‘સર, તમારી યોજનામાં થોરિયમના શુદ્ધીકરણ અને સંવર્ધન માટેના પ્લાન્ટની વાત કરવામાં આવી છે યુરેનિયમ માટે આ પ્લાન્ટ કેવી રીતે કામ કરી શકશે?,’ અનુપ રોયે સવાલ કર્યો
લેખક – વિપુલ વૈદ્ય
સેન્ટ્રલ વિસ્ટાના મુખ્ય હોલમાં અનુપ રોય અને રંજન કુમારની સાથે બધા જ વિજ્ઞાનીઓ બેઠા હતા અને સવારે ૧૦ વાગ્યે થનારી બેઠકની પૂર્વતૈયારીઓ પર નજર મારવામાં આવી રહી હતી.
‘અમારા તરફથી તૈયારી છે, ચંદ્રની સપાટી પર રહેલી ધાતુના શુદ્ધિકરણ અને સંવર્ધન માટેની વ્યવસ્થા અમે કરીશું, તેમાં પોર્ટેબલ પ્લાન્ટ તૈયાર કરી શકાશેે,’ એમ કહીને રંજન કુમારે પોતાની યોજના બધાની સામે રજૂ કરી.
‘સર, તમારી યોજનામાં થોરિયમના શુદ્ધિકરણ અને સંવર્ધન માટેના પ્લાન્ટની વાત કરવામાં આવી છે, યુરેનિયમ માટે આ પ્લાન્ટ કેવી રીતે કામ કરી શકશે?,’ અનુપ રોયે સવાલ કર્યો.
‘સર, તમારી વાત સાચી છે. આ પ્લાન્ટમાં થોડા ફેરફાર અપેક્ષિત છે, પરંતુ મને ખાતરી છે કે યુરેનિયમના સંવર્ધન માટે પણ આવો પ્લાન્ટ તૈયાર કરી નાખીશું,’ રંજન કુમારે તેમને ખાતરી આપી.
‘ઈંધણ માટેનું શું કરીશું?’ અનુપ રોયે સવાલ કર્યો.
‘અત્યારે ચંદ્રયાન-૨ માટે વાપરવામાં આવેલા યુડીએમએચ (અનસિમેટ્રિકલ ડાઈ-મિથાઈલ હાઈડ્રાઝાઈન)નો વિકલ્પ મારી પાસે છે,’ વિશાલ માથુરે પોતાની વાત કરી.
‘યુડીએમએચને આખી દુનિયા હવે ડર્ટી કોમ્બિનેશન કહે છે તે વાતની તો તમને જાણ હશે જ,’ અનુપ રોયે વચ્ચે જ વાત કાપી.
‘સર, ભલે આ ઈંધણને ડર્ટી કોમ્બિનેશન કહેવામાં આવતું હોય, પરંતુ અત્યારે આ ઈંધણ આપણા માટે સૌથી સફળ રહેલું ઈંધણ છે.’
‘અત્યાર સુધી આ ઈંધણનો ઉપયોગ કરીને અનેક ઉડ્ડયન સફળ થઈ ગયા છે અને આમાં આપણી હથોટી બેસી ગઈ હોવાથી ઉડ્ડયન નિષ્ફળ જવાની શક્યતા ઓછી છે,’ વિશાલ માથુરે પોતાની દલીલ રજૂ કરી.
‘વિક્રમ, તારું શું માનવું છે યુડીએમએચ માટે?,’ અનુપ રોયે વિક્રમને સવાલ કર્યો. વિશાલ માથુરના મોં પર સ્પષ્ટ રીતે અણગમો જોઈ શકાતો હતો. પોતાના પ્લાન પર વિક્રમ નાણાવટીની મંજૂરી માગવામાં આવી તે તેને બિલકુલ પસંદ આવ્યું નહોતું, પરંતુ અત્યારની સ્થિતિમાં તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. અનુપ રોયે હજી એક દિવસ પહેલાં જ તેને ચેતવણી આપી હતી. આમેય બધાને ખબર હતી કે વિક્રમ નાણાવટી એક સમયે અનુપ રોયનો પ્રિય હતો.
‘સર, મારું માનવું છે કે આપણે હવે ડર્ટી કોમ્બિનેશનને છોડીને પોટેશિયમ નાઈટ્રેટ, સાકર, કેરો સિરપનો ઉપયોગ કરીને સસ્તું મિશ્રણ તૈયાર કરીને મંગલ યાનમાં વાપર્યું હતું તેના પર વિચાર કરવો જોઈએ, આ ઈંધણ આપણને ઘણું સસ્તું પડ્યું હતું.’
‘આપણા જીએસએલવીને લોન્ચ કરવામાં આપણે ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કર્યો હતો તે પણ સારો વિકલ્પ છે,’ વિક્રમ નાણાવટીએ પોતાની વાત માંડી.
‘વિક્રમ, તું બોલી તો રહ્યો છે, પરંતુ મને એમ લાગે છે કે આ બંનેમાંથી એકેય વિકલ્પ અપનાવવા માટે તું પોતે જ તૈયાર નથી. બરાબર,’ અનુપ રોયે વિક્રમને ટોક્યો.
‘હા સર, મારો વિચાર આ ત્રણેમાંથી એકેય ઈંધણનો ઉપયોગ કરવાનો નથી પણ સસ્તા અને સારા વિકલ્પ માટે થોડું વધારે વિચારવાની જરૂર લાગી રહી છે,’ વિક્રમે અનુપ રોયને કહ્યું.
‘અકબર સર, તમારી કેવી તૈયારીઓ થઈ છે?’ અનુપ રોયે એજેપી અકબરને સર તરીકે સંબોધ્યા એટલે જયંત સિન્હાની આંખો પહોળી થઈ ગઈ. જે મુદ્દો તેણે હજી ૨૪ કલાક પહેલાં માંડ્યો હતો તેનો છેદ ઉડતો દેખાયો.
‘સર, મારા તરફથી ચાર રોકેટના પ્રકારની વાત છે. જીએસએલવી શ્રેણીના રોકેટ પાંચ ટન જેટલું વજન લઈ જવા તો સક્ષમ છે, આ રોકેટમાં કેટલાક ફેરફાર કરવામાં આવે તો મને લાગે છે કે ૧૦ ટન જેટલું વજન લઈ જવા માટે સક્ષમ રોકેટ તૈયાર કરી શકાશે.’
‘જ્યાં સુધી ઈંધણ કેવા પ્રકારનું વાપરવામાં આવવાનું છે તેની ખબર ન પડે ત્યાં સુધી હું રોકેટ વિશે વધુ કામ કરી શકીશ નહીં.’
‘અત્યારે જીએસએલવી અને પીએસએલવી બંને પ્રકારના અને અલગ અલગ ક્ષમતાના રોકેટ તૈયાર કરવાનું કામ ઈસરો દ્વારા કરવામાં આવ્યું છે અને જો આપણી યોજના તૈયાર થઈ જાય અને ઈસરો પાસે જ રોકેટ તૈયાર કરાવવાનું હોય તો મારે થોડા દિવસ ઈસરોમાં રહેવાની વ્યવસ્થા કરવી પડશે.’ અકબરે કહ્યું.
‘જયંત સિન્હા, તમારે કશું કહેવાનું છે?’ અનુપ રોયે ક્યારના ઊંચાનીચા થઈ રહેલા જયંત સિન્હાને બોલવાની તક આપી.
‘અત્યારે આપણે રોકેટની વાત કરી રહ્યા છીએ, પરંતુ પેલા દિવસે તો પ્લેન જેવી કોઈ વસ્તુની વાત કરવામાં આવી હતી,’ જયંત સિન્હાએ પોતાને અકળાવતી વાત રજૂ કરી.
‘અચ્છા, આ દિશામાં તમે કોઈ તૈયારી કરી છે?,’ અનુપ રોયની અનપેક્ષિત પહેલથી ગુંચવાડામાં પડી ગયા જયંત સિન્હા. એક પળ માટે તેમણે અકબર સામે જોયું અને એવું લાગ્યું કે તેમને કોઈ વાંધો નથી એટલે તરત જ મમરો મુક્યો.
‘એલન જસ્ટ જે પ્રકારનું પ્લેન તૈયાર કરી રહ્યો છે તેની ટેક્નિકલ વિગતો આપણી પાસે છે, આપણે પણ આવા પ્રકારનું પ્લેન-કમ-રોકેટ-કમ-કેરિયર તૈયાર કરી શકીએ છીએ, તમારી પરવાનગી હોય તો પ્રયોગ શરૂ કરીએ.’
‘જયંત, તમારી વાત વિચારણીય છે. જો એલન જસ્ટ કરી શકે તો જયંત સિન્હા કેમ નહીં? આપણે જોઈએ,’ અનુપ રોયે કહ્યું.
અત્યાર સુધી ઊંચાનીચા થઈ રહેલા જયંત સિન્હાને આમાં પોતાની જીત થતી જણાઈ. અત્યાર સુધી આસિસ્ટન્ટ રહ્યા બાદ અકબરના પડછાયામાંથી બહાર નીકળવાની તક મળતી દેખાઈ. આ તક મળે તો કશું કરી દેખાડવાનો મક્કમ નિર્ધાર મનોમન કર્યો.
‘હવે આપણે આ બેઠક પૂરી કરીએ છીએ. બધા પાસે પોતાના પ્લાન પેન ડ્રાઈવમાં તૈયાર છે. સવારે ૧૦.૦૦ વાગ્યે મળીએ,’ અનુપ રોયે કહ્યું.
****
બધા નીકળીને પોતપોતાના સુવાના ઓરડા તરફ જઈ રહ્યા હતા ત્યારે વિક્રમ નાણાવટીને ઓરડા તરફ જવાને બદલે નોર્થ-એન્ડની ઓફિસ તરફ જતાં જોઈને અનુપ કુમાર તેની પાછળ ગયા.
પાછળ અનુપ કુમાર આવી રહ્યા છે તે વાતથી અજાણ વિક્રમ ઝડપભેર ઓફિસમાં ગયો અને કાગળ લઈને કેટલાક ચિતરામણ કરવા લાગ્યો.
‘સુવાનું નથી? શું કરી રહ્યો છે અત્યારે?’ અનુપ કુમારે નજીક જઈને સવાલ કર્યો.
સર, હું ક્રાયોજેનિક એન્જિન અને ડર્ટી કોમ્બિનેશનનો ઉપયોગ કરીને કંટાળ્યો છું.’
‘મારો વિચાર આ વખતે પ્રવાહી હાઈડ્રોજનનો ઉપયોગ કરવાનો છે,’ વિક્રમ નાણાવટીએ એક સમયે જેમને પોતાના ગુરુનો દરજ્જો આપતો હતો તે અનુપ રોય સામે પોતાના મનની વાત કરી.
‘વિક્રમ, તારી વાત તો સારી છે પણ તેમાં રહેલા જોખમના પરિબળો પર તેં ધ્યાન આપ્યું છે?’ અનુપ રોયે સવાલ કર્યો.
‘સર, જોખમ તો આપણા ડર્ટી કોમ્બિનેશનમાં પણ રહેલું જ છે ને?’, વિક્રમે દલીલ કરી.
‘આપણા કેટલા રોકેટ અત્યાર સુધીમાં શહીદ થયા છે. આમ છતાં આપણે આ ઈંધણ વાપરવાનું ચાલુ રાખ્યું જ છે ને.’
‘આનાથી આપણને લાભ એ થવાનો છે કે આપણો ચંદ્ર પર જવાનો ખર્ચ અડધાથી પણ ઓછો થઈ જશે. એક વખત ચંદ્ર પર જવાના ખર્ચમાં આપણે બે કે ત્રણ વખત ચંદ્ર પર જઈ શકીશું,’ વિક્રમ નાણાવટીએ કહ્યું.
‘હાઈડ્રોજન ઈંધણ આમેય પર્યાવરણને માટે ઓછું હાનીકારક છે,’ વિક્રમે ઉમેર્યું.
‘હાઈડ્રોજનનો ઈંધણ તરીકે ઉપયોગ કરવા પહેલાં કેટલાક અવરોધો છે, જેમાં મારે તમારી મદદની જરૂર પડશે,’ વિક્રમે હવે સાચી વાત કરી.
****
‘જયંત, તને શું જરૂર હતી એલન જસ્ટના પ્રોજેક્ટ અને તેવા પ્રકારના વિમાનની વાત કરવાની?’ અકબરે પોતાની નારાજગી વ્યક્ત કરી.
‘સર, મને પોતાને એલન જસ્ટનો પ્રોજેક્ટ વૈચારિક દૃષ્ટિએ યોગ્ય લાગી રહ્યો છે અને તેના પર સંશોધનો કરવાની તક મળે તે હેતુથી મેં મારો વિચાર માંડ્યો હતો,’ જયંત સિન્હાએ ખુલાસો કર્યો. (ક્રમશ:)
———-
હવે શું?
પ્રેસિડેન્ટ સર, તમારી યોજના ઘણી ઉત્તમ છે અને તેમાં અમેરિકાના હિતની વાત છે એટલે મને આ પ્રોજેક્ટ સાથે જોડાવાનું ગમશે, પરંતુ મારી પાસે આ પ્રોજેક્ટના અમલીકરણ અંગેની પૂરતી વિગતો નથી. આ પ્રોજેક્ટ જો શાંતિમય હેતુ માટે હશે તો મારો સહકાર પાકો છે એમ સમજી લેજો, એવું જ્યારે ચિલ રેટે રાષ્ટ્ર પ્રમુખ જોન લાઈગરને કહ્યું ત્યારે તેઓ પણ ગૂંચવાઈ ગયા હતા. શું આને સાચી વાત કરી શકાય? શું આ વ્યક્તિને આ પ્રોજેક્ટ સાથે સાંકળવી યોગ્ય છે? એવા અનેક વિચારો તેમના મનમાં ઘુમરાઈ રહ્યા હતા