છત્તીસગઢમાં શ્રદ્ધાની નિર્મમ હત્યા જેવી કાળજુ કંપાવનારી ઘટના બની છે. મળી રહેલી માહિતી અનુસાર આરોપીએ પ્રેમીકાને છત્તીસગઢના રાયપુરથી ઓડિશા લઈ જઈને હત્યાકાંડને અંજામ આપ્યો હતો. છત્તીસગઢના કોરબા જિલ્લામાં રહેતી 21 વર્ષની તનુ કુર્રે રાયપુરની એક પ્રાઈવેટ બેંકમાં કામ કરતી હતી. તે 21 નવેમ્બરના રોજ પોતાના મિત્ર સચિન અગ્રવાલ સાથે ફરવા નીકળી હતી. તે બાદ તનુ તેના પરિવારના સંપર્કમાં નહોતી. ઓડિશા પહોંચ્યા બાદ સચિન તનુની હત્યા બાદ તેના પરિવારને ભરમાવવા તેમની સાથે ચેટ પર વાતો કરતો હતો. તનુ સાથે સંપર્ક તૂટતા તેના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી અને તપાસ દરમિયન રાયપુર પોલીસને ઓડિશાના બાલંગીરમાં એક બળેલો મૃતદેહ મળ્યો હતો. તનુના પરિજનોએ તેને ઓળખી લીધી હતી અને આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી ત્યારે સૌથી પહેલી શંકા તેના પ્રેમી સચિન પર થઈ હતી. સચિન વારંવાર પોતાનું લોકેશન ચેન્જ કરી રહ્યો હતો. પોલીસે તેના ફોનના લોકેશનના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
પુછપરછ દરમિયાન આરોપીએ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આરોપીએ જણાવ્યું હતું કે તેને તનુ પર શક હતો કે તે કોઈ બીજી વ્યક્તિ સાથે રિલેશનમાં છે. તેથી ફરવાના બહાને તે ઓડિશાના બાલંગીરમાં લઈ ગયો અને જંગલમાં લઈ જઈને તેની હત્યા કરી નાંખી અને મૃતદેહ પર પેટ્રોલ રેડીને સળગાવી નાંખ્યો હતો.