ગ્રાહક તરીકે આપણે સૌ કોઈના કોઈ રીતે છેતરાતા રહી છીએ અને આમાં લોભામણી જાહેરાતોનો ફાળો મોટો છે. શિક્ષિત હોય કે અશિક્ષિત, યુવા હોય કે વૃદ્ધ દરેકને જાહેરાતો જે તે વસ્તુ લેવા લલચાવતી હોય છે. કેન્દ્ર સરકારના એક નિર્ણયથી આ સંપૂર્ણપણે બંધ તો નહીં થાય, પરંતુ થોડું નિયંત્રણ જરૂર આવશે. કેન્દ્ર સરકારના ગ્રાહક વ્યવહાર મંત્રાલય દ્વારા ખોટી અને વારંવાર દિશા ભૂલ કરનારી જાહેરાતો બદલ રૂ. દસથી 50 લાખનો દંડ નિર્ધારિત કરવામાં આવ્યો છે. ગ્રાહક સંરક્ષણ કાયદા, 2019ન કલમ 21(2) અનુસાર વસ્તુ ઉત્પાદન કરનારા અને તેનું સમર્થન કરનારા એટલે કે જાહેરાત કરનારા બન્નેને રૂ.10થી 50 લાખ સુધીનો દંડ કરવામાં આવશે.
જોકે આ અધિસૂચના તો જૂન 2022માં આવી ગઈ હતી, પરંતુ તાજેતરમાં લોકસભાના એક સવાલના જવાબમાં કેન્દ્રીય ગ્રાહક વ્યવહાર રાજ્ય પ્રધાન નિરંજન જ્યોતીએ આ માહિતી આપી હતી. આ સૂચના અનુસાર જાહેરાતોનું સમથર્ન કરનાર કોઈ વ્યક્તિ કે સમૂહ અથવા સંસ્થા જાહેરાતમાં બતાવવામાં આવેલી કોઈપણ વસ્તુ, ઉત્પાદન કે સેવાનું સમર્થન કરે ત્યારે તે તેમનો મત અથવા અનુભવ હોવાનું સ્પષ્ટ થાય છે. જો આમ ન હોય તો તે છેતરપિંડી છે અને ગ્રાહકોને ફસાવવાનું કામ છે, તેમ માનવામાં આવશે.
માનો કે કોઈ ટૂથપેસ્ટની જાહેરાત છે અને કોઈ ડોક્ટર તેમા ટૂથપેસ્ટાના વખાણ કરતો જોવા મળે છે, પરંતુ તેમાં કરવામાં આવતા દાવા ખોટા અને ભૂલભરેલા છે તો તે જાહેરાત કરનારને પણ દંડ થઈ શકે છે. તેમને એક કે બે વાર નોટિસ આપવામાં આવે છે અને તે બાદ પણ જો આવી જાહેરાતો કરવામાં આવે તો દંડ કરવામા આવે છે, તેમ લોકસભામાં લેખિત જવાબમાં સાધ્વિએ જણાવ્યું હતું. આમાં દેશ કે વિદેશના ગમે તે વ્યક્તિ, સેલિબ્રિટી અને પ્રોડેક્ટ્નો સમાવેશ થાય છે.