Homeઉત્સવઘોસ્ટ મેરા દોસ્ત: માનો તો માનો યા માણો કહાણી

ઘોસ્ટ મેરા દોસ્ત: માનો તો માનો યા માણો કહાણી

મિજાજ મસ્તી-સંજય છેલ

ટાઇટલ્સ: દરેક સ્ટાર, એક ઉખાણું (છેલવાણી)
‘મેં એકવાર મારી પ્રતિષ્ઠા સમાજ સામે ખોઇ દીધી પણ પછી મને એની ક્યારેય જરૂર જ ના પડી’
****
‘હું સારી છું, ત્યારે બહુ સારી છું પણ ખરાબ હોઉં ત્યારે ઓર પણ બહેતર!’
****
‘હું સિંગલ કે એકલી છું કારણકે હું એ જ રીતે જન્મેલી’
****
‘સારી છોકરીઓ સ્વર્ગે જાય, ખરાબ તો બધે જ જઇ શકે’
****
…………..આવા અનેક વિવાદાસ્પદ વિધાનો કરનાર બિંદાસ, સેક્સ સિંબોલ અભિનેત્રી-ગયિકા-લેખિકા મે વસ્ટે ૩૦-૪૦ના દાયકામાં બેબાક લાઇફ સ્ટાઇલ કે ગુદગુદાત્તમક વાતો દ્વારા આખા અમેરિકાને હલાવી નાખેલું.
જેમ આપણા સફળ ફિલ્મ સ્ટાર વિનોદ ખન્નાને પણ થતું કે-આ બધા સુખો પછી આખરે શું? એટલે આધ્યાત્મિકતામાં વિનોદને રસ જાગ્યો ને બોલીવૂડ છોડીને એ રજનીશજીના માર્ગે વળી ગયેલા. એ જ રીતે હોલીવૂડની સનસનીખેજ સ્ટાર અભિનેત્રી, સેક્સ સિંબોલ , મે વેસ્ટને પણ થતું કે સેક્સ, સક્સેસ કે અમાપ પૈસો આખરે શું બચે છે? એવામાં ૧૯૪૧માં, મે વેસ્ટ એના મેનેજર જિમ ટીમોની અને મિકી નામના દોસ્ત સાથે કોઇ ધાર્મિક સભામાં જઇ પહોંચી. એ સભાના પ્રમુખ હતા, જેક કેલી નામના સેલિબ્રિટી જેણે ભાષણની વચ્ચે અંગ્રેજીના ‘એસ’-‘જ’ અક્ષરથી શરૂ થતું નામ લઈને મિકી તરફ ઈશારો કર્યો.
મિકીએ ચોંકીને કહ્યું, “અરે,આ તો મારું ખરું નામ છે! આને કેવી રીતે ખબર?
પછી કેલીએ કહ્યું,”એસ- “જ શબ્દથી શરૂ થતા નામવાળા માણસના પિતાનો આત્મા અહિં હાજર છે, જે પુત્રને કહેવા માંગે છે કે એમની લાશ પાણીમાં નાંખતા પહેલાં જ એમની હત્યા કરવામાં આવી હતી! મિકીએ, કહ્યું કે એ પોતે પણ એવું જ માને છે! પછી એ જેક કેલીની વાતોથી ઈમ્પ્રેસ થઈને મે વેસ્ટે એક સાંજે એમને ઘરે બોલાવ્યા ને સેલિબ્રિટી મિત્રો ઉપરાંત એની બહેન બેવરલી વેસ્ટને પણ આમંત્રી. કેલીએ, મે વેસ્ટના ઘરે પહોંચીને કહ્યું કે રૂમમાં હાજર લોકોની વર્તમાન ને ભવિષ્યના જીવન વિશે એ વાતો કહેશે પણ સૌને એક ખુરશી સાથે બાંધવામાં આવે ને સૌની આંખોને કપડાથી ઢાંકવામાં આવે, લોકો એમની જગ્યા બદલી નાખે! પછી, કૈલીએ રૂમમાં હાજર દરેક વ્યક્તિ વિશે એવી એવી ગુપ્ત વાતો કહી, જેની ફકત એ લોકોને જ ખબર હતી!
સૌથી છેલ્લે, કૈલીએ એક બંધ કવર ઉપાડ્યું જેમાં મે વેસ્ટે, અમુક સવાલ પૂછ્યા. જેમ કે-
“શું અમેરિકા વર્લ્ડ-વોરમાં ભાગ લેશે?
કૈલીએ કહ્યું,”ત્રણ મહિનામાં અમેરિકા હવાઈ ટાપુ પર અચાનક હમલો થશે.- ને એમ થયેલું
બીજો સવાલ- “આ મહાયુદ્ધ ક્યાં સુધી ચાલશે?
કેલીએ કહ્યું,”પાંચ-છ વર્ષ સુધી ને પ્રેસિડન્ટ રૂઝવેલ્ટ થોડા સમયમાં જ મરી જશે! એમ જ થયું.
ત્રીજો સવાલ-“અમેરિકાની મહાયુદ્ધમાં જીત થશે?
કેલીનો જવાબ હતો, “હા, અમેરિકા ને ઇંગ્લેન્ડ મળીને લડાઈમાં જીતશે. જે પણ થયું!
બીજા પ્રશ્ર્નો પર્સનલ હતા પણ કેલીએ એમના જવાબ પણ સચોટ આપ્યા.
ઈંટરવલ:
મોતનીયે બાદ તારી ઝંખના કરતો રહ્યો,
તું જન્નતમાં મળે, એવી દુઆ કરતો રહ્યો (બેફામ)
હવે મે વેસ્ટને ખાતરી થઈ ગઈ કે કેલી, કોઇ અદ્ભુત ક્ષમતાવાળો બંદો તો છે! એવામાં એક અજાણ્યો
માણસ, મે વેસ્ટની બહેન બેવરલીના ફાર્મ પર મળવા આવ્યો. બેવરલીને ત્યારે ખબર નહોતી કે પેલો માણસ પોતાની પત્નીનું મર્ડર કરીને આવ્યો છે. જો કે રેડિયો ને અખબારોમાં મર્ડરના સમાચાર વિશે વાત આવેલી પણ પેલા માણસે બેવરલીના ઘરે અખબારો બંધ કરી દીધેલાં ને રેડિયો પણ બગાડી નાખેલો! પછી એ બેવરલીના ફાર્મ પર કામ કરવા માંડ્યો પણ એની ધરપકડ કરવા માટે પોલીસવાળા મે વેસ્ટને મળ્યા કારણ કે પોલીસને બેવરલીના ફાર્મનું એડ્રેસ ખબર નહોતું. જ્યારે પોલીસ બેવરલીના પોલ્ટ્રી ફાર્મમાં પહોંચી, એના બે દિવસ પહેલાં જ પેલો માણસ ભાગી ગયેલો!
પછી મે વેસ્ટે, આ વિશે, જ્યારે જેક કેલીને પૂછ્યું, ત્યારે એણે કહ્યું, “ડોન્ટ વરી..એ માણસની વીસ મિનિટ પહેલા ધરપકડ થઈ છે! મે વેસ્ટે, લોસ એન્જલસના પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો ને ખરેખર ૨૫ મિનિટ પહેલાં જ એની ધરપકડ કરવામાં આવેલી!.
પછીથી જેક કેલી પાસે, મે વેસ્ટ જેવી જાણીતી સ્ટાર બધું છોડીને મેલીવિદ્યા શીખવા લાગી! દરમિયાનમાં મે વેસ્ટના મેનેજર ને મિત્ર જિમ ટિમોનીનું મૃત્યુ થઈ ગયું. કેલીની મદદથી મે વેસ્ટે, ટિમોની આત્મા સાથે સંપર્ક કર્યો. ત્યારથી ટિમોનીનું ભૂત હંમેશા મે વેસ્ટની આસપાસ રક્ષકની જેમ રહેવા લાગ્યું! મે વેસ્ટ માનતી કે ટિમોનીએ જ એને નાટ્ય-લેખિકા બનાવી, સાંભળો મેની પોતાની કેફિયત:
“એકવાર હું બોક્સિંગ મેચ જોતી હતી ને અચાનક લાગ્યું કે ટિમોની મારા કાનમાં એક વાર્તા સંભળાવી રહ્યો છે. વાર્તાના ડાયલોગ એવા ચોટદાર કે મને યાદ રહી ગયા. ઘરે જઈને મેં એને નાટક રૂપે લખી નાખ્યું અને નાટક હિટ થયું! બસ, પછી મને બીજા નાટકોને લખવાની પ્રેરણા મળી. એ પછી પણ ટિમોનીના ભૂત તરફથી મને એના હંમેશા સંદેશાઓ મળતા રહ્યાં, જે એટલા જ સચોટ હતા, જેટલી કેલીની ભવિષ્યવાણીઓ! આ જગતમાં હું જીવંત માણસો પર નહીં પણ ટિમોનીના ભૂત પર જ વિશ્ર્વાસ કરું છું!
હોલીવૂડ સ્ટાર મે વેસ્ટની અપાર સફળતા, અબાધ સેક્સ લાઇફ, બેફામ નિવેદનો વિશે આખો ગ્રંથ લખી શકાય પણ કદાચ ટીમોનીનું ભૂત અમને એ બધું લખાવે તો.
એંડ ટાઇટલ્સ:
આદમ: તું મને સમજાતી નથી.
ઈવ: સમજવાનું છોડી દે, એડજસ્ટ કર!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -