Homeમેટિનીમિશન મૂન પ્રકરણ ૧૧

મિશન મૂન પ્રકરણ ૧૧

બે દિવસમાં ચંદ્ર પર પહોંચી શકાય એવી તૈયારી થઈ ગઈ છે. ભારત મહાબલી રોકેટ ચંદ્ર માટે રવાના કરે તેના ૪૮ કલાક પછી પણ સ્પેસ સ્ટેશનથી રવાના થશે તો પણ ભારત કરતાં પહેલાં આપણું શટલ ચંદ્ર પર પહોંચી જશે

લેખક – વિપુલ વૈદ્ય

ભારતના મિશન મૂનની માહિતી લીક થઈ ગઈ હતી અને જેટલી માહિતી લીક થઈ હતી તેને આધારે ચીન અને રશિયા જ નહીં પણ અમેરિકામાં પણ વાતાવરણમાં તંગદિલી વ્યાપી ગઇ હતી. મોસ્કોના ડુમા હાઉસમાં જેવી ગરમાગરમ ચર્ચા થઈ રહી હતી એવી જ અથવા એનાં કરતાં વધુ ગંભીર ચર્ચા બિજીંગમાં ચાલી રહી હતી. રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝીન પિંગ અત્યારે ક્રોધથી ધ્રૂજી રહ્યા હતા અને સામે બેસેલા ૪૦ લોકો મનમાં કંપી રહ્યા હતા.
ચીનની જાસૂસી સંસ્થા એસએમએસના વડા લીને વળી અલગ ચિંતા સતાવી રહી હતી કે તેના કાર્યક્ષેત્રમાં ઘૂસણખોરી કરીને કોણે આ માહિતી રાષ્ટ્રપ્રમુખ લ્યાન સુધી પહોંચાડી હતી. પોતાના ડર પર નિયંત્રણ રાખવું કેટલું આવશ્યક છે તે અનુભવી લી સારી રીતે જાણતા હતા. પોતાની જાતને સંભાળી તેમણે વાતનો દોર પોતાના હાથમાં લીધો.
‘કોમરેડ, સેન્ટ્રલ વિસ્ટામાં હજી બે કલાક પહેલા આ બેઠક થઈ હતી. તેમાં મહા શક્તિશાળી રોકેટના નિર્માણ માટે વાત થઈ હતી. આપણી પાસે સ્પેસ સ્ટેશન છે જે આવા બાહુબલી રોકેટ કરતાં અનેકગણું કામ આપી શકે છે. આથી આ ઇનપુટ પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું. બીજી મહત્ત્વની વાત એ છે કે ભારત સેંકડો વિજ્ઞાનીની ભરતી કરવાનું છે,’ પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે લીએ નવી જ માહિતી આપી.
લીની અપેક્ષા મુજબ તેની વાતની તરત અસર થઇ હતી. મહત્ત્વની માહિતી ચુકી જવાનું કલંક ધોવાતું લાગ્યું, કોમરેડની આંખમાં રહેલી ગુસ્સાની ઝાળ ઓછી થતી જણાતાં તેણે તરત જ બીજો મમરો મૂક્યો.
‘ભારતના પ્રોજેક્ટનું નામ મિશન મૂન છે, રંજન કુમાર, અનુપ રોય, વિશાલ માથુર જેવા વિજ્ઞાનીઓ આની સાથે સંકળાયેલા છે,’ લીએ કહ્યું.
લી દ્વારા આપવામાં આવેલી માહિતીને સાંભળતાં જ અણુવિજ્ઞાની ઝાંગ યાંગ બોલ્યા કે ‘રંજન કુમાર અને અનુપ રોય તો અણુ ઊર્જા સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓ છે. હવે અહેવાલ મળે કે નહીં આ તૈયારી ચંદ્ર પર યુરેનિયમ હોવાનો બોલતો પુરાવો છે. કેમ હ્યુ તમારું શું માનવું છે?’
હવે હ્યુ રેન્યુને બોલ્યા વગર છૂટકો નહોતો. આમ તો તેઓ આ બંને વિજ્ઞાનીઓ સાથે ચીનમાં કોઈપણ વ્યક્તિ કરતાં વધુ પરિચય ધરાવતા હતા. રંજન કુમાર સાથેની મુલાકાત તો હજુ તાજી જ હતી. વૈશ્ર્વિક અણુવિજ્ઞાનીઓની બેઠકમાં તેઓ મળ્યા હતા. એકદમ જીદ્દી અને ધુની. ઇન્ટેલિજન્ટ પણ એટલા અને દેશભક્ત પણ એટલા જ.
અનુપ રોય તો તેમની સાથે કોલેજમાં હતા. અનેક લાલચ છોડીને પોતાના દેશની સેવા કરવા ભારત જતા રહ્યા હતા. આવા દેશભક્ત આ આખાય રુમમાં કેટલા હશે એવો વિચાર તેમના મનમાં ઝબકી ગયો. બધા તેમને તાકી રહ્યા છે એ ધ્યાનમાં આવતા તેમણે બોલવાનું ચાલુ કર્યું.
‘કોમરેડ સર, રંજન કુમાર અણુવિજ્ઞાની છે અને હમણાં તેમના બે નિબંધને ઈન્ટરનેશનલ સાયન્સ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તેઓએ ભારતના અણુ ઊર્જા ક્ષેત્રે ઘણું કામ કર્યું છે. અનુપ રોય તેમના સહકારી છે. તેમની વિશેષતા ફીશન છે. ભારતમાં અણુ ઊર્જાના બધા પ્લાન્ટમાં આ ટેકનોલોજી કાર્યરત છે. ભારતમાં ૨૦૦૦ મેગા વોટનો અણુ ઊર્જા પ્લાન્ટ તેમણે સાથે મળીને તૈયાર કર્યો હતો. આખા વિશ્ર્વમાં તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલો પ્લાન્ટ સૌથી વધુ કાર્યક્ષમ ગણવામાં આવે છે. ઈંધણનો ઓછામાં ઓછો ઉપયોગ કરી ઊર્જા મહત્તમ પ્રમાણમાં મેળવવામાં આવે છે. આ બધા પરથી એવું લાગે છે કે ચંદ્ર પર ઉપલબ્ધ ઈંધણનો ઉપયોગ કરવાની તૈયારી લાગે છે,’ હ્યુએ પોતાની વાતને વિરામ આપ્યો.
લ્યાન ઝીન પિંગને પોતાની સામે થઈ રહેલી ભારતીય વિજ્ઞાનીઓની પ્રશંસા અકળાવી રહી હતી. બીજા કોઈના ધ્યાનમાં આવ્યું હોય કે નહીં સીપીસી ઝૂ કિલાંગના ધ્યાનમાં આવી ગયું હતું. આથી તેમણે વાતનો દોર પોતાના હાથમાં લીધો.
‘અત્યાર સુધીમાં મળેલી માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે ભારત મોટા પાયે અણુ ઊર્જા ઉત્પાદનની યોજના ઘડી રહ્યું છે અને તેથી એ પણ સ્પષ્ટ છે કે તેમની પાસે રહેલા અહેવાલમાં ચંદ્ર પર યુરેનિયમનો ખજાનો હોય એવી પૂરી શક્યતા છે.’
‘હવે આપણે આગળનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. વાંગ ચાંગ હવે તમે કહો તમારે શેની જરૂર પડશે. તમારી તૈયારી ક્યાં સુધીની છે. કેટલા દિવસ લાગશે તમને ચંદ્ર પર પહોંચવા માટે? તમારી પાસે જરૂરી બધી વસ્તુઓ છે? વિગતો આપશો,’ કિલાંગે સવાલ કર્યો.
‘ગયા વખતે આપેલી માહિતી મુજબ બે દિવસમાં ચંદ્ર પર પહોંચી શકાય એવી તૈયારી થઈ ગઈ છે. ભારત મહાબલી રોકેટ ચંદ્ર માટે રવાના કરે તેના ૪૮ કલાક પછી પણ સ્પેસ સ્ટેશનથી રવાના થશે તો પણ ભારત કરતાં પહેલાં આપણું શટલ ચંદ્ર પર પહોંચી જશે. અત્યારે આપણી પાસે સ્પેસ સ્ટેશનમાં ૨૦ યુવાન અવકાશયાત્રી તૈયાર છે. આપનો આદેશ થશે ત્યારે તેમને કામ સોંપવામાં આવશે,’ વાંગ ચાંગે પોતાની તૈયારીઓની માહિતી આપી.
વાંગ ચાંગની સકારાત્મક વાતો સાંભળીને લ્યાન ઝીન પિંગ થોડા ખુશ થયા અને કિલાંગને પોતાની યોજના સફળ થતી લાગી અને રાષ્ટ્રપ્રમુખને વધુ ખુશ કરવાના હેતુથી તેમણે ઝાંગ યાંગને સવાલ કર્યો.
‘તમને શું લાગે છે કે આપણે કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ? સ્પેસ સ્ટેશનમાં યુરેનિયમ શુદ્ધીકરણ પ્લાન્ટ તૈયાર કરી શકાશે?’
ઝાંગ યાંગે વિગતો આપવાનું શરૂ કર્યું.
‘હુઆંગ પ્રાંતમાં આવેલા આપણા યુરેનિયમ સંવર્ધન પ્લાન્ટમાં આપણે યુરેનિયમની ગુણવત્તા વધારવાનું કામ ઘણી સારી રીતે થઈ રહ્યું છે, આ પ્લાન્ટના ધાતુશાસ્ત્રી ચંદ્રની માટીમાં યુરેનિયમના પ્રમાણની જાણકારી મેળવ્યા બાદ શુદ્ધીકરણ પ્રક્રિયાના તબક્કા નક્કી કરી આપશે. એક વખત તબક્કા વિષે માહિતી મળે એટલે તે દિશામાં કામ પૂર્ણ કરાશે.’
‘બીજું યુરેનિયમ શુદ્ધીકરણ માટે આવશ્યક સેન્ટ્રીફ્યુગલ મશીન અને અન્ય મશીનરી તૈયાર કરવાનું કામ ઝિયાંગલાંગ પ્રાંતમાં આવેલા પ્લાન્ટમાં શરૂ કરવા જણાવી દીધું છે, પરંતુ મૂળ પ્રશ્ર્ન એ છે કે મશીનમાં ચેમ્બર કેટલી બનાવવી, એનો આધાર પણ શુદ્ધીકરણની પ્રક્રિયામાં કેટલા તબક્કા છે તેના પર આધાર રાખે છે, એટલે વહેલામાં વહેલી તકે આ રિપોર્ટ હાથ કરવો આવશ્યક છે,’ વાંગ ઝાંગે પોતાનું નિવેદન પૂર્ણ કર્યું.
‘હવે મૂળ મૂદ્દો એ છે કે અહેવાલમાં ચંદ્રની માટીમાં યુરેનિયમની ધાતુની ટકાવારી કેટલી છે તેની જાણકારી આપણને મળવી જોઈએ. આ માટે મહત્ત્વનો છે અત્યાર સુધી ખાનગી રાખવામાં આવેલો અહેવાલ આ અહેવાલને હાથ કરવા માટે આપણે પ્રયત્નો કરવાના છે. આ જવાબદારી એસએમએસના લીની છે અને તેમણે વહેલામાં વહેલી તકે આ અહેવાલ હાથ કરવા માટે શું યોજના ઘડી છે તેની જાણકારી અત્યારે આપવામાં આવે,’ કિલાંગે હવે લીને સપડાવવાની તક ઝડપી લીધી.
‘કોમરેડ સર, સેન્ટ્રલ વિસ્ટામાં મેં આપણી કેટલીક વ્યક્તિને ઘૂસાડી છે અને બે દિવસમાં આ અહેવાલની નકલ આપણા હાથમાં આવવાની શક્યતા જણાઈ રહી છે,’ લીએ જણાવ્યું.
અત્યાર સુધીમાં બધા લોકો દ્વારા આપવામાં આવેલી માહિતીથી લ્યાન ઝીન પિંગ સંતુષ્ટ થયા હોય એવું લાગ્યું. વાતાવરણ શાંત થઈ જતાં બધાંએ હાશકારો અનુભવ્યો.
હજી લીને શાંતી થઈ નહોતી. અત્યારે તેને એવી શંકા જઈ રહી હતી કે હોય કે ન હોય, કિલાંગે પોતાને નીચાજોણું કરાવવા માટે કોમરેડ સરને મહાબલી રોકેટની તૈયારીની માહિતી આપી હોવી જોઈએ. તેને ઊંડે ઊંડે લાગી રહ્યું હતું કે કિલાંગ તેનું પદ છીનવીને અન્ય કોઈને આપવા માટેની તૈયારી કરી રહ્યો છે. તેને ફક્ત એટલી જ જાણકારી જોઈતી હતી કે કિલાંગને આ માહિતી આપનારી વ્યક્તિ કોણ હતી?(ક્રમશ:)
————
‘મોનિકા, ડુ યુ અન્ડરસ્ટેન્ડ સિરિયસનેસ ઓફ ધી સિચ્યુએશન (મોનિકા, તમને પરિસ્થિતિની ગંભીરતા સમજાય છે?). આખી દુનિયામાં અમેરિકા મજાકનો વિષય બની જશે. વિશ્ર્વભરમાં વિજ્ઞાન, સંશોધનો અને અવકાશી સાહસ માટે સૌથી મોટું બજેટ આપણે ફાળવીએ છીએ અને આપણી હાર કોની સામે થઈ રહી છે? ભૂખ્યા-નંગા અને અડધોઅડધ અભણ લોકોના દેશ સામે. પહેલા મંગળયાન પછી ચંદ્રયાનમાં ભારત ખાસ્સી વાહવાહી મેળવી ચૂક્યું છે. અવકાશી વિજ્ઞાન અને સંશોધનો માટે તેમનું બજેટ અડધો ટકો પણ નથી. કશુંક વિચારવું પડશે, ભારત મિશન મૂનમાં સફળ થવું ન જોઈએ.’

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -