અમદાવાદના હાથીજણ વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે લાખો રૂપિયના મેફેડ્રોનના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. પરંતુ અમદાવાદમાં છૂટક એમડી ડ્રગ્સ વેચી ગેરકાયદેસર ધંધો કરતા હતા. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચે એનડીપીએસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓ અમદાવાદના અસલાલી હાથીજણ રોડ પાસેથી પકડાયા છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ખબર મળી હતી કે એમડી ડ્રગ્સનો જથ્થો લઈ બે શખ્સો અમદાવાદ આવવાના છે જેને પગલે પોલીસે વોચ ગોઠવી આ બંને આરોપીઓને 485 ગ્રામ થી વધુના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા.
હાલમાં પોલીસે પકડેલ આ ડ્રગ્સના જથ્થાની અંદાજિત કિંમત 49 લાખ 58 હજાર જેટલી હોવાની માહિતી મળી છે. બંને આરોપીઓ ઉત્તર પ્રદેશના જોનપુર ખાતેથી ટ્રેન મારફતે આ ડ્રગ્સ લઈને આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ હતું.
અમદાવાદ સહિત ગુજરાતમાંથી ડ્રગ્સ મળવાની ઘટના હવે સામાન્ય લાગવા મંડે એટલી હદે વધી ગઈ છે. એમ ડી ડ્રગ્સ ઉપરાંત ગાંજો, ચરસ પણ મળતું રહે છે. દરિયાઈ માર્ગે અને રેલવે માર્ગે આવતું ડ્રગ્સ પકડાઈ છે, પરંતુ સરકાર તેના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી શકતી નથી. ગુજરાતના યુવાનો ડ્રેગ્સની ઝપેટમાં આવી ગયાના અહેવાલો રોજ વહેતા થાય છે ત્યારે સરકારે અને સુરક્ષા એજન્સીઓએ વધારે સખત બનવાની જરૂર છે.