(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતની નવી સરકારે સોમવારે શપથ ગ્રહણ કર્યા બાદ બીજા દિવસે મંગળવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને તેમના પ્રધાન મંડળના સભ્યોએ પોતાના વિભાગનો કાર્યભાર સંભાળી લીધો હતો.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર રાજ્યનું દાયિત્વ મંગળવારે સવારે સંભાળ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે મુખ્ય પ્રધાન કાર્યાલયમાં દાદા ભગવાન, સીમંધર સ્વામીની પૂજા-અર્ચના કરી કાર્યભાર સંભાળ્યો હતો. રાજ્ય પ્રધાન મંડળના સભ્યો પણ મુખ્ય પ્રધાન સાથે સહભાગી થયા હતા. જ્યારે તમામ ૧૬ પ્રધાનોએ પણ પદભાર સંભાળ્યો હતો.
મુખ્ય પ્રધાનએ નવનિયુક્ત સૌ પ્રધાનોને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.
મુખ્ય પ્રધાન તેમના પ્રધાન મંડળના સહયોગી નવનિયુકત પ્રધાનોના સ્વર્ણિમ સંકુલ-૧ અને સંકુલ-ર માં આવેલા કાર્યાલયોમાં સામે ચાલીને અચાનક જઇ પહોંચ્યા હતા અને પ્રધાનોને પદભાર સંભાળવા અવસરે પ્રત્યક્ષ શુભકામનાઓ આપી હતી. એટલું જ નહિ શુભેચ્છા પાઠવવા આવેલા શુભેચ્છકો-સામાન્ય નાગરિકો સાથે પણ મંત્રીશ્રીઓના કાર્યાલયની પરસાળમાં જ ઊભા રહીને મુખ્ય પ્રધાન સામાન્ય વ્યક્તિ ‘કોમનમેન’ની જેમ સૌને મળ્યા હતા.