પ્રકરણ ૨
લેખક – વિપુલ વૈદ્ય
અત્યારે વાત અમેરિકાને દુનિયામાં સર્વશક્તિમાન, સર્વોપરી બનાવવાની છે. આને માટે મિ. પ્રેસિડેન્ટને જે યોગ્ય લાગશે તે કરશે અને તેમાં તમારે તેમને સાથ આપવાનો છે. એમ આઈ ક્લિયર?
—
અત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને વિજ્ઞાનીને લાગતું હતું કે તેમના વચ્ચે થયેલી વાતો અત્યંત ખાનગી અને ગુપ્ત વાતો હતી અને તેની દુનિયાને જાણ નહોતી, પરંતુ આ અહેવાલ મહાસત્તા બનવા માટે એડીચોટીનું જોર લગાવી રહેલા બે દેશો પાસે પહોંચી ગઈ હતી. રશિયા અને ચીનને આ બેઠક વિશેની માહિતી મળતાં જ ત્યાં ખળભળાટ ફેલાઈ ગયો હતો અને ઉચ્ચ સ્તરની બેઠક બોલાવવામાં આવી હતી
—
હું કશું જાણું નહીં, જ્યાં સુધી હું તમને કહું નહીં ત્યાં સુધી તમારે આ વાત ઈન્ટરનેશનલ સાયન્સ કાઉન્સિલમાં જાહેર કરવાની નથી, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગર નાસાના વિજ્ઞાની જોન સ્વીપરને પેન્ટાગોનમાં બનેલી એક વિશેષ કેબિનમાં કહી રહ્યા હતા. તેમની સાથે ચીફ ઓફ સ્ટાફ યુનાઈટેડ સ્ટેટ્સ આર્મી મિસ્ટર સેમ્યુઅલ યંગ અને અમેરિકા માટે અણુશસ્ત્રો તૈયાર કરનારી કંપનીઓ બોઈંગ, હનીવેલ ઈન્ટરનેશનલ, લોકહીડ માર્ટીન અને નોર્થોપ ગ્રુમેનના પ્રતિનિધિઓ હાજર હતા. આ વ્યાવસાયિક વિજ્ઞાનીઓને જોન બિલકુલ પસંદ કરતો નહોતો અને તેમની આ સ્થળે હાજરી જોઈને તેને અજુગતું લાગી રહ્યું હતું. આમ છતાં તેણે હિંમત કરી અને જણાવ્યું કે સર, જ્યાં સુધી મારી સમજ છે ત્યાં સુધી કોઈપણ નવા સંશોધન અને ઉપલબ્ધિ અંગે ઈન્ટરનેશનલ સાયન્સ કાઉન્સિલને જાણ કરવી આપણી ફરજ બને છે. આમ પણ આપણે જાહેર નહીં કરીએ તો ભારત આ વસ્તુની જાણ કરી જ દેશે અને તે આપણા માટે વધુ શરમ જનક હશે કેમ કે રસાયણિક તપાસ માટેનું સાહિત્ય ભલે ભારતે મોકલ્યું હોય, પરંતુ તેનું રસાયણિક વિશ્લેષણ તો આપણે કર્યું છે અને તેથી સૈદ્ધાંતિક રીતે આપણી ફરજ બને છે કે આપણે કાઉન્સિલને આ શોધની જાણ કરવી જોઈએ. કારણ કે આ એક નવતર શોધ છે અને તેની જાણકારી આખા વિશ્ર્વની વૈજ્ઞાનિક આલમને થવી જોઈએ જેથી આ જ વિષય પર કોઈ અન્ય વ્યક્તિ શોધ કરવાનો કે પછી તેની પેટન્ટ લેવાનો પ્રયાસ કરે નહીં. આ બાબત વૈશ્ર્વિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની છે.
દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિને પોતાની સામે બોલી રહેલા એક સામાન્ય વિજ્ઞાનીની આ ધૃષ્ટતા પસંદ પડી નહોતી, તેમની ટાલની ચામડી ધ્રુજવા લાગી હતી અને આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. અત્યાર સુધી ખુરશી પર બેસીને શાંતીથી બધું જોઈ રહેલાં મોનિકા હેરિસ પરિસ્થિતિને સમજી ગયાં અને તરત જ તેમણે વચ્ચે ઝંપલાવ્યું. મિસ્ટર જોન, તમે એક વાત સમજી લો કે અત્યારે આપણે સિદ્ધાંતોની વાત કરવા માટે એકઠા થયા નથી. આ અમેરિકાના સામરિક પ્રભુત્વને વિસ્તારવાની વાત છે. તમને ખબર પડે છે કે અત્યારે તમારી પાસે જે અહેવાલ છે તેનું મહત્ત્વ કેટલું છે? આ અહેવાલની જાણકારીથી ફક્ત દુનિયાની ૦.૦૧ ટકા લોકોને ફરક પડે છે અને તેમને જાણ કરવી કે નહીં, તેનો નિર્ણય અત્યારે નથી લેવામાં આવ્યો. સમજ પડી?
યસ મેડમ, તમે જે ૦.૦૧ ટકા લોકોની વાત કરી છે તેમાં આ ચાર વિનાશ વેપારીઓનો પણ સમાવેશ થતો હશે ને? જોને અત્યંત આકરા શબ્દોમાં પાણશેરી ફટકારી. આવા પ્રકારની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આવા વિનાશ વેરનારી કંપનીના પ્રતિનિધિઓની હાજરી જ આ અહેવાલનું મહત્ત્વ સમજાવવા માટે પૂરતી છે મિ. પ્રેસિડેન્ટ, એમ બોલતાં જોને મોનિકાના કથનને બિલકુલ મહત્ત્વ ન આપતો હોય એવી રીતે સીધા પ્રેસિડેન્ટને સંબોધતાં અણુશસ્ત્રો બનાવનારી કંપનીના ચાર પ્રતિનિધિઓ સામે અંગુલિનિર્દેશ કર્યો.
અણુશસ્ત્રો બનાવતી કંપનીઓને જોન ધિક્કારતો હતો. તેને માટે આ લોકો વિનાશના વેપારીઓ હતા અને પોતાના ફાયદા માટે આખી દુનિયાના વિનાશ માટે કામ કરતા હતા. જોન વિજ્ઞાની તરીકે માનવ સમાજને ઉપયોગી થવા માટેનાં સંશોધનો કરવા માગતો હતો, પરંતુ અણુશસ્ત્રો બનાવતી કંપનીઓનું મહત્ત્વ સમાજને ઉપયોગી શોધ કરનારા કરતાં વધી ગયું હોવાથી તેને ઘણી વખત ગુસ્સો આવતો હતો.
પ્રેસિડેન્ટને સંબોધ્યા બાદ તેણે મોનિકા તરફ પોતાનો મોરચો માંડ્યો. મને તમે રોકી શકશો, પરંતુ ભારતને આ અહેવાલને જાહેર કરતાં કેવી રીતે રોકશો? એમ કહેતાં જોને ઉમેર્યું મિઝ મોનિકા તમારા દેશના વિજ્ઞાનીઓને તો જાણો છો ને? તેઓ ઈમાનદાર અને સ્પષ્ટવક્તા છે. તેઓ દુનિયાથી આ વાત ખાનગી નહીં રાખે. ત્યારે તમારી સરકારની હાલત કેવી થશે તેનો વિચાર કર્યો છે? આખી દુનિયા અમેરિકન સરકારને ગાળો આપશે. રહી સહી ઈજ્જત ધૂળધાણી થઈ જશે. આ વિનાશ વેપારીઓને વાદે ચડીને તમે આખી દુનિયા સાથે છેતરપિંડી કરવા નીકળ્યા છો?
જોન પણ ગુસ્સાથી ધ્રૂજી રહ્યો હતો. તેને સમજાતું નહોતું કે જોન લાઈગર જેવા રાષ્ટ્રપ્રમુખ જે ચૂંટાયા પહેલાં મોતના વેપારીઓની ટીકા કરતા હતા. આખી દુનિયાને યુદ્ધોથી મુક્ત કરવા માટે ઝુંબેશ ચલાવતા હતા. અમેરિકાના એક એક જવાનની જિંદગીને મૂલ્યવાન ગણાવતા હતા. તે આટલી હદે કેવી રીતે બદલાઈ શકે? મોતના વેપારીઓના ફાયદા માટે આખી સૃષ્ટિ સાથે દગાબાજી કરવાની હદે કેવી રીતે નીચે ઊતરી શકે? માન્યું કે અમેરિકાના અર્થતંત્રમાં સૌથી વધુ યોગદાન શસ્ત્રો બનાવનારી કંપનીનું હતું અને અમેરિકાને સામરિક શક્તિ બનાવવામાં અણુશસ્ત્રો નિર્માણ કરનારી કંપનીઓનું ઘણું યોગદાન હતું, પરંતુ લાઈગર તો દેશને અણુશસ્ત્રો વિહીન કરવાની વાતો કરતા હતા. તેમણે તો અણુશસ્ત્રોના ભંડારોનો નાશ કરવાના શપથ લીધા હતા અને અત્યારે તો તેમનું સાવ જ અલગ સ્વરૂપ જોવા મળી રહ્યું હતું.
બીજી તરફ જોન લાઈગર પણ ગુસ્સામાં લાલચોળ થઈ રહ્યા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકાનું સામરિક મહત્ત્વ ઘટી રહ્યું હતું અને હવે અમેરિકાની આખી દુનિયા પર પહેલાં જેવી ધાક રહી નહોતી અને આ બધું પુન:સ્થાપિત કરવું હોય તો આ તકનો લાભ લેવો આવશ્યક છે એમ તેમને સમજાવી દેવામાં આવ્યું હતું અને તેઓ પણ આનાથી સહમત હતા અને એટલે જ તેમણે જોન જેવા તુંડમિજાજી માણસની વાતો સાંભળવાનો વારો આવ્યો હતો.
લાઈગર ગુસ્સામાં પારો ગુમાવીને બાજી બગાડે તે પહેલાં મોનિકા હેરિસે બાજી સંભાળી લેતાં કહ્યું કે મિ. પ્રેસિડેન્ટ ઈચ્છે છે કે તમારે કે પછી તમારા ખાતામાંથી કોઈએ પણ આ વાત જાહેર કરવાની નથી કે ચંદ્રની માટીના જે સેમ્પલોની આપણે તપાસ કરી તેમાં શું હતું. બાકી આખી દુનિયા અમેરિકા માટે શું સમજે છે તેની ચિંતા તમારે કરવાની નથી. આ અમેરિકાના સાર્વભૌમત્વ અને સામરિક મહત્ત્વ માટે આવશ્યક છે એટલે તમારે અમેરિકાના કલ્યાણ માટે આ વાત જાહેર કરવાની નથી, સમજી ગયા? મિ. પ્રેસિડેન્ટ દરેક નિર્ણય અંગે તમને ખુલાસા કરવા બંધાયેલા
નથી.
બીજી વાત તમે કહ્યું કે ભારત આ વાત જાહેર કરી દેશે, બરાબર? ભારત આ સેમ્પલનો અહેવાલ જાહેર કરવા માગતું હોય તો ભલે કરે, તેમની વાતને માનશે કોણ? આપણે માટે કામ કરનારા કેટલાક લોકો ત્યાં છે, જેઓ આ અહેવાલને ખોટો ગણાવીને તેમની જ સરકાર સામે દેખાવો કરશે. એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. અત્યારે વાત અમેરિકાને દુનિયામાં સર્વશક્તિમાન, સર્વોપરી બનાવવાની છે. આને માટે મિ. પ્રેસિડેન્ટને જે યોગ્ય લાગશે તે કરશે અને તેમાં તમારે તેમને સાથ આપવાનો છે. એમ આઈ ક્લિયર?
હવે જોનને કશું બોલવા જેવું રહ્યું નહોતું. ચારેય કંપનીના પ્રતિનિધિ વિજ્ઞાનીઓ એક પળ માટે મોનિકા હેરિસ અને જોન લાઈગર સામે જોઈ રહ્યા હતા અને બીજી પળે જોન સ્વીપર સામે જોઈ રહ્યા હતા. અમેરિકાના પ્રમુખને મોઢા પર સાચી વાત કહેવાની હિંમત ધરાવતા એક સામાન્ય વિજ્ઞાનીને અહોભાવથી જોઈ રહ્યા હતા. બીજી તરફ ચબરાક મોનિકા બધા પર નજર રાખી રહી હતી. તેના ધ્યાનમાં ચારેય વિજ્ઞાનીના ચહેરા પર પલટાતા ભાવો આવ્યા હતા અને તેથી જ એક સામાન્ય વિજ્ઞાનીનું મહત્ત્વ રાષ્ટ્રપ્રમુખ કરતાં વધી ન જાય તે બાબતની સાવચેતી રાખતાં તેમણે જોન લાઈગરના અંગત સચિવને આંખનો ઈશારો કર્યો અને જોન લાઈગરના અંગત સચિવ વિલ્સ સ્મિથે જોનને જવાનો ઈશારો કર્યો અને જોને એક નજર વિનાશ વેપારી કંપનીઓના વિજ્ઞાનીઓ સામે નાખી અને ચૂપચાપ બોર્ડ રૂમમાંથી બહાર નીકળી ગયો. આ ચાર વિનાશના વેપારીઓ સાથે આગામી કલાકોમાં શું કુલડીમાં ગોળ ભાંગવામાં આવશે તેની કલ્પના તેને હતી. તેના ગુસ્સાનો કોઈ પાર નહોતો, પરંતુ અમેરિકાની સાર્વભૌમકત્વને અકબંધ રાખવાના જે શપથ લીધા હતા તેને લીધે તે મજબૂર હતો. મોનિકા હેરિસે તેની દુખતી રગ પર હાથ મુક્યો હતો. દેશ કરતાં વધુ કશું જ હોઈ શકે નહીં અને તેથી મને કમને આ વાત તેણે ગુપ્ત રાખવી જ રહી. (ક્રમશ:)