Homeમિશન મૂનમિશન મૂન

મિશન મૂન

લેખક – વિપુલ વૈદ્ય

પ્રકરણ ૨૫

મિ. રેટ, તમને ખબર હશે કે અત્યારે આપણા દેશમાં ૧૦૮ અણુ ઊર્જા પ્લાન્ટ ઈંધણની તકલીફ અનુભવી રહ્યા છે. તેમને મળતા મોંઘા ભાવના ઈંધણનો બોજ આપણી જનતા પર પડી રહ્યો છે

વ્હાઈટ હાઉસમાં અત્યારે વાતાવરણ ગંભીર હતું. જોન લાઈગર અને મોનિકા હેરિસ એકબીજાની સામે જોઈ રહ્યા હતા. ચિલ રેટને આ પ્રોજેક્ટ સાથે સાંકળવાની વાત પર અત્યારે બંને જણા ચર્ચા કરવા બેઠા હતા.
‘સિનોરીટા, ચિલ રેટને કેટલા વાગ્યે બોલાવ્યો છે?,’ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગરે ડેપ્યુટી મોનિકા હેરિસને સવાલ કર્યો.
‘પ્રેસિડેન્ટ સર, તેમનો આવવાનો સમય થઈ ગયો છે અને તેઓ આવતા જ હશે.’
‘તેઓ આવે તે પહેલાં આપણે નક્કી કરી લઈએ કે તેમના બાર્ગેનિંગને આપણે ક્યાં સુધી સહન કરીશું,’ મોનિકાએ કહ્યું.
‘બાર્ગેનિંગ?,’ જોન લાઈગરે સવાલ કર્યો.
‘આખી દુનિયામાં સૌથી શ્રીમંત વ્યક્તિ હોવાનો થોડો લાભ તો લેશે જ ને.’
ચિલ રેટના યુરેનિયમ સંવર્ધનના પ્લાન્ટ હોવા છતાં તેમની મુખ્ય આવક અત્યારે કમ્પ્યુટર સોફ્ટવેર પ્રોગ્રામથી જ આવે છે.
આ પ્રોજેક્ટમાં સહભાગી થવા માટે તેઓ બાર્ગેનિંગ કરશે એ સ્વાભાવિક છે. અત્યારે આપણે બાકીની ચારેય કંપનીને ફક્ત ૫૦ ટકા યુરેનિયમની વાત કરી છે. આમની સામે ક્યાં સુધી ઝૂકીશું? મોનિકાએ સવાલ કર્યો.
મારો મત અત્યંત સ્પષ્ટ છે. મારે હવે કોઈની સામે જરાય ઝૂકવાનો સવાલ જ ઊભો થતો નથી.
આપણા દેશનાં હિતો આડેનો કોઈપણ પ્રકારનો અવરોધ આપણે કેવી રીતે સહન કરી શકાય? જોન લાઈગરે જણાવ્યું.
આ વાત ચાલી રહી હતી ત્યારે જ બરાબર સેમ્યુઅલ યંગ પોતાની સાથે ચિલ રેટને લઈને કેબિનમાં દાખલ થયા. તેમનું ઔપચારિક સ્વાગત કરીને બેસાડવામાં આવ્યા.
પ્રેસિડેન્ટ સર, મને ડેપ્યુટી મેડમ દ્વારા મિશન મૂનની થોડી માહિતી આપવામાં આવી હતી અને તેમાં સરકારને મારી મદદ જોઈએ છે એવું પણ તેમનું કહેવું હતું.
અમેરિકા માટે લાભની આખી યોજના છે એમ કહેવામાં આવ્યું હતું. અમેરિકાના હિત માટેની કોઈપણ યોજનામાં જોડાવા માટે હું તૈયાર છું.
મારો મત સ્પષ્ટ છે. શાંતીપૂર્ણ હેતુ માટેના કોઈપણ પ્રોજેક્ટમાં મારો સરકારને સંપૂર્ણ સહકાર હશે. આને તમે મારી શરત પણ ગણી શકો છો.
ચિલ રેટની વાત સાંભળીને લાઈગરે મોનિકા પર એક નજર નાખી. તેમના મનમાં હવે મનોમંથન ચાલી રહ્યું હતું કે મિશન મૂનનો સાચો હેતુ ચિલ રેટને જણાવવો કે નહીં. જો સાચી વાત સાંભળ્યા પછી તે પીછેહઠ કરશે તો શું થશે?
ચિલ રેટને આ પ્રોજેક્ટ સાથે સાંકળવામાં રહેલી સમસ્યા પર વિચારી રહ્યા હતા, ત્યારે બીજી તરફ મોનિકા હેરિસ વાતને કેવી રીતે ગોઠવવી તેનો વિચાર કરી રહી હતી. સેમ્યુઅલ યંગ સાવધાનની ભૂમિકામાં ઊભો હતો અને હવે શું થાય છે તે જોઈ રહ્યો હતો.
લાઈગરની દુવિધાને સમજી ગયેલી મોનિકાએ પહેલ કરી.
‘મિ. રેટ, તમને ખબર હશે કે અત્યારે આપણા દેશમાં ૧૦૮ અણુ ઊર્જા પ્લાન્ટ ઈંધણની તકલીફ અનુભવી રહ્યા છે. તેમને મળતા મોંઘા ભાવના ઈંધણનો બોજ આપણી જનતા પર પડી રહ્યો છે.
‘થોડા દિવસ પહેલાં આપણી લેબોરેટરીમાં થયેલા સંશોધનને આધારે જાણવા મળ્યું છે કે ચંદ્ર પર યુરેનિયમના ભંડારો છે. આ મહામૂલું ઈંધણ પૃથ્વી પર લાવવા માટે મિશન મૂન અમલમાં મૂકવામાં આવી રહ્યું છે.’
‘આ પ્રોજેક્ટમાં ચાર કંપનીને પહેલેથી સામેલ કરવામાં આવી છે, પરંતુ તેમનું માનવું હતું કે જો પ્રોજેક્ટમાં તમને પણ સામેલ કરવામાં આવે તો આ પ્રોજેક્ટ સરળતાથી અમલમાં મૂકી શકાશે.’
‘મિશન મૂન પ્રોજેક્ટમાં ચંદ્ર પરથી યુરેનિયમ ધાતુ પૃથ્વી પર લાવવાની યોજના છે. આપણા દેશમાં આ ધાતુ લાવ્યા બાદ અત્યંત પડતર દરે અણુ ઊર્જા પ્લાન્ટને આ યુરેનિયમ ઉપલબ્ધ કરાવવામાં આવશે.’
‘યુરેનિયમ લાવવાની વાતથી તમે તો સમજી જ ગયા હશો કે તમારા શુદ્ધીકરણ અને સંવર્ધનના પ્લાન્ટની આમાં મહત્ત્વની ભૂમિકા રહેશે,’ મોનિકા પોતાનું બોલવાનું પૂર્ણ કરે તે પહેલાં જ મિ. રેટ તેમને વચ્ચે આંતરતા બોલ્યા કે ‘ડેપ્યુટી મેમ, તમે સીધા મુદ્દા પર આવી શકો છો. આ સહકારમાં મારી ભલામણ કરનારી એ ચાર કંપનીઓ કઈ છે અને આ સહકારની કિંમત શું હશે?’
‘લોકહીડ માર્ટીન, બોઈંગ, હનીવેલ ઈન્ટરનેશનલ અને નોર્થોપ ગ્રુમેન કંપનીઓ તમારી સાથે આ યોજનામાં સામેલ છે. સહકારના નામે તમારે ફક્ત યુરેનિયમનું શુદ્ધીકરણ અને સંવર્ધન કરીને આપવાનું છે અને બદલામાં તમને તમારા અણુઊર્જા પ્લાન્ટ માટે યુરેનિયમ આપવામાં આવશે,’ મોનિકા હેરિસે જવાબ આપ્યો.
‘આ ચારેય કંપનીઓ તો અણુશસ્ત્રો બનાવે છે, તો પછી આપણો હેતુ શાંતીપૂર્ણ કેવી રીતે થયો?’ ચિલ રેટે સવાલ કર્યો.
‘મિશન મૂન ઘણો ખર્ચાળ પ્રોજેક્ટ છે એની જાણકારી તો તમને હશે. આ પ્રોજેક્ટને માટે ખર્ચ કરવા માટે અમેરિકન સરકાર પાસે નાણાં નથી એટલે આ ચાર કંપનીનેે સાંકળવામાં આવી છે.’
‘ચંદ્ર પરથી જેટલું પણ યુરેનિયમ લાવવામાં આવશે તેમાંથી ૫૦ ટકા યુરેનિયમ દેશના બધા જ અણુ ઊર્જા પ્લાન્ટને અત્યંત પરવડી શકે એવી કિંમતે ફાળવવામાં આવશે.’
‘મિ. રેટ, દેશના ૧૦૮ અણુ ઊર્જા પ્રોજેક્ટને યુરેનિયમ અત્યંત ઓછી કિંમતમાં આપવાની યોજનાને શાંતીપૂર્ણ હેતુ માટે જ કહી શકાયને?’ મોનિકા હેરિસે કહ્યું.
‘ડેપ્યુટી મેમ, તમે બહુ સરસ રીતે મને બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ મને તો આ બધું અણુ શસ્ત્રો બનાવવા માટેનું કાવતરું હોય એવું લાગી રહ્યું છે,’ ચિલ રેટે ફરી પોતાનો કક્કો માંડ્યો.
ચિલ રેટ આ રીતે સમજશે નહીં એવો અંદાજ જોન લાઈગરને આવી ગયો હતો અને તેણે તરત જ વાતનો દોર પોતાના હાથમાં લીધો.
‘કદાચ તમારી વાત સાચી છે, પરંતુ જે પણ થઈ રહ્યું છે તે અમેરિકાના સાર્વભૌમત્ત્વ અને ગૌરવને જાળવી રાખવા માટે કરવામાં આવી રહ્યું છે.’
‘આમ છતાં જો તમારી ઈચ્છા હોય તો ચારેય કંપનીઓને આપણે બાકાત રાખીએ, તમે મિશન મૂનનો પૂરો ખર્ચ ઉઠાવી લો. મારી તમને ખાતરી છે કે ૧૦૦ ટકા યુરેનિયમ ૧૦૮ ઊર્જા પ્લાન્ટને જ મોકલવામાં આવશે,’ જોન લાઈગરે ઠંડે કલેજે આમ કહેતાં જ ચિલ રેટની આંખ સામે જાણે તમ્મર આવી ગયા.
‘મારું માનવું છે કે અમેરિકાના હિતની વાતમાં તમારે કોઈ ગણતરી કરવાની આવશ્યકતા નહીં હોય. તો પછી તમારે હવે આ મુદ્દે શું કહેવાનું છે?’
‘મિશન મૂનમાં તમારે યુરેનિયમનું શુદ્ધીકરણ અને સંવર્ધન કરવાનું છે. તેની સામે તમારા પ્લાન્ટ માટે યુરેનિયમનો હિસ્સો આપવામાં આવશે,’ એમ પણ લાઈગરે કહ્યું.
લાઈગરે આટલી વાત કર્યા પછી હવે ચિલ રેટની હા જ છે એમ સમજીને મોનિકા હેરિસે વાતનો દોર પોતાના હાથમાં લીધો.
‘તમારા યોગદાન માટેની બધી વિગતો સેમ્યુઅલ યંગ પાસેથી લઈ લેજો, તેની પાસે આખો પ્લાન તૈયાર છે. તમારે માત્ર પોર્ટેબલ પ્લાન્ટ તૈયાર કરવાની જહેમત ઉઠાવવી પડશે, તેને લઈ જવાની જવાબદારી અમારી. ચંદ્ર પર એને ચલાવવાની જવાબદારી તમારી રહેશે,’ મોનિકા હેરિસે કહ્યું.(ક્રમશ:)

હવે શું?…
આપણા હાથમાં ચંદ્રની માટીના સેમ્પલનો અહેવાલ આવી ગયો છે અને તેમાં યુરેનિયમનું પ્રમાણ પૃથ્વી કરતાં ૧૦૦૦ ટકા વધારે છે. ખરેખર આ એક મોટો અવકાશી ખજાનો છે અને તેને હાથ કરવામાં આપણે ઝડપ કરવી પડશે. આનાથી આપણે એટલાં અણુ શસ્ત્રો તૈયાર કરી શકીશું કે સમગ્ર વિશ્ર્વમાં આપણી ધાક હશે. આપણે બને એટલી ઝડપથી આપણું કામ આરંભી દેવું જોઈએ, રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગે જાહેરાત કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -