‘ન જાણે કેમ મને તારી વાત પર વિશ્ર્વાસ લાગે છે કે તેં એના શ્રેયાર્થે જ બધું કર્યું હતું.
અત્યારે તો એનો સંપર્ક થતો નથી, પરંતુ આ મિશન પૂરું થયા બાદ તમારા બંનેની મુલાકાત કરાવવાનું વચન આપું છું,’ સપનાએ લૈલાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું
લેખક – વિપુલ વૈદ્ય
વ્હાઈટ હાઉસની સામે આજે કોઈ દેખાવો થઈ રહ્યા નહોતા આમ છતાં અંદરનું વાતાવરણ અત્યંત તંગ હતું. એક તરફ અણુશસ્ત્રો બનાવનારી કંપનીના ચારેય પ્રતિનિધિઓ ઊભા હતા. બીજી તરફ ચીફ ઓફ સ્ટાફ સેમ્યુઅલ યંગ ઊભો હતો. સામે મોનિકા હેરિસ બેઠી હતી. રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગર વારાફરતી બધાની સામે જોઈ રહ્યા હતા.
‘મોનિકા, આ શું થઈ રહ્યું છે. હજી તો આખા દેશમાં મિશન મૂન સામે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે. આજે પણ દેશનાં ૩૦ રાજ્યોમાં આપણી સરકાર સામે દેખાવો થઈ રહ્યા છે.’
‘સદ્નસીબે આજે વ્હાઈટ હાઉસની સામે કોઈ આવ્યું નથી.’
‘આ બધાની વચ્ચે આ નવી સમસ્યા ક્યાંથી આવી?’
‘અવકાશયાન માટે કેમિકલ ઈંધણ તો નાસા વાપરે છે, ભારત તો કેમિકલ ઈંધણ વાપરતું નથી.’
‘તો પછી કેમિકલ ઈંધણની અછત કેવી રીતે સર્જાઈ? શું કોઈ જાણી જોઈને આપણો મિશન મૂન પ્લાન ફેઈલ કરવા માગે છે?’
‘તપાસ કરો, શું છે આ બધાની પાછળ,’ જોન લાઈગરે કહ્યું.
‘સર, જ્યાં સુધી અમારી જાણકારી છે ત્યાં સુધી ચીને મોટા પ્રમાણમાં કેમિકલ ઈંધણ બ્લોક કરાવી રાખ્યું છે.’
‘ઓછામાં ઓછા છ મહિના સુધી કેમિકલ ઈંધણ ઉપલબ્ધ થાય એવી શક્યતા ઓછી છે.’
‘આવી સ્થિતિમાં આપણું મિશન મૂન ટેક-ઓફ્ફ કરી શકશે નહીં,’ લોકહીડ માર્ટીનના મિ. માર્ટીને જોન લાઈગર સમક્ષ પોતાની સમસ્યા માંડી.
‘ચીન! હવે ચીન પણ આપણી સાથે સ્પર્ધામાં આવ્યું છે?’
‘ભારતની સાથે હવે આપણે ચીનના હાથે પણ ખત્તા ખાવાનો વારો આવશે?’
‘મોનિકા, આ શું ચાલી રહ્યું છે,’ હવે જોન લાઈગરનો ગુસ્સો વધી રહ્યો હતો.
‘પ્રેસિડેન્ટ સર, ચીન કદાચ ખરેખર પણ મિશન મૂન હાથ ધરી રહ્યું હશે તો તેને અવરોધવા માટે આપણે કામ કરીશું.’
‘હું આ લોકો માટે ઈંધણની વ્યવસ્થા કરું છું. ચીન અને વિયેતનામમાંથી ઈંધણ ન મળતું હોય તો યુક્રેન અને ઓસ્ટ્રેલિયામાંથી કદાચ કેમિકલ ઈંધણ મળી જશે. નહીં મળે તો બીજે ક્યાંકથી વ્યવસ્થા કરાવું છું,’ મોનિકાએ કહ્યું.
મોનિકાને ખાતરી હતી કે યુક્રેનમાંથી કેમિકલ ઈંધણ મેળવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં, પરંતુ તેની વાત પૂરી થાય તે પહેલાં જ મિ. માર્ટીન વચ્ચે બોલ્યા.
‘ચીન અને વિયેતનામ જ નહીં, અમે યુક્રેન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા બધી જગ્યાએ તપાસ કરી લીધી છે.’
‘આખી દુનિયામાં કેમિકલ ઈંધણ માટેનાં રસાયણોની ગંભીર અછત છે અને છ મહિના સુધી ઈંધણ મળે એવી શક્યતા શૂન્ય છે.’
‘આપણી પાસે જે ઈંધણ છે તેનાથી મશીનરીને સ્પેસ સ્ટેશન સુધી પણ નહીં પહોંચાડી શકાય.’
‘આનો અર્થ સ્પષ્ટ છે. આપણે ગુપ્ત રાખેલી માહિતી લીક થઈ ગઈ છે અને ચીન પણ મિશન મૂનની તૈયારી કરી રહ્યું છે,’ જોન લાઈગર બોલ્યા.
***
લ્યાન ઝિન પિંગ સામે અત્યારે અવકાશવિજ્ઞાની વાન ચાંગ હાથ જોડીને ઊભા હતા.
‘વાંગ, શું થયું?’ રાષ્ટ્રપ્રમુખે સવાલ કર્યો.
‘કોમરેડ સર, આખા વિશ્ર્વમાં ક્યાંય કેમિકલ ફ્યુઅલ મળતું નથી. આપણા સિવાય ફક્ત નાસાના વિજ્ઞાનીઓ કેમિકલ ફ્યુઅલનો ઉપયોગ કરે છે.’
‘આપણે જેટલા મોટા જથ્થામાં કેમિકલ ફ્યુઅલની જરૂર છે એટલા મોટા જથ્થામાં અત્યારે તે મળતું નથી.’
‘ચીન, ઉત્તર કોરિયા અને વિયેતનામના જેટલા સ્થળેથી કેમિકલ ઈંધણ મળી શકે એમ હતું તે અમે ભેગું કરી લીધું છે, પરંતુ તે આપણા મિશન મૂનને ફક્ત સ્પેસ સ્ટેશન સુધી પહોંચાડવા પૂરતું છે. પાછા ફરવા માટે ઈંધણની વ્યવસ્થા થઈ નથી.’
ઓછામાં ઓછા છ મહિના લાગશે એમ સપ્લાયરોનું કહેવું છે,’ વાંગ ચાંગે પરિસ્થિતિ સમજાવી.
‘એક કામ કરો, ચીનમાં રહેલા બધા પ્લાન્ટને કહી દો કે એક મહિનામાં વધારાનું ઈંધણ તૈયાર કરવાની વ્યવસ્થા કરે. મારો આદેશ છે,’ લ્યાન ઝિન પિંગ હવે જિદ્દે ચડ્યા હતા.
***
‘સપના તું સાંભળ, અનુપમ મારા માટે બધું જ છે.’
‘હું તેને નુકસાન પહોંચાડવાનું સ્વપ્નેય વિચારી ન શકું.’
‘મેં જે કાંઈ કર્યું તે તેના શ્રેયાર્થે કર્યું હતું.’
‘અત્યારે હું વચનથી બંધાયેલી છું એટલે તને કશું જ કહી શકું એમ નથી.’
‘તું મારી એક વખત અનુપમ સાથે વાત કરાવ. તને પોતાને ખાતરી થઈ જશે કે હું જુઠું બોલતી નથી.’
‘મારા હૃદય પર હાથ મૂકીને જોઈ લે, અંદરથી તને અનુપમનું જ નામ સાંભળવા મળશે.’
‘તું તો એની બાળપણની સખી છે, આટલો પુરાવો પૂરતો થશે?,’ હવે લૈલા પોતાનો પ્રેમ સિદ્ધ કરવાની ચરમસીમા પર પહોંચી રહી છે એવી અનુભૂતિ સપનાને થઈ રહી હતી.
‘મારો બચપણનો સાથી મારો સાથ આપતો નથી, પરંતુ અનુપમનો બચપણનો સાથી મારો સાથ આપે તો બસ છે,’ લૈલાએ હવે સપનાને પગે પડવાનું જ બાકી રાખ્યું હતું.
‘હું અનુપમની વાંસળીની દીવાની છું. મારે રોમ રોમ ફક્ત અનુપમની ઝંખના છે. વિક્રમ પણ આ વાત જાણે છે, છતાં મને પીડી રહ્યો છે. તું અમારું મિલન કરાવી આપશે તો ભગવાન તારી બધી મનોકામના પૂરી કરશે,’ લૈલાએ કહ્યું.
‘લૈલા, અત્યારે તું ભલે કારણ ન આપતી હોય પણ મને તારી વાત પર વિશ્ર્વાસ થઈ રહ્યો છે.’
‘ન જાણે કેમ મને તારી વાત પર વિશ્ર્વાસ લાગે છે કે તેં એના શ્રેયાર્થે જ બધું કર્યું હતું.’
‘અત્યારે તો એનો સંપર્ક થતો નથી, પરંતુ આ મિશન પૂરું થયા બાદ તમારા બંનેની મુલાકાત કરાવવાનું વચન આપું છું,’ સપનાએ લૈલાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું ત્યારે લૈલાની લાગણીના બધા જ ધોધ છૂટી ગયા. સામે પક્ષે સપના પણ લાગણીના વહેણમાં તણાઈ ગઈ. (ક્રમશ:)
————
હવે શું?
સેમ્યુઅલ મારે ચીનના મિશન મૂનને ફેઈલ કરવું છે અને એના માટે આપણે શું કરવું જોઈએ? ચીનના સ્પેસ સ્ટેશનને જામ કરાવી દેવાય? ચીનના અવકાશયાનને ઉડાવી દેવાય? ચીનના વિજ્ઞાનીઓને ફોડી શકાય? કોઈ રસ્તો તો દેખાડો. મારે ચીનને આપણાથી આગળ જવા દેવું નથી, જોન લાઈગરે પોતાના મનની મથામણ ચીફ ઓફ સ્ટાફ સમક્ષ રજૂ કરી