ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ રનથી હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં લખનઉએ પ્રથમ બેટિંગ કરતા ત્રણ વિકેટે 177 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ પાંચ વિકેટ ગુમાવીને 172 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ હતી. લખનઉ તરફથી માર્કસ સ્ટોઇનિસે સૌથી વધુ અણનમ 89 રન બનાવ્યા હતા. આ સાથે જ કેપ્ટન કૃણાલ પંડ્યાએ 49 રનની ઇનિંગ રમી હતી. મુંબઈના જેસન બેહરનડોર્ફે બે વિકેટ લીધી હતી. મુંબઈ તરફથી ઈશાન કિશને 59 અને રોહિત શર્માએ 37 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડે અણનમ 32 રન બનાવ્યા હતા. લખનઉના યશ ઠાકુર અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી.
આ જીત સાથે લખનઉની ટીમ 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. હવે RCB પાસે બાકીની બે મેચ જીતીને મુંબઈને પછાડવાની તક છે. સાથે જ ચેન્નઈની ટીમ પોતાની છેલ્લી મેચ મોટા માર્જિનથી જીતીને બીજા સ્થાન પર રહી શકે છે. ગુજરાતની ટીમ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. બાકીની તમામ ટીમોએ અંતિમ ચારમાં સ્થાન મેળવવા માટે બાકીની લીગ મેચો જીતવી પડશે.
સ્ટોઇનિસની શાનદાર અડધી સદી
લખનઉ સુપરજાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા માર્કસ સ્ટોઇનિસની અણનમ અડધી સદી અને કૃણાલ પંડ્યાની ઇનિંગ્સની મદદથી ત્રણ વિકેટે 177 રન બનાવ્યા હતા. સ્ટોઇનિસે 47 બોલમાં અણનમ 89 રન બનાવ્યા હતા જ્યારે કૃણાલે 42 બોલમાં 49 રન બનાવ્યા હતા. સ્ટોઇનિસે ચાર ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. કૃણાલે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. મુંબઈ તરફથી જેસન બેહરનડોર્ફે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. કૃણાલ 16મી ઓવરના છેલ્લા બોલ પર રિટાયર્ડ હર્ટ થયો અને મેદાન છોડી ગયો હતો. સ્ટોઇનિસ અને કૃણાલે ચોથી વિકેટ માટે 59 બોલમાં 82 રનની ભાગીદારી કરીને ટીમને શરૂઆતના આંચકામાંથી બહાર કાઢ્યું હતું. એક તબક્કે લખનઉ ત્રણ વિકેટે 35 રન પર સંઘર્ષ કરી રહ્યું હતું.
સ્ટોઇનિસે 18મી ઓવરમાં જોર્ડનના બોલમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકારીને 24 રન બનાવ્યા હતા. તેણે 19મી ઓવરમાં બેહરનડોર્ફના બોલમાં બે સિક્સર ફટકારીને 15 રન બનાવ્યા હતા. સ્ટોઇનિસ અને પૂરને પાંચમી વિકેટ માટે 24 બોલમાં ઝડપી અણનમ 60 રનની ભાગીદારી કરી હતી.
178 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત શાનદાર રહી હતી. રોહિત અને ઈશાનની જોડીએ પાવરપ્લેમાં ટીમના સ્કોરને 50 રનથી આગળ લઈ ગયો હતો. પાવરપ્લેમાં મુંબઈએ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 58 રન બનાવ્યા હતા. આ પછી રોહિત શર્મા 37 રન બનાવીને રવિ બિશ્નોઈનો શિકાર બન્યો હતો. કિશને આગલી ઓવરમાં તેની અડધી સદી પૂરી કરી, પરંતુ બિશ્નોઈએ તેને પણ 59 રનમાં આઉટ કરીને લખનઉની મેચમા વાપસી કરાવી હતી. આ બંનેના આઉટ થતાં જ મુંબઈનો રનરેટ ઘટી ગયો હતો. બાદમાં સૂર્યકુમાર યાદવ પણ સાત રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
115 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ લખનઉની પીચ પર મુંબઈ માટે 178 રનનો ટાર્ગેટ આસાન નહોતો. આવી સ્થિતિમાં ટિમ ડેવિડે નેહલ વાઢેરા સાથે ભાગીદારી કરી હતી, પરંતુ વાઢેરા 20 બોલમાં 16 રનની ધીમી ઈનિંગ રમીને આઉટ થઈ ગયો હતો. જોકે, ટિમ ડેવિડ બીજા છેડે રહ્યો અને મુંબઈને મેચમાં જાળવી રાખવા માટે મોટા શોટ રમ્યો. આ દરમિયાન વિષ્ણુ વિનોદ પણ બે રન બનાવીને મોટો શોટ રમવાના પ્રયાસમાં આઉટ થઈ જતાં મુંબઈની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
અંતમાં કેમરૂન ગ્રીન અને ટિમ ડેવિડે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો, પરંતુ મોહસીન ખાને છેલ્લી ઓવરમાં 11 રન બનાવવા દીધા ન હતા. મુંબઈની ટીમ માત્ર 172 રન જ બનાવી શકી અને પાંચ રનથી મેચ હારી ગઈ હતી. લખનઉ તરફથી રવિ બિશ્નોઈ અને યશ ઠાકુરે બે-બે વિકેટ લીધી હતી. મોહસીન ખાનને એક વિકેટ મળી હતી.