તેલંગાણાના વારંગલમાં એક જુનિયર એનેસ્થેસિયોલોજિસ્ટ પ્રીતિનું રવિવારે મૃત્યુ થયું હતું. પ્રીતિ અનુસૂચિત જનજાતિ સમુદાયની છે. તે 22 ફેબ્રુઆરીના રોજ ફરજ પર હતી ત્યારે મહાત્મા ગાંધી મેમોરિયલ હોસ્પિટલના સ્ટાફ રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી. ત્યાર બાદ તેને તુરંત હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હૈદરાબાદના નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં કથિત રીતે ચાર દિવસ પહેલા તેણે તેના સિનિયર મોહમ્મદ સૈફ દ્વારા સતત થઇ રહેલા રેગિંગને કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રીતિ મેડિકલ કોલેજમાં બીજા વર્ષની MD એનેસ્થેસિયાની વિદ્યાર્થિની હતી. તેને તેના સિનિયર મોહમ્મદ સૈફ દ્વારા હેરાન કરવામાં આવી રહી હતી. સૈફ મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા વિભાગમાં બીજા વર્ષનો વિદ્યાર્થી છે અને ડોક્ટર પણ છે. તેના પર પ્રીતિ માટે અપમાનજનક ટિપ્પણી કરવાનો અને તેને હેરાન કરવાનો આરોપ છે. સૈફે સોશિયલ મીડિયામાં પ્રીતિ અંગે વાંધાજનક ટિપ્પણીઓ પોસ્ટ કરી હતી. પ્રીતિના પિતા નરેન્દ્રએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની પુત્રીને એક સિનિયર દ્વારા હેરાન કરવામાં આવી રહી છે. 24 ફેબ્રુઆરીએ સૈફની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ વારંગલના પોલીસ કમિશનર એ.વી. રંગનાથે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સ અને પ્રીતિ અને સૈફ વચ્ચેની અંગત ચેટ્સ રેગિંગના કેસ તરફ ઈશારો કરે છે. તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજને હૉસ્પિટલમાં પ્રીતિની મુલાકાત લીધી હતી અને ગુનેગારને બક્ષવામાં નહીં આવે એવું તેના પરિવારને આશ્વાસન આપ્યું હતું. મહિલા મેડિકલ સ્ટુડન્ટના કથિત આત્મહત્યાના પ્રયાસ પર પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીના નેતા બંદી સંજયે દાવો કર્યો હતો કે આ એક ‘લવ જેહાદ’ કેસ છે.