Homeઆમચી મુંબઈકોંકણમાં રિફાઈનરી પ્રોજેક્ટ આવશે

કોંકણમાં રિફાઈનરી પ્રોજેક્ટ આવશે

નાણારમાં નહીં તો બારસુમાં: અડધોઅડધ જમીન હસ્તગત થઈ ગઈ: પાણી આવશે કોયનાથી

વિપુલ વૈદ્ય

મુંબઈ: મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકારમાં ભાજપ અને શિવસેના વચ્ચે સૌથી મોટું વિખવાદનું કારણ રહેલા નાણાર રિફાઈનરી પ્રોજેક્ટને મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા રદ કરી નાખવામાં આવ્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે કોંકણમાં રિફાઈનરીનો પ્રોજેક્ટ ન જોઈએ. હવે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકારે કોંકણમાં જ રિફાઈનરીનો પ્રોજેક્ટ સ્થાપવાની તૈયારીઓ કરી નાખી છે.
કોંકણનો પ્રસ્તાવિત રિફાઈનરી પ્રોજેક્ટ નાણારમાં થવાનો હતો અને તેની સામે શિવસેનાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ફડણવીસ સરકારને આ પ્રોજેક્ટ રદ કરવા માટે રીતસરનું દબાણ કરવામાં આવ્યું હતું. જોકે, રાજ્યમાં સત્તા પરિવર્તન થતાં ફરી કોંકણમાં રિફાઈનરી પ્રોજેક્ટ આવવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે.
મંગળવારે રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું કે રત્નાગિરિના નાણાર નહીં પરંતુ બારસુ ગામે આ પ્રોજેક્ટ ઊભો કરવામાં આવશે. આ રિફાઈનરી પ્રોજેક્ટને માટે અહીંના ૮૦ ટકા ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓ તૈયાર છે. આ પ્રોજેક્ટ અંગે જનતામાં રહેલી ગેરસમજ દૂર કરવામાં આવી છે. જમીનના દરો બજારભાવ કરતાં ચારગણા આપવામાં આવી રહ્યા છે. અનેક લોકો સામેથી જમીન આપવા તૈયાર થઈ ગયા છે.
બારસુમાં રિફાઈનરીની સ્થાપના માટે કુલ ૬,૨૦૦ એકર જમીનનું ભુસંપાદન કરવાનું છે, તેમાંથી ૨,૯૦૦ એકર જમીન સંપાદિત થઈ ગઈ છે અને આ પ્રોજેક્ટને કારણે રાજ્યમાં સીધા બે લાખ કરોડનું રોકાણ આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાંથી એક લાખ લોકોને રોજગાર મળવાની શક્યતા છે.
તેમણે કહ્યું હતુું કે બધાની સહમતીથી જ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવશે. સ્થાનિક અર્જુના નદીમાંથી પ્રોજેક્ટ માટે પાણી લેવા સામે સ્થાનિકોના વિરોધને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ માટે કોયના નદીમાંથી પાઈપલાઈન દ્વારા પાણી લાવવામાં આવશે એવી માહિતી પણ તેમણે આપી હતી.
આ પ્રોજેક્ટની સાઈટ પર એક સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ પણ બાંધવામાં આવશે, જેનો ફાયદો સ્થાનિક નાગરિકોને પણ મળશે, એમ પણ સામંતે કહ્યું હતું.

શિવસેનાના ઠાકરે જૂથમાં ભાગલા?

નાણારમાં રિફાઈનરી પ્રોજેક્ટનો વિરોધ કરનારા ઉદ્ધવ ઠાકરેના જૂથમાં જ બારસુ ખાતે રિફાઈનરી પ્રોજેક્ટને લઈને ભાગલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક સંસદસભ્ય વિનાયક રાઉત કોંકણમાં રિફાઈનરી પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે, જોકે સ્થાનિક વિધાનસભ્ય રાજન સાળવી આ પ્રોજેક્ટનું સમર્થન કરી રહ્યા છે. આ પ્રોજેક્ટને પગલે શિવસેનામાં ફરી બે ઊભા ભાગલા પડવાની શક્યતા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે આખી બાબતને કેવી રીતે સંભાળે છે તે જોવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -