Homeઉત્સવકિસ્મત કી હવા, કભી નરમ- કભી ગરમ: ફિલોસોફીથી ફિલ્મો સુધી...

કિસ્મત કી હવા, કભી નરમ- કભી ગરમ: ફિલોસોફીથી ફિલ્મો સુધી…

મિજાજ મસ્તી – સંજય છેલ

ટાઇટલ્સ: સતત હાથ જોવાથી રેખા ના બદલાય. (છેલવાણી)
નસીબ-ભાગ્ય-તકદીર-મુકદ્દર-લક… એ બધાં એક જ ખેલનાં નામ છે. હમણાં થોડા દિવસ પહેલાં ગૂગલે પણ લોકોના નસીબમાં એક રમત રમી. ગૂગલે ‘ગૂગલ-પે’ એપ વાપરવાવાળા અમુક લોકોના ખાતામાં ૮૦,૦૦૦ રૂ. સુધીના રીવોર્ડ ટ્રાન્સફર કરી દીધા. જેમના ખાતામાં પૈસા આવ્યા એમની તો લોટરી લાગી ગઈ પણ ઘણાં લોકો એ જુએ-જાણે તે પહેલા જ ગૂગલે એ પૈસા પાછા લઇ લીધા. ગૂગલનું કહેવું છે કે ટેક્નિકલ ખામીને કારણે આમ થયું. પણ હા, જે લોકોએ એ પૈસા તરત વાપરી નાખ્યા એનાથી ગૂગલને કોઈ વાંધો નથી ને ગૂગલ પૈસા પાછા માગશે નહીં. અર્થાત્ જેમણે તરત પૈસા વાપરી નાખ્યા એમનાં સારાં નસીબ. ઇન શોર્ટ, નસીબ નામની નૈયા, સૂતા જગાડીને મંઝિલ પાર કરાવી શકે છે ને બાકી તમે ગમે તેટલાં ધમ્મપછાડા કરો કશું કરી શકતા નથી. તમે ‘ઇત્તફાક’, ‘સંયોગ’, ‘યોગાનુયોગ’ કંઇપણ નામ આપો પણ નસીબનો મદારી સૌને નચાવે છે.
નસીબ ક્યારે કોના પર મહેરબાન થશે એની ખુદ નસીબનેય ખબર નથી હોતી. નસીબથી જ કોઇ દેવેગૌવડા નામના પ્રાંતિય નેતા, રાતોરાત ભારતના પી.એમ. બની જાય છે ને વાજપેઇજી જેવા લાયક માણસ જોતા જ રહી જાય છે! તાજેતરની વાત છે કે અમેરિકાની એક મહિલા ગેરાલ્ડીન ગિંબલેટે પોતાનીની બધી બચત કેન્સરપીડિત દીકરીની સારવાર માટે ખર્ચી નાખી ને પછી સમજાતું હોતું કે બાકીની ટ્રીટમેંટના પૈસા ક્યાંથી લાવશે? એવામાં એણે ઈશ્ર્વરને પ્રાર્થના કરીને પેટ્રોલ પંપ પર લોટરી ખરીદી જેમાં ૧૬કરોડની લોટરી જીતી ગઇ.
આ સત્ય-ઘટનામાં નસીબ-બદનસીબનું કરુણ કોંબિનેશન છે.
એક ગરીબ ઘરની છોકરીને અમીર પરિવારમાં પરણાવવામાં આવે છે, પણ લગ્ન બાદ કમનસીબે એ ઘરમાંથી પૈસા ધીમે ધીમે જવા લાગે છે. સગાવહાલાં, પડોશીઓ બધાં કહે છે, “નવી વહુ જ અપશુકનિયાળ છે, એના પગલાં ખરાબ છે… વગેરે વગેરે… પછી આને લીધે બિચારી સ્ત્રીને પણ મનમાં એવું લાગવા માંડ્યું કે એને લીધે જ શ્રીમંત ઘરનું નસીબ ધોવાઇ ગયું. પછી એણે લક્ષ્મીજીનું વ્રત કર્યું છે ને એક દિવસ આંગણામાં ખરેખર લક્ષ્મીજી પ્રગટ થયા. એ વહુ, લક્ષ્મીજીને કહે છે, “હું તમને ચાંદલો કરવા અંદરથી કંકુ લઈને આવું છું. પાછી ના આવું ત્યાં સુધી તમે અહીં જ ઊભાં રહેજો. મને વચન આપો. લક્ષ્મીજી વચન આપે છે. પછી પેલી સ્ત્રી તરત જ ઘરની પાછળ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લે છે. હવે લક્ષ્મીજીએ વચન મુજબ પરાણે ઘરમાં કાયમ માટે રહેવું પડે છે ને પછી એ ઘરનું નસીબ ફરી બદલાય છે, ને ઘરમાં ફરી લક્ષ્મી આવવા માંડે છે. આમ તો એક લોકકથા પરથી ‘થાંબ લક્ષ્મી કુંકૂ લાવતે’ નામે બનેલ મરાઠી નાટકની આ ભયંકર મેલોડ્રામેટિક ને પરંપરાવાદી પુરાણી વાર્તા છે, પણ એમાં ખંજરની જેમ ‘ખચ્ચ’ કરીને ખૂંપતો વિચિત્ર વળાંક કે ટ્વિસ્ટ છે જેનું નામ છે: ‘નસીબ’
ઇંટરવલ:
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી
સારું થયું કે કોઇ મનુજે લખી નથી. (જલન માતરી)
હિંદી ફિલ્મોનાં મહાન ગીતકાર શૈલેન્દ્રએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘તીસરી કસમ’ ૧૯૬૬માં દિલ્લી બાજુ રિલીઝ થઈ ત્યારે સુપર ફ્લોપ થઈ હતી. ફિલ્મને લીધે કવિ શૈલેન્દ્રને બહુ મોટું દેવું થઇ ગયેલું અને એ ફિલ્મના નિર્માણમાં પોતાનાં જ મિત્રો અને સગાવ્હાલાંએ એને લૂંટી લીધેલા એટલે કવિ બહુ જ ડિપ્રેશનમાં આવી ગયા હતા ને પછી થોડા જ વખતમાં શરાબ પી-પીને ખતમ થઇ ગયા, પરંતુ એ જ શૈલેંદ્રના મૃત્યુ બાદ ફિલ્મને પાછી મુંબઇમાં રિલીઝ કરવામાં આવી ત્યારે એ સુપર હિટ સાબિત થઈ! એ ‘તીસરી કસમ’ ફિલ્મનું ગીત હતું- ‘દુનિયા બનાનેવાલે ક્યા તેરે મન મે સમાઇ, કાહે કો દુનિયા બનાઇ?’ કાતિલાના કિસ્મતની હદ તો ત્યાં થાય છે કે મુંબઈના જે થિયેટરમાં ‘તીસરી કસમ’ ૨૫ અઠવાડિયા સુધી ચાલેલી ત્યાં જ પછી દેવઆનંદની ફિલ્મ ‘દુનિયા’ લાગી ને મહાફ્લોપ થઇ ત્યારે ‘દુનિયા’ ફિલ્મ જોઇને બહાર આવેલા પ્રક્ષકોએ મજાકમાં કહ્યું, ‘દુનિયા’ બનાનેવાલે ક્યા તેરે મન મે સમાઇ, કાહે કો યે દુનિયા બનાઇ? અને ફરી ‘તીસરી કસમ’ એ જ થિએટરમાં રજૂ થઇ!..પણ કમનસીબ કવિ શેલેંદ્રના નસીબમાં આ શાનદાર સફળતા જોવાનું નહીં હોય.
તકદીર, જન્મ-મરણને હચમચાવી નાખે છે. એકવાર એક બુઢ્ઢી સ્ત્રી લંડનમાં ફૂટપાથ પર જતી હોય છે ત્યારે સામેની ફૂટપાથ પરના એક માણસે જોયું કે ઝાડની મોટી ડાળ, સ્ત્રી પર પડી રહી છે. પેલાએ જોરથી બૂમ પાડીને સ્ત્રીને હટી જવા બરાડયું. એ સ્ત્રી ઉપરથી પડતી ડાળથી તો બચી જાય છે પણ આઘાતથી મરી જાય છે. પોસ્ટમોર્ટમમાં સાબિત થાય છે કે સ્ત્રીનું મોત હાર્ટએટેકથી થયું છે ને સ્ત્રીના ઘરવાળાં પેલા માણસ પર બૂમ પાડી ડરવવા માટે કેસ કરે છે. અહીં પેલી સ્ત્રીનું બદનસીબ હતું? કે જે બિચારો કેસમાં ફસાઇ ગયો, એનું બદનસીબ?
વિન્સેંટ વેન ગોઘ નામના ચિત્રકારના ચિત્રોની જીવતાજીવત કોઈએ નોંધ ના લીધી. એના જીવનમાં એણે માત્ર એક જ પેઈન્ટિંગ વેચ્યું હતું. જગતનો મહાન ચિત્રકાર વેન ગોઘ, ભાઇના પૈસે આખી જિંદગી ગરીબીમાં રીબાઇને જીવ્યો. ત્યાં સુધી કે ડિપ્રશનમાં એણે એકવાર પોતાનો જ કાન કાપી નાખ્યો હતો ને આજે? મૃત્યુ પછી વેન ગોઘનાં ચિત્રોની કિંમત લગભગ અરબો-ખરબોથીયે અનમોલ છે. આજે વેન ગોઘનાં ચિત્રો પર એનિમેશન ફિલ્મો કે જાતજાતનાં ડિજીટલ મ્યુઝિયમ બન્યાં છે. પણ સતરંગી ચિત્રો કરનાર ચિત્રકારની ખુદની જિંદગીમાં એક જ રંગ ખૂટતો હતો: ‘નસીબનો નિર્દયી રંગ.’
એંડ-ટાઇટલ્સ:
આદમ: તું કુંડળીમાં માને છે?
ઈવ: પરણ્યા પછી નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -