હાલ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આગમી દિવસોમાં ગુજરાતમાં ગરમીનું જોર વધવાની શક્યતા છે. આવનારા દિવસોમાં તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઇ શકે છે. આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ માહિતી આપતા કહ્યું કે, આવતીકાલથી ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. આજે સૌરાષ્ટ્રમાં સામન્ય વરસાદ પડવાની સંભાવના છે. પોરબંદર, રાજકોટ અને દ્વારકામાં વરસાદ પડી શકે છે. આવતીકાલથી તાપમાનમાં વધારો થવાની શરૂઆત થશે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ વધશે.
હાલ રાજ્યમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. ગુજરાતમાં વાદળછાયા વાતાવરણના કારણે હાલ ગરમીમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા અઠવાડિયાથી તાપમાનમાં વધારો થશે. વિન્ડ પેટર્નમાં પણ ફેરફાર થશે અને તેની હવામાન પર અસર વર્તાશે.
હવામાન જાણકારોના જણાવ્યા પ્રમાણે અપ્રિલ મહિનાનની શરૂઆતમાં જ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શક્યતા છે. એપ્રિલ મહિનાના અંત અને મે દરમિયાન પારો 44થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે, મે મહિનામાં લુ વાળા પવનો ફુંકાશે. ગુજરાતમાં લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે.