(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીનો નવાં કાયદા હેઠળ કડક અમલ થઇ રહ્યો હોવાના સરકારના દાવાઓ અવારનવાર પોકળ પુરવાર થતાં રહ્યાં છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલ નજીક દારૂનો અડ્ડો ચાલતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ હવે રાજકોટની સિવિલ હૉસ્પિટલની અંદર જ ૧૧ બોટલ સાથે એક શખસને પોલીસે ઝડપી પાડ્યો છે.
ગુજરાતની સિવિલ હૉસ્પિટલ આસપાસ જ દારૂના વેચાણના આ બે કિસ્સાએ કડક દારૂબંધીની પોલ ખોલી નાખી છે. રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓ પોતાના સારવાર અર્થે માટે આવતા હોય છે પરંતુ સિવિલ હૉસ્પિટલ તો માત્ર વિવાદનું ધામ જ બની ગઈ છે અને માત્ર ૨૨ દિવસના અંતરમાં એવો બીજો બનાવ સામે આવ્યો છે. સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાં દારૂ પકડાતા સિવિલ હૉસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. આર. એસ. ત્રિવેદીએ બચાવ કરતા જણાવ્યું હતું કે, સિવિલ હૉસ્પિટલના ગેટની અંદર દારૂ સાથે યુવક ઝડપાયો છે પરંતુ ઓપીડીમાં નહીં કોઈપણ દર્દીને આ ઘટનાના કારણે નુકસાન નથી પહોંચ્યું અને અમારા જ સિક્યુરિટી ગાર્ડ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. સિવિલ હૉસ્પિટલના ગેટની પાસે પાણીની ટાંકી નજીક બેઠો હતો તેની પાસે એક બોક્સની તપાસ કરતા પોલીસને બોલાવવામાં આવી હતી તેમજ તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂની ૧૧ બોટલ મળી આવી હતી. આ દારૂનો જથ્થો લોકોને વેચવા માટે સિવિલ હૉસ્પિટલમાં આવ્યો હતો. આરોપીની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ જઈ જવામાં આવ્યો હતો જ્યાં દારૂ બાબતે પૂછપરછ કરતા બીજો દારૂ નજીકના ખંડેર પડેલી વસાહતના મકાનમાં હોવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતા ત્રણ પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કમલેશ નામના ઇસમ વિરુદ્ધ કેસ નોંધવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.