Homeઉત્સવમુલ્તાન કિલ્લો જીતવામાં મળી ચમત્કારિક મદદ

મુલ્તાન કિલ્લો જીતવામાં મળી ચમત્કારિક મદદ

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(ગયા અંકથી ચાલુ)
પતન નિશ્ર્ચિત હોય ત્યારે માણસને બેવકૂફી જ સૂઝે. એટલે તો ખાલસા સેના તરફથી શાંતિની ઓફર મળતા મુલ્તાનના નવાબ મુઝફ્ફર ખાન સામેથી થયેલી પહેલને પોતાની તાકાતનો પ્રતાપ સમજી બેઠો. પોતાના લશ્કરની સંખ્યા અને શસ્ત્રો, કિલ્લાની મજબૂતી તથા ગાઝીઓની મદદથી એ અભિમાનમાં રાચવા માંડ્યો. એ ફુલણજીને લાગ્યું કે હું માત્ર મારો બચાવ જ નહિ કરું પણ આ વખતે શત્રુઓને પરાસ્ત પણ કરી શકીશ. મનમાં ખૂણેખાંચરે એક આશાનો દીવડોય ટમટમે કે હાર્યા તો અગાઉની જેમ જીવનદાન તો નક્કી જ છે. એટલે ચકલી નાની ને ફૈડકો મોટોનો ઘાટ થયો.
મુઝફ્ફર ખાને શાંતિ ઑફર ઠુકરાવી દીધી અને યુદ્ધ અનિવાર્ય બની ગયું. જે ઈ.સ. ૧૮૧૮ની બીજી ફેબ્રુઆરીએ શરૂ થયું. ખાલસા સેનાના જોરદાર તોપમારાથી કિલ્લાઓમાં બે જગ્યાએ ગાબડાં પડી ગયાં નવાબના દીકરાને આ નુકસાનની સમયસર જાણ થઈ ગઈ તો તેણે તરત જ રેતીની ખડકીને કામચલાઉ સલામતી-વ્યવસ્થા કરી બધી, પરંતુ બન્ને પક્ષ જીવ પર આવીને લડતા રહ્યા. લોહી વહેતું રહ્યું, માથા કપાતા રહ્યા અને સૈનિકો મરતાં રહ્યાં. બેમાંથી એકેય પક્ષ નમવા તૈયાર નહોતો. ત્રણ-ત્રણ દિવસ જીવસટોસટની લડાઈ ચાલતી રહી.
લડાઈના ચોથે દિવસે નાટ્યાત્મક ઘટના બની. તોપના ગોળાએ નગરના લાહોરી દરવાજાને ધ્વસ્ત કરી નાખ્યો. અંદર ઘૂસીને તાકાત બતાવી દેવાની આવી વ્યૂહાત્મક તક કોણ જતું કરે? સરદાર હરિસિંહ નટવર પોતાની સૈનિક ટુકડી લઈને અંદર ધસી ગયા. ખાનના લશ્કર માટે આ ઓચિંતી અને મોટી આફત હતી. છોગામાં નલવાના હિમ્મત, જોશ અને વ્યૂહ. નવાબની સેનાને ધોળે દિવસે તારા દેખાવા માંડ્યા, છતાં તેઓ લડતા રહ્યા પરંતુ ક્યાં સુધી? નલવા સેનાએ જંગ જીતીને ખાલસા ધ્વજ લહેરાવી દીધો.
પરંતુ હાર્યો જુગારી બમણું રમે એમ નવાબ મુઝફ્ફર ખાને આઠમી ફેબ્રુઆરીએ નગર પર ફરી કબજો મેળવવા હુમલો કર્યો, પરંતુ એ શક્ય ન બન્યું. નાછૂટકે નવાબ પોતાના સૈનિકોને લઈને કિલ્લામાં ઘૂસીને શાંત બેસી ગયો.
સંજોગો સમજીને હરિસિંહે અલગ વ્યૂહ ઘડી કાઢ્યો. તેમણે કિલ્લાને ચોતરફથી ઘેરી લેવા માટે લશ્કરને ગોઠવી દીધું. પ્લાન એ અંદર સે કોઈ બાહર ન આ શકે, બાહર સે કોઈ અંદર ન જા શકે. આ રીતે નવાબની સેનાનો બહારના વિશ્ર્વ સાથેનો સંપર્ક સદંતર કપાઈ જાય. વહેલા-મોડા મુલ્તાનના લશ્કરના અનાજ-પાણી ખૂટી પડશે એવી ખાલસા સેનાની ધારણા હતી, પરંતુ આ વખતે નવાબે ખૂબ વધુ સ્ટૉક ભરી રાખ્યો હતો.
નવાબ હાર કબૂલી લે એ માન્યતા દૂર-દૂર નજરે પડતી નહોતી. કિલ્લાની અંદરથી માહિતી આવી કે એ લોકો પાસે એકાદ વર્ષ ચાલે એટલી ખાદ્યસામગ્રી છે છતાં ખાલસા સેના હતોત્સાહ ન થઈ. એક પછી એક હાથકંડા અજમાવતા ગયા. કિલ્લા પર બહારથી સતત આક્રમણ થતું રહ્યું. ક્યારેક તોપગોળા છોડાય, તો ક્યારેક કિલ્લાના દરવાજા સાથે દોડતા હાથીથી ટક્કર મારવામાં આવતી રહી, પરંતુ ન દરવાજા ખુલ્યા કે ન અંદરથી કોઈ ટસનું મસ થયું.
ધીરે-ધીરે ખાલસા સેનાને સમજાઈ ગયું કે આ કિલ્લા પર આસાનીથી કે જલ્દી ફતેહ મળવાની નથી. અધૂરામાં પૂરું ખડે પગે રહેલા લશ્કરના અમુક સૈનિકો અસાધારણ ગરમીને લીધે કોલેરાના રોગના પંજામાં સપડાવા માંડ્યા. હાલાત એકદમ વિપરિત હતી પણ એમ પીછેહઠ કેવી રીતે કરાય?
આ જાણકારી મળતા મહારાજા રણજીતસિંહને પોતાના સૈનિકોની ફિકર થવા માંડી. તેઓ સમજી ગયા કે પોતાના લશ્કરની મદદ માટે વધુ કમક મોકલીને આ યુદ્ધને નિર્ણાયક અંત આપવાની તાતી જરૂર આવી પડી છે. રણજીતસિંહે ઝાઝો વિચાર કર્યા વગર સરદાર ફુલાસિંહ અકાલી. હા, સમયાંતરે અનેકવિધ પડકારોનો સફળતાપૂર્વક સામનો કરીને જગવિખ્યાત લશ્કરી નાયક તરીકેની નામના રળવામાં હરિસિંહ નલવાને અનેકના સાથ-સહકાર સાંપડયા. એમાં એક નામ ફુલસિંહ અકાલીનું આવે.
સરદાર હરિસિંહ નલવા અને નવાબ મુઝફ્ફર ખાન સાથેની લડાઈની વધુ વિગતોમાં ઊંડા ઊતરતા અગાઉ સરદાર અકાવી ફુલાસિંહ નિહંગ (જન્મ ૧ જાન્યુઆરી ૧૭૬૧, સ્વર્ગવાસ ૧૪ માર્ચ ૧૮૨૩) વિશે જાણીએ કારણ કે આવા મહાન વ્યક્તિત્વ ઇતિહાસના અંધકારમાં ખોવાઈ ગયા છે. જાટ પરિવારમાં શિહાન (સંગરુર જિલ્લો, પંજાબ) ખાતે જન્મેલા ફુલાસિંહે પિતાજી ઈશરસિંહના અવસાન બાદ માતાના કહેવાથી અકાલી બાબા નૈનાસિંહ પાસે પ્રશિક્ષણ લેવા માંડ્યા અને ખાલસાની દીક્ષા લીધી.
નાની ઉંમરમાં જ ફુલાસિંહ નિતનેમ (શીખ ગુરુઓનું લખાણ જેનું સાચો શીખ રોજ વાંચન કરે) યાદ કરી લીધી. તેઓ ૧૪ વર્ષના થયા ત્યારે સદ્કાર્ય-ધર્મના સહકારના સિંચન કરીને માતા પણ સ્વર્ગવાસી થઈ ગયા. પોતાનું સર્વસ્વ દાનમાં આપીને ફુલાસિંહે આનંદપુર સાહિબમાં અકાલી નૈનાસિંહના જત્યાની નિકટ જઈને માર્શલ આર્ટ સહિતની કળા શીખી, જેનો અનેક યુદ્ધમાં સફળ ઉપયોગ કર્યો.
અમૃતસરમાં ગુરુદ્વારોની જાળવણીમાં કચાશની જાણકારી મળતાં ઈ.સ. ૧૮૦૦ના ફુલાસિંહ અમૃતસર પહોંચી ગયા. એ સમયે એમની આગેવાનીમાં બે હજાર જેટલા નિહંગ હતા. અહીં સફળતાને પગલે તેઓ અકાલ તખ્તના જત્થેદાર બની ગયા. એમના વ્યક્તિત્વમાં ધર્મ અને યુદ્ધ કૌશલનું અદ્ભુત મિશ્રણ હતું.
ઓગણીસમી સદીના આરંભે જ્યારે મહારાજા રણજીતસિંહે પંજાબની રાજધાની લાહોરમાં બનાવી ત્યારે અમૃતસરને પોતાના રાજ્યમાં જોડવાની ઈચ્છા થઈ હતી. ઇ.સ. ૧૮૦૧માં મહારાજા રણજીતસિંહ સૈન્ય સાથે આવી પહોંચ્યા. પવિત્ર શહેર અમૃતસરના આકાશમાં રણજીતસિંહે ખાલી રાઉન્ડ ફાયર કર્યા. આ બનાવથી અત્યંત વ્યથિત થયેલા ફુલાસિંહે સામસામા આવી ગયેલા લશ્કર વચ્ચે હસ્તક્ષેપ કર્યો. તેઓ માનતા હતા કે એક શીખ બીજા શીખને મારે એ પાપ કહેવાય. બન્ને પક્ષ એમની વાત સ્વીકારીને શાંતિ-સમાધાન માટે સંમત થઈ ગયા.
આ તક ઝડપીને મહારાજા રણજીતસિંહે સહૃદય અકાલી ફુલાસિંહ નિહંગને પોતાના લશ્કરમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું, જેનો સ્વીકાર થયો. એમની સાથે ત્રણેક હજાર નિહંગ પણ સરકારી લશ્કરમાં સામેલ થઈ ગયા. ફુલાસિંહ અને તેમના નિહંગો મહારાજાની ઘણી લડાઈ જીતવામાં નિમિત્ત બન્યા, જેમાંની એક હતી મુઝફ્ફર ખાન સામેની લડાઈ તેમણે કસુરની લડાઈમાં ઘણો મોટો ફાળો આપ્યો હતો.
મુલ્તાનના કિલ્લામાં મુઝફ્ફરખાન તેર હજાર અફઘાન સૈનિકો સાથે બેઠો હતો. ને બહારથી કરાતા હુમલામાં શીખ સૈનિકો મરી રહ્યા હતા. આવા કપરા સમયે ‘સત શ્રી અકાલ’ના નારા સાથે ફુલાસિંહની સેના મુલ્તાન પહોંચી. એ જ સમયે તોપગોળાથી ખિજરી દરવાજા સાથે કિલ્લો લગભગ તૂટી પડ્યો. કિલ્લામાં બે તોતિંગ બાકોરા પડી ગયા, જેમાંથી ફુલાસિંહ અને તેમની સેના અંદર ઘૂસી ગઈ. આ ઘડી જાણે કોઈ ચમત્કાર સર્જવા આવી હતી. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -