બેંગલુરુમાં નિર્માણાધીન એક મેટ્રોનો પિલર ધરાશયી થવાની ઘટના નોંધાઇ હતી. બેંગલુરુના નાગાવારા વિસ્તારમાં કલ્યાણ નગરથી એચઆરબીઆર લેઆઉટ સુધીના રોડ પર આ વિસ્તારમાં મેટ્રો રેલ્વેનો થાંભલો બની રહ્યો હતો જે રોડ પર તૂટી પડ્યો હતો, જેને પરિણામે એક મહિલા અને તેના અઢી વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું. મહિલાના પતિ, જેની બાઇક પર તેઓ મુસાફરી કરી રહ્યા હતા, તેને પણ આ ઘટનામાં ઇજા થઇ હતી. મહિલા અને તેના બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ દંપતી તેમના પુત્ર સાથે હેબ્બલ તરફ જઈ રહ્યા હતા. મેટ્રોનો પિલર ઓવરલોડ થઈને બાઇક પર પડી ગયો હતો. માતા અને પુત્ર પીલીયન સવાર હતા. તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને અલ્ટીસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેઓની ઓળખ તેજસ્વિની અને તેના અઢી વર્ષના પુત્ર વિહાન તરીકે થઈ હતી.