જ્યારથી નવી મુંબઇ એરપોર્ટ બની રહ્યું છે ત્યારથી મુંબઇના પ્રવાસીઓને એક જ ચિંતા છે કે ભરચક ટ્રાફિકમાં મુંબઇથી નવી મુંબઇના એરપોર્ટ પર પહોંચવું કેવી રીતે? નવી મુંબઇ અને મુંબઇના એરપોર્ટ વચ્ચે કોઇ માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ નથી. જોકે, હવે આવી ચિંતા કરવાની જરૂર નથી.
આધારભૂત સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે વિલેપાર્લેમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટને ટૂંક સમયમાં મેટ્રો દ્વારા ઉલ્વેમાં આગામી નવી મુંબઇ એરપોર્ટ સાથે જોડવામાં આવશે.
મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) અને સિટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સિડકો) આ પ્રોજેક્ટ પર કામ કરશે. એમએમઆરડીએ અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મુંબઇ એરપોર્ટથી માનખુર્દ (11.1કિમી) સુધીની મેટ્રો લાઇન- 8નું નિર્માણ કરશે અને સિડકો માનખુર્દથી નવી મુંબઇ એરપોર્ટ સુધીની મેટ્રો લાઇન- 8નું નિર્માણ કરશે. મુંબઇ બાજુ આ મેટ્રો લાઇન આંશિક રીતે ભૂગર્ભમાં રહેશે. ઘાટકોપર ખાતે અંધેરીથી ઇસ્ટર્ન હાઇવે સુધી આ લાઇન ભૂગર્ભમાં બાંધવામાં આવશે અને ઘાટકોપરથી માનખુર્દ સુધી તેને ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ દ્વારા એલિવેટેડ કરવામાં આવશે. આ લાઇન 35 કિમી લાંબી હશે, જેમાં દૈનિક 9 લાખ મુસાફરો સવારી કરી શકશે. આ લાઇન બનાવવાનો અંદાજિત ખર્ચ 15,000 કરોડ રૂપિયા છે.
નોંધનીય છે કે નવી મુંબઇ એપોર્ટ માટેની મેટ્રો 2014થી એમએમઆરડીએના માસ્ટર પ્લાન પર છે. નવી મુંબઇ એરપોર્ટના સંચાલન પછી મુંબઇ અને નવી મુંબઇના વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મેટ્રો- 8ની દરખાસ્ત કરવામાં આવી હતી. આ રૂટને કારણે મુંબઇ એરપોર્ટથી નવી મુંબઇ એરપોર્ટનું 7 સ્ટેશનોનું અંતર માત્ર 30 મિનિટમાં કાપી શકાય છે.
નવી મુંબઇ એરપોર્ટની કામગીરી 2025થી શરૂ થવાની શક્યતા છે.