મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતા લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓનાં ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં લીડ ઈન્ગોટ્સ અને એલ્યુમિનિયમમાં ટકેલા વલણ અને કોપર કેબલ સ્ક્રેપમાં કિલોદીઠ રૂ. બેના ઘટાડાને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૨૦ સુધીનો સુધારો આવ્યો હતો. આજે સ્થાનિકમાં એકમાત્ર કોપર કેબલ સ્ક્રેપમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨ ઘટીને રૂ. ૭૫૭ના મથાળે રહ્યા હતા. આ સિવાય ખપપૂરતી માગને ટેકે લીડ ઈન્ગોટ્સ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૮૫, રૂ. ૧૫૭ અને રૂ. ૨૧૦ના મથાળે ટકેલાં રહ્યા હતા. જોકે, આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ઉપરોક્ત સિવાયની અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. તેમ જ સત્રના અંતે કિલોદીઠ ધોરણે ટીનના ભાવ રૂ. ૨૦ વધીને રૂ. ૨૨૨૩, નિકલના ભાવ રૂ. ૧૮ વધીને રૂ. ૨૦૦૫, કોપર વાયરબારના ભાવ રૂ. ૧૬ વધીને રૂ. ૮૦૬, કોપર સ્ક્રેપ હેવીના ભાવ રૂ. ૯ વધીને રૂ. ૭૫૯, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ રૂ. ૮ વધીને રૂ. ૪૯૫, કોપર આર્મિચરના ભાવ રૂ. ૬ વધીને રૂ. ૭૪૬, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ રૂ. પાંચ વધીને રૂ. ૬૮૫ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૪ વધીને રૂ. ૨૫૨ના મથાળે રહ્યા હતા.