હોમ મિનિસ્ટર સર, સૈદ્ધાંતિક રીતે તમારી વાત સાથે કદાચ હું સહમત થઈ શકું, પરંતુ વ્યવહારુ રીતે નહીં. આપણે જે અવકાશયાન બનાવીને મોકલશું તેની દીવાલોની જાડાઈ જતી વખતે પાંચ ઈંચની હશે અને પાછું આ યાન પૃથ્વી પર આવશે ત્યારે તેની જાડાઈ ઘટીને બે ઈંચ જેટલી થઈ ગઈ હશે
લેખક – વિપુલ વૈદ્ય
સેન્ટ્રલ વિસ્ટાના મુખ્ય હોલમાં અત્યારે ભારતના ટોચના વિજ્ઞાનીઓ બેઠા હતા અને દેશના ગૃહપ્રધાન અમિતાભ શેઠને મિશન મૂનનું પ્રેઝન્ટેશન આપવામાં આવી રહ્યું હતું.
પ્રેઝન્ટેશન આપ્યા બાદ અનુપ રોયે ગૃહ પ્રધાનને કહ્યું કે હવે તમારે કશું પૂછવું હોય તો પૂછો.
અમિતાભ શેઠે રંજન કુમાર સામે એક નજર મારી, પછી એજેપી અકબર સામે જોયું. વિશાલ માથુર પર થઈને તેમની નજર અનુપ રોય પર આવીને અટકી.
‘અનુપજી, તમે જે ખર્ચના આંકડા આપ્યા તેમાં અવકાશયાનની નિર્મિતીથી લઈને રોકેટના નિર્માણથી લઈને બધા જ આંકડા ગણ્યા છે, પરંતુ અવકાશયાન પૃથ્વી પર આવ્યા બાદ ફરી વાપરી શકાશે ને? તો બીજી વખતમાં એ ખર્ચ ઘટશે નહીં?’ ગૃહપ્રધાને સવાલ કર્યો.
‘હોમ મિનિસ્ટર સર, સૈદ્ધાંતિક રીતે તમારી વાત સાથે કદાચ હું સહમત થઈ શકું, પરંતુ વ્યવહારુ રીતે નહીં. આપણે જે અવકાશયાન બનાવીને મોકલશું તેની દીવાલોની જાડાઈ જતી વખતે પાંચ ઈંચની હશે અને પાછું આ યાન પૃથ્વી પર આવશે ત્યારે તેની જાડાઈ ઘટીને બે ઈંચ જેટલી થઈ ગઈ હશે. અમે આશા રાખીએ છીએ કે આટલી ઓછામાં ઓછી હોય.’
‘કારણ કે આ યાનને અલગ અલગ ઘર્ષણનો સામનો કરવો પડતો હોય છે અને તેમાં ધાતુની જાડાઈનું ધોવાણ થતું હોય છે,’ અનુપ રોયે જવાબ આપ્યો.
‘જ્યાં સુધી મેં મંગલયાન પરના ઈંધણના ખર્ચની વાત વાંચી હતી. તેનો પ્રતિ કિલોમીટર ખર્ચ તો ઘણો ઓછો દેખાતો હતો, પરંતુ અહીં ઘણો વધુ દેખાઈ રહ્યો છે, કેમ?’ અમિતાભે બીજો સવાલ કર્યો.
‘સર, મંગલયાનમાં આપણે વજન ઘણું ઓછું લઈ જવાનું હતું. અત્યારે જતી વખતે અને પાછા ફરતી વખતે વજન ઘણું હશે. અત્યારે આપણે ગણતરીમાં વર્ષોથી વાપરવામાં આવતું ઈસરોનું ‘ડર્ટી કોમ્બિનેશન’ લીધું છે.’
‘રંજન કુમાર સરે વિક્રમને અન્ય વિકલ્પોની તલાશ કરવાનું કહ્યું છે અને કદાચ ઈંધણના ખર્ચમાં ઘટાડો થઈ શકે છે,’ અનુપ રોયે કહ્યું.
આ પ્રોજેક્ટ વિશે બધી માહિતી તમે જ આપી રહ્યા છો, બાકીના આ બધા લોકોની પ્રોજેક્ટમાં શું ભૂમિકા છે? ગૃહપ્રધાને સવાલ કર્યો.
સર, મારી સામે બેઠા છે તે રંજન કુમાર અણુ ઊર્જા સાથે સંકળાયેલા છે અને તેઓ યુરેનિયમ અને થોરિયમમાંથી અણુ ઊર્જા ઉત્પાદન કરવા પર ધ્યાન આપશે. તેમના આસિસ્ટન્ટ્સને ધાતુના શુદ્ધીકરણ અને સંવર્ધન માટેની યંત્રણાની જવાબદારી સોંપવામાં આવી છે.
મારી બાજુમાં બેઠા છે તેમનું નામ વિક્રમ નાણાવટી છે અને તેઓ ઈંધણના સ્પેશ્યાલિસ્ટ છે. તેઓ ઈસરોમાં કામ કરી રહ્યા હતા. મંગલયાનની ઈંધણની ટીમમાં તેઓ સામેલ હતા.
તેમના પછી બેઠા છે તેનું નામ વિશાલ માથુર છે અને તેઓ પણ ઈંધણના નિષ્ણાત છે. તેઓ ચંદ્રયાન મિશન સાથે સંકળાયેલા હતા અને થોડો સમય ઈસરોમાં પણ હતા. અત્યારે આપણે જે સેટેલાઈટ લોન્ચ કર્યા તેમાં પણ ઈંધણના નિષ્ણાત તરીકે તેમની ભૂમિકા હતી.
તેમના પછી બેઠા છે તે છે એજેપી અકબર અને તેમના આસિસ્ટન્ટ જયંત સિન્હા. આ બંને રોકેટના નિષ્ણાતો છે. છેલ્લાં પાંચ વર્ષમાં આપણી દરેક અવકાશી ઝુંબેશમાં રોકેટ વિભાગ સાથે તેઓ સંકળાયેલા છે.
રંજન કુમારની બાજુમાં બેઠા છે તેમનું નામ અનુપમ વૈદ્ય છે અને તેઓ ભૌતિક શાસ્ત્રના વિજ્ઞાની છે. તેઓ દેખીતા માધ્યમ વગર વીજળી પસાર કરવાનો પ્રયોગ કરવા માગે છે.
તેમની બાજુમાં બેઠા છે તે બંને રંજન કુમારના આસિસ્ટન્ટ છે. અમોલ ધાતુઓના શુદ્ધીકરણ સાથે સંકળાયેલો હોય છે, જ્યારે તેમની બાજુમાં બેઠાં છે તેમનું નામ લૈલા ડિસોઝા છે, અત્યારે કોલ્લમ અણુ ઊર્જા પ્લાન્ટમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે. અણુ ઊર્જા ઉત્પાદનમાં તેમનું યોગદાન રહેશે.
ત્યાંથી આગળ બેઠેલા મોટા ભાગના વિજ્ઞાનીઓ સહાયક છે અને અલગ અલગ વિભાગ સાથે કામ કરે છે.
અનુપ રોય ઝડપથી બધાની ઓળખ કરાવી રહ્યા હતા ત્યારે વિક્રમ નાણાવટી, અનુપમ વૈદ્ય અને લૈલા ડિસોઝાના નામ સાંભળીને અમિતાભ શેઠે તેમને ધ્યાનથી જોયા. આ બાબત કોઈના ધ્યાનમાં આવી હોય કે ન આવી હોય, પરંતુ આદેશ અને રાજેશ તિવારીના ધ્યાનમાં આવી હતી.
****
સેન્ટ્રલ વિસ્ટાના સેન્ટ્રલ હોલમાં જેવી બેઠક પૂરી થઈ કે તરત બધા ઊઠીને જવા લાગ્યા. લૈલા ઊભી થઈને અનુપમની નજીક જવા ગઈ, પરંતુ અનુપમ તરત ત્યાંથી દૂર થઈને અનુપ રોય સાથે વાતો કરવા ઊભો રહી ગયો.
લૈલા બહાર આવીને અનુપમની રાહ જોવા લાગી. થોડી વારમાં અનુપમ રંજન કુમાર અને અનુપ રોયની સાથે વાત કરતો કરતો બહાર આવ્યો. લૈલાએ તેને આંતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને સિનિયર વિજ્ઞાનીની સાથે રહેલો અનુપમ તેને અવગણીને આગળ વધી ગયો.
****
‘વિક્રમ, મારી વાત સાંભળ,’ અત્યંત ધૂંધવાયેલી લૈલાએ અનુપમ દ્વારા કરવામાં આવેલી અવગણનાનો ગુસ્સો વિક્રમ પર કાઢતાં જણાવ્યું.
‘લૈલા, શું સાંભળું?,’ વિક્રમ નાણાવટીએ પૂછ્યું.
‘અનુપમ મારી સામે પણ જોતો નથી. મને અવગણી રહ્યો છે. મારી સાથે અસ્પૃશ્ય જેવો વ્યવહાર કરી રહ્યો છે. આ મારાથી સહન થતું નથી,’ લૈલા એક શ્ર્વાસે બોલી ગઈ.
‘અનુપમ તારી સાથે ગમે તે વ્યવહાર કરે તેનાથી મારે શું?’ વિક્રમ ધૂંધવાયો.
‘તને બધી વાતની ખબર છે, શા માટે મને પીડો છો તમે બંને જણા?’ હવે લૈલા એકદમ રડમસ થઈ ગઈ.
‘જો લૈલા, અત્યારે આપણે અહીં મહત્ત્વના કામ માટે એકઠા થયા છીએ. જે કામ માટે અહીં આવ્યા છીએ તેના પર ધ્યાન આપીએ?’ વિક્રમે એકદમ સપાટ સ્વરે કહ્યું.
લૈલા પોતાનું મોં રૂમાલમાં સંતાડીને ત્યાંથી ભાગી છૂટી.
****
‘આદેશ, તારી પાસે શું અહેવાલ છે વિક્રમ, અનુપમ, લૈલા અને વિશાલ માથુર વિશે?’ ગૃહપ્રધાન અમિતાભ શેઠે સવાલ કર્યો.
‘સર, મારી પાસે જે અહેવાલ છે તે સાંભળવા પહેલાં રાજેશ જે દેખાડવા માગે છે તે સીસીટીવી ફૂટેજ જોઈ લઈએ,’ આદેશ રાજપાલે અત્યંત વિનમ્ર સ્વરે ગૃહપ્રધાનને જણાવ્યું.
‘શેની સીસીટીવી ફૂટેજ છે,’ અમિતાભે સવાલ કર્યો.
‘રંજન કુમારે અનુપમ વૈદ્યને
પોતાની કેબિનમાં બેસાડીને તેની સાથે વાત કરી હતી તેની,’ રાજેશ તિવારીએ કહ્યું. (ક્રમશ:)
———
હવે શું?
આપણને જે પ્રેઝન્ટેશન દેખાડવામાં આવ્યું હતું તેના કરતાં તો અહીં કંઈ અલગ જ વાત થઈ રહી છે. આ લોકો વાસ્તવિક વાત આપણાથી ગુપ્ત રાખે છે. આ શું ચાલી રહ્યું છે. અનુપમ સાથેની વાતો પણ એવી લાગે છે કે જાણે આ વ્યક્તિ ઘણાં મોટાં કાવતરાં કરી રહ્યો હોય, અમિતાભ શેઠ અત્યારે ક્રોધમાં કાંપી રહ્યા હતા