પ્રકરણ-૨૬
લેખક – વિપુલ વૈદ્ય
હ્યુ રેન્યુ રાષ્ટ્રપ્રમુખ અને એસએમએસના વડા લી સામે વારાફરતી જોઈ રહ્યો હતો. તેમના મનમાં અત્યારે ગડમથલ ચાલતી હતી. આ લોકોએ અહેવાલ ભારતમાંથી મેળવ્યો કે અમેરિકામાંથી? શું ભારતમાં પોતાના દેશ સાથે ગદ્દારી કરનારા લોકો પણ છે?
—
ચીનના રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગે તાકીદે બધાને બોલાવ્યા હતા અને તેથી અત્યારે તેમની સામેના રાઉન્ડ ટેબલ પર લગભગ ૮૦ લોકો બેઠેલા હતા, જેમાંથી મોટા ભાગના પોલિટ બ્યૂરોના સભ્યો હતા. આ ઉપરાંત એસએમએસના લી, સીપીસીના બે વાઈસ-પ્રેસિડેન્ટ ઝુ કિલાંગ અને ઝાંગ યુઓઆ, ન્યૂક્લિયર સાયન્ટીસ્ટ હ્યુ રેન્યુ, અગ્રણી અણુ વિજ્ઞાની ઝાંગ યાંગ, અવકાશ વિજ્ઞાની વાંગ ચાંગ વગેરે ટીમ પણ હાજર હતી.
બધા આવી ગયા છે એની ખાતરી કર્યા બાદ રાષ્ટ્ર પ્રમુખ લ્યાન ઝિન પિંગે માઈક પોતાની નજીક ખેંચ્યું.
‘આપણી પાસે ચંદ્રની માટીના પરીક્ષણના અહેવાલની નકલ આવી ગઈ છે. હવે આપણે આપણું મિશન મૂન આદરી દેવાનું છે,’ લ્યાન ઝિન પિંગે જાહેરાત કરી.
પોલિટ બ્યૂરોના સભ્યોએ તાળીઓ પાડીને રાષ્ટ્રપ્રમુખની જાહેરાતનું સ્વાગત કર્યું હતું.
બીજી તરફ હ્યુ રેન્યુ રાષ્ટ્રપ્રમુખ અને એસએમએસના વડા લી સામે વારાફરતી જોઈ રહ્યો હતો. તેમના મનમાં અત્યારે ગડમથલ ચાલતી હતી. આ લોકોએ અહેવાલ ભારતમાંથી મેળવ્યો કે અમેરિકામાંથી? શું ભારતમાં પોતાના દેશ સાથે ગદ્દારી કરનારા લોકો પણ છે? આવો મહત્ત્વનો અહેવાલ લીક થઈ શકે એટલું નબળું તંત્ર છે ભારતનું?
આવા અનેક સવાલો તેમના માથામાં ચાલી રહ્યા હતા. બે દિવસ પહેલાં જે દેશના વિજ્ઞાનીઓના દેશપ્રેમ અને નિષ્ઠાની વાત પોતાના રાષ્ટ્રપ્રમુખ પાસે કરી હતી તે દેશમાં આટલો ગુપ્ત અહેવાલ લીક કરી નાખે એવા લોકો પણ આટલા મહત્ત્વના પ્રોજેક્ટ સાથે સંકળાઈ શકે છે? એવો વિચાર તેઓ કરી રહ્યા હતા.
બીજી તરફ એસએમએસના લી પોતે અત્યારે ચિંતામાં ગ્રસ્ત હતા. તેમણે અનેક પ્રયાસો કર્યા છતાં જે અહેવાલ હાથ લાગ્યો નહોતો તે રાષ્ટ્રપ્રમુખ સુધી પહોંચાડ્યો કોણે?
આ અહેવાલ હાથ લાગ્યા પછી રાષ્ટ્રપ્રમુખ મારું પત્તું કાપી તો નહીં નાખેને? એવા સવાલ તેમને થઈ રહ્યા હતા.
જ્યારે રાષ્ટ્રપ્રમુખના જમણા હાથ પાસે બેઠેલા ઝુ કિલાંગ અત્યારે પોતાની ચાલાકી પર મુસ્તાક હતા. તેમણે આ અહેવાલની નકલ મેળવીને રાષ્ટ્રપ્રમુખની નજરમાં પોતાનું કદ વધારી દીધું હતું. સ્વાભાવિક રીતે હવે ઝાંગ યુઓઆ કરતાં તેને વધુ મહત્ત્વ આપવામાં આવશે.
****
બરાબર એજ સમયે રશિયાની રાજધાની મોસ્કોના મધ્યવર્તી સ્થળે આવેલા ડુમા હાઉસમાં પણ બેઠક ચાલી રહી હતી અને અત્યારે તેમાં વોલેરન બાઈનની સામે એક કાગળ મૂકવામાં આવ્યો હતો અને તેની સામે બધા લોકો બેઠા હતા. વેલેરીએ જાહેર કર્યું કે તેમની પાસે ચંદ્રની માટીનો અહેવાલ હાથ થઈ ગયો છે.
રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈને ધીરગંભીર અવાજે બોલવાનું ચાલુ કર્યું.
‘તમારા બધાની સામે એક ફાઈલ પડી છે અને તેમાં પહેલા પાના
પર રાખવામાં આવ્યો છે ચંદ્રની માટીનો અહેવાલ. જોઈ લો,’ બાઈન બોલ્યા.
બધા જ વિજ્ઞાનીઓએ પોતાની સામેની ફાઈલ ખોલી અને જોઈ લીધું.
‘આ તો ખરેખર અવકાશી ખજાનો જ છે. પૃથ્વી કરતાં તો ચંદ્ર પર તો ૧૦૦૦ ટકા વધુ યુરેનિયમ છે,’ યેવગેની એડામોવથી ઉત્સાહમાં બોલાઈ ગયું.
વેલેરી ગેરાસિમોવના ચહેરા પર આનંદ દેખાઈ આવતો હતો. આ અહેવાલ આખરે તેના હાથમાં આવી ગયો હતો અને રાષ્ટ્રપ્રમુખ સામે તેને ચમકવાનો મોકો મળ્યો હતો.
ફર્સ્ટ ડેપ્યુટી નોવા રૂમાટોવને અહેવાલમાં કશી સમજ પડી ન હતી એટલે તેણે તરત જ સવાલ કર્યો.
‘અવકાશી ખજાનો? કેવી રીતે? કશું સમજાય તેવી રીતે કહો,’ રૂમાટોવે કહ્યું.
‘પૃથ્વી પર યુરેનિયમની જે ધાતુ મળે છે તેમાં યુરેનિયમનું પ્રમાણ ૦.૧૨ ટકા હોય છે અને ચંદ્ર પરની માટીમાં તેનું પ્રમાણ ૧૨ ટકા જેટલું ઊંચું છે. આમ પૃથ્વી કરતાં ચંદ્ર પર એક હજાર ટકાથી વધારે યુરેનિયમ છે.’
‘આ યુરેનિયમનું પ્રમાણ વધુ હોવાથી તેના શુદ્ધીકરણ પાછળ થનારો ખર્ચ સ્વાભાવિક રીતે જ ઘટી જશે. ચંદ્રના પિંડનો વિચાર કરવામાં આવે તો અવિનાશી ઊર્જાનો સ્રોત પૃથ્વી માટે ઉપલબ્ધ થઈ શકે છે.’
‘હવે ખબર પડી આને કેમ અવકાશી ખજાનો કહ્યો છે?,’ યેવગેનીએ રૂમાટોવની સામે જોઈને સવાલ કર્યો.
‘હા, સમજાઈ ગયું,’ રૂમાટોવને સવાલ પૂછવા બદલ હવે પસ્તાવો થઈ રહ્યો હતો. તેને એવું લાગ્યું હતું કે આવો સવાલ કરવાથી તે રસ લઈ રહ્યો છે એવું લાગશે અને રાષ્ટ્રપ્રમુખ તેના પર ખુશ થશે, પરંતુ અત્યારે જે રીતે યેવગેનીએ તેમને ઉતારી પાડ્યા તેનાથી હવે રાષ્ટ્રપ્રમુખ સામેની છબી ખરડાઈ હશે એવું તેમને લાગ્યું.
‘કુર્ચાટોવ, તમે મને કહ્યું હતું કે અહેવાલ આવ્યા બાદ તમે મને વિકલ્પ આપશો. બરાબર,’ રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈને સીધું નિશાન તાક્યું.
રૂમાટોવને રાષ્ટ્રપ્રમુખની વાતથી વગર કારણે સારું લાગ્યું.
કાયમ હોશિયારી ઠોકતો રહેતો હોય છે, હવે આવ્યો લાગમાં. રૂમાટોવ મનમાં વિચારી રહ્યો હતો.
‘કોમરેડ સર, મને મારા શબ્દો બરાબર યાદ છે. મારા વિકલ્પ તૈયાર છે. ચંદ્ર પરથી યુરેનિયમની ધાતુને ઉસેડીને પૃથ્વી પર લાવવી કે પછી આપણા સ્પેસ સ્ટેશન પર લઈ જવી અને તેનું શુદ્ધીકરણ કરીને ૯૯.૯ ટકા શુદ્ધ યુરેનિયમ પૃથ્વી પર લાવવું.’
‘આ બંને ઉપરાંત હજી એક વિકલ્પ છે અને તે છે ચંદ્ર પર જ યુરેનિયમનું શુદ્ધીકરણ કરવું.’
‘વિકલ્પો તો તૈયાર છે, પરંતુ એક મોટો અવરોધ છે. આપણી પાસે ચંદ્ર પર ચલાવી શકાય એવા પોર્ટેબલ પ્લાન્ટ નથી,’ કુર્ચાટોવે રાષ્ટ્રપ્રમુખને કહ્યું.
‘પ્લાન્ટ તૈયાર કરવાનું કામ મારા માટે અઘરું નથી,’ યેવગેની એડામોવે મમરો મૂક્યો.
‘થોડી તૈયારી કરવી પડશે, પરંતુ બહુ જ જલદી અમે કામ શરૂ કરી દઈશું,’ એડામોવે કહ્યું.
‘તમારી વાત સાચી પણ તેના માટે ઓછામાં ઓછું એકથી દોઢ મહિનો થશે, એટલો ટાઈમ છે તમારી પાસે?’ કુર્ચાટોવે સવાલ કર્યો
****
‘ખરી છે આપણી સરકાર, ચિલ રેટને પણ મિશન મૂનમાં સંડોવી લીધા,’ જોન સ્વીપરે પોતાના આસિસ્ટન્ટ બેઈલી સામે પોતાની નારાજી વ્યક્ત કરી.
ચિલ રેટ પાસેથી મને આવા અણુ કાર્યક્રમમાં સહકારની અપેક્ષા નહોતી. પ્રેસિડેન્ટ સર પાસે કોણ જાણે શું જાદુ છે, બધાને પોતાના વશમાં કરી રહ્યા છે, જોને કહ્યું.
સર, ચિલ રેટે ફક્ત ધાતુના શુદ્ધીકરણ માટે હા પાડી છે, પરંતુ બીજી કોઈ રીતે સહકાર આપવાના નથી, બેઈલીએ બચાવ કર્યો.
‘રશિયાના શું સમાચાર છે, તેઓ પણ મિશન મૂન કરી રહ્યા છે?’ જોને બેઈલીને પૂછ્યું.
‘જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી તેમણે પોતાના સ્પેસ સ્ટેશનને એલર્ટ મોડ પર મૂકી દીધું છે અને મિશન મૂનની તૈયારીઓ આદરી છે,’ બેઈલીએ કહ્યું.
‘આખી દુનિયા અણુશસ્ત્રો પાછળ ગાંડી થઈ ગઈ છે. શું થવા બેઠું છે આ દુનિયાનું,’ જોન સ્વીપરે મોટો નિ:સાસો નાખ્યો. (ક્રમશ:)
—
હવે શું?
અનુપમ, સમજી લે કે તારે ચંદ્ર પરથી સીધી વીજળી પૃથ્વી પર આવે તેની વ્યવસ્થા કરવાની છે અને એટલે બનતી ત્વરાએ તારા પ્રયોગ પૂરા કર અને ચંદ્ર પરથી વીજળી પૃથ્વી પર પહોંચાડવાની શક્યતાઓ પર વિચાર કર, રંજન કુમારે પહેલી વખત પોતાના વાસ્તવિક પ્લાનની જાણકારી અનુપમ વૈદ્ય સમક્ષ રજૂ કરી હતી અને તેને આ યોજનામાં સામેલ કરવાનું સત્ય બહાર આવ્યું હતું.