આજકાલ -અભિમન્યુ મોદી
છેલ્લા દસેક વર્ષમાં એવી ઘણી ફિલ્મો આવી ગઈ જેના હીરોએ પરંપરાગત નોકરી કરી નહીં. નોન-ક્ધવેન્શનલ કરીઅર અપનાવી. એક ટિપિકલ જોબને ઠુકરાવી. આવો નિર્ણય જે તે વાર્તામાં હીરોએ હીરોગીરી કરવા માટે નથી લીધો. પણ જે દંભની ખોટી જિંદગી તેનું પાત્ર જીવી રહેલું તે દંભને ઉખાડી ફેંકવા માટે આવો અઘરો નિર્ણય લીધો. હવેની ફિલ્મો આજના યુવાનની સાચી મનોદશાને પેશ કરે છે માટે પડદા ઉપરની આધુનિક વાર્તામાં આવો પ્લોટ જોવા મળે. જોવામાં તો મજા આવે પણ તેનો અમલ કરવો અઘરો છે.
રિયલ લાઇફની વાત કરીએ એ પહેલા રીલ-લાઇફના અમુક ઉદાહરણો જોઈએ કે કઈ ફિલ્મમાં કયા પાત્રે કંઈ રીતે બિનપરંપરાગત રસ્તો અપનાવેલો અને નોકરીને ટાટા ટાટા બાય બાય કહ્યું.
નોકરી મૂકવાની વાત આવે એટલે સૌથી પહેલી ફિલ્મ થ્રી ઇડીયટ્સ યાદ આવે. નોકરી તો શું ઇન્ટરવ્યૂ આપવા પણ ફરહાન ગયો ન હતો. તેને એન્જિનિયર બનવું ન હતું. એન્જિનિયર બનીને મલ્ટિ નેશનલ કંપનીની કોઈ ઓફિસમાં ફિક્સ ટાઈમે ફિક્સ પગારમાં કામ કરવું ન હતું. “અબ્બા નહી માનેંગે – માધવનનો આ ડાયલોગ હવે મીમ બની ગયો છે અને કહેવતની જેમ આજની જનરેશન તેને વાપરે છે. પણ તેના અબ્બા માન્યા. તેના અબ્બા થોડી માથાકૂટ અને વધારે સમજાવટ પછી રાજીખુશીથી માન્યા. પણ એ વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફર બનીને રહ્યો. સફળ ફોટોગ્રાફર બન્યો. એક નિશ્ર્ચિત ચોકઠામાં ફીટ ન બેઠો.
જો કે આ જ વિષય ઉપર સૌથી વધુ અસરકારક ફિલ્મ છેલ્લા દસ વર્ષમાં આવી હોય તો એ ઈમ્તિયાઝ અલીની ‘તમાશા’ હતી. તમાશા ફિલ્મ વિશે અલાયદો લેખ થઈ શકે એમ છે. પણ એક આડવાત કરવી એ જરૂરી કે તમાશા શબ્દનો અર્થ ઘણું ઓડિયન્સ ન સમજી શક્યું એટલે આ ફિલ્મને મિક્સ રિવ્યૂ મળ્યા. ના, ઈન્ટેલીજન્ટ હોવું ફિલ્મ સમજવા માટે જરૂરી હોતું નથી. પણ એક સાદી સમજ હોય તો વાતની વિશિષ્ટ રજૂઆતને સારી રીતે માણી શકાય. ‘તમાશા’ એટલે ગુજરાતીમાં કહીએ તો ભવાઈ. ભવાઈ એક અલગ નાટ્યપ્રકાર છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’માં વિઠ્ઠલ કાકા બનતા નટુ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયક ‘ભાંગી નાખું તોડી નાખું ભુક્કો કરી નાખું’ બોલે છે અને ઐશ્વર્યા ‘લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી છેલછબીલો ગુજરાતી…’ જે અંદાજમાં બોલે છે તે ભવાઈ છે.
ભવાઈ એટલે ભાવવહી. પોતાના જ ભાવમાં વહી જતાં જતાં પોતાની જાતને ઓળખવાનો કલાપ્રકાર ભવાઈ છે. જેમાં ચોક્કસ વેશ કાઢીને ખેલ કરવાનો હોય છે, લાઉડ રીતે મનના ખ્યાલોને એકસપ્રેસ કરવાના હોય છે. ‘તમાશા’ ફિલ્મ આખી ભવાઈના અંદાજમાં છે. રણબીર એમાં ભવૈયો બને છે. જૂની પેઢીના જૂના વિચારો ધરાવતા લોકો ભવાઈ એટલે ભવાડો એવું પણ કહેતા. ફિલ્મમાં ક્રૂર વાસ્તવિકતા સામે રણબીરનું મન તેની પાસે ભવાડા જેવું જ વર્તન કરાવે છે. ફોરેનમાં હોય ત્યારે એકદમ ખુલીને જીવતો વેદ ઇન્ડિયા આવે છે ત્યારે રોબોટ બની ગયેલો હોય છે. કોર્પોરેટ કંપનીનો ગુલામ. રોબોટની જેમ હળેમળે, રોબોટની જેમ જ તેની પ્રેયસી સાથે લવ મેકિંગ કરે. પછી એક દિવસ તેની યંત્રવત જિંદગીની વેલિડીટી પૂરી થઈ અને તેનો માંહ્યલો ફાટ્યો. પછી એણે બોસ સામે જે ભવાઈ કરી તે આલાતરીન છે. તમાશા એક યુવાનની સાયકોલોજીકલ યાત્રા બતાવતી ફિલ્મ છે. તેની મનોદશા સાથે દર્શકે વહેવું પડે. ભવાઈની મજા હિન્દી ભાષામાં સિનેમાના પડદે લેવાની મજા આવેલી. બોસને રોકડું પરખાવી શકતા યુવાન અને જુનિયર એમ્પ્લોયી વાળા સીન જોવાની આજે પણ મજા આવે છે.
જો કે ‘કહો ના પ્યાર હૈ’માં રિતિક રોશન ગાડીના શોરૂમના સેલ્સમેનની નોકરી છોડે છે. સાઇકલ ઉપર જતો એ ગરીબ માણસ છે તો પણ પ્રેમ માટે નોકરી છોડે છે. એ વાત ફિલ્મી છે. જૂની ફિલ્મોનો ફોર્મ્યુલાસ્ટિક પ્લોટ છે. ‘રોક ઓન’ પણ બહુ જૂની ફિલ્મ નથી પણ નવો ટ્રેન્ડ સેટ કરનારી ફિલ્મોમાંની એક ખરી. એમાં ફરહાન અખ્તરનું પાત્ર મ્યુઝિક માટે, પોતાના પ્રેમ માટે ટિપિકલ જોબ છોડે છે. જે પોતાને ખુશ રાખે, અંદરથી જીવતું રાખે તે કરવા માટે જગ્યા ત્યાંથી સવારનો સિદ્ધાંત અપનાવીને દુનિયા રોક કરવા નીકળી પડ્યો. જો કે તેમાં પણ ફિલ્મી તત્ત્વ વધુ હતું અને વાસ્તવિક અંશો ઓછા હતા. પણ એક બોલ્ડ નિર્ણય તો હતો જ.
‘લક્ષ્ય’ પણ ફરહાન અખ્તરની ફિલ્મ. એમાં રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટા. કરણ શેરગીલનું પાત્ર ઓવર પેમ્પર્ડ છે. સુખ સાહ્યબીમાં ઉછરેલું. ક્રિએટિવ કોરિયોગ્રાફી ધરાવતું ગીત “મૈં ઐસા ક્યું હું માં કરણના પાત્રની દિશાહીનતા જ દર્શાવે છે. એક લક્ષ્યશૂન્ય પાત્ર “ઓ એ ઇ યા ઓવે ઇ ઓ જેવું અગડમ બગડમ જ ગાય. પણ જ્યારે એની ગર્લફ્રેન્ડ તેને ડિચ કરે છે ત્યારે તેને જિંદગીનું ભાન થાય છે. બરખા દત્ત જેવો લુક ધરાવતી પ્રીતિ પત્રકાર બને છે અને કરણ મિલિટરીમાં ભરતી થાય છે. અશક્ય લાગતું મિશન પાર કરે છે અને એક પર્વત ઉપર તિરંગો લહેરાવીને બતાવે છે. તેને એનું પેશન મિલિટરીમાં મળે છે તો એ ફોલો કરે છે. ક્યારેક કોઈ થપાટ પણ જિંદગીમાં સાચો રસ્તો બતાવે એવું બને.
‘તારે ઝમીન પર’નો તોફાની ઈશાન મોટો થાય તો કેવું વર્તન કરે? ડિટ્ટો એવું વર્તન ‘વેક અપ સીડ’માં સીડનું છે. બાપ પૈસાદાર છે. છોકરો કોલેજમાં પરાણે ભણે છે અને માંડ માંડ પાસ થાય છે. દોસ્તોને પાર્ટી આપવામાં બાપના પૈસા ઉડાડે છે. આવતીકાલે શું કરવું તેનો કોઈ જ પ્લાન તેની પાસે નથી. છતાં તે પોતે તકલીફમાં હોય એવું તેને લાગ્યા કરે છે. પણ તે પોતાનો રસ્તો પસંદ કરે છે. તે પોતે કમાણીનું સાધન ઊભું કરે છે. તેના પપ્પાને તેની ઉપર ગૌરવ થાય એવી જિંદગી જીવીને બતાવે છે. ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફેઇક ફિલ્મો બનાવતા પહેલા આયાન મુખર્જીએ બહુ સરસ ફિલ્મ બનાવેલી- ‘વેક અપ સીડ’. નિતાંત સુંદર નિર્દોષ ફિલ્મ હતી. ક્યારેય હતાશા મનને ઘેરી વળે ત્યારે આ ફિલ્મ જોવા જેવી. ચહેરા ઉપર એક સ્મિત લાવવાની તાકાત આ ફિલ્મમાં છે.
આવાં બીજાં અમુક ઉદાહરણો યાદ કરીએ તો મળે. પણ વાસ્તવિકતા જુદી છે. લગભગ દરેક અથવા તો મોટા ભાગના જોબ વર્કર્સ પોતાની જોબથી ખુશ હોતા નથી. સવારે ૯ વાગે કે ૧૦ વાગે ડિજિટલ પંચિંગ મશીનમાં અંગૂઠો કે મોઢું બતાવીને હાજરી પુરાવવી પડે છે. પાંચ-દસ મિનિટ મોડું થાય તો અડધો દિવસ કપાઈ જાય છે. સાંજે પણ ૬ કે ૭ પહેલા નીકળી શકાતું નથી. ઘરે કામ લઈને જવું પડે છે. ગમે તેટલું સારું કામ કરીને આપો, ઓફિસમાંથી કોઈ વખાણ કરતું નથી. સતત થેન્કલેસ જોબ કરવાની આદત નાખવી પડે છે. કંપનીમાં સ્ટાફને ફેમિલી ગણવાનો દંભ સ્વીકારવો પડે છે. બોસના અંગત કામ પણ કરવા પડે છે અને મસ્કા પણ મારવા પડે છે. ઓફિસ પોલિટિક્સના ભાગ ન બનો તો ભોગ બનવું પડે છે.
આ બધા ગેરફાયદાઓ હોવા છતાં એક હકીકત છે કે પહેલી તારીખે જમા થતાં પગારથી ઇએમઆઇ ભરાય છે, ઘરના બિલ ભરાય છે, પ્રીમિયમની ચુકવણી થાય છે. વાઇફ માટે અને બાળકો માટે એને જરૂરિયાતની વસ્તુઓ લઈ શકાય છે. હૈયે ટાઢક રહે છે.
એક આત્મવિશ્ર્વાસ આવે છે કે આપણી પાસે એટલા પૈસા છે તો આપણા પરિવારને વાંધો નહીં આવે. પણ નવથી પાંચની એ બીબાઢાળ જોબમાં મશીન બની જવાય છે. એ પણ હકીકત તો છે જ.
જોબ છોડવાનો નિર્ણય અઘરો હોય છે. નોકરી છોડીને પેશન અપનાવવાનો નિર્ણય ખૂબ જોખમી છે. એમાં પણ બે માણસમાં કમાનાર એક જ હોય અને એ જોબ છોડવાની આવે ત્યારે પોલાદી કલેજું જોઈએ અને સ્ટીલના ચેતાતંતુઓ જોઈએ. આવા કિસ્સાઓમાં વન્ડર થઈ શકે અથવા તો બ્લન્ડર થઈ શકે. નસીબ અને મહેનત બંને જોઈએ, બંને તગડા જોઈએ તો જ ઝળહળતી કરીઅર સાથે કરેલો પ્રયોગ સફળ નીવડે. નહિતર ફરીથી નોકરીએ જોતરાઈ જવું પડે.