મુંબઈઃ પાલઘર ખાતે રહેનારી સદિચ્છા સાને નામની યુવતીની હત્યાના રહસ્ય પરથી હવે પડદો ઉંચકાયો છે. 14 મહિનાથી ગુમ થયેલી સદિચ્છાની બેન્ડસ્ટેન્ડ પર લાઈફગાર્ડ તરીકે ફરજ બજાવતા મીઠુ સિંગે હત્યા કરી હોવાનો દાવો પોલીસ ખાતા દ્વારા કરાઈ રહ્યો છે. સદિચ્છા જે જે ગ્રેન્ટ મેડિકલ કોલેજમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. નવેમ્બર, 2021થી તે ગુમ હતી.
29મી નવેમ્બરના સદિચ્છા પરિક્ષા આપવા જાઉં છું એવું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ તે ઘરે પાછી ફરી જ નહીં. આખરે પરિવારે બોઈસર પોલીસ સ્ટેશનમાં તેની મિસિંગ કમ્પ્લેઈન્ટ લખાવી હતી. પરિવારે તેનું અપહરણ થયું હોવાની શંકા વ્યક્ત કરી હતી અને તેને શોધવા માટે તેમણે સોશિયલ મીડિયા સહિત બેન્ડસ્ટેન્ડ પરિસરમાં, બસ સ્ટોપ અને બાંદ્રામાં અનેક જગ્યાએ પોસ્ટર લગાવ્યા હતા.
પોલીસે આપેલી માહિતી અનુસાર સવારે સદિચ્છાએ વિરારથી લોકલ ટ્રેન પકડી હતી અને તે અંધેરી ઉતરીને બીજી લોકલ પકડીને બાંદ્રા પહોંચી હતી. બાંદ્રાથી ઓટો પકડીને તે બેન્ડસ્ટેન્ડ પહોંચી હતી. તેના મોબાઈલના લોકેશન પરથી તે બપોર સુધી એ જ પરિસરમાં ફરી રહી હતી.
સદિચ્છાની હત્યાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી મીઠુ સિંગની ધરપકડ કરી હતી અને તેણે તપાસમાં સદિચ્છાની હત્યા કરીને તેનો મૃતદેહ સમુદ્રમાં ફેંકી દીધો હોવાનું કબૂલ્યું હતું. આ કબૂલાત બાદ તેણે આ હત્યા કેમ કરી અને હત્યા પહેલાં સદિચ્છા સાથે કોઈ ગેરકૃત્ય આચરવામાં આવ્યો હતો કે કેમ એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
મીઠુએ પોલીસને જણાવ્યું હતું કે એ દિવસે મારી ડ્યુટી બાંદ્રા બેન્ડસ્ટેન્ડ પર હતી. સદિચ્છા એકલી હતી અને તે સમુદ્રની દિશામાં આગળ વધી રહી હતી. એથી તે આત્મહત્યા કરશે એવું મને લાગ્યું અને હું તેની પાછળ પાછળ ગયો. એ વખતે તેણે મને તે આત્મહત્યા નથી કરવાની એવું જણાવ્યું હતું. ત્યાર બાદ અમે લોકો એકબીજા સાથે ગપ્પા માર્યા. રાતે 12 વાગ્યાથી વહેલી સવારે સાડાત્રણ વાગ્યા સુધી અમે લોકોએ બેન્ડસ્ટેન્ડ પર બેસી રહ્યા થોડીક સેલ્ફી ક્લિક કરી અને ત્યાર બાદ અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા.