લેખક – વિપુલ વૈદ્ય
પ્રકરણ – ૪૧
અમેરિકામાં રહેલા આપણા બધા જ એજન્ટોને સરકારની સામે આંદોલન કરવાની સૂચના આપી દો.
‘અમેરિકા સરકાર ઉદ્યોગપતિઓને વેચાઈ ગઈ એવા મુદ્દા પર આંદોલન કરાવજો,’ બાઈને પોતાનો વિચાર માંડ્યો
—
સેલ્યાન ઝિન પિંગે તાકીદે બધાને બોલાવ્યા ત્યારે જ બધાને અંદાજ આવી ગયો હતો કે તાકીદના ધોરણે મિશન મૂન અમલમાં મૂકવા માટે જ બોલાવવામાં આવ્યા છે અને તેથી લગભગ બધા જ તૈયારી કરીને આવ્યા હતા.
જેવા બધા એકઠા થઈને બેઠા એટલે લ્યાન ઝિન પિંગે ઝૂ કિલાંગ સામે જોયું એટલે તેમણે બોલવાનું ચાલુ કર્યું.
‘ભારત ઉપરાંત અમેરિકાએ પણ મિશન મૂન માટેની કાર્યવાહી આરંભી દીધી છે.’
‘અમેરિકાના મિશન મૂનમાં ચાર અણુશસ્ત્ર નિર્માતા કંપનીઓ જોડાઈ છે, વિશ્ર્વના સૌથી શ્રીમંત ચિલ રેટે પણ મિશન મૂનમાં પોતાનો સહકાર આપવા સહમતી દર્શાવી છે.’
‘હવે આપણે માટે આ મિશન મૂન ક્યારે શરૂ કરવું છે?’ કિલાંગે બોલવાનું પૂરું કર્યું.
‘આપણી ચંદ્ર પર જવાની તૈયારી છે અને તમે કહેશો ત્યારે અવકાશયાનમાં અમારી એક ટીમ બેસી જશે.’
‘બાઓટાઉ અને લાન્ઝાઉ ખાતેના યુરેનિયમના સંવર્ધન પ્લાન્ટમાંથી ટેકનોલોજીની મદદ લઈને પોર્ટેબલ પ્લાન્ટ તૈયાર કરી નાખવામાં આવ્યો છે,’ હ્યુ રેન્યુએ કહ્યું.
અવકાશ વિજ્ઞાની વાંગ ચાંગે કહ્યું કે ‘મિશન મૂન માટે અમારી ટીમ તૈયાર છે જેમાં વાંગ ડાહેંગ, વાંગ ગાનચાંગ, યાંગ જિયાચી, ચેન ફેંગ્યુનને સામેલ કરવામાં આવ્યા છે.’
‘કોમરેડ સર, તમારી અણુશસ્ત્રોની સંખ્યા વધારીને ૧૫૦૦ની પાર લઈ જવાના નિર્ધાર માટે આ મિશન મૂન અત્યંત મહત્ત્વનું છે એ વાત અમે સમજીએ છીએ અને તેને માટે અમે કટિબદ્ધ છીએ,’ એમ અગ્રણી અણુવિજ્ઞાની ઝાંગ યાંગે કહ્યું.
‘કોમરેડ સર, અહીંથી આપણો પોર્ટેબલ પ્લાન્ટ લઈ જવા માટે અવકાશયાન તૈયાર છે. સ્પેસ સ્ટેશનમાં આપણી ચાર લોકોની ટીમ તૈયાર છે. અહીંથી બીજા ૨૦ જણાની ટીમ જવાની છે તેમને માટે ખાવા-પીવાની સામગ્રી લઈ જવા માટેની તૈયારી છે,’ અવકાશ વિજ્ઞાની વાંગ ચાંગે કહ્યું.
‘સરસ, તો આનો અર્થ એમ કે આપણે મિશન મૂનને અમલમાં મૂકવા માટે એકદમ સજ્જ છીએ, આવતીકાલે મારે આખું પ્રેઝન્ટેશન જોઈએ. પછી આપણે નક્કી કરીએ કે ક્યારથી શરૂ કરવાનું છે,’ લ્યાન ઝિન પિંગે કહ્યું.
****
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈન પોતાની કેબિનમાં વિચારાવસ્થામાં બેઠા હતા ત્યારે બરાબર ચીફ ઓફ સ્ટાફ વેલેરી ગેરાસિમોવ પ્રવેશ્યા.
‘પ્રેસિડેન્ટ સર, તમે કશા ગંભીર વિચારમાં ડૂબેલા લાગો છો?,’ વેલેરીએ આવતાંવેત પૂછ્યું.
‘હા, અત્યારે શું કરું તે સમજાતું નથી.’
‘એક તરફ ભારત સાથેના આપણા સંબંધો છે અને બીજી તરફ મિશન મૂન છે.’
‘અમેરિકા જો મિશન મૂનની તૈયારી કરતું હોય તો આપણે પણ કરવું પડશે,’ બાઈને કહ્યું.
‘વેલેરી, એવો કોઈ રસ્તો શોધી કાઢ કે અમેરિકા મિશન મૂનનેે પડતું મૂકે.’
‘જો અમેરિકા મિશન મૂનને અબોર્ટ (રદ) કરી નાખે તો આપણે પણ પડતું મૂકી દઈએ.’
‘મારે ભારત સાથે કોઈ સ્પર્ધા કરવાની ઈચ્છા નથી.’
‘ભારત ભલે પોતાનું મિશન મૂન કરે અને આખી દુનિયાનું ભલું કર્યા કરે, આપણને કોઈ વાંધો નથી.’
‘અમેરિકાને રોકવું કેવી રીતે?’ બાઈને વેલેરીને સવાલ કર્યો.
‘સર, એક રસ્તો છે. જો અમેરિકામાં આંતરિક વિરોધ થાય તો તેમને મિશન મૂન પડતું મૂકવું પડે,’ વેલેરીએ કહ્યું હતું.
‘મેં એના પર વિચાર કર્યો, એ શકય નથી કેમ કે અમેરિકાની સરકાર આમાં ખર્ચ કરવાની નથી અને ફાયદો અમેરિકાના અણુઊર્જા પ્લાન્ટને થવાનો છે. આમ અમેરિકન નાગરિકો માટે તો બંને હાથમાં લાડવા જેવી સ્થિતિ છે,’ બાઈને કહ્યું.
‘બીજો એક રસ્તો છે તેમને ઈંધણ ન મળે એવી સ્થિતિ ઊભી કરીએ તો બની શકે.’
‘ભારતે મિશન મંગળયાન કર્યંુ ત્યારે અમેરિકા ઈંધણને કારણે જ પાછળ પડી ગયું હતું.’
‘આમેય તેમને ચંદ્ર પર જવા માટે જે ઈંધણ મળવાનું છે તે યુક્રેન અને ઓસ્ટ્રેલિયાથી મળવાનું છે.’
‘આપણે તેમને રોકી શકીએ તો તેઓ અટવાઈ જશે.’
‘તેમને ઓછામાં ઓછું ૮૦-૧૦૦ ટન ઈંધણની આવશ્યકતા પડશે. આટલું ઈંધણ સ્વાભાવિક રીતે અમેરિકા પાસે જમા તો નહીં જ હોય.’
‘આવી સ્થિતિમાં ઈંધણ નહીં મળે તો તેમનો પ્લાન ફ્લોપ થઈ જશે,’ વેલેરીએ પોતાનો વિચાર માંડ્યો.
‘આ સારો વિચાર છે, આપણે આખી દુનિયામાંથી બધું કેમિકલ ઈંધણ ખરીદી લો,’ બાઈને કહ્યું.
‘આ ઉપરાંત અમેરિકામાં રહેલા આપણા બધા જ એજન્ટોને સરકારની સામે આંદોલન કરવાની સૂચના આપી દો.’
‘અમેરિકા સરકાર ઉદ્યોગપતિઓને વેચાઈ ગઈ એવા મુદ્દા પર આંદોલન કરાવજો,’ બાઈને પોતાનો વિચાર માંડ્યો.
****
‘વડા પ્રધાન સર, અત્યાર સુધી મિશન મૂનમાં જે બધું થયું છે તેની વિગતો તમને આપી દેવામાં આવી છે.’
‘મેં મારી અંગત ક્ષમતામાં બે બાબતોને છૂટ આપી છે.’
‘આમાં કશું ફેરફાર કરવાની આવશ્યકતા જણાતી હોય તો તમે કહી શકો છો,’ ગૃહપ્રધાન અમિતાભ શેઠે વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતાને તેમની ગેરહાજરીમાં આ બાબતે થયેલી પ્રગતિની વિગતો આપી.
‘મિશન મૂનમાં અત્યાર સુધી બધું સારી રીતે ચાલી રહ્યું છે.’
‘જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી અનુપમનો પહેલો પ્રયોગ સફળ થઈ ગયો છે.’
‘હવે જોઈએ વિક્રમના પ્રયોગનું શું થાય છે.’
‘શ્રુતિને પાછી બોલાવવાનું પગલું પણ યોગ્ય હતું, પરંતુ લૈલાને પાછી મોકલવા પહેલાં થોડી વધુ તપાસ આવશ્યક હતી.’
‘વિશાલ પર શંકા હતી તો એના સીડીઆર સાંભળી લેવા હતા. થોડું ઉતાવળું પગલું ભર્યું છે.’
‘તેમ છતાં એકદંરે બધું સારી રીતે ચાલ્યું છે.’
‘હવે આપણે રાજીવ, આદેશ અને રાજેશને બોલાવી લઈએ,’ ઈન્દ્રવદન મહેતાએ કહ્યું.
ઈન્દ્રવદનની વાત સાંભળીને અમિતાભ શેઠ પણ છક થઈ ગયા. દેશમાં નહોતા તેમ છતાં બંનેના પ્રયોગ પર તેમનું ધ્યાન હતું. આવી જ રીતે જે વસ્તુ કહી નહોતી તેના પર પણ તેમનું પૂરું ધ્યાન છે.
રાજીવ અને આદેશ આવીને વડા પ્રધાનની આજુ-બાજુમાં ઊભા રહ્યા ત્યારે તેમની તંદ્રા તુટી.
‘રાજીવ, આ લલ્લનનું શું કરી શકાશે?,’ વડા પ્રધાને પૂછ્યું હતું.
‘સર, લલ્લનને ક્યાંથી નાણાં મળ્યા છે તેની વિગતો સાંપડી છે અને તમે કહો તો તેની સામે ફેમાનો ગુનો દાખલ કરીને અટકાયત કરી શકાય એમ છે,’ રાજીવે માહિતી આપી.
‘રાજીવ, મારે તેને અંદર નથી નાખવો. મારે માહિતી જોઈએ છે કે આપણા મિશન મૂનની માહિતી કેટલા લોકો પાસે છે અને આપણે ત્યાંથી કોણ ફૂટેલા છે.’ (ક્રમશ:)
—
હવે શું?
મોનિકા, આ શું થઈ રહ્યું છે? આપણે તો ભારતનું મિશન મૂન બંધ કરાવવાનું હતું અને ભારતમાં દેખાવો થવાના હતા તેને બદલે અહીં આપણે ત્યાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. આપણા મિશન મૂન આડે અવરોધ ઊભો કરવા જેટલું ભારત શક્તિશાળી થઈ ગયું છે? અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગર અત્યારે ગુસ્સાથી ધ્રૂજી રહ્યા હતા