આપણા મિશન મૂન પર સંકટ છે એવું તમે આટલી ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકો છો તેનો હું વિચાર કરી રહ્યો છું? ક્યાંક તમારી પાસે પણ લૈલા જેવી અદૃશ્ય હાથની મદદ તો નથી ને? અનુપ રોયે પૂછ્યું
વિપુલ વૈદ્ય
સેન્ટ્રલ વિસ્ટામાં રાજીવ ડોવાલે તાકીદે મિશન મૂનના ઈન્ચાર્જ બનાવવામાં આવેલા અનુપ રોયને બોલાવ્યા અને તેમને કહ્યું કે ‘આપણા અવકાશયાનને રવાના થવામાં હજી ઓછામાં ઓછો સાત દિવસનો સમય છે તો એક કામ કરો, તાકીદે આપણા લૉન્ચિંગ પેડ પર પોલીવિનાઈલ બ્યુટીરલનું આવરણ ચડાવી દો.’
‘આ ઉપરાંત આપણા અબ્દુલ કલામ ટાપુ પરના આખા નેટવર્કને મેઈન નેટવર્કથી અલગ કરીને શેડો નેટવર્ક પર નાખી દો.’
‘મિશન મૂન પ્રોજેક્ટ સાથે સંકળાયેલી બધી જ માહિતી અને તેના બધા જ પ્રોગ્રામ આપણાં મેઈન નેટવર્કથી અલગ કરી નાખો.’
‘ડાર્ક વેબમાંથી બોટનેટ કે ટ્રોજન કે અન્ય કોઈપણ પ્રકારનો હુમલો કરવામાં આવે તો તે આપણી સિસ્ટમ સુધી પહોંચવા જોઈએ નહીં.’
‘આને માટે આવશ્યકતા જણાતી હોય તો લખીમ આમેજીને સંપર્ક કરીને તેમની મદદ માગો તેમની કંપનીમાં એક મોટો એન્જિનિયર છે, જે આવી સ્થિતિમાં કોઈપણ માલવેર/રેન્સમવેર કે ટ્રોજનને ગણતરીની મિનિટોમાં નિષ્ક્રિય કરી શકે છે. આપણા મિશન મૂનનું અવકાશયાન રવાના થાય ત્યાં સુધી તેમને સ્ટેન્ડબાય પર રાખવાની વ્યવસ્થા કરો. જરૂર પડશે તો લખીમભાઈની સાથે હું પણ વાત કરી લઈશ,’ રાજીવ ડોવાલ એકશ્ર્વાસે સૂચનાઓ આપી રહ્યા હતા અને અનુપ રોય તેમની સામે થોડા આશ્ર્ચર્ય અને અવિશ્ર્વાસથી જોઈ રહ્યા હતા.
રાજીવનું બોલવાનું પૂરું થયા બાદ તેમણે ધીરેથી કહ્યું કે ‘આ બધું કરવાનું કારણ? કોઈ સંકટ આવી ગયું છે કે આવી રહ્યું છે?’
હવે રાજીવ ડોવાલ વિચારમાં પડી ગયા. છેવટે તેમણે કહ્યું કે ‘આપણો મિશન મૂન પ્રોજેક્ટ અત્યંત મહત્ત્વનો છે અને તેને કોઈ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે તેથી જ આપણે સાવચેતી રાખવાની છે.’
રાજીવ ડોવાલે જે કહ્યું તે વાત પર જરાય વિશ્ર્વાસ ન બેઠો હોય તે રીતે અનુપ રોયે તેમની સામે જોવાનું ચાલુ રાખ્યું. અનુપ રોયની આંખોની ધારથી જાણે રાજીવ ડોવાલ અત્યારે કપાઈ રહ્યા હતા. આ માણસને બધી સ્પષ્ટતા કરવી જ પડશે એવું લાગતાં તેમણે અનુપ રોયને પહેલાં બેસવા જણાવ્યું અને વાત માંડી.
‘આપણા મિશન મૂન પર સંકટ હોવાના અહેવાલ મને મળ્યા છે. આપણા મિશન મૂન સાથે સંકળાયેલા બધા લોકો પર ભરોસો છે એટલે તે રીતે કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં, પરંતુ અન્ય રીતે નુકસાન પહોંચાડવાનો કોઈનો ઈરાદો હોય તો તેની તૈયારી આપણે રાખવી પડશે ને?’
‘મિશન મૂન માટે તમે જે લોન્ચિંગ પેડ ઊભું કર્યું છે તેને આકાશમાંથી કાપવું હોય તો શું કરવું પડે? ફક્ત લેઝર કટરથી તેને કાપી શકાય? હવે જો તેના પર પોલીવિનાઈલ બ્યુટીરલનું આવરણ ચડાવવામાં આવ્યું હશે તો લેઝરના બીમ તેને કાપી શકશે નહીં. જ્યાં સુધી આપણું અવકાશયાન રવાના ન થાય ત્યાં સુધી તેના પર આવરણ ચડાવી રાખો.’
‘બીજું ડાર્ક વેબમાંથી આપણી સિસ્ટમ પર હુમલો કરવામાં આવે કે આપણી સિસ્ટમને હૅક કરવાનો પ્રયાસ કરવામાં આવે તો તેને માટે સજ્જ રહેવું આવશ્યક છે,’ રાજીવે કહ્યું.
‘રાજીવ સર, તમે જે કહ્યું તે બંનેનાં કારણો હું સમજી ગયો હતો, પરંતુ આપણા મિશન મૂન પર સંકટ છે એવું તમે આટલી ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકો છો તેનો હું વિચાર કરી રહ્યો છું?’
‘ક્યાંક તમારી પાસે પણ લૈલા જેવી અદૃશ્ય હાથની મદદ તો નથી ને?’ અનુપ રોયે કહ્યું.
‘અનુપ સર, તમે ખોટા વિચારો કરવામાં સમય બગાડી રહ્યા છો. અત્યારે આપણા માટે આવશ્યક છે કે આપણે સુરક્ષાનાં પગલાં લઈએ. આ બાબતો પર પછી ચર્ચા થઈ શકે છે,’ રાજીવે વાત પતાવવાના હેતુથી કહ્યું.
****
‘કોમરેડ સર, ભારતનું મિશન મૂન પૂર ઝડપે ચાલી રહ્યું છે અને જ્યાં સુધી જાણકારી મળી છે ત્યાં સુધી આ વખતે તેઓ પરંપરાગત સ્પેસ સેન્ટરને બદલે અબ્દુલ કલામ ટાપુ પરથી અવકાશયાન મોકલવાના છે,’ સીપીસીના વાઈસ પ્રેસિડેન્ટ ઝૂ કિલાંગે રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગને માહિતી આપી.
‘લોન્ચ પેડ પર અવકાશયાન લગાવી દેવામાં આવ્યું છે?,’ લ્યાન ઝિન પિંગે પૂછ્યું.
‘હા સર, અત્યારે થોડો સમય પહેલાં આપણા સેટેલાઈટે મોકલાવેલાં ચિત્રોમાં અવકાશયાનને લોન્ચ પેડ પર ગોઠવી દેવામાં આવ્યું હોવાનું દેખાઈ રહ્યું છે,’ જાસૂસી સંસ્થાના વડા લીએ માહિતી આપી.
‘આપણાં સૂત્રો પાસેથી શું માહિતી મળી છે? ક્યારે અવકાશયાન રવાના થવાનું છે?,’ લ્યાન ઝિન પિંગે બીજો સવાલ કર્યો.
‘સર, આ બાબતને અત્યંત ગુપ્ત રાખવામાં આવી છે. તૈયારીઓ પરથી લાગી રહ્યું છે કે એક સપ્તાહથી ઓછા સમયમાં તે રવાના થવું જોઈએ,’ ઝૂ કિલાંગે આ વખતે જવાબ આપ્યો.
‘આ મિશન મૂનને એક અઠવાડિયું રોકી શકાય એવો કોઈ રસ્તો શોધી કાઢવો પડશે. તમારી પાસે આને માટે કોઈ રસ્તો છે?,’ લ્યાન ઝિન પિંગે પૂછ્યું.
‘સર, જેવી રીતે અમેરિકાનું મિશન મૂન રોક્યું છે તેવી જ રીતે ભારતનું મિશન મૂન રોકી શકાશે. આપણે તેમની સિસ્ટમ હૅક કરી નાખીએ,’ લીએ કહ્યું.
‘અમેરિકાના કિસ્સામાં આપણું નામ આવે એની ચિંતા નહોતી, પરંતુ ભારતની સિસ્ટમ હૅક કરતી વખતે આપણું નામ ન આવે તેનું ધ્યાન રાખજો,’ લ્યાન ઝિન પિંગે પોતાના સાથીઓને ચેતવણી આપી.
****
વ્હાઈટ હાઉસમાં જોન લાઈગર મોનિકાએ આપેલી સલાહ પર વિચાર કરી રહ્યા હતા અને એટલામાં બેઈલી ત્યાં આવી પહોંચ્યો.
રાષ્ટ્રપતિ જોન લાઈગરને ૧૦૦ ટકા ભરોસો હતો કે જોન સ્વીપર અમુક કામ નહીં જ કરે એટલે જ તેમણે બેઈલીને બોલાવ્યો હતો.
બેઈલી, તને ખબર છે કે ભારતના મિશન મૂનનો ઈન્ચાર્જ કોણ છે? રાષ્ટ્રપતિના ઈશારે સેમ્યુઅલ યંગે સવાલ કર્યો.
ના સર, મારી પાસે આની કોઈ માહિતી નથી.
અચ્છા અનુપ રોયનું નામ સાંભળ્યું છે?
‘હા સર, તે ઉચ્ચ કોટીના વિજ્ઞાની છે અને તેઓ અણુ ઊર્જાના ક્ષેત્રમાં કામ કરે છે. આનાથી વધારે મને કશી જ ખબર નથી,’ બેઈલીએ કહ્યું.
****
રાજીવ ડોવાલ સેન્ટ્રલ વિસ્ટામાં વડા પ્રધાનની કચેરીની સામે આવેલી પોતાની નાની ઓફિસમાં બેઠા હતા. તેમણે ત્યાંથી આદેશ રાજપાલને ફોન લગાવ્યો અને કહ્યું કે ‘અબ્દુલ કલામ ટાપુ પર વ્યવસ્થા કેવી છે? કોઈ જોખમ જેવું લાગ્યું છે?’
‘સર, અત્યારે તો કશું લાગતું નથી. લોન્ચ પેડને પોલીવિનાઈલ બ્યુટીરલના આવરણથી ઢાંકી દેવામાં આવ્યું છે અને અમારી ટાપુ પરની આખી સિસ્ટમને શેડો નેટવર્ક પર નાખી દેવામાં આવી છે,’ આદેશે કહ્યું.
‘ટાપુ પર અજાણી કોઈ વ્યક્તિની અવરજવર દેખાય તો તત્કાળ મને જાણ કરજે.’
‘તને અત્યારે જ ૨૦ કમાન્ડોની ટુકડી મોકલી આપું છું. કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે મિશન મૂનને નુકસાન પહોંચાડે એવી વ્યક્તિ દેખાય તો તત્કાળ કાર્યવાહી કરવી,’ રાજીવ ડોવાલે કહ્યું.
રાજીવ ડોવાલે કહ્યું તેના પરથી આદેશ સમજી ગયો કે મિશન મૂનને ખોરવવા માટે કોઈ કાવતરું ઘડવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે તોડફોડ કરવા માટે ટાપુ પર કેટલાક લોકો આવી રહ્યા છે અને તે સાબદો થઈ ગયો. તરત જ રાજેશ તિવારીને બોલાવીને તેણે થોડી ગૂફતેગો કરી અને સાબદા થઈ ગયા. (ક્રમશ:)
—————
હવે શું?
અબ્દુલ કલામ ટાપુ પર એક આદિવાસી નેતાને મોકલવાની વ્યવસ્થા થઈ ગઈ છે અને આ નેતા ત્યાંના સ્થાનિક આદિવાસીઓને ઉશ્કેરીને મિશન મૂન પ્રોજેક્ટ સામે આંદોલન કરશે અને અવકાશયાનના ઉડ્ડયનને રદ કરવા માટે દબાણ લાવશે. તેઓ તોડફોડ પણ કરી શકે છે, ઉપરાષ્ટ્રપતિ મોનિકા હેરિસે રાષ્ટ્રપતિ જોન લાઈગરને પોતાની યોજના સમજાવી