(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા મજબૂત વલણ ઉપરાંત આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે ધાતુનાં મુખ્ય વપરાશકાર દેશ ચીનની માગ નિરસ રહેતા સત્રના આરંભે કોપર સહિતની ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ માત્ર એલ્યુમિનિયમ અને લીડ ઈન્ગોટ્સમાં રહેલા ટકેલા વલણ અને ટીનમાં જોવા મળેલા સાધારણ કિલોદીઠ રૂ. ૩ના સુધારાને બાદ કરતાં તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૯ સુધીનો ઘટાડો આવ્યો હતો.
આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી જોવા મળેલા સુધારા ઉપરાંત તાજેતરમાં ધાતુના મુખ્ય વપરાશકાર દેશ ચીનની નિરસ માગ અને લંડન મેટલ એક્સચેન્જનાં અધિકૃત ગોદામોમાં સ્ટોકમાં થયેલા વધારાના નિર્દેશોને કારણે આજે સત્રના આરંભે એલ્યુમિનિયમના ભાવ ૨.૨ ટકા, કોપરના ભાવ ૧.૯ ટકા, નિકલના ભાવ ૧.૮ ટકા, ટીનના ભાવ ૧.૫ ટકા અને ઝિન્કના ભાવ ૧.૪ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
વધુમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિકમાં પણ ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં જે ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૯ ઘટીને રૂ. ૭૭૭, કોપર સ્ક્રેપ હેવી અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને અનુક્રમે રૂ. ૭૪૦ અને રૂ. ૬૭૦, કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૪ ઘટીને અનુક્રમે રૂ. ૭૪૮, રૂ. ૭૩૦ અને રૂ. ૨૦૪૮, બ્રાસ શીટ કટિંગ્સ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને અનુક્રમે રૂ. ૫૨૫ અને રૂ. ૪૭૩ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૧ ઘટીને અનુક્રમે રૂ. ૨૪૧ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર ટીનમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩ના સુધારા સાથે રૂ. ૨૩૦૦ના મથાળે રહ્યા હતા, જ્યારે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૫૭ અને રૂ. ૨૧૦ના મથાળે ટકેલા રહ્યા હતા.