વિપુલ વૈદ્ય
આ અવકાશયાન છે, તેને માટે કેટલી સાવચેતી રાખવી પડે ખબર છે ને? ૧૦ સેકેન્ડના ફરકમાં અવકાશયાન તૂટી ગયાં હોવાના દાખલા છે. તમે મહેરબાની કરીને આ લોકોને ઉતાવળ કરાવશો નહીં, જયંત સિન્હાએ રંજન કુમારને કહ્યું
——————–
બ્દુલ કલામ ટાપુ પર અત્યારે રંજન કુમાર મિશન મૂનની તૈયારીઓની જાણકારી મેળવી રહ્યા હતા. વિક્રમ, અનુપમ, શ્રુતિ અને અમોલના કામની માહિતી મેળવ્યા પછી તેઓ આગળ વધીને રંજન કુમાર મીના પાસે પહોંચ્યા.
‘મીના, વીજ ઉત્પાદન માટેના તમારા ઉપકરણોની હાલત શી છે?’
‘સર, હમણાં જ મેં વીજળીનું ઉત્પાદન કરીને જોઈ લીધું. બંને મશીન બરાબર કામ કરી રહ્યા છે.’
‘હવે બંનેનું પેકિંગ કરાવી રહી છું,’ મીનાએ જવાબ આપ્યો.
‘અચ્છા, પેકિંગ કરાવીને અવકાશયાનમાં ચડાવી દો પછી કાલે તેને ઊભું કરી દેવાનું છે,’ રંજન કુમાર બોલ્યા.
રંજન કુમાર ત્યાંથી આગળ વધવા જતા હતા ત્યાં અચાનક કશું યાદ આવતાં પાછા ફર્યા અને પૂછ્યું કે ચંદ્ર પર આપણા વિજ્ઞાનીઓને માટે ખાવા-પીવાની વ્યવસ્થાનું શું કર્યું છે.
‘સર, મેં અત્યારે વિજ્ઞાનીઓ માટે એક મહિનાનું પેકેજ્ડ ફૂડ લઈ લીધું છે,’ મીનાએ કહ્યું.
‘ચંદ્ર પર શાકભાજી ઉગાડવાનો પ્રયોગ તારે કરવાનો છે તેને માટે શું કર્યું?,’ રંજન કુમારે યાદ અપાવ્યું.
‘સર, તેને માટે પણ મેં કેટલાક બિયારણ સાથે રાખ્યા છે અને ખાસ કરીને પર્ણફૂટી અને સંજીવનીના છોડ સાથે લીધા છે. આ બંને છોડ ખાવા માટે પણ ઉપયોગમાં લઈ શકાશે,’ મીનાએ કહ્યું.
‘સારું કર્યું,’ એમ કહીને રંજન કુમાર હજી તો આગળ વધે ત્યાં જ વિશાલ અને જયંત સિન્હા તેની સામે આવી ગયા.
‘શું ચાલી રહ્યું છે? કેટલી ઉતાવળ કરાવો છો?’ જયંત સિન્હા બોલ્યા.
‘આ અવકાશયાન છે, તેને માટે કેટલી સાવચેતી રાખવી પડે ખબર છે ને?’
‘૧૦ સેકેન્ડના ફરકમાં અવકાશયાન તૂટી ગયા હોવાના દાખલા છે. તમે મહેરબાની કરીને આ લોકોને ઉતાવળ કરાવશો નહીં,’ જયંતે રંજન કુમારને કહ્યું.
‘સર, બધું કામ વિક્રમ જ કરવાનો હોય તો મારે અહીં શું કરવાનું છે?,’ વિશાલે પણ પોતાની નારાજી વ્યક્ત કરી.
‘કેમ, તારે વિક્રમને સાથ આપવાનો છે,’ રંજન કુમાર બોલ્યા.
‘વિક્રમની સાથે કામ કરવામાં તારે વાંધો શું છે? જા જઈને ઈંધણની ટાંકીનું સેટિંગ જોઈ લે અને બધી જ વસ્તુનું ધ્યાન રાખજે, ક્યાંય જરાય ગળતર ન રહેવું જોઈએ એ જવાબદારી તારી છે,’ રંજન કુમારે કહ્યું.
રંજન કુમારે વિશાલ માથુરને તો થોડી જવાબદારી સોંપી એટલે તે ખુશ થઈ ગયો અને કામ માટે દોડી ગયો.
હવે જયંત સિન્હા તરફ વળીને રંજન કુમારે સીધો જ સવાલ કર્યો, ‘શું કહી રહ્યા હતા તમે?’
‘હું ઉતાવળ કરાવી રહ્યો છું?’
‘આપણી પાસે કેટલા દિવસ છે જાણો છો ને તમે?’
‘જુનિયરની સામે મારી સાથે આવી રીતે વાત કરીને તમે તેમને શું શીખવવા માગો છો?’
‘અત્યારે હું જે કરી રહ્યો છું તેમાંથી અડધું કામ તમારું છે.’
‘અવકાશયાન તમારું છે, એમાં ઈંધણની ટાંકીનું કામ પણ તમારું જ છે.’
‘એને માટે જે ટાવર ઊભો કરવાનો છે તે પણ તમારું જ કામ છે.’
‘અવકાશયાન પર જે કોટિંગ કરવાનુ ંછે તે પણ તમારી જ જવાબદારી છે ને?’
અચાનક આવેલા આવા હુમલાથી જયંત સિન્હા ડઘાઈ ગયા. તેમને અંદાજ નહોતો કે રંજન કુમાર આવી રીતે તેમને વાતોમાં સપડાવી દેશે. પહેલી વખત જયંતને લાગ્યું કે આ માણસને બધા ધુની કહે છે, પરંતુ તે ખરેખર ‘વેરી સ્માર્ટ’ છે.
‘હા, કામ તો મારું જ છે. હું કામ કરી પણ રહ્યો છું, પરંતુ તમે ઉતાવળ કરાવો છો.’
હવે જયંત સિન્હાનો અવાજ એકદમ ઢીલો પડી ગયો હતો.
‘ઉતાવળમાં જો કશી ભૂલ થઈ જશે તો…’
‘ભૂલ કેમ થાય?’ હવે રંજન કુમારનો આક્રમક બનવાનો વારો હતો.
‘જયંત તમને ૩૦ વર્ષ થયા આ ક્ષેત્રમાં. આટલા અનુભવે હવે ભૂલ કેવી રીતે થઈ શકે? ફક્ત તમારે ચાંપતી નજર રાખવાની આવશ્યકતા છે,’ રંજન કુમારે કહ્યું.
જયંત સિન્હા હવે થથરી ગયા. તેમને લાગ્યું કે હવે તો અવકાશયાનની બધી જવાબદારી મારા પર જ આવશે અને તેથી તરત જ તેઓ ફરી અવકાશયાન સંબંધી બધી બાબતોની ફેરચકાસણીમાં લાગી ગયા.
***
ભારતમાં મિશન મૂનનું કાઉન્ટડાઉન થઈ રહ્યું હતું. અવકાશયાન ઊભું થઈ રહ્યું હતું, ત્યારે બીજી તરફ ચીનમાં ચિંતાનું વાતાવરણ હતું. ગોબી ડેઝર્ટમાં આવેલા ચીનના સ્પેસ સેન્ટરમાં હજી સુધી કામના કોઈ ધડા હતા જ નહીં.
હાન્ઝાઉથી કેમિકલ ફ્યૂઅલ વિશાળ ક્ધટેનરમાં આવવાનું હતું તે હજી સુધી પહોંચ્યું નહોતું.
ડુઆંગઝાંગથી અવકાશયાન આવવાનું હતું તેના પણ હજી સુધી કોઈ ઠેકાણાં નહોતા.
આવી જ રીતે બાઉટાઉથી યુરેનિયમ શુદ્ધીકરણ અને સંવર્ધનના જે પ્લાન્ટ આવવાના હતા તેની પણ હજી સુધી કોઈ જાણકારી નહોતી.
વાંગ અત્યારે પોતાના પર જ હસી રહ્યો હતો. આ હતું ચીનનું મિશન મૂનનું કાઉન્ટ ડાઉન!
***
હજી સુધી ઈંધણ પહોંચ્યું નથી તેની જાણકારી બીજીંગમાં પહોંચી એટલે તાકીદે લ્યાન ઝિન પિંગે કોર કમિટીની બેઠક બોલાવી હતી.
‘આપણું કેમિકલ ફ્યૂઅલ હજી સુધી ગોબી ડેઝર્ટમાં આપણા સ્પેસ સેન્ટર સુધી પહોંચ્યું નથી. આટલું મોટું કન્ટેનર ક્યાં ખોવાઈ ગયું?’
‘ક્ધટેનરમાં જીપીએસ હોવું જોઈએ જરા શોધી કાઢો ક્યાં છે?’
‘કોમરેડ સર, આ કન્ટેનરનું જીપીએસ ખરાબ થઈ ગયું હોય એવું લાગે છે. છેલ્લે તે હાન્ઝાઉથી જી-૬ હાઈવે સુધી પહોંચ્યું ત્યાં સુધીનું જીપીએસ ટ્રેકિંગ છે આપણી પાસે ત્યાંથી આગળ તેણે જી-૨૪૨ હાઈવે પર જવાનું હતું,’ સીપીસીના વાઈસ પ્રેસિડેન્ટ ઝૂ કિલાંગે માહિતી આપી.
‘આપણા ટ્રાફિક વિભાગના અને પોલીસ ખાતાના લોકોને કન્ટેનરને શોધવાનો આદેશ આપી દેવામાં
આવ્યો છે.’
‘વાસ્તવમાં આ મિશન ખાનગી હતું એટલે પહેલેથી ક્ધટેનર પર
ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું નહોતું. આથી કન્ટેનર પર કોઈનું ધ્યાન નહોતું.’
‘પોલીસે તપાસ કરી અને બાયનોરના બાયપાસ સુધી તે બરાબર પહોંચ્યું હતું, પરંતુ ત્યાંથી ક્યાં ગયું તે કોઈને ખબર પડી નથી. અત્યારે જી-૨૪૨ પર ક્ધટેનરની તપાસ ચાલી રહી છે,’ ઝૂ કિલાંગે પોતાની પાસે રહેલી માહિતી આપી.
(ક્રમશ:)
———————-
હવે શું?…
સર, આપણું જહાજ કેપ કેનાવુરલની દિશામાં આગળ વધવાને બદલે ખાડીમાંથી અંદરની તરફ આગળ વધી ગયું છે અને હવે તેને આપણે ફ્લોરિડાના સારાસોટા બંદર સુધી લઈ જવું પડશે. જહાજને મધદરિયે વાળવાનું જોખમ લેવા જેવું નથી, સેમ્યુઅલ યંગે રાષ્ટ્રપતિ જોન લાઈગરને કથિત રીતે ગુમ થઈ ગયેલા જહાજની માહિતી આપી