મુંબઈઃ મેટ્રો 7 અને મેટ્રો 2A મુંબઈગરાની સેવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રજૂ કરી. વડા પ્રધાને જે મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કર્યો એ ટ્રેન 27 વર્ષીય તૃપ્તિ શેટે ચલાવી રહી હતી અને જોવાની વાત એ છે કે ત્રણ વર્ષથી તૃપ્તિ નોકરીની શોધમાં હતી અને હવે નસીબે યારી આપતા તૃપ્તિએ એ મેટ્રો ટ્રેનનું સુકાન સંભાળ્યું જે ટ્રેનમાં વડા પ્રધાને પ્રવાસ કર્યો. આ પહેલાં પણ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં આ પ્રોજેક્ટના પહેલાં તબક્કાના ઉદ્ઘાટન પ્રસંગે મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રવાસ કર્યો હતો એ ટ્રેન પણ તૃપ્તિએ જ ચલાવી હતી.
અંધેરી ખાતે ગુંદવલી સ્ટેશનથી મુંબઈ મેટ્રો માર્ગ મેટ્રો 2A અને 7ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન વડા પ્રધાન મોદીના હસ્તે ગુરુવારે કરવામાં આવ્યું અને ત્યાર બાદ તેમણે આ ટ્રેનમાં પ્રવાસ પણ કર્યો. આ ટ્રેન તૃપ્તિ શેટેએ ચલાવી હતી અને આ ટ્રેન ચલાવવામાં પોતાને ખૂબ જ આનંદ થયો હતો એવી પ્રતિક્રિયા તેણે આપી હતી. તેણે આગળ એવું પણ જણાવ્યું હતું કે મને જરા પણ ડર નહોતો લાગી રહ્યો, હું ખૂબ જ ઉત્સાહિત હતી, કારણ કે મને મારા પર ખૂબ જ વિશ્વાસ છે. હું એક અનુભવી મેટ્રો ટ્રેનચાલક છું.
વધુ માહિતી આપતા તૃપ્તિએ જણાવ્યું હતું કે વડા પ્રધાન, મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા એ સમયે મને ટ્રેન ચલાવવાની તક મળી એ માટે હું ખૂબ જ ઉત્સાહિત અને આનંદી હતી. મારા માટે આ સન્માનની વાત હતી. મારા માતા-પિતા અને બધા જ પરિવારજનોને મારા પર ખૂબ જ ગર્વ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ્યારે આ પ્રોજેક્ટના પહેલાં તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને એ વખતે મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ જે મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો એ ટ્રેન પણ તૃપ્તિએ જ ચલાવી હતી.