(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની ચિંતા તેમ જ તેને કારણે આર્થિક મંદીની ભીતિને ધ્યાનમાં લેતા આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે ધાતુમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ધાતુ બજારમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી રહેતાં ટીન અને નિકલની આગેવાની હેઠળ વિવિધ ધાતુઓના ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૧૫નો ઘટાડો આવ્યો હતો, જ્યારે એકમાત્ર બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં વરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકનો સુધારો આવ્યો હતો, જ્યારે એલ્યુમિનિયમ અને લીડ ઈન્ગોટ્સમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલી આક્રમક રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૪ ઘટીને રૂ. ૨૩૬૦ અને રૂ. ૧૨ ઘટીને રૂ. ૨૧૦૭ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની વેચવાલી તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું તેમાં કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને અનુક્રમે રૂ. ૬૮૫ અને રૂ. ૨૪૮, બ્રાસ શીટ કટિંગ્સ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૪ ઘટીને અનુક્રમે રૂ. ૫૩૦ અને રૂ. ૭૯૬ અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૭૫૯, રૂ. ૭૫૦ અને ્ રૂ. ૭૩૯ના મથાળે રહ્યા હતા.