મિજાજ મસ્તી – સંજય છેલ
ટાઇટલ્સ: પાવરનો નશો જ એવો નશો છે ચડે કે ઊતરે જ નહીં. (છેલવાણી)
મંત્રાલયમાં એક મંત્રીજીની ઓફિસની બહાર લોકો જાતજાતની ફાઇલો, પૈસાની બેગો લઇને આશાતુર આંખે, મંત્રીજીને મળવા માટે પોતાનો વારો આવે એ માટે કલાકોથી રાહ જોતા બેઠા છે. એવામાં એક સફારી પહેરેલ સજ્જન અંદરથી બહાર આવે છે અને બહાર બેસેલા બધાં જ લોકો પોતપોતાની જગ્યાએથી સ્પ્રિંગની જેમ ઉછળીને પેલાને સલામ ભરવા લાગે છે.
પેલો હસીને કહે છે: ‘અરે, બેસો બેસો, હું તો સાહેબનો પિયુન છું!’ બધાંનું ભોંઠા પડીને મોં ઊતરી જાય છે. એ બધાં લોકો ખુરશી પરથી તરત ઊભા થયેલા કારણ કે અંદર બેઠેલા મંત્રીની ખુરશીમાં ‘પાવર’ છે.
હમણાં ગયા મહિને તામિલનાડુમાં ડેરી ડેવલપમેંટ મંત્રી નસર વલ્લમને એક કાર્યક્રમમાં જવાનું હતું જ્યાં સી.એમ સ્ટાલીન આવવાના હતા. નસરજી ત્યાં સ્ટેજ પર વ્યવસ્થા જોવા ગયેલા. એમને સમયસર સારી જગ્યાએ ખુરશી ના આપવામાં આવી તો પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓ પર બરાડા પાડીને, ગાળો આપીને પથ્થરો ફેંકવા માંડેલા! પછી એનો વીડિઓ ખૂબ વાઇરલ થયો. ખુરશી અને ખુરશીની ભૂખ, કંઇપણ કરાવી શકે. ખુરશી નેતાની હોય કે સરકારી ઓફિસરની પણ ખુરશીમાં જાન છે, શાન છે. ખુરશી માણસને મળી જાય છે પછી માણસ, માણસ નથી રહેલો લેવડ-દેવડનો લોહચુંબક બની જાય છે ને ખુરશી વિના ભલભલાના આત્મવિશ્ર્વાસને લકવો મારી જાય છે.
હિંદી કવિ સૂર્યભાનુ ગુપ્તએ અદ્ભૂત ‘ખુરશી-કાવ્યો’ લખ્યા છે, જેમ કે-
જંગલ કટતા હૈ,
કુર્સિયાઁ,
શહર મેં આતી હૈ ઔર ફિર શુરૂ હો જાતા હૈ જંગલ!
જો લોગ,
જૂતોં કે સાથ પેડોં પર નહીં ચઢ પાતે હૈ,
વે કુર્સિયાઁ બનવાતે હૈ,
ઈંસાન કુર્સિયાઁ બનાતા હૈ!
લેકિન કુર્સિયાઁ, ઈંસાન નહીં બનાતી હૈ!
ખુરશી ઉપર બેસીને લેખકોએ જેટલું ગંભીર ગંભીર લખ્યું છે એટલું જ રમૂજી લખાણ ખુરશી વિશે જગતભરની ભાષામાં લખાયું છે. રાજા વિક્રમના સંહાસનથી માંડીને આર.કે લક્ષ્મણના કાર્ટૂનો સૂધી ખુરશી, વ્યંગકારોનો ફેવરિટ વિષય રહ્યો છે. લક્ષ્મણનું જાણીતું કાર્ટૂન છે, જેમાં ખુરશી પર બેઠેલો બુઢો મંત્રી, ફાઇલ વાંચી રહ્યો છે. બાજુમાં ફોન પકડીને યુવાન ઊભો છે ને પેલા નેતાને પૂછે છે: ‘કાકા, આ ‘નિપોટીઝમ’ (સગાવાદ) એટલે શું? કોઇ પત્રકાર એ વિશે કંઇક પુછી રહ્યો છે!’
ઇંટરવલ:
નહીં ખુલેગા દરવાઝા .
તો ભીડ વહાં ચિલ્લાયેગી (અલ્હડ બિકાનેરી)
સાંભળ્યું છે કે ઉત્તર ભારતના એક મુખ્યમંત્રી ભારે ગરીબી અને વંચિત જાતિમાંથી આગળ આવીને સત્તા મેળવી શકેલા. એમને ઉચ્ચવર્ગના લોકો અને સરકારી અધિકારીઓ પર ખૂબ ખુન્નસ હતું. એમણે પોતાની ઓફિસમાં એકમાત્ર ખૂરશી પોતાના માટે રાખેલી. મુલાકાતી કોઇપણ હોય પણ સામે બેસવા માટે ખુરશી જ નહીં! એણે સામે ઊભા ઊભા જ વાત કરવાની. ખુરશીના ‘પાવર’ના ‘પાવર’નો આ યે એક પ્રકાર છે.
રશિયન વાર્તાકાર ચેખોવની એક વાર્તા ‘ક્લાર્કની મોત’માં, એક સરકારી ક્લાર્ક, નાટક જોવા જાય છે ત્યાં ભૂલથી છીંકી પડે છે અને એને છીંકના છાંટા આગળ બેસેલા મોટા અધિકારી પર પડે છે. ક્લાર્ક આ જોઇ ડરી જાય છે. વારે વારે મોટા ઓફિસરને ‘સોરી-સોરી’ વગેરે કહે છે. પેલો એને માફ કરે છે પણ વારેવારે માફી માગવાના કારણે ભડકી જાય છે. નાટક પછી ક્લાર્ક ઘરે જાય છે પણ મનમાંથી ડર હટતો જ નથી કે મોટા સાહેબ નારાજ થયા હશે તો? પછી એ ક્લાર્ક બીજે દિવસે પેલા સાહેબને મળીને માફી માગે છે, પછી ફરી એકવાર પત્ર લખીને આપે છે ને પેલો મોટો સાહેબ વધારે અકળાય છેને એને ધમકાવીને કાઢી મૂકે છે. પછી પાછા ફરતાં કારકુનને મોટા સાહેબ વિશે,પોતાની નોકરી જવા વિશે જાતજાતના ભય સતાવે છે ને એ આઘાતમાં ને આઘાતમાં રસ્તા પર જ મરી જાય છે! અહીં ખુરશીથી ઊભા થતા ડરની કરૂણ ગાથા છે.
પોલેન્ડના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ લેચ વાલેસા, ૧૯૯૫માં એમની ટર્મ પૂરી થયા બાદ ફરીથી પોતાની નોકરીમાં જોડાઇ ગયેલાં..અને લેચ વાલેસા નેતા બન્યા, એ પહેલાં સામાન્ય ઇલેક્ટ્રિશિયન હતા! નિવૃત્તિ પછી ફરીથી ઇલેક્ટ્રિકની આઇટેમો રિપેર કરવા લાગેલા! તો વાલેસા, વર્કશોપમાં બ્લુ યુનિફોર્મ પહેરીને, રોજ ટૂલ્સ ઉપાડીને બીજા મિસ્ત્રીઓની જેમ ડ્યૂટી પર જતાં હશે! લંચ ટાઇમમાં સાથીઓ સાથે ટિફીન ખોલીને ખાતા હશે! કોઇ દેશમાં રાષ્ટ્રપતિ નિવૃત્ત થઇને આવું કરી શકે એવું આપણે સપનેય વિચારી પણ શકીએ ખરાં? આપણે ત્યાં કોઇ પી.એમ કે રાષ્ટ્રપતિ તો છોડો સાંસદ કે ધારાસભ્ય, ખુરશી ગયા બાદ ફરી સામાન્ય માણસ બની શકે? સિક્યોરિટી,લાખોના પેંશન કે ગાડી-બંગલા વિના સાદાઇથી જીવન જીવી શકે ?
આપણે ત્યાં જે ખેતી છોડીને રાજકારણમાં આવ્યા છે એવા યુપી-બિહાર કે પંજાબના નેતાઓ ફરીથી ખેતરમાં ઘૂંટણ સુધી પગ ખૂંપાડીને મહેનત કરી શકે? લાલુ પ્રસાદ તો વચ્ચે જેલમાં હતા અને હવે બીમાર છે પણ ધારોકે જો નિવૃત્ત થાત તો તબેલામાં પાછા ગાય-ભેંસ દોહી શક્યા હોત? ( જોકે એમાં ગાય-ભેંસને વધારે ટેંશન આવત કે ઘાસચારા ના ખાઇ જાય!) વિચાર કરો, કેરાલાના કોઇ નેતા ખુરશી ગયા પછી લુંગી વીંટાળીને નાળિયેરના ઝાડ પર ચઢવાનું કામ કરી શકે? ગોર્બાચેવ કે બિલ ક્લીંટન નિવૃત્ત થયા પછી ગામેગામ ભાષણો આપીને પૈસા કમાતા. આપણે ત્યાં નેતાઓ, ભાષણો ફક્ત ચૂંટણીમાં આપે છે. નિવૃત્ત થયા પછી જોરથી જૂઠ્ઠું બોલવાની મહેનત કોણ કરે?
એંડ-ટાઇટલ્સ:
આદમ: પાવરફૂલ પુરૂષ વિશે શું માને છે?
ઈવ: એટલે?