અણુશસ્ત્રો સાથે સંકળાયેલી કંપનીઓના વિજ્ઞાનીઓને આ બેઠકમાં હાજર હતા. આનો અર્થ કરી શકાય કે અમેરિકા આગામી દિવસોમાં વધુ અણુશસ્ત્રો તૈયાર કરવાની યોજના ઘડી રહ્યું છે અને ચંદ્રની માટીના અહેવાલને સંબંધ છે
લેખક – વિપુલ વૈદ્ય
ન ઝીન પિંગના ઘરમાં વાતાવરણ અત્યંત ગંભીર હતું. સીપીસી સેન્ટ્રલ મિલિટરી કમિશનના બે વાઈસ-પ્રેસિડેન્ટ ઝુ કિલાંગ અને ઝાંગ યુઓઆ મિલિટરી કમિશનના અન્ય સભ્યો તેમ જ પિપલ્સ લિબરેશન આર્મીની ત્રણેય શાખાના વડા અત્યારે રાષ્ટ્રપ્રમુખની સામે જોઈ રહ્યા હતા.
મને નક્કર પ્રકારની માહિતી મળી છે કે ચંદ્રના જે સેમ્પલ અમેરિકામાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા તેનો અહેવાલ આવી ગયો છે, આ અંગે તમારી પાસે શું માહિતી છે, એમ લ્યાન ઝીન પિંગે પોતાની સામે બેઠેલા ૧૨ લોકોને સીધો જ સવાલ કર્યો.
કિલાંગ કશું બોલવા જતો હતો, ત્યાં યુઓઆએ કહ્યું કે, સર, આપણી જાસૂસી એજન્સી એમએસએસના વડા લી પાસે આ અંગે થોડી માહિતી છે, પરંતુ હજી સુધી આ વાતનું ક્યાંય સમર્થન મળ્યું ન હોવાથી તમને જાણ કરવામાં આવી નહોતી.
માથું ફરી ગયું છે તમારું? આ અહેવાલ કેટલો મહત્ત્વનો છે તેની ખબર પડે છે કે નહીં? આ અહેવાલને અમેરિકા અને ભારત હજી સુધી કેમ ગુપ્ત રાખે છે તેની ખબર પડે છે? કઈ વસ્તુનું કેટલું મહત્ત્વ છે તેની ખબર ન પડતી હોય તો હાલ રાજીનામું આપીને જઈ શકો છો. ચીન માટે આ અહેવાલનું મહત્ત્વ કેટલું છે તેની ખબર પડે છે તમને? રાષ્ટ્રપ્રમુખ ગુસ્સાથી લાલપીળા થઈ રહ્યા હતા અને તેમને ગુસ્સે થયેલા જોઈને બધા લોકો આંખો નીચી કરી ગયા.
તરત જ કિલાંગ ઊભો થયો અને તેણે કહ્યું, કોમરેડ અત્યાર સુધીમાં હાથ આવેલી માહિતી મુજબ ચંદ્ર પરથી મળેલા સેમ્પલની ચકાસણી અમેરિકાની પ્રયોગશાળામાં કરવામાં આવી હતી અને આ સેમ્પલમાં ચંદ્ર પર રહેલી ધાતુઓના પ્રમાણની માહિતી આપવામાં આવી છે.
૪૨ વર્ષનો કિલાંગ કોઈપણ કાગળ જોયા વગર ફટાફટ બોલી રહ્યો હતો અને એમએસએસના લી તેમ જ યુઓઆ હકારાત્મક માથું હલાવી રહ્યા હતા. લિબરેશન આર્મીના શસ્ત્રાગારના વડા કાન માંડીને સાંભળી રહ્યા હતા. કમિશનના બધા જ સભ્યો આતુરતાથી કિલાંગનું નિવેદન પૂરું થવાની રાહ જોઈ રહ્યા હતા.
અમેરિકાની પ્રયોગશાળામાંથી આ અહેવાલ લગભગ ૪૮ કલાક પહેલાં આપી દેવામાં આવ્યો હતો. નાસાએ ભારતને આ અહેવાલ લગભગ ૨૪ કલાક પહેલાં મોકલી આપ્યો છે. કિલાંગ સડસડાટ બોલ્યે જતો હતો. પેન્ટાગોનમાં ૧૦ કલાક પહેલાં એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં અમેરિકા માટે અણુશસ્ત્રો તૈયાર કરનારી ચારેય કંપનીના પ્રતિનિધિઓ હાજર હતા. જે રીતે આ બેઠક પાર પાડવામાં આવી તેને જોતાં આ સેમ્પલમાં અણુશસ્ત્રો માટે ઉપયોગમાં લઈ શકાય એવી કોઈ સામગ્રી હોવી જોઈએ એવો અંદાજ આપણા માણસો લગાવી રહ્યા છે.
અત્યાર સુધી ધ્યાનથી સાંભળી રહેલા કમિશનના બધા જ સભ્યો તેમ જ લશ્કરી દળના વડાઓ ‘અણુશસ્ત્રોમાં ઉપયોગમાં લઈ શકાય એવી સામગ્રી’ સાંભળીને ટટ્ટાર થઈ ગયા હતા. કિલાંગ આગળ શું બોલે છે તેના પર બધાનું ધ્યાન કેન્દ્રિત થયું હતું, પરંતુ હવે કિલાંગને બદલે ન્યુક્લિઅર સાયન્ટિસ્ટ હ્યુ રેન્યુ બોલ્યા. ચંદ્ર પર રજત રંગની ધાતુ હોવાનો અંદાજો ઘણા સમયથી લગાવી રહ્યા હતા અને અત્યારે જે અહેવાલ મળ્યો છે તેમાં યુરેનિયમ કે થોરિયમ કે બંને ધાતુ હોવાની શક્યતા જણાઈ રહી છે. કારણકે જો ચંદ્રની માટીનો અહેવાલ ગુપ્ત રાખવામાં આવી રહ્યો છે તો તે ધાતુ મહત્ત્વની હોવી જોઈએ. પારો કે ચાંદી હોત તો તે બાબતને જાહેર કરવામાં કોઈ સમસ્યા સર્જાઈ ન હોત, પરંતુ જો ચંદ્રની સપાટી પર યુરેનિયમ કે થોરિયમ ધાતુ હોય અને ચંદ્રની ચમક જો આ ધાતુઓને કારણે હોય તો તેનું પ્રમાણ ચંદ્ર પર ઘણું વધારે હોવું જોઈએ અને તેથી જ કદાચ અણુશસ્ત્રો સાથે સંકળાયેલી કંપનીઓના વિજ્ઞાનીઓને આ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા હતા. આનો અર્થ સીધો એવો કરી શકાય કે અમેરિકા આગામી દિવસોમાં વધુ અણુશસ્ત્રો તૈયાર કરવાની યોજના ઘડી રહ્યું છે અને તે બાબત સાથે ચંદ્રની માટીના અહેવાલને કોઈપણ પ્રકારનો સંબંધ ચોક્કસ છે.
પૃથ્વી પર રહેલા યુરેનિયમના ભંડારો નામશેષ થઈ રહ્યા છે અને આ સ્થિતિમાં જો ખરેખર ચંદ્ર પર યુરેનિયમ હોય તો તેને ઘણા મોટા સમાચાર કહી શકાય. અત્યારે આપણી પાસે જે અણુશસ્ત્રો છે તે બધાં જ આગામી થોડા વર્ષમાં કાલબાહ્ય થઈ જશે અને ત્યારે આપણને પણ નવાં અણુશસ્ત્રો બનાવવા માટે મોટી સંખ્યામાં યુરેનિયમની જરૂર પડશે અને અત્યારે આખી દુનિયામાં યુરેનિયમના સ્ત્રોત ઘણા ઓછા છે અને તે અપૂરા પડશે. આ બાબતને ધ્યાનમાં રાખવામાં આવે તો આ ધાતુ કઈ છે તેનો પત્તો લગાવવો અત્યંત આવશ્યક છે. હ્યુએ પોતાનું નિવેદન પૂર્ણ કર્યું.
હવે ચીનના અગ્રણી અણુવિજ્ઞાની ઝાંગ યાંગ ઊભા થયા અને તેમણે શરૂ કર્યું કોમરેડ સર જ્યાં સુધી ચંદ્ર પર મળેલી ધાતુની ઓળખની વાત છે તો તેનો પત્તો આગામી ૨૪ કલાકમાં લાગી જશે, પરંતુ ખરેખર પણ ત્યાં યુરેનિયમ હોય તો પણ આપણા માટે તેનો શો ઉપયોગ? ચંદ્ર પર અત્યાર સુધીમાં ભારત અને અમેરિકા પહોંચી ચૂક્યા છે, આપણે હજી સુધી ચંદ્ર પર પહોંચ્યા નથી. એક સમયે જ્યારે આપણે રશિયાને સાથ આપ્યો હતો ત્યારે તેઓ ચંદ્રની નજીક જઈ શક્યા હતા, પરંતુ ચંદ્રને સ્પર્શ કરી શક્યા નહોતા. આ બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ.
ભારત અને અમેરિકાનો ઉલ્લેખ સાંભળીને ઓરડામાં હાજર દરેક અધિકારીનું મોં કટાણું થઈ ગયું. અવકાશવિજ્ઞાની વાંગ ચાંગ તરત જ પોતાની જગ્યા પરથી ઊભા થયા અને તેમણે કહ્યું કે આપણી પાસે ટેકનોલોજી છે, આપણે સુપરસોનિક મિસાઈલ બનાવી ચૂક્યા છીએ અને અવકાશમાં જવાની આપણી ક્ષમતા બધા દેશો કરતાં ઘણી વધારે છે. ચંદ્ર પર જવાનો આપણે પ્રયાસ જ નથી કર્યો, પરંતુ તેનો અર્થ એવો નથી કે આપણી ક્ષમતા નથી. આપણું સ્પેસ સ્ટેશન હવે સ્થાપિત થઈ ગયું છે અને સ્પેસ સ્ટેશન સાથે ટેક્સી-બે પણ તૈયાર થઈ ગયો છે. હવે આપણા માટે અવકાશમાં જઈને પાછા ફરવું રમત વાત છે. આપણી પાસે લગભગ ૨૦૦ અવકાશવીરો ઉપલબ્ધ છે, જેઓ અવકાશમાં જઈને આવવાની તાલીમ ધરાવે છે. પ્રેસિડન્ટ સર કહેશે તે ઘડીએ અમારા અવકાશવીરો કામે લાગવા તૈયાર છે. તમારું નિવેદન વાસ્તવમાં ચીનના અપમાન સમાન છે અને ભારત તેમ જ અમેરિકાને તમે ઘણું વધુ પડતું મહત્ત્વ આપી રહ્યા છો એવું નથી લાગતું? રહી વાત ચંદ્ર પરની ધાતુનો અહેવાલ મેળવવાનો તો અણુવિજ્ઞાની તરીકે ચંદ્ર પર રહેલી ધાતુની જાણકારી મેળવવાનો પ્રયાસ કરશો અને તેને ત્યાંથી કેવી રીતે લાવી શકાય તેના પર ધ્યાન આપશો તો વધારે સારું રહેશે.
અવકાશ વિજ્ઞાન સાથે સંકળાયેલું આખું તંત્ર અત્યંત સજ્જ છે અને કોમરેડ સર તમે જ્યારે કહેશો ત્યારે અમારા અવકાશવીરો સ્પેસ સુટ પહેરીને અવકાશમાં જવા અને ચંદ્ર પર જવા માટે તૈયાર બેઠા છે.
પોતાના પર થયેલા સીધા હુમલાથી ધુંધવાયેલા અણુવિજ્ઞાનીએ તરત જ મોરચો એસએમએસના લી પર વાળ્યો અને કહ્યું કે એક વખત અમારા હાથમાં સેમ્પલ કે પછી તેનો અહેવાલ આવી જાય તો અમે પણ કહી દઈશું કે અમારામાં કેટલો દમ છે. અત્યારે પહેલાં તો લીનું કામ છે કે તેઓ વહેલામાં વહેલી તકે રિપોર્ટ હાથ કરે.
હવે લીને બોલ્યા વગર ચાલે એમ નહોતું એટલે તેણે ઊભા થઈને કહ્યું કે કોમરેડ, અમારા માણસો અત્યારે ચાર જગ્યાએ કામે લાગી ગયા છે અને ૨૪ કલાકમાં અહેવાલ આપણા હાથમાં હશે.
લ્યાન ઝિન પિંગનો ગુસ્સો હવે ઓછો થયો હતો તેમણે પોતાના સ્વભાવમુજબ અત્યંત શાંત સ્વરે અને ધીમા અવાજે બોલવાનું ચાલુ કર્યું. ચંદ્ર પર યુરેનિયમ કે તત્સમ કોઈ ધાતુ છે એમ અત્યારે પ્રાથમિક તબક્કે માની લઈએ તો આપણી પાસે બે વિકલ્પ છે, કાં તો આ ધાતુને તેના કાચા સ્વરૂપમાં પૃથ્વી પર લાવવામાં આવે અથવા તો તેને રિફાઈન્ડ કરીને પૃથ્વી પર શુદ્ધ સ્વરૂપમાં લાવવામાં આવે. અત્યારે હું બધાને ૨૪ કલાક આપું છું નક્કી કરીને જણાવો કે આ ધાતુને પૃથ્વી પર કેવી રીતે લાવવાનું
સરળ અને સારું બની રહેશે. હવે આપણે આવતીકાલે સવારે સાત વાગ્યે મળીશું. (ક્રમશ:)
———
હવે શું?
આ શું ચાલી રહ્યું છે મને ખબર પડી શકે? એક સમયે નંબર એક ગણાતી આપણી જાસૂસી સંસ્થાઓની આ કેવી હાલત થઈ ગઈ છે? આટલી મહત્ત્વની માહિતી કેમ હજી સુધી આપણી પાસે આવી નથી? પેન્ટાગોનમાં અણુશસ્ત્રો બનાવતી ચારેય કંપનીના પ્રતિનિધિઓ સાથે જોન લાઈગરે કયા વિષય પર ગુપ્ત બેઠક કરી તેની જાણકારી મારે જોઈએ છે, વોલેરન બાઈન પોતાના ધીરગંભીર અવાજમાં બોલી રહ્યા હતા અને તેમની સામે નતમસ્તક થઈને મેજર જનરલ વેલેરી ગેરાસિમોવ ઊભા હતા