ કદાચ સમજાયો કદાચ ન સમજાયો પણ તેમણે આ બાબતને જાણે અવગણીને જવાબ આપવાનું ચાલુ કર્યું.
‘પ્રાઈમ મિનિસ્ટર સર, અનુપમે જે વિષય પર ચારેક વર્ષ પહેલાં પ્રયોગ કરવાની પરવાનગી માગી હતી તે પરવાનગી મેં અત્યારે તેને આપી છે.’
‘તેને એવો વિશ્ર્વાસ છે કે વીજળી વાયર/કેબલ જેવા માધ્યમ વગર પસાર થઈ શકે છે.’
‘જે રીતે આકાશની વીજળીને પકડીને તેમાંથી ઊર્જા કરવાના પ્રયોગ ચાલી રહ્યા છે તેવા જ પ્રકારનો આ એક પ્રયોગ છે.’
‘ફરક ફક્ત એટલો છે કે અવકાશી વીજળી પોતાની મેળે પેદા થાય છે અને આમાં આપણે કૃત્રિમ વીજળી તૈયાર કરીને ફેંકવાની છે.’
‘અવકાશી વીજળીને ઝીલવામાં આપણને એટલા માટે સફળતા મળી નથી કેમ કે તે ક્યારે ક્યાં પડશે તે આપણને ખબર નથી, પરંતુ આપણે ફેંકેલી વીજળી આપણે ઝીલી શકીશું કેમ કે તેને ચોક્કસ દિશા અને ગતિએ ફેંકવામાં આવશે.’
‘અત્યારે આ પ્રયોગ માટે ૫૦ કિલોમીટરનું અંતર પસંદ કરવામાં આવ્યું છે, તેને વધુ અંતરેથી પણ ચકાસવામાં આવશે.’
‘જો ૨૦૦ કિલોમીટરથી આપણે વીજળીને પકડી શકીશું તો ૨૦,૦૦૦ કિલોમીટરથી પણ પકડી શકીશું.’
‘ચંદ્ર પરથી પણ વીજળી મોકલીને પકડી શકીશું, એવો મને વિશ્ર્વાસ છે.’
‘જો આવું થાય તો આપણે ચંદ્ર પરથી યુરેનિયમ લાવવાને બદલે વીજળી જ લાવશું અને સીધી આપણા પ્લાન્ટમાં ઉતારીને આખી દુનિયાને પ્રકાશમય કરી દઈશું,’ રંજન કુમારે કહ્યું.
****
સેમ્યુઅલ તું ઊભો રહેજે. બાકીના બધા જઈ શકો છો. રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગરે ચારેય કંપનીના પ્રતિનિધિઓ સાથેની બેઠક પૂરી થયા બાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સેમ્યુઅલને કહ્યું.
આજના જોન લાઈગરના વર્તનથી મોનિકા હેરિસને આંચકો લાગ્યો. અત્યાર સુધીમાં ક્યારેય આવું થયું નહોતું કે જોન લાઈગરે પોતાનાથી ખાનગીમાં કોઈની સાથે બેઠક/ચર્ચા કરી હોય.
લગભગ ૨૦ વર્ષમાં પહેલી વખત જોન લાઈગરે પોતાનો પડછાયો બની ગયેલી મોનિકાને દૂર કરીને કોઈની સાથે વાત કરી હતી.
મોનિકાને આ વાતનું ખરાબ લાગી રહ્યું હતું.
બધાના ગયા પછી જોન લાઈગરે સેમ્યુઅલને કહ્યું કે ‘મારે ગમે તે ભોગે ચીનના મિશન મૂનને નિષ્ફળ કરવું છે.’
ભારત માટે મિશન મૂન આપણી પહેલાં પૂરું કરવું શક્ય નથી, પરંતુ ઈંધણ પર કબજો કરીને આપણા મિશન મૂનને રોકનારા ચીનને તો આકરો પાઠ ભણાવવો છે.
ચીનના મિશન મૂનને રોકવા માટે આપણે શું કરવું પડશે તેની ખબર કાઢો.
તમારા કોઈ વિશ્ર્વાસુ નાસામાં હોય તો જાણકારી મેળવો.
ચીનના સ્પેસ સ્ટેશનને જામ કરી શકાય?
તેમના રોકેટ/અવકાશયાનને તોડી પાડી શકાય?
ચીનના મિશન મૂન સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓને ફોડી શકાય?
ચીનના મિશન મૂનને રોકવા માટે જે પણ વિચારો તે એવું વિચારજો કે આપણું નામ સીધી રીતે ક્યાંય ન આવવું જોઈએ. ગમે તે કરીને તેમના પ્રોજેક્ટને ફેઈલ કરો.
જ્યાં સુધી આપણું અવકાશયાન ચંદ્ર પર ન પહોંચે ત્યાં સુધી તેમનું અવકાશયાન ચંદ્ર પર ન પહોંચવું જોઈએ, જોન લાઈગરે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું.
****
‘કોમરેડ સર, તમારી યોજના સફળ થઈ ગઈ છે. અત્યારે જ આપણા અમેરિકાનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમેરિકાને મિશન મૂન માટે કેમિકલ ઈંધણ મળ્યું ન હોવાથી તેઓ રઘવાયા થઈ ગયા છે. સવારે જ એક અત્યંત મહત્ત્વપૂર્ણ બેઠક થઈ હતી અને તેમાં જોન લાઈગર અત્યંત ગુસ્સામાં જોવા મળ્યા હતા.’
‘એક સારી વાત એ થઈ છે કે આપણું નામ ક્યાંય આવ્યું નથી.’
‘અમેરિકાને એવું લાગી રહ્યું છે કે ચીન કેમિકલ ઈંધણનો સંગ્રહ કરી રહ્યું છે.’
‘ચીનને એવું લાગી રહ્યું છે કે અમેરિકા કેમિકલ ઈંધણનો સંગ્રહ કરી રહ્યું છે.’
‘ઓછામાં ઓછા છ મહિના સુધી તેમને ઈંધણ મળશે નહીં,’ વેલેરી ગેરાસિમોવ અત્યંત ઉત્સાહભેર રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈનને માહિતી આપી રહ્યા હતા.
‘વેલેરી, છ મહિના નહીં ફક્ત બે મહિના માટે સંકટ ટળ્યું છે કેમ કે બે મહિનામાં કેમિકલ ઈંધણ તૈયાર કરવાના લ્યાન ઝિંગ પિંગે આદેશ આપ્યા છે. તમારા ધ્યાનમાં આ વાત કેમ ન આવી?’ બાઈને પૂછ્યું.
‘અમેરિકા પણ બે મહિનામાં ગમે ત્યાંથી ઈંધણ મેળવી લેશે.’
‘હવે આ બે મહિનામાં આપણે એવું કશું કરવાનું છે, જેથી આ મિશન અબોર્ટ થઈ જાય.’
‘જરૂર પડે તો ભારતને અંદરખાને મદદ કરીને બે મહિના પહેલાં ચંદ્ર પર પહોંચાડી દઈએ.’
‘એક વખત ભારત ચંદ્ર પર પહોંચી જશે તો અમેરિકા પોતાનું નાક સાચવવા પણ મિશન મૂનને પડતું મૂકશે.’
‘શું લાગે છે તને? મારી વાત યોગ્ય છે?’ બાઈને વેલેરીને સવાલ કર્યો.
(ક્રમશ:)
—
હવે શું?
રંજન કુમાર, તમે છેલ્લા કેટલાક દિવસમાં અનેક સ્થળે તમારી મનમાની કરી છે અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું નથી. તમારી સામે શિસ્તભંગનાં પગલાં કેમ ન લેવાં જોઈએ એ માટે કોઈ યોગ્ય કારણ આપી શકો એમ છો? વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતાએ મિશન મૂનમાં અત્યંત રસ લઈને કામ કરી રહેલા વિજ્ઞાનીને સવાલ કર્યો